આખરે ૨૦ વર્ષના લાંબા સમય બાદ હ્રિષિકેશ મુખરજીની ફિલ્મ આનંદ ફ્લોર પર આવી. ૭૦ના દાયકાના સુપર સ્ટાર રાજેશ ખન્ના ફિલ્મમાં લીડ રૉલ કરવા માટે તૈયાર થઈ ગયા અને ચાર ચાર પ્રોજેક્ટેડ હિરોના નામો પર ચોકડી મૂકાયા બાદ કાકાએ ફિલ્મ સાઈન કરી લીધી. ડૉ. બેનરજીના પાત્ર માટે અમિતાભ બચ્ચન પણ નક્કી થઈ ગયા, સેકન્ડ લીડ રૉલ કરવા માટે અમિતાભના દિમગમાં કન્ફ્યુશન હતુ કારણ કે, તે તો હીરો બનવા માટે કલકત્તાથી નોકરી છોડીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવા આવ્યા હતા, સેકન્ડ લીડ રૉલમાં કરિઅર બનાવવા માટે નહીં પણ મહેમૂદની સલાહ માની અમિતાભે પણ ફિલ્મ સ્વીકારી લીધી. ત્યારબાદ ડૉ. બેનરજીના મિત્ર ડૉક્ટર તરીકે રમેશ દેવ અને તેમના પત્નીના પાત્રમાં તેમના રિઅલ લાઈફ વાઈફ સીમા દવે ને પણ સાઈન કરી લેવામાં આવ્યા.


પણ વીસ વર્ષે શરૂ થયેલી ફિલ્મ કંઈ એમ આસાનીથી શૂટ થઈ જાય તેમ નહોતું. પોતાની ફિલ્મમાં એક સુપર સ્ટારને લેવાની તકલીફ હ્રિષિદાએ ભોગવવાની હતી. વાત કંઈક એમ હતી કે રમેશ દેવ અને સીમા દેવ સમયસર તૈયાર થઈ શૂટીંગના શેડ્યુલ પર પહોંચી જતા હતા. તેઓ પોતાનો મેકઅપ કરી તૈયાર થઈ શુટીંગ શરૂ થવાની રાહ જોતા બેસી જતા, તે સમયે અમિતાભ બચ્ચને પણ હજી સ્ટાર કે મેગા સ્ટાર કે હીરો તરીકેની નામના મેળવી નહોતી (જો કે અમિતાભ હજી આજે આ ઉંમરે અને આ મુકામ પર પહોંચી જવા છતા પણ પોતાના શૂટીંગ પર હંમેશા સમયસર હાજર થઈ જ જાય છે.) તે હજી માત્ર એક સ્ટ્રગલર હતા. વચ્ચે એક આડ વાત, આ ત્રણે કલાકાર જ્યારે શૂટીંગ શરૂ થવાની રાહ જોતા બેઠા હોય ત્યારે અમિતાભને બેઠેલા જોઈ રમેશ દેવની પત્ની સીમા તેના પતિને કાયમ કહેતી, ' માણસ એક્ટર બનવા માંગે છે ? કેટલો લાંબો અને પાતળો જાણે જીરાફ જેવો લાગે છે તે વળી કઈ રીતે એક્ટર બની શકશે !' અચ્છા હવે મૂળ વાત પર આવીએ, આ સમયે આગળ કહ્યું તેમ ખન્ના સાહેબ સુપર સ્ટાર હતા. અને સવારથી આ ત્રણે આખા યુનિટ અને ડાયરેક્ટર હ્રિષિદા સાથે રાહ જોઈ રહ્યા હોય છતાં રાજેશ ખન્નાનો ક્યાંય પત્તો નહોતો. સેટ પર લગભગ રોજ એવું થતું કે રમેશ દેવસીમા અને અમિતાભ શૂટીંગના ટાઈમે સવારે દસ વાગ્યે રેડી થઈ ને રાહ જોતા હોય અને રાજેશ ખન્ના છેક બપોરે બે વાગ્યે આવતા. આવતી વખતે કાકા લગભગ રોજ સ્વીટ્સનું એક મોટું પેકેટ લેતા આવતા અને તેમનો ડ્રાઈવર આખાય યુનિટમાં તે સ્વીટ્સ વહેંચતો. હ્રિષિકેશ ઘણી વાર રાજેશ ખન્નાને કહેતા, 'કાકા યે તો કોઈ વક્ત હૈ આને કા ? યે સબ લોગ કબ સે બૈઠે હૈઈનકો ભી તો કોઈ કામ હો સકતા હૈ ના, સુબહ સાડે નવ બજે કી શીફ્ટ હૈ, આપ કમ સે કમ સાડે દસ યા ગ્યારહ બજે તક તો આ જાઈએ.' રાજેશ ખન્ના પોતાના કાન પકડે અને હ્રિષિદાને હવે પછી સમયસર આવી જવા માટે પ્રોમિસ કરે, અને શૂટીંગ શરૂ થાય. શુટીંગ પૂર્ણ થાય એટલે હ્રિષિકેશજી ફરી કાકાને કહે, 'કાલે તમે શાર્પ સાડા આઠ વાગ્યે આવી જજો, અને જો તમે બે વાગ્યે આવવાના હોય તો હું લોકોને પણ બે વાગ્યે જ બોલાવું.' રાજેશ ખન્ના પ્રોમિસ કરે કે તે સમયસર આવી જશે અને છતાં બીજે દિવસે દોઢથી બે વાગ્યે  આવે. પણ એક વખત સેટ પર આવ્યા બાદ રાજેશ ખન્ના એટલી સ્ફૂર્તિથી કામ કરતા અને એટલો સારો અભિનય કરતા હતા કે તે મોડા આવ્યા છે તે વાત ત્યાં ઉભેલો દરેક માણસ ભૂલી જતો.
શૂટીંગ સમયનો જ બીજો એક કિસ્સો પણ મજેદાર છે. ફિલ્મમાં રમેશ દેવ અને સીમાની લગ્નતિથીનો એક સીન આવે છે જેમાં રાજેશ ખન્ના સીમાને કહે છે, 'મેં ક્યા તુજે આશિર્વાદ દૂં બહેન, તુજ્હે યે ભી નહીં કેહ સકતા કે મેરી ઉંમર તુજે લગ જાયે.' રાજેશ ખન્ના આ સીન એટલી સુંદર રીતે કરે છે કે સીમા શૂટીંગ ફિલ્ડમાંથી બહાર નીકળી સાચે જ રળવા માંડે છે. સીમા આજે પણ એ સીનને યાદ કરે છે ત્યારે તેમની આંખ ભીની થયા વગર રહેતી નથી. રાજેશ ખન્ના આ ફિલ્મ બાદ તેમની જિંદગીના છેલ્લા દિવસ સુધી જ્યારે પણ, જ્યાં પણ સીમા દેવને મળ્યા છે ત્યારે તેમણે તેને ભાભી કહીને જ સંબોધ્યા છે.


આવા મજેદાર કિસ્સાઓ જેવી જ આનંદની કહાની પણ મજેદાર છે. ફિલ્મની શરૂઆત થાય છે ડૉ. ભાષ્કર બેનરજી (અમિતાભ બચ્ચન)ના સન્માન સમારંભથી કે જેમણે હમણાં જ એક પુસ્તક લખ્યુ છે આનંદ. ડૉ. ભાષ્કર એક કેન્સર સ્પેશ્યાલિસ્ટ છે, અને તેઓ આ સમારંભમાં પોતાની સ્પિચમાં કહે છે કે તેમના પુસ્તક આનંદની કહાની કોઈ કાલ્પનિક કહાની નથી બલ્કે તેમની અંગત ડાયરીમાંથી લેવામાં આવેલી સાચી જિંદગીની વાત છે. કે જે એમણે એમના પેશન્ટ આનંદ સાથે વિતાવી છે. વાત ધીમે રહીને ભૂતકાળમાં સરકી જાય છે. ડૉ. ભાષ્કર પોતાના કામ પ્રત્યે એક ઈમાનદાર ડૉક્ટર છે અને તે પોતાના પેશન્ટ માટે જે કંઈ પણ ડાયોગ્નોસિસ હોય તે સીધે સીધુ કહી દે છે. તે એક ખૂબ જ ગંભીર પ્રકૃતિના ડૉક્ટર હોય છે. અને તેમના મિત્ર ડૉ. કોલકર્ણી (રમેશ દેવ) એક સંજીદા આદમી છે જે જનરલ પેકટીશ્નર છે, તેઓ આનંદ (રાજેશ ખન્ના) નામ એક પેશન્ટને ડૉ. ભાષ્કર સાથે મળાવે છે જે ઈન્ટરસ્ટાઈનના કેન્સરથી પિડાઈ રહ્યો છે. આ સમય એવો સમય હતો જ્યારે આ કેન્સરની કીમો થેરાપી સિવાય બીજો કોઈ ઈલાજ નથી. પણ જાણે આનંદને તેની બિમારીથી કોઈ જ ફરક નથી પડતો તે એક એકદમ જીવંત પ્રકૃતિનો માણસ છે. નાની નાની વાતોમાં જિંદગીની મજા શોધી લેતો, પૂતળા પાસે પણ વાતો કરાવી લે તે પ્રકારનો માણસ છે. જે કોઈ તેને મળે છે તે તેને ચાહવા માંડે તેવું વ્યક્તિત્વ છે. સમય વિતતા આનંદ અને ભાષ્કર બંને ખૂબ સારા મિત્રો બની જાય છે અને આનંદ ભાષ્કરની જિંદગીમાં પણ હસી અને ખૂશી લઈ આવે છે. ભાષ્કર મનોમન રેનુ નામની એક છોકરીને ચાહે છે પણ કહી શકતો નથી. આનંદ તેની મોત પહેલા બંનેને ભેગા કરી આપવાનું નક્કી કરે છે અને ખૂબ સારા ટ્રેક પર ચાલતી આ કહાનીના અંત ભાગમાં અચાનક વળાંક આવે છે. આનંદ પોતાના મૃત્યુ તરફ પહોંચી જાય છે. સુંદર લાઈટ વેવમાં ચાલતી કહાની આપણને તેની સાથે એવા વહાવી જાય છે કે અંત આવતા સુધીમાં દરેક દર્શક તેની આંખો ભીની કરી બેસે છે. 
આનંદ ફિલ્મના બે ગીતો એક નવા ગીતકાર યોગેશ દ્વારા લખવામાં આવ્યા હતાહ્રિષિકેશ મુખરજીએ  નવા ગીતકારના બે ગીતો સાંભળ્યા અને તેમને તે બંન્ને ગીતો ખૂબ ગમી ગયેલા પણ મુશ્કેલી  હતી કે  બંને ગીતના રાઈટ્સ પ્રોડ્યુસર એલ.બી. લછ્મને પહેલેથી જ ખરીદી લીધા હતા. અને  ગીત માત્ર હ્રિષિકેશજી જ નહીં પણ રાજેશ ખન્ના અને અમિતાભને પણ ખૂબ ગમી ગયા હતા. આખરે અમિતાભે યોગેશને કહ્યું, 'કવિરાજયે દો ગાને હમેં દિલા દીજીયે પ્લીઝ. અને તેમણે અને યોગેશે લછ્મનજીને વિનંતી કરી કે તેઓ ગીત તેમને આપી દે. ઘણી ચર્ચાને અંતે લછ્મનજી એક ગીત આપવા માટે તૈયાર થયા અને તે ગીત હતું, 'કહીં દૂર જબ દિન ઢલ જાયે...' હ્રિષિકેશજી યોગેશના પ્રયત્નોથી એટલા ખૂશ થઈ ગયા કે તેમણે તેમને આનંદ માટે વધુ એક ગીત લખવા કહ્યું અને યોગેશે ત્યારબાદ આનંદ માટે જે બીજૂ એક ગીત લખ્યુ તે હતુ, 'જિંદગી કૈસી હૈ પહેલી હાય...' અને બંને ગીતોએ ફિલ્મને એક અલગ મુકામ પર લઈ જઈ મૂકી દીધી.


ફિલ્મનું બીજૂ એક માઈલસ્ટોન કેરેક્ટર હતું જ્હોની વોકરનું જેમનું નામ હતું, ઈસાભાઈ સૂરતવાલા જેમને આખીય ફિલ્મમાં આનંદ મુરારીલાલ તરીકે બોલાવે છે અને ઈસાભાઈ આનંદને જયચંદના નામથી બોલવતા હોય છે. ફિલ્મનો અંદરટોન ટ્રેજીક હોવા છતાં, આનંદ એક ટ્રેજડી ફિલ્મ નથી જ. એક પોઈન્ટ પર લઈ જઈ તે તમને હસાવે પણ છે અને તે કહાની બીજા પોઈન્ટ પર તમને રડાવી પણ દે છે. આનંદનો છેલ્લો સીન જેટલો અસરકારક છે એટલો અસરકારક કદાચ આજ સુધી કોઈ ફિલ્મનો અંત બન્યો નથી.
આનંદ ફિલ્મને તે સમયે લગભગ બધા જ એવોર્ડ મળ્યા હતા. હ્રિષિકેશ મુખરજી અને એન.સી. સિપ્પીને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિચર ફિલ્મ અને ફિલ્મ ફેર બેસ્ટ મુવી એવોર્ડ, રાજેશ ખન્નાને બેસ્ટ એક્ટર એવોર્ડ, અમિતાભ બચ્ચનને બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટર એવોર્ડ, ગૂલઝાર સહેબને બેસ્ટ ડાયલોગનો એવોર્ડ અને હ્રિષિકેશ મુક્ગરજીને બેસ્ટ એડિટીંગ અને બેસ્ટ સ્ટોરીનો પણ એવોર્ડ મળ્યો હતો.
લાસ્ટ કટ ; પાછળથી આનંદ મલયાલમ ભાષામાં પણ બનાવવામાં આવી હતી જેમાં ફિલ્મનું નામ હતુ 'ચિત્રાશાલભ્મ' જેનો અર્થ થાય છે બટરફ્લાય (પતંગિયુ) અને તેમાં જયરામ અને બીજૂ મેનને કામ કર્યુ હતું.


Comments (1)

On 3:27:00 AM , Parijat કહ્યું...

to yogesh nu e biju geet kyun hatu? te y janavyu hot to khyal aavat. 3 geet vishe jaan hoy to janavajo.