એક પછી એક પછી એક ૧૯૭૩માં દાગ, ૧૯૭૫માં દિવાર અને ૧૯૭૬માં કભી-કભી, સિલ્વર સ્ક્રીન પર હિટ્સનું લીસ્ટ યશ ચોપરા માટે લાંબૂને લાંબૂ જ થતું જઈ રહ્યું હતું અને આટલી બધી સુપરડુપર હિટ આપ્યાબાદ ૧૯૭૮માં યશ ચોપરા ફરી એક ઈમોશ્‍નલ ડ્રામા એન્ડ એન્ટરટેઈનમેન્ટ વાળી ફિલ્મ લઈને આવ્યા જેમાં પ્રેમ હતો, રોમાન્સ હતો, બિઝનેસ રાયવલ્સની લડાઈ હતી અને  બધાની સાથે સાથે  બગાવતબદલો અને દોલતની ચકાચોંધ હતી. આ બધું જ એક ફિલ્મમાં લઈને આવેલા યશ ચોપરાએ બનાવી નવી ફિલ્મ 'ત્રિશૂલ'. ચોટદાર ડાયલોગ્સ અને તેની સાથે જબરદસ્ત અભિનય. અમિતાભ બચ્ચન, શશી કપૂર, રાખીહેમા માલિની, પુનમ ઢીંલ્લો, સચીન અને પ્રેમ ચોપરાની સાથે સાથે સંજીવ કુમાર અને ગેસ્ટ એપીરિઅન્સમાં દેખાતી વહિદા રહેમાનથી ફિલ્મ ઓપન થાય. 
ગૂલશન રાયના પ્રોડક્શનમાં યશ ચોપરાએ ફિલ્મ ડિરેક્ટ કરી 'ત્રિશૂલ'. ૧૯૭૮નું વર્ષ અમિતાભ બચ્ચન માટે ખૂબ સારૂં વર્ષ હતુ. ડૉન, કસ્મે વાદે, મુકદ્દર કા સિકંદર, બેશરમ, ગંગા કી સોગંધ અને ત્રિશૂલ આમ એક જ વર્ષમાં અમિતાભની છ ફિલ્મો રિલીઝ થઈ અને તેમાંની ત્રણ બ્લોક બસ્ટર હિટ પુરવાર થઈ. બીજી બે ફિલ્મો હિટ રહી હતી અને એક ફિલ્મએ એવરેજ બિઝનેસ કર્યો હતો. પણ ત્રિશૂલ ફિલ્મ રિલીઝ થઈ અને હિટ થઈ ત્યારથી હિન્દી સિનેમા જગતના તમામ લોકો કહેવા માંડ્યા હતા કે સલીમ-જાવેદની કોઈપણ સ્ક્રીપ્ટ હોય અમિતાભ તેને હિટ પૂરવાર કરી દેખાડે છે. કહેવાય છે કે ડાયલોગ રાઈટિંગમાં સલીમ ખાન એક નંબર હતા અને તેઓ જ્યારે પણ અમિતાભને નજરમાં રાખી પોતાની કોઈપણ સ્ક્રીપ્ટ માટે ડાયલોગ લખતા ત્યારે ખાસ ધ્યાન રાખતા કે અમિતાભની સ્ટાઇલ અને અવાજ પ્રમાણે તેમને ધારદાર ડાયલોગ આપી શકાય. પણ તેમની લાગણીને અહીં તેમણે અલગ રીતે ન્યાય આપવાનો હતો. ફિલ્મ્નો કનસેપ્ટ જ્યારે યશ ચોપરા પાસે આવ્યો ત્યારે યશ ચોપરાએ કહાની સાંભળી લીધા બાદ  ત્રણ વાર અલગ અલગ બહાના કાઢી સલીમ અને જાવેદને પોતાની ઓફિસમાં મિટીંગ માટે બોલાવ્યા અને સલીમખાનને તેમણે સમજાવ્યા કે મને આર.કે. એટલે કે રાજ કુમાર ગુપ્તા (સંજીવ કુમાર)ના ડાયલોગ પણ એટલાં અસરકારક અને ચોટદાર લખી આપો જેટલા તમે વિજય અમિતાભ) માટે લખવાના છો. સલીમ મનોમન હસી પડ્યા અને તેમણે જાવેદ તરફ જોયું ત્યારબાદ ઊભા થઈ યશજી સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, 'આપ કી યે ફિલ્મ હિટ હૈ યશજી, બેફિકર રહિયે દોનો મેં સે એક ભી કમ નહીં હોગા.'
વાત આવી સ્ટાર કાસ્ટની, તમને કદાચ ખબર નહીં હોય પણ આર.કે. ના રોલ માટે યશ ચોપરાની પહેલી પસંદગી હતા ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર પણ તેમને આ રૉલ ઓફર પણ કરવામાં આવ્યો હતો પણ કોઈક કારણોસર તેમણે તે માટે ના કહી અને ત્યારબાદ તે રોલ મળ્યો સંજીવ કુમારને. ત્રિશૂલની સ્ટારકાસ્ટ માટે બીજી પણ એક ઈન્ટ્રેસ્ટીંગ વાત છે. ફિલ્મમાં શશી કપૂર સંજીવ કુમારના દિકરાના રોલમાં છે જ્યારે કે વાસ્તવમાં સંજીવ કુમાર શશી કપૂર કરતા કેટલાંક મહિના નાના હતા. એટલું જ નહીં કોઈક કારણોસર અમિતાભ અને શશી કપૂર સાથે હોય તેવી ફિલ્મોમાં કાયમ એવું  બનતું રહ્યું છે કે અમિતાભ કાયમ તેના મોટા ભાઈના રોલમાં હોય જ્યારે કે હકિકતમાં અમિતાભ શશી કપૂર કરતા કેટલાંક દિવસો કે મહિનાઓ નહીં પણ વર્ષો નાના છે. જ્યારે કે યંગ ટેલેન્ટ પુનમ ઢીંલોની ડેબ્યુ ફિલ્મ હતી. ત્રિશૂલ ફિલ્મમાં શાંતિના રોલ માટે જ્યારે વહિદા રહેમાનને ઓફર કરવામાં આવી ત્યારે શરૂઆતમાં તેમણે આ રોલ કરવા ના કહી દીધી હતી કારણ કે ત્રિશૂલના બે જ વર્ષ પહેલા યશ ચોપરાની જ ફિલ્મ કભી-કભીમાં તેણે અમિતાભની પત્નીનો રોલ કર્યો હતો અને હવે ફિલ્મમાં તેણે તેની મા નો રોલ કરવાનો હતો. પણ ત્યારબાદ યશ ચોપરાએ તેમને સમજાવ્યા કે આ ફિલ્મમાં તેઓ ઓન સ્ક્રીન ક્યાંય અમિતાભ સાથે મા-દિકરા તરીકે દેખાવાના નથી માત્ર કહાની આ રીતે બાંધવામાં આવી છે. આથી વહિદા રહેમાન રોલ કરવા માટે તૈયાર થયા.
યુવાન સિવીલ એન્જિનીયર રાજ કુમાર ગુપ્તા (સંજીવ કુમાર) તેની સેક્રેટરી શાંતિના પ્રેમમાં છે અને તે બંને લગ્ન કરવા માંગે છે, આર.કે. જ્યારે શાંતિને તેની મા ને મળાવવા માટે લઈને જાય છે ત્યારે તેની મા તેને અપમાનિત કરી કાઢી મૂકે છે અને આર.કે.ના લગ્ન એક મોટા બિલ્ડરની છોકરી સાથે કરાવી દે છે પણ શાંતિના ગર્ભમાં આર.કે. અને શાંતિના પ્રેમની નિશાની આ જ સમય દરમિયાન આકાર લઈ રહી હોય છે. કારમી ગરીબીમાં શાંતિ મજૂરી કરી તેના દીકરા વિજયને મોટો કરે છે અને આ તરફ આર.કે પોતાના બિલ્ડર તરીકેના ધંધામાં મોખરાના સ્થાને પહોંચી ગયો હોય છે. શાંતિનું મૃત્યુ થઈ જાય છે અને તેનો દિકરો વિજય મોટો થતો જાય છે સાથે જ તેના મનમાં તેની મા ને આવી હાલતમાં છોડી દેનારા તેના બાપ સાથે બદલો લેવાની ભાવના પણ મોટી થતી જાય છે. વિજય એક સામાન્ય ગરીબ છોકરો હોવા છતાં બિલ્ડર તરીકે કન્શટ્રક્શનના ધંધામાં પગ જમાવવા મથે છે. અને તેની  લડાઈ તે માત્ર એટલા માટે આરંભે છે કે તેણે કોઈ પણ રીતે આર.કે.ને બરબાદ કરી નાખવો છે. પાછળથી કહાનીના અંત ભાગ સુધીમાં આર.કે.ને ખબર પડે છે કે શાંતિ કન્શટ્રક્શનના નામથી બિલ્ડર વિજય જે બિઝનેસ ચલાવી રહ્યો છે તે અસલમાં તેનો જ દિકરો છે.

ફિલ્મનું મ્યુઝિક આપ્યું હતુ ખય્યામ સાહેબે અને ગીતો લખ્યા હતા સાહિર લુધયાનવીએ. ત્રિશૂલના ગીતો જ્યારે બની રહ્યા હતા ત્યારે એક ગીતમાં યસુદાસ, કિશોર કુમાર અને લત્તા મંગેશકરની ટ્રાયો ગીત ગાવાની હતી અને તે ગીત હતું 'મહોબ્બત બડે કામ કી ચીઝ હૈ...' જ્યારે કે મૂળ ફિલ્મમાં આ ગીત ચાર પાત્રો પર ફિલ્માવવામાં આવવાનું હતુ. અમિતાભ, શશી કપૂર, હેમા માલિની અને રાખી. વખતે સાહિર સાહેબ અને યશ ચોપરાના મનમાં હતું કે ખય્યામ ચાર ગાયકો પાસે ગીત ગવડાવશે પણ તે જ વખતે ખય્યામ સાહેબે કહ્યું કે, 'લેડિઝ વોઈસ કે લિયે એક લત્તા હી કાફી હૈ, ઔર વૈસે ભી મેં ગીત ઉસ તરફ સે બનાઉંગા કી એક હી આવાઝ દોનો લેડી કેરેક્ટર ગાને કી બાવજૂદ અલગ લગે.યશ ચોપરાને ખય્યામ સાહેબની વાત પર ભરોષો નહોતો બેસી રહ્યો આથી તેઓ જાતે રિકોર્ડીંગ સ્ટુડિયો પર પહોંચી ગયા, અને તે સમયે કિશોરદાએ સ્વભાવગત મજાક પણ કરી હતી કે, ખય્યામજી આપકે કામ પે ચોપરા કો ભરોસા નહીં હૈ, આજ જરા સંભાલ કે કિજીયે ગા.' અને ત્રણે એક સાથે હસી પડે છે.

ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઈ અને ખય્યામનું મ્યુઝિક પણ ખૂબ વખણાયુ. પણ ફિલ્મની સફળતા માટે ફિલ્મ ક્રિટીક સૌથી મોટી ક્રેડિટ આપે છે સલીમ-જાવેદને, ફિલ્મના સ્ક્રીન પ્લે અને ડાયલોગ રાઈટીંગ માટે સલીમ અને જાવેદ જોડી અને ઓન સ્ક્રીન અમિતાભ અને સંજીવ કુમારની જોડીને દર્શકો બિનહરીફ ગણાવવા લાગ્યા હતા.
આખરી સલામ ; નવાઈની વાત છે કે ફિલ્મ ફેર એવોર્ડમાં બેસ્ટ મુવી, બેસ્ટ ડિરેક્ટર તરીકે યશ ચોપરા, બેસ્ટ એક્ટર તરીકે અમિતાભ બચ્ચન, બેસ્ટ સપોર્ટીંગ એક્ટર તરીકે સંજીવ કુમાર અને બેસ્ટ સ્ટોરી તરીકે સલીમ-જાવેદ નોમિનેટ થયા હતા પણ આમાંથી એક પણ એવોર્ડ કોઈને મળ્યો નહોતો. અમિતાભને આ જ વર્ષમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો પણ તે ફિલ્મ ડૉન માટે.






Comments (0)