૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના દિવસે ઈન્દોરની ધરતીએ આપ્યો ભારતને સૌથી ગૌરવ પૂર્ણ અવાજ એટલે કોકિલ કંઠી લત્તા મંગેશકર. હમણાં ૨૮મી સપ્ટેમ્બરે લત્તાજી ૮૫ વર્ષના થયા અને અમને થયું કે સ્વર સામ્રાજ્ઞીને બર્થ ડે બઝ તરીકે તેમના વિશે લખવાથી વધુ સારો બીજો કયો ઓપ્શન હોઈ શકે. આથી જ આજે મન છે તમારી સાથે લત્તાજીની જિંદગીની કેટલીક અવિસ્મરણીય પળોના સૂર છેડવાની અને તેમને સમર્પિત એવા આ શબ્દો આપણા દ્વારા તેમને કહેવા માંગે છે કે હેપ્પી બર્થ ડે લત્તાજી, તુમ જીઓ હજારો સાલ.
આશરે છત્રીસ અલગ અલગ ભાષામાં ગાઈ ચૂકેલા અને એક હજારથી વધુ હિન્દી સિનેમા માટે જેમણે ગીતો ગાયા છે તેવા લત્તા મંગેશકર થિયેટર એક્ટર અને ક્લાસીકલ સિંગર પંડિત દિનાનાથ મંગેશકર અને માતા સેવંતી (સુધામતી)ને ત્યાં જનમ્યા. સંગીતનો વારસો અને સંસ્કાર જેમના પરિવારની ગળથૂથીમાં હતા તેવા દિનાનાથજીના ઘરે ચાર દિકરીઓ અને એક દીકરો એમ પાંચ સંતાનોનો જન્મ થયો હતો. સૌથી મોટી લત્તા, ત્યારબાદ મીના મંગેશકર પછી આશા ભોંસલે અને ઉષા પછી જન્મયો ભાઈ હ્રદયનાથ મંગેશકર. દિનનાથજીની મૂળ અટક હતી હર્ડિકર પણ તેમના મૂળગામના નામથી તેમના પરીવારને ઓળખ મળે તે આશયથી પંડિતજીએ તેમની અટક ફેરવીને મંગેશકર કરાવી નાખી. ગોવામાં આવેલું મંગેશી ગામ દિનાનાથ મંગેશકરનું મૂળ વતન હતું. લત્તાજીના જન્મ સમયે મા-બાપે તેમનું નામ રાખ્યું હતું 'હેમા.' પણ પાછળથી દિનાનાથજીના એક નાટક ભવ બંધનના સ્ત્રી પાત્રનું નામ હતું 'લતીકા' જે પંડિતજીને ખૂબ ગમી ગયું અને તેમણે તેમની દિકરીનું નામ બદલાવીને કરી નાખ્યુ 'લત્તા'. સૌથી પહેલા પિતા દિનાનાથ પાસે સંગીતની તાલિમ લેવાની શરૂઆત કરી ત્યારે તે માત્ર પાંચ વર્ષના હતા. અને આટલી નાની ઉંમરેજ તેમણે પિતાના નાટકોમાં પણ એક્ટ્રેસ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

આપણા ગુજરાતી કવિ ખલીલ ધનતેજવીની ખૂબ સુંદર પંક્તિ છે, 'ખુમારી તો વારસાગત ટેવ છે મારી' પંક્તિ જેટલી ખુમારી લત્તાજીમાં જાણે બાળપણથી જ હતી, તે તેમની સ્કુલનો એક કિસ્સો જાણો તો ખબર પડી જાય છે. વાત કંઈક એવી હતી કે લત્તાજી તેમની સ્કુલના પહેલાં જ દિવસે બીજા વિદ્યાર્થીઓને ગીત-સંગીત શીખવવા માંડ્યા હતા, ટીચરે જ્યારે તેમને આમ કરતા રોક્યા ત્યારે નાની લત્તા ગુસ્સે ભરાઈ ગઈ અને તેણે સ્કુલે જવાનું બંધ કરી દીધું. પણ કદાચ એ ટીચરને કદાચ ખબર નહોતી કે સ્કુલમાં ગીત-સંગીત માટે રોકવામાં આવેલી આ જ છોકરી ભવિષ્યમાં માત્રમાં ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પોતાના એ જ સંગીત અને અવાજને કારણે છવાઈ જવાની હશે.
સફળતા કે પ્રસિધ્ધી હંમેશા પહેલા પરીક્ષા લેતી હોય છે તે સત્ય છે. લત્તાજીએ પણ કિશોરાવસ્થામાં પગ મૂક્યો તે પહેલાં બાપની છત્ર છાયા ગુમાવી પડી. ૧૯૪૨માં જ્યારે લત્તાજી માત્ર ૧૩ વર્ષના હતા ત્યારે હ્રદયરોગને કારણે દિનાનાથજીનું મૃત્યુ થઈ ગયું. પરીવાર એવો સાધન સંપ્પન નહોતો કે લાગણીની સાથે સાથે ઘરના મોભીની મોત બાદ આર્થિક ખોટને પણ વેંઢારી શકે. લત્તાજીની બહેનો અને ભાઈ હજૂ નાના હતા અને દિનાનાથજી એક માત્ર પરીવારનું ભરણ પોષણ કરનારો આધાર હતા. પણ તેમની મૃત્યુબાદ તેમના મિત્ર માસ્ટર વિનાયક લત્તાજીના પરીવારની વહારે આવ્યા. તેમણે લત્તાને ફિલ્મોમાં ગાવા માટેની તાલિમ આપી અને તક પણ અપાવી. અને રીતે લત્તા મંગેશકરે તેમની ફિલ્મી કરિઅરનું પહેલું ગીત ગાયું વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ 'કિત્તી હાસલ' માટે જે કંપોઝ કર્યુ હતું સદાશિવરાવ નેવરેકરે. પણ આમ આસાનીથી તક મળી જાય તો સફળતાનો સ્વાદ થોડો મધુરો બને ? અને તેમાંય  તો છોકરી હતી જે ભવિષ્યમાં સ્વર સામ્રાજ્ઞી બનવાની હતી. એ ફિલ્મ માટે લત્તાએ ગાયેલું ગીત 'નાચુ યા ગડે' ફિલ્મ બની ગયા બાદ છેલ્લી વખતે કાઢી નાખવામાં આવ્યું. પણ વિનાયકદાદા અને લત્તા બંને એટલામાં હાર માને તેમ નહોતા. થોડા વખત બાદ માસ્ટર વિનાયકે તેમની માલિકીની નવયુગ ચિત્રપટના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'પાહિલી મંગલાગોર'માં એક નાનો રૉલ અપાવ્યો. લત્તાએ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યુ અને તે  ફિલ્મમાં ગીત પણ ગાયુ 'નાતાલી ચૈત્રાચીજે ગીત કંપોઝ કર્યુ હતું દાદા ચાંદેકરે. તમને ખબર છે ? લત્તાજીએ તેમનું પહેલું હિન્દી ગીત પણ મરાઠી ફિલ્મમાટે જ ગાયું હતું. 'માતા એક સપૂતકી દુનિયા બદલ દે તુ...અને એ મરાઠી ફિલ્મ હતી ગજ્જાભાઉ.
ત્યારબાદ ૧૯૪૫માં વિનાયકદાદાની ફિલ્મ કંપની તેનું હેડ કવાર્ટર બદલીને મુંબઈ લાવવા ગોઠવણ કરી રહી હતી, લત્તાજી પણ તેમની સાથે મુંબઈ આવી ગયા. મુંબઈ એવું શહેર છે જ્યાં ફિલ્મોમાં કામ મેળવવાની આશાએ રોજ હજારો યુવાન અને યુવતીઓ અહીં આવતા હોય છે. લત્તાજી ને પણ માત્ર મુંબઈ આવી જવાથી જ કામ મળી જાય તેવું કઈ રીતે શક્ય હોઈ શકે. માસ્ટર વિનાયકે તેમને કહ્યું, લત્તા બેટા આપ કો યહાં સંગીત કી તાલિમ લેની ચાહિયે.' લત્તાજીએ ઉસ્તાદ અમાનત અલી ખાન પાસે હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતની તાલિમ લેવા માંડી. પણ ૧૯૪૭ના ભાગલાના સમય દરમિયાન અમાનત અલી પાકિસ્તાન ચાલી ગયા અને લત્તાજીની તાલિમ ફરી અધુરી રહી ગઈ. પણ આવી બધી અડચણોથી ભાંગી પડે તે લત્તા મંગેશકર નહી. નાની વયે પિતાના મૃત્યુને કારણે છત્ર ગુમાવ્યા છતાં જે છોકરીએ હાર  માની તે ઉસ્તાદના ચાલી જવાથી કઈ રીતે રોકાવાની હતી. લત્તાજીએ અમાનત ખાન દેવાસવાલે અને પંડિત તુલસીદાસ શર્મા જેવા દિગ્ગજો પાસે તાલિમ આગળ વધારી. એટલું નહીં બડે ગુલામઅલી ખાં સાહેબ પાસે પણ તેઓ શીખ્યા.

પણ આ સમય દરમિયાન લત્તાજી તેમની બહેન આશા સાથે વિનાયકદાદાની પહેલી હિન્દી ફિલ્મ બડી મા (૧૯૪૫)માં રૉલ કરી ચૂક્યા હતા અને તેમણે આ જ ફિલ્મ માટે એક ભજન પણ ગાયુ હતું, 'માતા તેરે ચરનો મેં,' અને વિનાયકદાદાની બીજી હિન્દી ફિલ્મના રિકોર્ડીંગ દરમિયાન તેમની મુલાકાત થઈ મ્યુઝિક ડાયરેક્ટર વસંત દેસાઈ સાથે. પણ દાદા વિનાયક પણ લત્તાજીનો સાથે ૧૯૪૮માં છોડી ગયા. લત્તાજી ફરી એકવાર જાણે અનાથ થઈ ગયા. બાપ દિનાનાથજી ગુમાવ્યા ત્યારે તેમની ઉંમર હતી ૧૩ વર્ષની અને ત્યારબાદ માસ્ટર વિનાયકનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર હતી માત્ર ૧૯ વર્ષની. ભાગ્ય ખરેખર  સફળતાનો હાર પહેરાવતા પહેલાં માણસની આકરી કસોટી કરતું હોય છે. ૧૯ વર્ષની લત્તા પોતાના ચાર નાના ભાઈ-બહેનોની જવાબદારી સાથે ફરી એકલી થઈ ગઈ.
લત્તાજીના જીવનના આ કપરા સમયમાં તેમની વહારે આવ્યા ગુલામ હૈદર. કાબેલિયત, અવાજ અને સંગીતતો લત્તા મંગેશકર નામની આ છોકરીમાં કૂટી કૂટીને ભર્યા પડ્યા હતા. ગુલમા હૈદરે લત્તાજીને શશધર મુખર્જી સાથે મળાવ્યા, તે સમયમાં શશધરજી શહિદ ફિલ્મ બનાવી રહ્યા હતા. પણ કિસ્મત જૂઓ શશધરજી એ લત્તાનો અવાજ રિજેક્ટ કરી નાખ્યો. રિજેક્શનથી લત્તાને જેટલું માઠું લાગે તેથીય વધુ ગુસ્સો આવ્યો હતૂઓ ગુલામ હૈદરને. તેમણે આવેશમાં આવી મુખર્જીને સંભળાવી દીધું, 'આને વાલે દિનો મેં પ્રોડ્યુસર્સ ઓર ડિરેક્ટર્સ લત્તા કે પાંઉ પકડેગેં ઔર ઉનકી ફિલ્મ મેં ગાને કે લિયે ગીડગીડાયેંગે.પણ આ રિજેક્શન પછી લત્તાને તેની સંગીતની સફરનો સૌથી મોટો બ્રેક મળવાનો હતો...લત્તા એક પાર્શ્વ ગાયિકા તરીકે આ એક બ્રેક વડે લોકોની નજરમાં આવવાની હતી...અને તેમને આ ચાન્સ પણ આપ્યો હતો ગુલામ હૈદર સાહેબે જ.
તે ગીત કયું હતું, ફિલ્મ કઈ હતી ? તે વાત આવતા સપ્તાહે કરીશું. લત્તા એક એટલી મોટી જિંદગી છે એક કટારમાં તેમની આ સફરને સમાવી શકાય તેમ નથી. આથી વધુ વાત આવતા સપ્તાહે.
લાસ્ટ કટ ; લત્તા મંગેશકરનું પહેલું હિટ સોંગ હતું ફિલ્મ 'મહલ' નું 'આયેગા...આયેગા...આયેગા આનેવાલા...'

           
   





Comments (0)