'મારે ફિલ્મોમાં કામ નથી કરવું, મારે બીજા છોકરાઓની જેમ સ્કુલે જવું છે, મારે ભણવુ છે !' મહાજબીં બાનુને ભણવાના ખૂબ અરમાન હતા. તે અનેકવાર પોતાના અમ્મી અને અબ્બુ સામે જીદ્દે ચઢતી કે મારે સ્કુલે જવું છે, મારે ભણવું છે પણ પરીવારની હાલત એટલી ખસ્તા હતી કે મહાજબીંને ભણવાની, સ્કુલે જવાની ઈચ્છા હોવા છતાં તેના મા-બાપ તેને ભણાવી શકે તેમ નહોતું. મહાજબીંના જન્મ સમયે જ તેના પરીવારની પરિસ્થિતિ એવી હતી કે તેઓ ડૉક્ટરના બીલની રકમ પણ ચૂકવી શકે તેમ નહોતું. મુંબઈમાં ડૉ. ગાડરેની હોસ્પિટલમાં જ્યારે ઈક્બાલ બેગમે મહાજબીંને જન્મ આપ્યો ત્યારે ડિલીવરી બાદ ડૉ. ગાડરેએ અલી બક્ષના હાથમાં બિલ મૂક્યુ અને તે બિલનો આંકડો જોઈ અલીબક્ષની હાલત ખૂદાબક્ષ જેવી થઈ ગઈ. અને મહાજબીંના અમ્મી અને અબ્બુએ તેમની તરતની જન્મેલી દિકરીને પૈસા હોવાની મજબૂરીને કારણે મુસ્લિમ અનાથ આશ્રમમાં મૂકી આવવી પડી. મહાજબીંના પિતા અલીબક્ષ આમ તો એક કલાકાર હતા, પારસી થિયેટરમાં તેઓ હાર્મોનિયમ વગાડતા, બીજા કલાકારોને મ્યુઝિક શીખવતા અને સાથે જ તેઓ એક શાયર પણ હતા, તેઓ ઉર્દૂમાં શાયરી લખતા, કવિતાઓ લખતા. એટલું નહીં એક ઉમદા કલાકાર એવી મહાજબીંના પિતા પણ વર્સેટાઈલ આર્ટીસ્ટ હતા. ઈદ કા ચાંદ નામની ફિલ્મમાં પણ તેમણે એક નાનો સરખો રૉલ કર્યો હતો અને શાહિ લૂટેરે નામની ફિલ્મ માટે તેમણે મ્યુઝિક પણ કમ્પોઝ કર્યુ હતુ. અને મા ઈક્બાલ બેગમ પણ મૂળ બંગાળી હતા અને ટાગોરના ફેમિલીના હતા. અલીબક્ષ સાથેના પરિચય પછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને તેમણે અલીબક્ષની બીજી પત્ની બનવાનું પસંદ કર્યુ. તેઓ પણ કામિનીના નામથી થિયેટર એક્ટર અને ડાન્સર તરીકે કામ કરતા હતા. અલીબક્ષ અને કામિનીના ઘરે મહાજબીંનો જન્મ તેમની ત્રીજી દિકરી તરીકે થયો હતો, તેની બે મોટી બહેન ખુર્શીદ અને મધુ  જન્મી ત્યારે પણ અલીબક્ષને તેમની ઘરે દીકરો જન્મે તેવી આશા હતી કે જેથી ઘરની ખસ્તા હાલતમાં તે દીકરો કંઈક આશાની કિરણ લઈ ને આવે પણ દીકરાની આશામાં ત્રણ ત્રણ દિકરી જન્મી ત્યારે અલીબક્ષ થોડા નિરાશ થઈ ગયા હતા.

પરીવારની આર્થિક હાલત ખરાબ હોવાને લીધે મહાજબીંએ પોતાની ભણવાની ઈચ્છાને નેવે મૂકી દેવી પડી, સાત વર્ષની નાની ઉંમરે તેમણે ફિલ્મમાં બેબી આર્ટીસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કરવું પડ્યુ. ૧૯૪૦ની આસ-પાસનો  સમય મહાજબીંના પરીવારમાં આવેલો એવો સમય હતો કે જ્યારે પરીવારના ભરણ પોષણ માટે એક માત્ર સહારો હતી સાત વર્ષની મહાજબીં. સ્કુલે જવાની, રાત દિવસ ઘરમાં, ગલીઓમાં રમવાની ઊંમરે નાની અમથી છોકરી મહાજબીં ફિલ્મોના શૂટીંગ શિડ્યુલ્સમાં અટવાતી થઈ જવાની હતી. પ્રકાશ સ્ટુડિયોના વિજય ભટ્ટ દ્વારા ૧૯૩૯માં બનાવવામાં આવેલી ફિલ્મ ફરજંદ-એ-વતનએ તેમની બાળ કલાકાર તરીકે પહેલી ફિલ્મ અને ફિલ્મથી તેમને નામ આપવામાં આવ્યુ બેબી મીના. અને આ જ નામ પાછળથી જ્યારે તે રૂપેરી પડદાની પ્રખ્યાત હિરોઈન બની ત્યારે પણ ચાલૂ રહ્યુ. ધીમે ધીમે બેબી મીનાના નામની પાછળ મૂળ નામ મહાજબીં ભૂલાવા માંડ્યુ અને બેબી મીના હવે બની ગઈ મીના કુમારી. એક મુસ્લિમ પરીવારમાંથી આવતા મીના કુમારીએ તેમની કરીઅરની શરૂઆતમાં કેટલીક ધાર્મિક ફિલ્મોમાં કામ કર્યુ હતું જેમકે, વીર ગટોર્ગજ અને શ્રી ગણેશ મહિમા.

પણ ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કરતા દરેક કલાકારનું ભવિષ્યમાં સરળતાથી ફિલ્મી કરિઅર બની જતું નથી, મીના કુમારીએ પણ અનેક ફિલ્મોમાં બાળ કલાકાર અને સાઈડ રૉલ કર્યા. પણ અનેક પ્રયત્નો છતાં હજીય તેમને એક પણ ફિલ્મમં લીડ રૉલ નહોતો મળી રહ્યો. કોઈ એક સારી ફિલ્મમાં હિરોઈન તરીકે રૉલ મેળવવા મીના કુમારી રીતસર હવાતિયા મારતા હતા. કારણ તે જાણતા હતા કે આમ એક પછી એક ફિલ્મમાં સાઈડ રૉલ કરતા રહેવાથી તેમની કરિઅર લાંબી નહીં ચાલે. જ્યાં સુધી હિરોઈન તરીકે રૉલ નહીં મળે ત્યાં સુધી મહેનત નકામી છે.  વખતે ફરી   ડિરેક્ટર મીના કુમારીની જિંદગી બદલી નખવાના હતા જેમણે તેને એક બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પહેલીવાર કામ આપ્યુ હતું અને તે ડિરેક્ટર હતા વિજય ભટ્ટ.
 ધાર્મિક ફિલ્મોમાં કામ કરતી મીના કુમારીને હિરોઈન તરીકે પણ પહેલો બ્રેક વિજય ભટ્ટે  આપ્યો. મીના કુમારી હવે ઠીક ઠીક જાણીતા તો થઈ ગયા હતા પણ હજીય એક એકટ્રેસ તરીકે ઓળખ નહોતી બનાવી શક્યા. અને   અરસામાં લગભગ ૧૯૫૨ની સાલમાં વિજય ભટ્ટ એક ફિલ્મ બનાવવા વિચારી રહ્યા હતા જે ફિલ્મની હિરોઈન તરીકેના લીડ રૉલમાં તેમને મીના પરફેક્ટ લાગતી હતી. અને આખરે વિજય ભટ્ટની ફિલ્મમાં મીના કુમારીને હિરોઈનના રૉલની ઓફર કરવામાં આવ્યો. મીના કુમારીની હિરોઈન તરીકે તે પહેલી ફિલ્મ હતી વિજય ભટ્ટ ડાયરેક્ટેડ બૈજૂ બાવરા. બૈજૂ બાવરા મીના કુમારીના ફિલ્મી કરિઅરમાં એક એી ફિલ્મ સાબિત થઈ કે જેણે બેબી મીનાને મીના કુમારી બનાવી દીધી.  ફિલ્મમાં તેમનું કામ લોકોએ ખૂબ પસંદ કર્યુ. આ એક જ ફિલ્મથી મીના કુમારીની ગણતરી એક ખૂબ પ્રતિભાવાન હિરોઈન તરીકે થવા માંડી અને તેમને અનેક ફિલ્મોની ઓફર આવવા માંડી. ત્યારબાદ તેના બીજા  વર્ષે ૧૯૫૩માં તેમની બીજી એક ફિલ્મ આવી પરિણીતા, અને પરિણીતાએ તેમને તેમની જિંદગીનો પહેલો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો. બેબી મીના હવે હિરોઈન બની ગઈ અને કરિઅરના બીજા વર્ષમાં તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ૧૯૫૨માં વિજય ભટ્ટે મીનાજીને તેમની ફિલ્મ બૈજૂ બાવરા માટે સાઈન જરૂર કરી લીધા હતા પણ તે વર્ષના ફિલ્મફેર એવોર્ડની જાહેરાત થઈ હતી ૧૯૫૪માં આથી બૈજૂ બાવરા રિલીઝ થઈ, સુપર હિટ પણ રહી અને મીના કુમારીનું નામ પણ ખૂબ વખણાયુલોકોને  નવી છોકરીની એક્ટીંગ ખૂબ ગમી. પણ એવોર્ડ ? પહેલો એવોર્ડ તેમને મળ્યો ફિલ્મ પરિણીતા માટે. અને મીના કુમારીને ૧૯૫૪માં પણ ફિલ્મફેર એવોર્ડ મળ્યો તે હતો બૈજૂ બાવરા માટે. આથી બૈજૂ બાવરા તેમની હિરોઈન તરીકે પહેલી ફિલ્મ, અને પરિણીતા તેમની એવોર્ડ વિનર તરીકે પહેલી ફિલ્મ. મીના કુમારી હિન્દી સિનેમા જગતના પહેલાં હિરોઈન છે જે ફિલ્મફેર બેસ્ટ એક્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યા. બે ફિલ્મ બાદ મીના કુમારીએ પાછા વળીને નહોતું જોયુ ૧૯૫૨ની બૈજૂ બાવરા, ૧૯૫૩ની પરિણીતા અને ત્યારબાદ ૧૯૫૬ની એક હી રાસ્તાથી શરૂ થયેલી તેમની ફિલ્મી સફર છેલ્લે ૧૯૭૨માં કમાલ અમરોહીની ફિલ્મ પાકીઝા સુધી વિસ્તરી અને તેમના અકાળે થયેલા અવસાનને કારણે ત્યાં  અટકી ગઈ.

            તેમની મૃત્યુબાદ પણ જો કે તેમની ફિલ્મ રિલીઝ થઈ હતી પણ તેને ખાસ કોઈ નોંધનીય પ્રતિસાદ નહોતો મળ્યો. ૧૯૫૩થી ૧૯૭૨ સુધીની તેમની  સફરમાં મીના કુમારીનું અંગત જીવન પણ કોઈ ફિલ્મી કહાનીથી કમ નહોતું. હિન્દી સિનેમા જગતની  ટ્રેજડી ક્વીન અનેક પડાવ, અનેક મુશ્કેલી અને અનેક વિવાદાસ્પદ ચર્ચાઓ વચ્ચે એક દંતકથા  સમ જીવ્યા અને સમય કરતા પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી.
            'તુમ ક્યા કરોગે સૂન કર મુજસે મેરી કહાની, બે લૂત્ફ ઝિન્દગી કે કિસ્સે હૈ ફિકે ફિકે.' અભિનેત્રી મીના કુમારીને તો સૌ કોઈ ઓળખે છે પણ  કલાકારાની અંદર ક્યાંક એક કવિયત્રી પણ જીવી રહી હતી. ખૂદ મીના કુમારીએ જ તેમની અંદરની આ કવિયત્રીને ભાગ્યે જ પ્રકાશમાં આવવા દીધી છે. પણ કેટલીય અંગત લાગણીઓ, આંગત ભાવ, સંવાદ અને કેંઈ કેટલુંય તેમણે તેમની  કલમેતેમના  શબ્દોમાં બાંધ્યા છે. મીના કુમારી એક અદ્‍ભૂત શાયરા હતા. તેમણે અનેક શેર લખ્યા છે, ગઝલો લખી છે. અને વખતો વખત જ્યારે તે સારા મૂડમાં હોય ત્યારે તેમના પ્રેમી કે તમના મિત્રને સંભળાવી પણ છે. મીના કુમારી જ્યારે તેમના અંગત સમયમાંપોતાના મિત્રો વચ્ચે અંગત મહેફિલ જમાવતા ત્યારે એક આલાદરજ્જાના શાયરની અદાથી પોતાની નઝ્મો સંભળાવતા હતા. મીના કુમારીના લખાણ માટે ગૂલઝાર જેવા ઊંચા દરજ્જાના શાયર અને મિત્ર પણ કહે છે કે, 'મીનાજી કી નઝ્મ મેં જો દર્દ, નશા ઔર ગહેરાઈ હૈ વો બહોત કમ શાયરો મેં દેખને મિલતી હૈ.' 'ટૂકડે ટૂકડે દિન બીતા, ધજ્જી ધજ્જી રાત કટી... સકા જીતના આંચલ ફૈલાઉતની હી સૌગાત બઢી.મીના કુમારીજી વિશેની વધુ વાતો આવતા સપ્તાહે આગળ વધારીશું.
આખરી સલામ ; મીના કુમારીની હિરોઈન તરીકે પહેલી ફિલ્મ બૈજૂ બાવરાના સેટ પર જ તેમને તેમની જિંદગીનો પહેલો પ્રેમી પણ મળ્યો હતો.