ચીલા ચાલૂ હિન્દી કૉમેડી ફિલ્મોથી કંઈક અલગ અને કંઈક મજેદાર વાર્તા, અલાયદી રીતથી રજૂ કરવાની બાસૂ ચેટર્જીની ટ્રેડમાર્ક સ્ટાઈલ રહી છે. તેમની આવી ફિલ્મોની યાદી લાંબી છે અને યાદગાર છે. રજનીગંધા, ચિત્તચોર, છોટી સી બાત, ખટ્ટા મીઠા, દો લડકે દોનો કડકે, મનપસંદ, શૌખીન, વગેરે વગેરે. બાસૂ ચેટર્જીનો હિન્દી સિનેમા જગતમાં ડાયરેક્ટર તરીકે ડેબ્યુ થયો ૧૯૬૯માં આવેલી ફિલ્મ 'સારા આકાશ'થી. સારા આકાશ બાસૂ દાની પહેલી ફિલ્મ. બાસૂ ચેટર્જીએ પદાર્પણ કર્યુ અને તે સમયથી જાણે હિન્દી સિનેમા જગતમાં એક નવા દૌરનો આરંભ થયો. બાસૂ ચેટર્જીએ તેમની પહેલી ફિલ્મથી લઈને અનેક ફિલ્મોમાં મિડલ ક્લાસ ફેમિલી, તેમની ખટ્ટમધુરી વાતો અને આવા પરીવારમાં આવતા અનેક સંજોગોને હળવાફૂલ સંવાદોથી અને સુંદર દ્રશ્યો સાથે રૂપેરી પડદે અદ્‍ભૂત રીતે તેમની ફિલ્મોમાં પ્રદર્શિત કર્યા છે.
ફિલ્મ સારા આકાશની કહાની મૂળ રાજેન્દ્ર યાદવની નોવેલ સારા આકાશના પહેલા ભાગ પરથી બનાવવામાં આવી હતી. સારા આકાશ રીતે પણ સ્પેશિયલ છે કે આ ફિલ્મ એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ જણાંની ડેબ્યુ ફિલ્મ હતી. જે રીતે બાસૂ ચેટર્જીની પહેલી ફિલ્મ હતી તે રીતે નોવેલ સારા આકાશ લેખક રાજેન્દ્ર યાદવની પણ પહેલી નોવેલ હતી. રાજેન્દ્ર યાદવે ૧૯૫૧માં લખેલી  નોવેલનું પહેલાં તેમણે નામ રાખ્યુ હતુ 'પ્રેત બોલતે હૈ' ત્યારબાદ ૧૯૬૦માં તેમણે કવિ રામધીર સિંઘ દિનકરની કવિતા સાંભળી અને તે કવિતામાંથી તેમણે તેમની નોવેલનું નામ ફેરબદલ કરી સારા આકાશ રાખ્યું હતુ. અને બંને સિવાય ફિલ્મના સિનેમેટોગ્રાફર કે.કે. મહાજનની પણ પહેલી ફિલ્મ હતી. અને તેમની પહેલી ફિલ્મમાં કે.કે. મહાજનને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો. લગ્ન જીવન માટે હજી તૈયાર નથી તેવા નવા પરણેત્તર યુગલ અને તેમની મજેદાર વાતો દર્શાવતી કહાની લઈને આવેલી આ ફિલ્મ એ બાસૂ ચેટર્જીની પહેલી જ ફિલ્મ હોવા છતા તેને ફિલ્મ ક્રિટીક્સ દ્વારા ખૂબ વખાણવામાં આવી હતી, જો કે દર્શકોએ સારા આકાશને કોઈ ખાસ પ્રતિસાદ નહોતો આપ્યો અને ફિલ્મ હિટ નહોતી રહી પણ કહેવાય છે કે આ ફિલ્મથી જ હિન્દી સિનેમા જગતમાં એક નવો વેવની શરૂઆત થઈ હતી.
બાસૂ ચેટર્જીની પહેલી ફિલ્મ માત્ર અઢી લાખ રૂપિયાના બજેટમાં બની હતી, અને તેમાં પણ બાસૂ દાએ સવા બે લાખ રૂપિયાની સરકારી એજન્સીઓ પાસે લોન લીધી હતી. ફિલ્મ અગર નહીં ચાલે તો પહેલી ફિલ્મથી બાસૂ દા દેવામાં ડૂબી જાય તેમ હતુ. બાસૂ દાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠીક ઠાક ચાલી અને બાસૂ દા એ તે લોનના પૈસા તેની બીજી ફિલ્મોમાંથી કમાઈને ચૂકવ્યા હતા.
સારા આકાશના જન્મની કહાની કંઈક એવી છે કે તે સમયે પૂના ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ કે કલકત્તા ઈન્સ્ટીટ્યુટ જેવી કોઈ સંસ્થાઓ નહોતી. તો બાસૂ ચટર્જીને થયું કે ફિલ્મોમાં તેમને ખૂબ રસ છે, ઉત્તસુક્તા છે પણ તે વિશે આગળ શીખવું કઈ રીતે ? તે સમયે બાસૂ દાને ગીતકાર શૈલેન્દ્ર સાથે ખૂબ સારી મિત્રતા હતી. તેમણે એક ફિલ્મ શરૂ કરી હતી તીસરી કસમ અને બાસૂ દા એ તેમને કહ્યું કે હું આ ફિલ્મ પર તમારી સાથે કામ કરવા માંગૂ છુ. તેમણે કહ્યુ કે તમે ફિલ્મના ડાયરેક્ટર બાસૂ ભટ્ટાચાર્યને મળો. અને તેમણે ફિલ્મ તીસરી કસમમાં બાસૂ ભટ્ટાચાર્યને આસિસ્ટ કર્યા. ત્યારબાદ બાસૂ દાએ ફિલ્મ સરસ્વતીચંદ્રમાં ડાયરેક્ટર ગોવિંદ સરૈયાને આસિસ્ટ કર્યા. બે ફિલ્મોથી તેમણે ફિલ્મ નિર્માણ વિશે ઘણું સારૂ એવું શીખી લીધુ હતુ. સરસ્વતીચંદ્રની સફળતાને કારણે બાસૂ ચેટર્જીને એટલી ખબર હતી કે કોઈ સારી નોવેલ પરથી જો ફિલ્મની કોઈ સુંદર કહાની નિર્માણ કરવામાં આવે તો એક સારી ફિલ્મ બની શકે છે. હવે  સમયમાં બાસૂ દા એક નોવેલ વાંચી રહ્યા હતા 'સારા આકાશ' અને તેના લેખક રાજેન્દ્ર યાદવ તેમના મિત્ર પણ હતા. અને તે સમયમાં  ભારત સરકારની ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશને અલગ પ્રકારની ફિલ્મો માટે લોન આપવાની શરૂઆત કરી હતી. ચેટર્જીએ નોવેલ સારા આકાશ પરથી ફિલ્મ બનાવવાના ઉદ્દેશથી ત્યાં લોન માટે એપ્લાય કર્યુ અને તેમને લોન મળી પણ ગઈ. 

હવે ફિલ્મની કહાની નક્કી થઈ ગઈ, લોન દ્વારા પૈસા પણ મળી ગયા પણ પ્રશ્ન હતો ફિલ્મનું શૂટિંગ ક્યાં કરવું ? ફરી લેખક રાજેન્દ્ર યાદવ અહીં પણ કામમાં આવ્યા. રાજેન્દ્ર આગરાના રહેવાસી હતા. બાસૂ દા તે એરિયાથી ભલીભાંતી વાકેફ હતા. તેમણે રાજેન્દ્ર યાદવને વાત કરી અને રાજેન્દ્ર તૈયાર થઈ ગયા. અને આ રીતે શરૂ થયેલી બાસૂ ચેટર્જીની પહેલી હિન્દી ફિલ્મ સારા આકાશનું મોટા ભાગનું શૂટિંગ થયું તે નોવેલના લેખક રાજેન્દ્ર યાદવના ખુદના ઘરમાં.
સાધારણ મધ્યમવર્ગના ઘરમાં એક છોકરાના લગ્ન થાય છે. અને તે લગ્ન કરવા પાછળનું એક માત્ર મુખ્ય કારણ એ હોય છે કે તેની બહેનનાં લગ્નમાં તેના બાપે ખૂબ મોટો ખર્ચ કર્યો હતો અને તે માટે દેવુ કર્યુ હતુ જે ભરપાઈ કરવું પડે તેમ હતુ. હવે જો ઘરના દિકરાના લગ્ન કરવામાં આવે તો તેના લગ્નથી કંઈક થોડી ઘણી આવક થાય અને દેવુ ચૂકવી શકાય સાથે તે છોકરાઅનો બાપ એમ પણ માનતો હોય છે કે દીકરાને લગ્નના બંધનમાં જોડવામાં આવશે તો જવાબદારીને લીધે તે કંઈક સારૂ કમાતો થશે અને ઘરમં પૈસા આવતા થશે. પણ કથનો નાયક આપણો હીરો શરૂઆતથી જ પોતાના લગ્નનો વિરોધી છે. અને અનેક મિડલ ક્લાસ ફેમિલિના છોકરાઓ જે રીતે વિરોધ કરતા હોય છે તે  રીતે  છોકરો પણ પોતાના લગ્ન માટે તૈયાર થતો નથી.  આખીય વાતમાં તેની સાથે જે છોકરી લગ્ન કરીને આવવાની છે તેનો તો કોઈ જ વાંક નથી તો તે શું કામ લગ્નના સંબંધમાં બંધાઈ ? આથી તે પણ તે માટે સંઘર્ષ કરે છે. અને આ આખીય વાતનું કઈ રીતે સમાધાન થાય છે તે વાત રાજેન્દ્ર યાદવની નોવેલ સારા આકાશ અને બાસૂ દાની ફિલ્મ સારા આકાશમાં દર્શાવવામાં આવી છે.

મજેદાર વાત એ છે કે રાજેન્દ્ર યાદવે સારા આકાશ નોવેલ એક કરતા વધુ ભાગોમાં લખી છે પણ બાસૂ દાને પહેલા ભાગના અંતમાં જ્યારે કહાનીના નાયક અને નાયિકાના લગ્ન થઈ જાય છે ત્યારે તે કહાની પોતાનામાં એક પૂર્ણતાને પામી ચૂકી છે તેમ લાગે છે અને તેથી બાસૂ ચેટર્જીએ એક કરતા વધુ ભાગમાં વહેંચાયેલી નોવેલના માત્ર પહેલા ભાગને લઈ તેમની આ ફિલ્મ બનાવી હતી.
 ફિલ્મ બનાવવા માટે જ બાસૂ દાએ લોન લીધી હતી  તો સ્વાભાવિક છે પ્રોડ્યુસર પણ તે જ હોય અને ફિલ્મના ડિરેક્ટર પણ બાસૂ ચેટર્જી જ હતા, એટલું જ નહીં સારા આકાશ ફિલ્મનું સ્ક્રીન પ્લે પણ બાસુ દાએ જ લખ્યું હતું. રાકેશ પાંડે, મધુ ચક્રવર્તી અને નંદિતા ઠાકુરને ચમકાવતી આ ફિલ્મમાં એ.કે હંગલ, દિના પાઠક અને જલાલ આગા પણ હતા. સારા આકાશમાં મ્યુઝિક આપ્યુ હતુ સલીલ ચૌધરીજીએ અને અઢી લાખ રૂપિયાના બજેટમાં બનેલી  ફિલ્મ કે જેમાં સવા બે લાખ રૂપિયાની બાસૂ દાએ લોન લીધી હતી તેણે તે સમયે લગભગ એક કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

લાસ્ટ કટ ; બાસૂ ચેટર્જી માને છે કે તેમણે બાલ્યકાલથી જોયેલી અનેક ફિલ્મોનો નિચોડ તેમની પહેલી ફિલ્મ સારા આકાશમાં છે, અને તેમના મત મુજબ આજે પણ સારા આકાશ તેમની બધી ફિલ્મોમાં બેસ્ટ ફિલ્મ છે.





Comments (0)