હિન્દી સિનેમાના ચાહક એવા આપણે દરેકે હમણાં હમણાં એક વાત નોંધી ? સ્ત્રી પ્રતિનીધીત્વ વાળી ફિલ્મો એટલે કે હીરોના રૉલમાં હિરોઈન હોય તેવી ફિલ્મો, હજૂ નહીં સમજ્યા ? અરે ભલા માણસ અમે એમ કહેવા માંગીએ છીએ કે વુમન લીડ રૉલમાં, મેઈન રૉલમાં હોય તેવી ઘણી ફિલ્મો આવવા માંડી છે નહીં ? હમણાં જ એક પછી એક થોડાં થોડાં સમયના આંતરે અમે થિયેટર તરફ દોટ મૂકી અને ત્રણ ત્રણ ફિલ્મો જોઈ આવ્યા હતા. પહેલાં બોબી જાસૂસ પછી iમર્દાની અને હમણાં ગયા સપ્તાહમાં મેરી કોમ. જો કે તે પહેલાં પણ ઘણી વુમન લીડ ફિલ્મો આવી ગઈ જેમાં તમે ગુલાબ ગેંગ, દેઢ ઈશ્કિયાં ડર્ટી પિક્ચરકહાની, નો વન કીલ્ડ જેસિકા જેવી કોઈક હિટ તો કોઈક એવરેજ રહેલી ફિલ્મોને ગણાવી શકો. પણ મોટા ભાગની વુમન લીડ ફિલ્મો હિટ સાબિત થઈ છે. તો મેરી કોમ જોઈને બહાર નીકળતા અમને બંદાને વિચાર આવ્યો કે શું પહેલાં ના વખતમાં કોઈ વુમન લીડ ફિલ્મ બનતી હતી ખરી અને જો અગર બનતી હતી તો તેના હાલ હવાલ શું થતાં હતા ? મતલબ કે હિટ જતી હતી કે પછી ફ્લોપનું લેબલ લાગતું હતું ? પણ તમે માનશો ? આપણા હિન્દી સિનેમામાં આઝાદી પહેલાં એટલે કે ૧૯૩૫માં પણ વુમન લીડ ફિલ્મ બની હતી. અરે, માત્ર બની હતી પણ હિટ પણ રહી હતી. હવે તમને સવાલ થશે કે ૧૯૩૫માં વળી કઈ અને કેવી વુમન લીડ ફિલ્મ આવેલી ? તો અમે તમને એમ કહેશું કે થોડી દિમાગને તસ્દી આપો અને યાદ કરો કે આજે પણ આપણે કોઈ જોરાવર બાઈને જોઈએ ત્યારે શું કહીએ છીએ ? હન્ટરવાલી જેવું કોઈ ઉપનામ વાપરીએ. ખરૂં ને ?
બસ તો મિત્રો આ હન્ટરવાલી ઉપનામ જેના પરથી આવ્યું તે ફિલ્મ એટલે ૧૯૩૫માં એંસી હજારના તોતીંગ બજેટથી બનેલું હિન્દી પિક્ચર 'હન્ટરવાલી.' આપણા હિન્દી સિનેમા જગતની સૌથી પહેલી સ્ટન્ટ વુમન, પાંચ વર્ષની ઉંમરે પિતા સાથે ઓસ્ટ્રેલિયાથી આવી ભારતમાં સ્થાયી થયેલી ફિલ્મની હિરોઈન એટલે મૅરી ઈવાન્સ એટલે કે નાદિયા. જેને આપણે ફિઅરલેસ નાદિયાના નામથી વધુ બહેતર રીતે ઓળખતા હતા. 
હોમી વાડિયા નામના પારસી ડાયરેક્ટરે એક કહાની લખી, ત્યારબાદ તે કહાની પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ અને તેની પટકથા લખી અને જાતે જ ફિલ્મ ડિરેક્ટ પણ કરી. એવી રાઈટર-ડાયરેક્ટર હોમી વાડિયાની ફિલ્મ એટલે હન્ટરવાલી. વાત કંઈક એવી છે કે મૅરી ઈવાન્સના પિતા હરબર્ટ ઈવાન્સ બ્રિટીશ આર્મીમાં નોકરી કરતા હતા. ત્યારબાદ પ્રથમ વિશ્વ યુધ્ધ દરમિયાન તેમની પોસ્ટીંગ ભારતના મુંબઈ શહેરમાં થઈ અને તે તેમની દિકરી મૅરી અને પત્ની સાથે ભારત આવી ગયા. ૧૯૧૫માં હરબર્ટ ઈવાન્સની મોત થઈ ગઈ અને મૅરી તેની મા સાથે પેશાવર રહેવા ચાલી ગઈ. ૧૯૨૮માં તે ફરી મુંબઈ આવી. પણ  સમય દરમિયાન મૅરી ઘોડે સવારી, શૂટીંગ, ફિશીંગ અને હન્ટીંગ જેવી અનેક કળાઓ શીખી. આ બધી જ કળા અને પિતાના બાળપણના સંસ્કારને લીધે પહેલા તો મૅરીએ આર્મી અને નેવીમાં જ નોકરી માટે કોશિશ કરી પણ થોડાં જ વખતમાં તેની થિયેટર પ્રત્યે રૂચી જાગી અને ૧૯૩૦માં તેમણે ઝાર્કો સર્કસમાં થિયેટર આર્ટીસ્ટ તરીકે કામ કરવા માંડ્યુ. અને ત્યારબાદ જમશેદ વાડિયાએ તેને હિન્દી સિનેમામાં બ્રેક આપ્યો. અને દેશ દીપકનૂર-એ-યમન જેવી ફિલ્મોમાં કામ કર્યું. અહીં  જન્મ થયો ફિલ્મ હન્ટરવાલી બનાવવાના વિચારનો. વડિયાએ જોયું કે મૅરીને ખૂબ સારી લોક પ્રિયતા મળી રહી હતી અને તેમણે આ વાત તેમના નાના ભાઈ હોમીને કહી કે આપણે મૅરીને લઈને એક ફિલ્મ બનાવીએ. સમય દરમિયાન એક અમેરિકન ભવિષ્યવેત્તાએ મૅરીને કહ્યું હતું કે તેણે સફળ થવું હોય તો તેનું નામ અંગ્રેજી અક્ષર 'N' થી શરૂ થાય તેવું રાખવું જોઈએ. અને મૅરી તે દિવસથી બની 'નાદિયા.'
એક પ્રિન્સેસ કે જે પોતાના ચહેરા પર માસ્ક પહેરી અન્યાયની સામે લડે છે અને આ બહાદૂર લેડીને લોકો 'હન્ટરવાલી'ના નામથી ઓળખે છે. નાદિયાને લેડ રૉલમાં ચમકાવતી આ પહેલી ફિલ્મ હતી. નદિયાએ ફિલ્મ હન્ટરવાલીમાં ઘણાંય સ્ટન્ટ કરી દેખાડ્યા હતા અને દર્શકોએ તેને ખૂબ પસંદ પણ કર્યા. તે સમયમાં એંસી હજારનું બજેટ ખૂબ મોટુ બજેટ હતું અને લોકોએ વાડિયા બ્રધર્સને કહ્યું પણ ખરૂં કે આટલાં એક્સપેન્સિવ વેન્ચર પર કામ કરી રહ્યા હોવ ત્યારે નાદિયા જેવી નવી હિરોઈનને લઈ પ્રોજેક્ટ પુરો કરશો તો પસ્તાવાનો વારો આવશે. અને લોકો ભવિષ્ય પણ ભાખી દીધું, 'ફિલ્મ હિટ નહીં જાય.' પણ જમશેદ વાડિયાને વિશ્વાસ હતો કે નાદિયામાં ટેલેન્ટ છે અને તેને એક સારો બ્રેક આપવો જોઈએ. આથી હોમી સાથે તેમના પ્રોડક્શન હાઉસ વાડિયા મુવીટોનના બેનર હેઠળ હન્ટરવાલી બનાવવામાં આવી. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું અને નાદિયાનું નામ પડી ગયું ફિઅરલેસ નાદિયા. અને ફિઅરલેસ નાદિયા એકથી એક સ્ટંટ ફિલ્મના સેટ પર દેખાડવા માંડ્યા જે જોઈ યુનિટના કેટલાંય સભ્યો અચંબિત રહી જતા હતા.
કહાની કંઈક રીતે શરૂ થાય છે, રાણી ક્રિષ્નાવતીને અને તેમના નાના બાળકને તેમનાં  વજીર રાણામલ દ્વારા પોતાના મહેલમાં બંદી બનાવવામાં આવે છે. વજીરે રાણામલે એક રાત્રે પોતાના ભાઈનું પણ ખૂન કરી નાખ્યુ હોય છે. અને ત્યારબાદ ફિલ્મની કહાની ૨૦ વર્ષ પછીના સમયગાળા તરફ વાળી લેવામાં આવે છે જ્યારે ક્રિષ્નાવતીનો દીકરો યુવાન થઈ ચૂક્યો છે. જેનું નામ છે જશવંત. અને એક દીવસ અચાનક એક રોયલ કાર સાથે જશવંતનો અકસ્માત થાય છે. ને કાર હોય છે પ્રિન્સેસ માધુરીની. પોતાની કારથી જશવંતને અકસ્માત નડ્યો હોય રાજ કુમારી માધુરી તેને સોના-ચાંદી અને ઘરેણા કોમ્પનસેશન તરીકે આપવાની વાત કરે છે પણ જશવંત ખુદ્દારી પૂર્વક તે રાજકુમારીની ભેટ સ્વીકારવા ના કહી દે છે અને જશવંતની આવી ખુદ્દારી જોઈ રાજકુમારી તેના તરફ આકર્ષિત થાય છે. પણ તરફ રાણામલ પણ રાજકુમારીને ચાહતો હોય છે અને તે માધુરી સાથે લગ્ન કરવા માગતો હોય છે. પણ માધુરીના પિતાને પણ બંદી બનાવેલા હોય રાણામલની પ્રપોઝલ માધુરી કે તેના  પિતા સ્વીકારતા નથી. સમય જતા માધુરી ગરીબ અને સજા પામેલા લોકોને મદદ કરવા મેદાને પડે છે અને તે રાણામલ સાથે બદલો લેવાનું નક્કી કરે છે. તરફ રાણામલ જશવંતને બહેલાવી ફોસલાવી તૈયાર કરે છે કે તે માધુરીને પકડી લાવી પોતાને હવાલે કરશે તો તેને ઈનામ આપવામાં આવશે. જશવંત આ ઈનામ અને પોતાની આઝાદીની આશામાં રાજકુમારી માધુરીને પકડી લાવવા તૈયાર થાય છે. એક દિવસ નદીમાં નાહી રહેલી માધુરીને તે કિડનેપ કરી લે છે અને રાણામલને ભેટ ધરી દે છે. પણ બહાદૂર માધુરી ત્યાંથી છટકી જાય છે અને ક્યાંક ગાયબ થઈ જાય છે. વખત જતા માધુરી અને જશવંત ભેગા મળે છે અને બંને સાથે મળી રાણામલ સાથે બદલો લેશે તેમ નક્કી કરે છે. આ આખીય કહાનીમાં રાજકુમારી માધુરી અનેક સ્ટંટ કરતી દેખાડાય છે. એક સાથે વીસ વીસ સૈનિકો સાથે બહાદૂરીથી લડતી માધુરી એટલે ફિઅરલેસ નાદિયા. જે ફિલ્મમાં હન્ટરવાલીના ઉપનામથી ગરીબ પ્રજાની તારણહાર બને છે.

બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના જમાનામાં બનેલી આ નાદિયાના બોલ્ડ એન્ડ એક્શન લુક વાળી ફિલ્મ જ્યારે બનતી હતી ત્યારે તેના ટાઈટલને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. ભાષાવિદ્દોએ વાડિયા બ્રધર્સને કહ્યું કે બે શબ્દ હન્ટર અને વાલીમાં હન્ટર અંગ્રેજી શબ્દ છે અને વાલી હિન્દી આ અંગ્રેજી અને હિન્દી શબ્દોને જોડી તમે ફિલ્મનું ટાઈટલ કેવી રીતે બનાવી શકો. આ બંને ભાષાઓનું અપમાન છે. પણ વાડિયા બ્રધર્સ માનતા હતા કે બ્લોન્ડ હેર અને બ્લૂ આંખો વાળી આ ઘોડે સવારી, શૂટીંગ જાણતી છોકરી કે જેણે સર્કસમાં કામ કરી અને અનેક સ્ટંટ કરી પોતાની જે છાપ ઉભી કરી છે તે ફિલ્મની હિરોઈનના પાત્રને બરાબર બંધ બેસતું છે અને ટાઈટલ ફિલ્મને વિવાદ નહીં પણ એક નવી ઓળખ આપશે આથી ફિલ્મનું ટાઈટલ બદલવામાં નહીં આવે.

એક ચર્ચાનો અંત આવ્યો તો વળી બીજા મુદ્દે વિવાદ થયો. ફિલ્મ ક્રીટીક્સ કહેવા માંડ્યા કે બ્રિટીશ રાજની રૂઢીચુસ્ત અને સંકુચિત પ્રજા સામે તમે કોઈ ગોરી છોકરીને રીતે આટલી બોલ્ડ અને એક્શન કરતી દેખાડશો તો જલદ વિરોધનો સામનો કરવો પડશે. પણ વાડિયાએ ફરી કહ્યું કે  ફિલ્મની   તો યુએસપી છે. અને તે સમયે ધાર્મિક ફિલ્મો અને સ્ટંટવાળી ફિલ્મોમાં નામના કમાઈ ચૂકેલા જમશેદ વાડિયાએ જાતે નાદિયાનું કેરેક્ટર રસ પૂર્વક તૈયાર કર્યું. તેમણે દલીલ કરી કે હું એક એવી ભારતીય રાજ ઘરાનાની વિરાંગનાને દેખાડી રહ્યો છું કે જે પોતાના રાજ ઘરાનાની સુખશ્‍હ્યાભી અને આરામને બાજૂએ મૂકી સામાન્ય લોકોની મદદે નીકળી પડે છે અને અન્યાય સામે લડત ઉઠાવે છે. આ રીતે હોમી વાડિયા કે જે ભવિષ્યમાં નાદિયાના રિઅલ લાઈફ પતિ પણ બનવાના હતા તેમણે હન્તરવાલીનો સ્ક્રીન પ્લે લખ્યો અને જોસેફ ડેવિડ પાસે ડાયલોગ લખાવ્યા. ફિલ્મનો કન્સેપ્ટ તે સમયની હોલિવુડ ફિલ્મ રોબિન હૂડ પરથી ઈન્સ્પાયર્ડ હતો.
તમને એમ હશે કે  ફિલ્મ પ્રમોશનનું તૂત હમણાં હમણાં   મલ્ટિપ્લેક્સિસ, ટી.વી. અને મેગેઝિન્સને કારણે શરૂ થયું હશે. પણ અમારી વાત માનો તો ફિલ્મને પ્રમોટ કરવાનો સિલસીલો પુરાણો છે. વાડિયા ભાઈઓએ પોતાની ફિલ્મ હન્ટરવાલીનું ખૂબ સારી રીતે પ્રમોશન કર્યું હતું અને મુંબઈના ગ્રાંટ રોડ પરના સુપર સિનેમામાં તેનો પ્રિમીયર શૉ રાખવામાં આવ્યો હતો. એંસી હજારના બજેટ સાથે મહિનાની મહેનત પછી બનેલી આ ફિલ્મમાં તેની હિરોઈનના બોલ્ડ લુક અને બ્લોન્ડ સ્ટાઈલની ચર્ચા હોવાને કારણે કોઈ ખરીદવા અને રિલીઝ કરવા તૈયાર નહોતું અને તેથી વાડિયા ભાઈઓએ ફિલ્મની એટલી પબ્લીસીટી કરી કે દર્શકોની ફિલ્મ જોવાની ઈંતેજારી જોતા ડિસ્ટ્રીબ્યુટરોએ ફિલ્મ ખરીદવી પડી અને રિલીઝ પણ કરવી પડી. અને બધાની વિરોધની દલીલ વચ્ચે તે રાત્રે સિનેમાઘરોની બહાર એવી ભીડ જામી કે ફિલ્મ પચ્ચીસ સપ્તાહ સુધી એકધારૂં ચાલી અને હિટ  નહીં પણ સુપર હિટ પુરવાર થઈ.
ફિઅરલેસ નાદિયા હવે આપણી વચ્ચે નથી રહી ૯મી જાન્યુઆરી ૧૯૯૬ના રોજ ૮૮ વર્ષની ઉંમરે તેમનું દેહાંત થયું. પણ તે પહેલા નાદિયાના દોહિત્ર રિયાદ વિંચી વાડિયાએ ૧૯૯૩માં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી 'ફિઅરલેસ ; ધ હન્ટરવાલી સ્ટોરી' અને બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તે દેખાડવામાં આવી જે ફિલ્મ કોઈ એક જર્મન લેખક અને ફિલ્મ ક્રિટીક ડોરોથીએ એક પુસ્તક લખ્યું 'ફિઅરલેસ નાદિયા ટ્રુ સ્ટોરી ઓફ બોલિવુડ' ઓરિજીનલ સ્ટંટ ક્વીન' જેનું પાછળથી ૨૦૦૫માં અંગ્રેજીમાં પણ અનુવાદ થયું હતું.

આથી વુમન સેન્ટર્ડ ફિલ્મો આપણા હિન્દી સિનેમા જગતમાં પહેલેથી જ જોવાતી, સારી હોય તો વખણાતી અને હિટ પણ થતી આવી છે.
આખરી સલામ ; ફિલ્મ હન્ટરવાલી રિલીઝ થયા બાદ આ નામ એક બ્રાન્ડનેઈમ બની ગયું અને તે સમયે બેલ્ટ, પ્લેઈંગ કાર્ડ્સ, ચપ્પલ્સ, બેગ, બંગડીઓ, માચીસ, શૂઝ, શર્ટસ વગેરે કેટલીય પ્રોડક્ટ હન્ટરવાલીના નામથી આવી હતી અને ધુમ વેચાઈ પણ હતી.

Comments (0)