"એક પહાડી કે કોને મેં બસ્તે જૈસી બસ્તી મેં, બટવે જીતના મંદીર થા, સાથ લગી મસ્જીદ, વો ભી લોકિડ જીતની." આવા કેટલાંક દિલને ગમી જાય તેવા શબ્દો જેલમ જીલ્લાના (હાલ પાકિસ્તાનમાં) ડિના ગામનાં આંગણે આજે પણ કદાચ પડ્યા હશે. ૧૮ ઓગસ્ટ ૧૯૩૪, સંપૂર્ણ સિંઘ કાલ્રાનો જન્મ દિવસ. અને જેલમ શહેરનું ડિના ગામ એટલે તેમનું જન્મ સ્થળ. ૧૯૩૪માં આ એક એવો શાયર જનમ્યો કે જેની રચનાઓ, નઝ્મ સાંભળતા આપણને મિરઝા ગાલીબની ધરોહરની ઝાંખી મહેસૂસ થાય. આ સંપૂર્ણસિંઘ કાલ્રા એટલે બીજૂં કોઈ નહીં, મોહેં શ્યામ રંગ દઈ દે થી લઈને કજરારે કજરારે સુધીના ગીતો લખનાર ગીતકાર, પટકથા લેખક, દિગ્દર્શક અને કવિ ગૂલઝાર.
ગૂલઝારની પહેલી નિર્દેશન કરેલી ફિલ્મ એટલે 'મેરે અપને.' ૭૦ના દશકમાં આવેલી તેમની આ ફિલ્મ તે સમયે ચાલતા બેરોજગારીના આલમની કહાની છે, ગૂલઝાર સાહેબે જ લખેલું ફિલ્મ પરીચયનું એક ગીત 'મુસાફિર હું યારો, મુઝે ચલતે જાના હૈ...' આ ગીતકારની પોતાની અંગત જિંદગી
પણ કંઈક આવી જ રહી છે. મુઝે ચલતે જાના હૈ...ભારત- પાકિસ્તાન ભાગલાનો એ સમય. અને ગૂલઝાર સાહેબનો
પરીવાર ઝેલમ શહેરમાં રહેતો હતો કે હવે જે પાકિસ્તાનનો
હિસ્સો
છે. મારા મારી અને કાપા
કાપીના તાણવાળા સમયમાં કાલ્રા પરીવારે પોતાની તમામ
મિલકત અને ઘર છોડીને ભારત ચાલી આવવું પડ્યું. દિવસને છેડે સુખેથી બે ટંકનું ભોજન ખાઈ જીવનારા કાલ્રા પરીવાર પર જાણે આફતનું આભ તૂટી પડ્યું હતું. પરીવારની હાલત ખસ્તા થઈ ગઈ, અસ્તિત્વ ટકાવી રાખવા સંજોગો સામે લડવું પડે તેવી પરિસ્થિતિ હતી. નાના સંપૂર્ણસિંઘનું ભણતર પણ આ જ સંજોગોમાં અટવાઈ ગયું. ઘરમાં ભણતર કરતા કમાણી કરી લાવે તેવા હાથની વહુ જરૂર હતી. આથી પરીવારે ગૂલઝારને મુંબઈ મોટા ભાઈ પાસે મોકલી આપ્યા. ગૂલઝાર મુંબઈ તો આવી ગયા પણ મોટા ભાઈ સાથે જામ્યું નહીં અને ઘર છોડી દેવું પડ્યું. આ બધા સંજોગોમાં ફરી તેમનું ભણતર પૂરું ન થઈ શક્યું. જો કે પાછળથી મુંબઈમાં જ તેમણે કોલેજમાં એડમિશન લઈ ભણવાનું પૂરું તો કર્યું જ પણ વાંચનના, લેખનના શોખીન આ માણસને પોતાનું ભણતર
અધુરૂં રહી ગયાનો રંજ, અફસોસ ખૂબ લાંબા સમય સુધી રહ્યો હતો. ધીમે
ધીમે આ રંજ, ભણતરની આ ખોટ પેશનમાં ફેરવાતો ગયો અને આ જ કારણથી ગૂલઝાર ખૂબ વાંચવા લાગ્યા, હજી પણ તેઓ વાંચનના એટલા જ શોખીન છે. પણ આ ખોટ, આ પેશન તેમને એક ઉચ્ચ દરજ્જાના રાઈટીંગ તરફ લઈ ગઈ.
આ એ સમય હતો જ્યારે ગૂલઝાર સાહેબ રોજગારની શોધમાં હતા. આમ તો સંપૂર્ણ સિંઘ એક શાયર એક અલગારી સ્વભાવના માણસ એમને વાંચવામાં સમય ગાળવો ગમે, લખવામાં સમય ગાળવો ગમે પણ પેટ આ બે વસ્તુથી તો ભરાય નહીં, કામ તો કંઈક કરવું જ પડે ! હવે કઈ નોકરી હતી અને કોણ આપે તેમ હતું કે જેમાં તેમના આ બંને શોખ માટે સમય મળી રહે. પણ બેકારીનો આલમ હતો કામ તો કરવું જ પડે તેમ હતું. આવા સમયમાં ગૂલઝાર સાહેબ પહોંચી ગયા મુંબઈના બેલાસિસ રોડ પર. મુંબઈના આ
બેલાસિસ રોડ પર લાઈનમાં મોટર ગેરેજની દુકાનો આવેલી છે. ત્યાં જ આવેલા એક વિચારે મોટર્સ નામના ગેરેજમાં તેમણે નોકરી સ્વીકારી લીધી. એક્સિડન્ટ કાર્સને રીપેઈન્ટ કરવાનું કામ કરતા આ ગેરેજમાં ગૂલઝારને નોકરી મળી ગઈ. જૂની એક્સિડન્ટવાળી કારને કલર કરવા માટે જે કલર બનાવવો પડતો તેમાં ગૂલઝાર સાહેબની માસ્ટરી હતી. કયો કલર અને કયું કેમિકલ કેટલા પ્રમાણમાં મેળવવાથી
જે-તે કારને ફરી તેનો અદ્દલ કલર આપી શકાશે તે ગૂલઝાર સાહેબ માટે ડાબા હાથનું કામ હતું. અને આ નોકરીમાં એક બીજી સૌથી મોટી સગવડ એ હતી કે જે-તે કલર બનાવી લીધા બાદ તેમનું કામ પૂર્ણ થઈ જતું હતું ત્યારબાદ લાપી ભરવી, સ્પ્રે કરવું અને તે સુકાઈ ત્યાં સુધી રાહ જોવી. આ બધામાં ખાસ્સો એવો સમય નીકળી જતો અને આ નવરાશના સમય દરમિયાન તેમને વાંચવાનો અને લખવાનો સમય મળી રહેતો.
આ જ સમય દરમિયાન ગૂલઝાર મુંબઈમાં દર રવિવારે થતી PWAની (પ્રોગરેસિવ રાઈટર્સ એસોશિયેશન) મિટીંગમાં જતા, જ્યાં તેમને ખૂબ મજા પડતી. જેનું મુખ્ય કારણ એ હતું કે જે લેખક કે શાયરને તેઓ તે સમયે વાંચતા હતા જેમને આયડોલ માની અનુસરતા હતા તે જ લેખક કે શાયર પોતે ત્યાં PWAની મિટીંગમાં તેમની પોતાની રચનાનું પઠન
કરતા તેના પર ચર્ચા કરતા
અને બીજા લેખકો કે કવિઓ પોતાના તર્ક વિતર્ક પણ રજૂ કરતા. ગૂલઝાર સાહેબને આ બધી
ચર્ચાથી ખૂબ મજા પડતી. ગૂલઝાર
સાહેબનું ખૂદનું કહેવું છે કે ત્યાં
તેમને ખૂબ શિખવા મળતું. અહીં
તેમના ઘણાં મિત્રો પણ બન્યા
જેમની સાથે તેમની ઉઠક બેઠક શરૂ થઈ,
સાહિત્યની ચર્ચાઓ શરૂ થઈ.
તેમણે ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી તે પહેલાંથી જ ગૂલઝાર એક રાઈટર બનવા જ માંગતા હતા ખાસ કરીને એક કવિ એક શાયર બનવાની તેમની ઈચ્છા હતી. અને આ જ સમય દરમિયાન તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના કલ્ચર્ર વિંગ ઈપ્ટામાં આવતા જતા રહેતા હતા, ત્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી ઘણી હસ્તીઓ આવતી હતી જેમાં શૈલેન્દ્ર, સલીલ ચૌધારી જેવા ગૂલઝાર સાહેબના મિત્રો થઈ ગયા હતા. પણ આ સમય દરમિયાન પણ ગૂલઝારે ક્યારેય ફિલ્મોમાં લખવાનું, ગીતો લખવાનું કે નિર્દેશન કરવાનું વિચાર્યું નહોતું. પણ એક દિવસ મિત્ર શૈલેન્દ્ર સાથે બેઠાં હતા અને વાત-વાતમાં શૈલેન્દ્રજીએ સચિનદા સાથે કોઈક બાબતમાં અનબન થઈ ગઈ હોવાની વાત કહી, અને પછી તેમણે જ ગૂલઝારને દબાણ કર્યું કે તે ફિલ્મમાં ગીત લખે. આ આપણે વાત કરી રહ્યા છે બિમલદા ફિલ્મ બંદિની બનાવી રહ્યા હતા ત્યારની. શૈલેન્દ્રજીની જબરદસ્તીને કારણે ગૂલઝાર બિમલદા પાસે ગયા તો ખરાં પણ ત્યાં ગયા ત્યારે વાત કરતા કરતા ગૂલઝાર બિમલદા સામે રડી પડ્યા. કારણ ? કારણ એ જ કે ગૂલઝાર ફિલ્મો માટે લખવા નહોતા માંગતા તેમણે તો લિટરેચર, સાહિત્યમાં આગળ વધવું હતું. અને બિમલદા બોલ્યા, 'તુઝે ગીત નહીં લીખના ? મત લીખ, પર તું મેરે સાથ બેઠ, મેરી ફિલ્મ ભી એક ઉપન્યાસ પર હી આધારિત હૈ. અને બિમલદા સાથે શૂટીંગ
દરમિયાન બેઠેલા ગૂલઝારે બંદિની માટે ગીત લખ્યા અને તેમની ફિલ્મી સફરનો આરંભ થયો. સચિનદા ફિલ્મનું સંગીત કરી રહ્યા હતા તેમણે ગૂલઝારને બેસાડ્યા અને કહ્યું, ‘સૂન લડકે યે ધૂન હૈ, અબ ઈસ પર સે ગીત લિખકે લાઓ.’ ગૂલઝાર માટે આ પહેલા ધૂન બનાવી હોય અને પછી તેના પરથી શબ્દો લખવાના હોય. આ બધું નવું હતું, તેમને સમજાતું નહોતું. આથી તેમણે નક્કી કર્યું કે તેઓ સૌથી પહેલા આ ધૂન પોતાના દિમાગમાં ફીટ કરી લેશે. તેમણે સચિનદા પાસે બેસી એક આખો દિવસ એ ધૂન સાંભળ્યા કરી અને પછી તેને જ ગૂનગૂનાવતા બહાર નીકળી પડ્યા. અને એક ચા ની ટપરી પર જઈ બેઠા, ચા નો ઓર્ડર આપ્યો અને ધૂન ગૂનગૂનાવતા રહ્યા, અચાનક તેમના મોઢાંમાંથી શબ્દો સરી પડ્યા, ‘મોરા ગોરા રંગ લઈ લે...’
ગૂલઝાર ખૂદ પોતાની ફિલ્મો, પોતાની શૈલી વિશે વાત કરતા કહે છે કે, 'મુઝે ગાનો સે હોતે હુએ ગુઝરના બહોત અચ્છા લગતા થા, ક્યોકિ મેં ગીત લિખતા હું. ઓર ઝ્યાદાતર યહી મેરી ફિલ્મ બનાને કી શૈલી રહી હૈ.' ગૂલઝાર સાહેબના ગીતોમાં પણ એક એવી લઢણ જોવા મળે છે કે તે જાણે કહાનીનો જ એક ભાગ હોય
અને ગીતમાં પણ જે-તે પાત્ર પોતાની વાત
કહેતું હોય. કહેવાનો ભાવાર્થ એ છે કે ગૂલઝાર એ ઉંચા દરજ્જાના દિગ્દર્શક છે કે તેની ફિલ્મોના
ગીત પણ કહાનીને આગળ વધારે છે અને તેમના ગીત પણ એક સ્ટોરી ટેલીંગની રીત
તરીકે સમાવી લેવામાં આવતા. ગૂલઝાર સાહેબની ફિલ્મો કરવાની એટલે કે ગીતો લખવાની એક સ્ટાઈલ છે, તેઓ સૌથી પહેલા આખીય સ્ક્રીપ્ટ સાંભળે છે, ફિલ્મની કહાની જાણે છે, તેના પાત્રને સમજે છે અને પછી તેના આધારે તે પાત્રના મૂડ અને સંજોગો પ્રમાણેના ગીતો લખે છે અને આ જ કારણથી ગૂલઝારના ગીતો ફિલ્મ કે તેની કહાનીથી અલગ નથી લાગતા બલ્કે તેનો જ એક ભાગ તરીકે ઉભરી આવે છે. તેમના જ ક્ષેત્ર
ગીતકાર કે શાયરમાં ગૂલઝાર સાહેબના ફેવરિટ બે નામો છે અને તે છે શૈલેન્દ્ર અને
સાહિર લુધયાનવી.
ગૂલઝાર સાહેબ ખુદ પોતાના કામને મુલવવા માટે એક
વખત પાછા વળી જુએ છે ત્યારે કહી ઉઠે છે કે, 'તેમના કામમાં દેશના ભાગલા વખતના તે બાળપણના સમયની ખૂબ મોટી અસર છે.' તેઓ બાળપણને યાદ કરે છે ત્યારે કહે છે કે, મને હજૂ પણ એ રાતો યાદ છે કે જ્યારે હું સૂતા ગભરાતો હતો કે ફરી પાછા એ બધા સપનાઓ નહીં આવી જાય. તે સમયે તેમણે એ એટલો દર્દનાક અને નિષ્ઠુર સમય જોયો છે કે રાત રાતભર તેમને ડરામણાં સપનાં આવતા
રહેતા અને તેઓ અચાનક ઊંઘમાંથી જાગી જતા.
એક ફિલ્મમેકર, એક લેખક, એક કવિ- ગઝલકાર અને આ બધાની સાથે એક આભા જન્માવનારો, પ્રભાવી અને એક અજીબ ઊંડાણવાળો અવાજ એવા ગૂલઝારે કોશિશ અને અચાનક જેવી ફિલ્મો પછી તૂટતા સંબંધો
અને પોતાના અરમાનો કે સપનાંઓ માટે દોડતા જિંદગીમાં ખોવાઈ જતા સંબંધોની કહાની આંધી જેવી ફિલ્મમાં દેખાડી કેટલાંય પરીવારની અંગત લાગણીઓ અને સંબંધોને છતાં કર્યા હતા.
આવા મલ્ટિ ટેલેન્ટેડ રાયટર, ડિરેક્ટર અને પોએટની કેટલીક અંગત જિંદગીની વાત આવતા સપ્તાહે કરીશું. રાખી
સાથેનું અંગત જીવન હોય, જગજિત સિંહ સાથેના આલ્બમની વાતો, મિરઝા ગાલીબ કઈ રીતે બની અને ગૂલઝારની ફિલ્મી સફરની બીજી કેટલીક અંતરંગ વાતો હવે પછી.
આખરી સલામ ;
બિમલ
રૉયે ગૂલઝારને કહ્યું હતું, 'ચાહે તુમ મેરી ફિલ્મ મેં ગાના મત લિખના
પર યે ગેરેજ કી નોકરી છોડ દો, વહાં રહ કર તુમ ખત્મ હો જાઓગે.'
9/19/2014 09:59:00 AM |
Category:
Gujarat Guardian News Paper - 19.09.2014 / Fri Day Supplement.
|
0
comments
Comments (0)