સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ અથવા એમ કહો કે નવરાશના સમયનો કોઈક સકારાત્મક, કન્સ્ટ્રક્ટિવ કામ કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો અને તેના પરિણામ તરીકે બની એક ફિલ્મ. ૧૯૬૯ની સુપર હિટ મર્ડર મીસ્ટ્રી, સસ્પેંસ ફિલ્મ 'ઈત્તેફાક'. રાજેશ ખન્ના અને નંદાને લીડ રૉલમાં ચમકાવતી આ ફિલ્મ 'ઈત્તેફાકએક ઈત્તેફાકને કારણે જ બની હતી એમ કહો તો પણ ચાલે.
વાત આજ થી આશરે ૪૫ વર્ષ પહેલાની છે. રોમેન્ટીક ફિલ્મોના બેતાજ બાદશાહ ગાણાતા જાણીતા ડિરેક્ટર યશ ચોપરાએ હજી તેમનું પોતાનું બેનર યશરાજ ફિલ્મ સ્થાપી કામ કરવાનું શરૂ નહોતું કર્યું. પોતાના મોટા ભાઈ બલદેવ રાજના બેનર બી.આર. ફિલ્મસ હેઠળ તેઓ પોતાનો ચોથો પ્રોજેક્ટ કરી રહ્યા હતા. જે ફિલ્મ હતી આદમી ઔર ઈન્સાન. ધરમેન્દ્ર, ફિરોઝખાન અને સાયરાબાનુ સાથે ફિલ્મ બનાવી રહેલા યશ ચોપરાને ફિલ્મ બની ગયા બાદ તેમાં હજીય કેટલીક વસ્તુઓ ખૂટતી હોય તેમ લાગતું હતું અને તેમણે નક્કી કર્યું કે ફિલ્મના કેટલાંક સીન્સ ફરી શૂટ કરવા જોઈએ. પણ યશજીના  વિચારનો તરત અમલ થઈ શકે તેમ નહોતો કારણ કે ફિલ્મની લિડીંગ લેડી સાયરાબાનુની લંડન ખાતે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને આવનારા કેટલાંક મહિનાઓ સુધી તે પાછી ભારત ફરી શકે તેમ નહોતી. પણ યશ ચોપરા ખોટી ઉતાવળ કરી ફિલ્મને હાનિ થાય તેમ નહોતા ઈચ્છિતા. આથી તેમણે સાયરાબાનુ પાછા ફરે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું. આ સમયમાં તેમણે એક ગુજરાતી નાટક જોયું 'ધુમ્મસ'. ગુજરાતી નાટકના જાણીતા લેખક પ્રવિણ જોષી એ તેમના ભાઈ અરવિંદ જોષી (શરમન જોષીના પિતા) અને પત્ની સરિતા જોષીને લઈને નાટક બનાવ્યુ હતું. નાટકની મૂળ કહાની મોન્ટે ડોય્લના અંગ્રેજી નાટક 'સાઈનપોસ્ટ ટુ મર્ડર' (જેના પરથી ૧૯૬૪માં ફિલ્મ પણ બની હતી.) પરથી લેવામાં આવી હતી. અને  નાટક જોતા જ યશજીને લાગ્યું કે તેમને તેની ફિલ્મનો સબ્જેક્ટ મળી ગયો છે. સાયરાબાનુ ભારત પાછા ન આવે અને આદમી ઔર ઈન્સાનનું બાકી રહેલું શૂટિંગ પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે નવા વિષય પર ફિલ્મ બનાવવાનું કામ શરૂ કરવાનો વિચાર કર્યો અને આ ઈત્તેફાકથી શરૂઆત થઈ ફિલ્મ ઈત્તેફાક. ઈત્તેફાકને યાદ કરતા યશ ચોપરાએ ક્યારેક કહ્યું હતું કે, 'ઘણીવાર મજબૂરી  કોઈક ઇન્વેન્શનને જન્મ આપે છે. અને ઈત્તેફાક આ રીતે મજબૂરીમાંથી જન્મેલી એક ફિલ્મ છે.' ત્યારબાદ તે દિવસોને યાદ કરતા કહે છે. 'તે સમયે ફાયનાન્શિયલ લોસથી બચવા અમારે કામ કરતા રહેવું જરૂરી હતું અને મારી ફિલ્મ આદમી ઓર ઈન્સાન થોડા સમય માટે અટકી ગઈ હતી. સમયમાં મેં ધુમ્મસ નામનું ગુજરાતી નાટક જોયું અને મને મારી નેક્સ્ટ ફિલ્મનો પ્લોટ મળી ગયો.'
જાણીને નવાઈ લાગે કે હંબગ લાગે એવી એક અનોખી વાત ઈત્તેફાક માટે છે કે, ફિલ્મ શોર્ટ ટુ ફિનિશ શીડ્યુલથી બનાવવામાં આવી હતી. માત્ર ૨૮ દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં ઈત્તેફાક બનાવવામાં આવી હતી. અખ્તર ઉલ ઈમાનના જબરદસ્ત ડાયલોગ રાઈટીંગ વાળી  ફિલ્મ એક મર્ડર મીસ્ટ્રી છે. પેઈન્ટર દિલીપ રૉય (રાજેશ ખન્ના) તેની પત્નીને મારી નાખવાનો પ્રયત્ન કરે છે અને તેમની વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હોય છે. પણ દિલીપને યાદ નથી કે ખરેખર તેણે તેની પત્નીનું ખૂન કર્યું છે કે નહીં. દિલીપની પત્નીનો ખૂન કેસ કોર્ટમાં ચાલતો હોય ચે તે સમય દરમિયાન જ દિલીપને પાગલખાનામાં મોકલી દેવામાં આવે છે. જ્યાંથી દિલીપ ભાગી છૂટે છે. અને રેખા (નંદા)ના ઘરે વી શરણ લે છે. રેખાને ગન પોઈન્ટ પર પકડી તે કહે છે કે જબરદસ્ત તોફાન અને વરસાદને કારણે તેણે એક રાત તેના ઘરમાં વિતાવવી છે. પણ પોલિસ તેની શોધખોળ કરતા રેખાના ઘરમાં આવી ચઢે છે. વાત અહીં સુધી બરાબર જ ચાલી રહી હોય છે પણ ત્યાં જ દિલીપ રેખાના ઘરમાં ડેડ બોડી જૂએ છે. અને દિલીપના માથે એક ઓર મુસિબત આવી ચઢે છે. રાજેશ ખન્ના (દિલીપ રૉય) અને નંદા (રેખા)ને લીડ રૉલમાં ચમકાવતી આ ફિલ્મમાં બિંદૂ, મદન પુરી, સુજીત કુમાર અને ઈફ્તેખારે પણ કામ કર્યું છે. એક ખૂન અને તેના આરોપ, કેસ અને સબૂત તથા ઘટનાની આસ-પાસ ફરતી  ફિલ્મની કહાની દર્શકને ખૂબ સારા સસ્પેંસને કારણે જકડી રાખે છે. 

સમય હતો જ્યારે રાજેશ ખન્નાની હજી રોમેન્ટીક હિરો તરીકે ઈમેજ ઈન્ડસ્ટ્રીમાં બની નહોતી. રાજેશ ખન્ના આ સમય દરમિયાન હજી પોતાનું સ્થાન અને ઓળખ જમાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. જે કે કાકાએ આજ વર્ષમાં દાગ અને અરાધના જેવી ફિલ્મો પણ કરી હતી જેના થકી આ વર્ષમાં જ તેની હીરો તરીકેની એક આગવી ઓળખ બની ગઈ. યશ ચોપરાનો ફેવરિટ સિનેમેટોગ્રાફર કે.જી કોર્ટના સીનથી લઈને રાજેશ ખન્નાની એન્ટ્રી અને મૂશળધાર વરસાદની રાતમાં ભજવાતા બંગલોના સીનને બખુબી એંગલ આપ્યા હતા અને લાઈટનો પણ ઉપયોગ એ રીતે કર્યો કે ફિલ્મનું સસ્પેંન્સ વધુ રસપ્રદ બનાવી શકાય.

ઈત્તેફાક માટે યશ ચોપરાની પહેલી પસંદ હતી રાખી. પણ રાખી તે સમય દરમિયાન ફિલ્મ જીવન-મૃત્યુ માટે રાજશ્રી પ્રોડ્ક્શન સાથે કરારબધ્ધ હતી. તેથી તે યશજીની  ફિલ્મ કરી શકે તેમ નહોતી. અને ત્યારબાદ જબ જબ ફૂલ ખીલે અને ગૂમનામ જેવી ફિલ્મ કરી ચૂકેલી નંદા પર યશજીએ પસંદગી ઉતારી. યશજી જ્યારે નંદાને રૉલ માટે પસંદ કરી ત્યારે તેમણે કહ્યું કે નંદા સોફ્ટ સ્પોકન અને શરમાળ તરીકેની ઈમેજ ધરાવતી હોવાને કારણે એક પણ દર્શક તેના પર શક નહીં કરે. 
ઈન્ટરવલ વગરની અને એક પણ ગીત વગરની ફિલ્મ ઈત્તેફાક જો કે સુપર હિટ નહોતી રહી છતા પણ ઠીકઠાક ધંધો ફિલ્મ કરી શકી હતી. હિન્દી સિનેમા જગતની ઈત્તેફાક પહેલી ફિલ્મ હતી જેમાં એક પણ ગીત કે ડાન્સ સીકવન્સ નહોતી. પણ છતાં એક સસ્પેંસ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેને અસરકારક બનાવવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે અને તે કામ કર્યુ હતુ સલિલ ચૌધરીએ.
આખરી સલામ ; ઈત્તેફાક ફિલ્મ માટે યશ ચોપરાને ફિલ્મફેર બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે રાજેશ ખન્ના બેસ્ટ એક્ટર માટે, નંદા બેસ્ટ એક્ટ્રેસ માટે અને બિંદૂ બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ તરીકે નોમિનેટ થયા હતા પણ એવોર્ડ મળ્યો નહોતો. પણ એમ.એ. શેખને બેસ્ટ સાઉન્ડનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.
     
       

Comments (0)