એક એવા લિજેન્ડરી સંગીતકાર જેમનો જન્મ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે થયો અને ઈશ્વરે તેમની મૃત્યુતિથીનો દિવસ પણ તે જ મહિનાની છેલ્લી તારીખ રાખવાનું પસંદ કર્યુ. જી હા, હિન્દી સિનેમા જગતના જ નહી પણ બંગાળી સિનેમાના પણ મહાન સંગીતકાર એટલે શ્રી સચિનદેવ બર્મનની આજે મૃત્યુતિથી છે. જે ને આપણે એસ.ડી. બર્મનના નામથી કે વ્હાલથી બર્મનદાના નામથી ઓળખીએ છીએ. પહેલી ઓક્ટોબર ૧૯૦૬ના રોજ હાલ બાંગ્લાદેશના કોમિલા ખાતે જન્મેલા સચિનદાએ ૩૧મી ઓક્ટોબર ૧૯૭૫માં આપણી વચ્ચેથી વિદાય લીધી તે પહેલા તેઓ ભારતીય સિનેમા જગતમાં ઈતિહાસ રચી ચૂક્યા હતા. અને તેમના સંગીતની તેમણે આપણી વચ્ચેના વાતાવરણમાં એટલી ઊંડી અસર છોડી છે કે આજે પણ તેમના બનાવેલા ગીતોને આપણે પ્રેમથી સાંભળીએ છીએ, વાગોળીએ છીએ અને એક મહાન સંગીતકાર તરીકે તેમને યાદ પણ કરી છીએ. સચિનદાએ હિન્દી અને બંગાળી ફિલ્મો મળીને લગભગ ૧૦૦થીય વધુ ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. એસ.ડીએ  માત્ર ફિલ્મોમાં મ્યુઝિક આપ્યુ પણ બંગાળી અને હિન્દી સેમી ક્લાસીકલ અને લોક્ગીતોની સુવાસ પણ મહેકતી રાખી હતી. ગાયક અને સંગીતકાર એવા સચિનદા નાના હતા ત્યારથી તેમનો સંગીત પ્રત્યેનો ઝૂકાવ અનેરો હતો. રાજ ઘરાનામાં જન્મેલા સચિનદેવ બર્મન ત્રિપુરાના મહારાજા ઈશાનચંદ્ર માનિક્યા દેવબર્મનને ત્યાં જનમ્યા. પિતા નબાદ્વિપચંત્ર દેવબર્મન અને મણીપુરના રાજકુમારી એવા માતા નિરૂપમા દેવીના પુત્ર સચિન જ્યારે નાના હતા ત્યારથી જ સંગીત પ્રત્યેનો તેમનો રસ દેખાવા માંડ્યો હતો. એસ.ડીમા પિતા એક ખૂબ સારા દ્રુપદ ગાયક અને સિતારવાદક હતા. 

સચિનદાએ તેમના જીવનની શરૂઆતની સંગીતની તાલિમ તેમના પિતા પાસે મેળવી અને યુવાનીમાં સચિન શિષ્ય બન્યા કે.સી. ડે ના. કોમિલા વિક્ટોરિયા કોલેજથી પોતાની બીએની ડિગ્રી મેળવી સચિન કલકત્તા આવી ગયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી તેઓ એમએ થયા. ૧૯૩૦ની આસ-પાસના તે સમયમાં એક એમ.એ થયેલા યુવાનને આસાનીથી સારી નોકરી મળી જાય તેમ હતું. જ્યારે એસ.ડી તો રાજવી ઘરાનાના ચિરાગ હતા તેમણે નોકરી શોધવાની કે કરવાની ખાસ કોઈ જરૂરિયાત નહોતી. પણ એસ.ડી કોઈ રાજ્યના રાજવી બનવા કે નોકરી કરી નોકરિયાત તરીકે જિંદગી વિતાવી નાખવા માટે નહોતા જન્મયા. તેઓના કપાળ પર તો લોકોના દીલ-દિમાગ પર રાજ કરવાનું ભાગ્ય લખાયું હતું. કે.સી. ડે બાદ ઉસ્તાદ બાદલખાન (સારંગી પ્લેયર), કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા મહાન લોકોના હાથ નીચે તાલિમ મેળવી તેમણે તો સંગીતની દુનિયામાં પોતાનું નામ રોશન કરવાનું હતું. જીવનમાં સંગીતેથી વધીને બીજી કોઈપણ વાતને મહત્વ નહીં આપતા સચીન દેવ બર્મને ૧૯૨૦-૩૦ના દાયકામાં કલકત્તા રેડિયો સ્ટેશન પર કામ કરવાનું નક્કી કર્યુ. સચીન દેવ અહીંથી જ બંગાળી લોક સંગીતના ગાયક અને કમ્પોઝર તરીકે પણ કામ કરવા માંડ્યા હતા. અને યુવાન સચીન દેવનો પહેલો આલ્બમ અરસામાં ૧૯૩૨માં એચ.એમ.પી (હિન્દુસ્તાન મ્યુઝીકલ પ્રોડક્ટ) દ્વારા રિલીઝ કરવામાં આવ્યો. અને જોત જોતામાં યુવાન સચિન દેવે લગભગ એકસો એકત્રિસ જેટલા ગીતો બંગાળી ભાષામાં ગાયા. હિમાંગ્શુ દત્તાથી લઈને આર.સી. બોરલ, નઝરૂલ ઈસ્લામ, શૈલષદાસ ગુપ્તા અને સુબલદાસ ગુપ્તા જેવા કમ્પોઝર માટે ગીતો ગાઈ ચૂકેલા સચિન દેવ બર્મને માધવલાલ માસ્ટર અને પુત્ર આર.ડી માટે પણ ગીતો ગાયા છે.

૧૯૩૪માં સચિનદેવ બર્મનને અલ્હાબાદ યુનિવર્સિટીનું ઓલ ઈન્ડિયા મ્યુઝિક કોન્ફરન્સ માટે આમંત્રણ આવ્યુ અને તેમણે ત્યાં પોતાના અદ્દલ લહેકામાં બંગાળી ઠુમરી રજૂ કરી. તેમની આ સુંદર રજૂઆતથી સચિન ત્યાં મહેમાન તરીકે આવેલા વિજ્યા લક્ષ્મી પંડિત અને અબ્દુલ કરીમ ખાનની નજરમાં વસી ગયા અને તેમને આમંત્રણ મળ્યુ બંગાળ મ્યુઝિક કોન્ફરન્સનું. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ઉદ્‍ઘાટન કરવામાં આવેલી  કોન્ફરન્સમાં એસ.ડી.એ ફરી ઠુમરી ગાઈ અને તેમને ત્યાં તેમની એ રજૂઆત બદલ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. કોઈ કલાકાર યુવાન હોય, ગાયક હોય અને કોઈ યુવતિ તેમની દિવાની થાય એવું કઈ રીતે બની શકે. ૧૯૨૦થી સચિનદેવ સાથે તાલિમ લઈ રહેલી અને પછી તેમની શિષ્યા બનેલી મીરાના દિલમાં સચિન દેવનું નામ લખાઈ ચૂક્યુ હતું. આખરે સચિનદેવ બર્મને ૧૦મી ફેબ્રુઆરી ૧૯૩૮માં તેમની જ શિષ્યા મીરા દાસ ગુપ્તા સાથે લગ્ન કરી લીધા. મીરા તે સમય દરમિયાન સચિન દેવ પાસે બંગાળી બંગાળી લોક સંગીત, ક્લાસિકલ સંગીત અને ઠુમરીની તાલિમ લઈ રહ્યા હતા. ઢાકાના મેજિસ્ટ્રેટ રાયબહાદૂર કમલનાથ દાસગુપ્તાના દીકરાની દિકરી એવી મીરા સાથે સચિન દેવના લગ્ન થયા તે એસ.ડી.ના પરિવારને મંજૂર નહોતા કારણ કે મીરા કોઈ રાજઘરાનાની દીકરી નહોતી જ્યારે સચિન ત્રિપુરાના રાજવી પરિવારના ચિરાગ હતા. પણ સચિને પોતાના રાજવી પારિવારથી વધુ મહત્વ પોતાના પ્રેમ અને પોતાના લગ્ન સબંધને આપ્યુ અને રાજ પરિવાર સાથેનો સંબંધ તોડી નાખ્યો. અને રાજવી પરીવારથી છૂટા થયેલા સચિનદેવને ત્યાં ત્યારબાદ ૧૯૩૯માં જન્મ થયો એક પનોતા પુત્રનો, જેનું નામ હતુ રાહુલ. આપણે આજે જેને આર.ડી. બર્મન અથવા પ્રેમથી પંચમ્ કે પંચમ્ દા તરીકે ઓળખીએ છીએ. પછી તો મીરાજીએ અને રાહુલ દેવ બર્મને એસ.ડીને તેમના ઘણાંય કમ્પોઝિશનમાં આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યુ હતું પણ તે વાત પાછળ કરીશું.

સચિન અને મીરાના સંસારમાં હવે રાહુલ નામનો ચિરાગ જન્મી ચૂક્યો હતો. હવે સચિનદેવ બર્મનને કંઈક એવું કામ શરૂ કરવું પડવાનું હતું જેને કારણે તેઓ નાણાં કમાઈ શકે. પરીવારનું ભરણ-પોષણ તેઓ સારી રીતે કરી શકે અને બર્મનદાએ બંગાળી નાટકોમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે કામ કરવું શરૂ કર્યુ. અને સચિનદાએ સતી તિર્થા અને જનની જેવા નાટકોમાં પોતાનું મ્યુઝિક આપ્યુ. સચિનદાને ત્યારબાદ તેમની પહેલી ફિલ્મ મળી ૧૯૩૭માં રાજગી અને ત્યારબાદ ૧૯૪૦માં નિર્બાશન. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ અને  એક ફિલ્મથી સચિનદેવના સિતારા પલટાઈ ગયા. આ એક ફિલ્મને કારણે સચિનદેવ કતારબંધ અનેક ફિલ્મો મળવાની હતી. ૧૯૪૧માં પ્રોતિશોધથી શરૂ થયેલી તેમની સફર ૧૯૪૬ સુધી બંગાળી ફિલ્મો સાથે રહી અને ત્યારબાદ ૧૯૪૬માં સચિનદા મુંબઈ આવી ગયા. લગભગ ૧૮થી ૨૦ જેટલી બંગાળી ફિલ્મોમાં સંગીત આપ્યાબાદ સચિન મુંબઈ હિન્દી સિનેમાના મોટા ફલક પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા મુંબઈ આવી ગયા હતા. આખરે રાજવી લોહિ તેમની નસોમાં વહેતુ હતુ અને એક રાજા જ્યાં પણ જાય ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજ જ કરતો હોય છે. સચિન દેવ બર્મન પણ કદાચ મુંબઈ જેવી મહાનગરીની માયાવી દુનિયા કહેવાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર કામ કરવાના જ નહીં પણ રાજ કરવાના સપના સાથે આવ્યા હશે.

શશધર મુખર્જીના આગ્રહ અને આમંત્રણને કારણે મુંબઈ આવેલા સચિન દેવ બર્મનને શશધરજીએ સૌ પ્રથમ મ્યુઝિક સ્કોર કરવાનો પણ ચાન્સ આપ્યો. અશોક કુમારની બે ફિલ્મસ શિકારી (૧૯૪૬) અને આઠ દિનમાં તેમણે મ્યુઝિક સ્કોર આપ્યો પણ તેમને પહેલો મોટો બ્રેક મળ્યો ૧૯૪૭માં. ૧૯૪૭ની ફિલ્મ દો ભાઈમાં ગીતા દત્તે સચિન દેવ બર્મન માટે એક ગીત ગાયુ 'મેરા સુંદર સપના બીત ગયા...' ગીત હિટ થઈ ગયું અને સાથે જ સચિન દેવ બર્મન પણ હિટ થઈ ગયા. પણ હજીય સચિન દેવ બર્મનમાં રહેલી ટેલેન્ટ તેના સાચા અર્થમાં દુનિયા સામે બહાર આવવાની બાકી હતી. અને ૧૯૪૯માં એક બીજી ફિલ્મ આવી શબનમ. શમશાદ બેગમે ફિલ્મમાં એક ગીત કર્યુ યે દુનિયા રૂપ કી ચોર...અને  ગીત સુપર ડુપર હિટ પૂરવાર થયું. સચિન દેવ હવે ફિલ્મ અને  ગીત પછી એક જાણીતા સંગીતકાર તરીકે હિન્દી સિનેમા જગતના આકાશના સૌથી વધુ ઝળહળતા સિતારા તરીકે ચમકવાના હતા. 
બીજી કેટલીક સચિન દેવના જીવનની જાણી-અજાણી વાતો આવતા સપ્તાહે આગળ વધારશું.

આખરી સલામ ; સચિન દેવ રાજવી ઘરાનામાં જનમ્યા અને મોટા થયા હોવા છતાં સ્વભાવે કરકસર વાળા અને હિસાબનીશ માણસ હતા. તેમની  ખાસિયતનો મજેદાર કિસ્સો આવતા સપ્તાહના એપિસોડમાં રાહ જોઈને બેઠો છે.         





Comments (0)