હાર્ટ આઈલેન્ડ, મોતનો ટાપુ.
ન્યુયોર્કની ઉત્તરસીમા પર આવેલો હાર્ટ આઈ લેન્ડ. કેવું સરસ રોમેન્ટીક નામ. નામ સાંભળીને જ સુંવાળપ નો અહેસાસ થાય. પ્રેમ, લાગણી, સંવનન, સંબંધ વગેરેનો મુલાયમ ભાવ જન્મે. ખરૂ ને ? પણ તમામ વિચારો કે અહેસાસથી તદ્દન વિરૂધ્ધ આ આઈલેન્ડની કહાની છે. વાત આખીય સાંભળ્યા પછી કદાચ એક વિચાર સાથે લેખ મૂકવો પડે કે ખરેખર આઈલેન્ડનું નામ હાર્ટ આઈલેન્ડ  હોવું જોઈએ. કિશોરોથી લઈને બુઢ્ઢા થઈ ગયેલા પ્રેમી પંખીડાઓ, યુગલો કે પરીણીત દંપતીઓ જે હાર્ટ શેઈપની અલગ અલગ વસ્તુઓ છાશવારે પોતાના સાથીને તેના તરફના પ્રેમનો ઈઝહાર અને ઈકરાર કરવા માટે વાપરે છે તે મખમલી શબ્દ હાર્ટ પરથી જ આ આઈલેન્ડનું નામ રાખવામાં આવ્યું છે તે એની પાછળની કહાની જાણી થોડું અજીબ જેવું લાગે.

તમને  જાણીને નવાઈ લાગશે કે  આઈલેન્ડ પર કોઈને જવાની અરે પગ સુધ્ધા મૂકવા દેવાની મનાઈ છે. એટલુંજ નહી મિડિઆ ને પણ ત્યાં જવાની કે શૂટ કરવાની પરવાનગી નથી. જો કે હવે થોડા વર્ષોથી ગાઈડેડ ટુરને ત્યાંની સરકાર પરવાનગી આપતી થઈ છે. આટલું ઓછું હોય તેમ સરકારની મનાઈ ને અવગણી ત્યાં જનારને બે વર્ષની જેલની સજા થઈ શકે છે. આ આખોય આઈલેન્ડને આખાય વિશ્વમાં સૌથી વધુ મેસી મદડાંઘર માનવામાં આવે છે. 
આ આખીય કહાનીનું મૂળ ક્યાંક અમેરીકન સિવિલ વૉર સાથે સંકળાયેલું છે. પહેલાં આ આઈલેન્ડનું નામ હતું લેસર મિનેફોર્ડ આઈલેન્ડ. ૧૬૫૪માં મૂળ આ આઈલેન્ડનો કેટલોક હિસ્સો થોમસ પેલ નામના એક ધનાઢ્યની માલિકીનો હતો. ત્યાર બાદ ૧૮૬૮માં ન્યુ યોર્ક સરકારે એડવર્ડ બ્રોન્ક્સ પાસે ૭૫૦૦૦ ડોલરમાં એ ખરીદી લીધો. આ આઈલેન્ડના નામ માટે અનેક લોકવાયકાઓ છે. કહેવાય છે કે ૧૭૭૫માં બ્રિટીશ પ્રજા દ્વારા આ આઈલેન્ડના ભૌગોલિક આકારને કારણે તેને હાર્ટ આઈલેન્ડનું નામ આપ્યું હતું. પાછળથી હાર્ટની અંગ્રેજી સ્પેલિંગમાં આવતા 'E' ને હટાવી દેવામાં આવ્યો પણ છતાં તેથી ઉચ્ચારની દ્રષ્ટિએ તેના નામમાં કોઈ ફેરફાર  આવ્યો અને હાર્ટ આઈલેન્ડનું નામ દેખીતી રીતે હાર્ટ આઈલેન્ડ  રહ્યું.
૧૮૬૫ની આસ-પાસ જ્યારે અમેરીકન સિવિલ વૉર થઈ ત્યારે શરૂઆતમાં આ આઈલેન્ડ એક શરણાર્થીઓ માટેની જગ્યા તરીકે વપરાયો. ત્યારબાદ આશરે ૩૪૧૩ જેટલા પકડાયેલા સૈનિકોને અહીં રાખવામાં આવ્યા. પણ કમનસીબે તેમાંથી ૨૩૫ સૈનિકોની ત્યાં મોત થઈ ગઈ. અને તે પછી  ટાપુ નેવી ને ફાળવવામાં આવ્યો જ્યાં નેવી આ ટાપુને શિસ્તના પગલાંનું ઉંલ્લઘન કરનાર સૈનિકને સજા કરવા માટે વાપરવા માંડ્યુ. જ્યાં એક સમયે કોસ્ટ ગાર્ડ અને મરીન સૈનિકો મળીને ૨૮૦૦ સર્વિસ મેન કેદી તરીકે હતા. પણ આ સમય દરમિયાન હાર્ટ આઈલેન્ડને એ લોકોએ ટ્યુબર્કોલાઈસિસ અને ડ્રગ્સ લેતા લોકોના ઈલાજ માટે વાપરવો પડ્યો. અને તે દિવસો પછી કોઈક કારણોસર આખાય ન્યુયોર્કમાં કમળો ફેલાઈ ગયો જેમાં ઘણાંય લોકોની અકાળે મોત થઈ. અને તે એટલા મોટા પ્રમાણમાં હતી કે તે તમામને દફનાવવા માટેની જગ્યા ઓછી પડવા માંડી. ત્યારે આઈલેન્ડને એક મડદાંઓના ડમ્પીંગ ગ્રાઉન્ડ તરીકે વાપરવામાં આવ્યું. ત્યારબાદ  આખાય ટાપુને બાળકો તેમાંય ખાસ કરીને છોકરાઓના રીહેબીલિટેશન કેમ્પ તરીકે ઉપયોગમાં લેવાવા માંડ્યો. જે ને કારણે આઈલેન્ડ એક 'આઈલેન્ડ ઓફ ડેડ' તરીકે બદનામ થઈ ગયો. 
આજના આધુનિક સુસભ્ય અને ટેક્નોલોજીકલી ખુબ આગળ એવા વિશ્વમાં રહેતા આપણને સૌને એ જાણી ને નવાઈ લાગશે કે એક જમાનામાં આ આખોય આઈલેન્ડ એક મદડાંઓના ડમ્પીંગ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. એવા માણસો કે જેમની મોત કમનસીબે થઈ હોય, જેમની લાશને કોઈ સગાવ્હાલાં લેવા ન આવ્યા હોય. રોગને કારણે, કેદને કારણે, ડ્રગ્સને કારણે કે લડાઈમાં મરી ગયેલા કેટલાય માણસોને અહીં કોઈપણ જાતની દફન વિધી કર્યા વગર બસ ફેંકી દેવામાં આવતા હતા. મોતના ટાપુ તરીકે બદનામ  આઈલેન્ડ પર આશરે ૮૫૦૦૦૦ લાશોને ફેંકી દેવામાં આવી હતી. લોકોનું માનવુ છે કે કદાચ આંકડો આથીય કંઈક વધારે મોટો છે.
આજે ટાપુ એક હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતો છે. ત્યાં રહી આવેલા કેદીની વાત માનીએ તો ત્યાંની જમીન પર કેટલાંય બાળકો રખડતાં દેખાય છે જેમના ચહેરા ત્યાંની હવામાંથી મીઠું ઉડી ઉડીને સફેદ થઈ ગયા હોય તેવા થઈ ગયા છે. પણ જેવા તમે એમની મદદ માટે દોડો કે ત્યાં કોઈ દેખાતું નથી. કહે છે કે ત્યાંના કેદીઓને શરીર પર પીન મારી મારીને યાતના આપવામાં આવતી હતી અને આજે પણ કેટલાંક સૈનિકો ફાટેલા કપડાં સાથે આખાય શરીર પર પીન મારી હોવાથી લોહી નીકળતું હોય તેવી હાલતમાં ફરતા દેખાય છે. લોકોના દાંતને સડો લાગી ચૂક્યો હોય છે અને તેમાંથી કાળું વાસ મારતું લોહી નિતરતું રહેતું હોય છે. 
કહે છે કે ૨૦૦૩ના વર્ષમાં ચાર છોકરાઓ આઈલેન્ડ એક્સ્પ્લોર કરવાના આશયથી ત્યાં ગયા હતા અને ત્યાં પહોંચતાની સાથેજ લોકોની બોટ કોઈ અકળ રીતે ડુબી ગઈ. ચાર છોકરાઓ માંથી એક છોકરાની બોડી એવી રીતે ધોવાઈ ગઈ હતી જાણે કોઈએ એના શરીર પર બચકાં ભરી ભરીને ફાડી નાખી હોય. કહે છે કે ૧૮૬૯માં સૌ પ્રથમવાર અહીં એક ૨૪ વર્ષની યુવાન છોકરી લુઈસા વેનને દફનાવવામાં આવી હતી. ત્યારબાદ હજારો લોકોને અહીં દફનાવવામાં આવ્યા હોવા છતાં લુઈસાનું ભૂત આજે પણ આ આઈલેન્ડ પર ખુલ્લા પગે ભટકતું દેખાય છે. ત્યાં જઈ આવેલા કેટલાંક લોકોની વાત સાચી માનીએ તો ત્યાં કેટલાંય, આશરે ૧૫૦ જેટલા કોફીન કોઈ પણ જાતની લાશ વગર ખુલ્લા પડ્યા છે અને તે લોકો કહે છે કે તમામ લાશો કોઈને કોઈ સ્વરૂપે ત્યાં ભટકતી હોવાનો અહેસાસ થાય છે. નવાઈની વાત છે કે આજ સુધી કેટલીય વાર અહીં મરી ગયેલા લોકોની કે તેમના પરીવારની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે પણ કોઈ સાચી માહિતી મળતી નથી.
કહેવાય છે કે અહીં મોટા ભાગે નાના બાળકોની લાશને ફેંકી દેવામાં આવી હતી યા દફનાવવામાં આવી હતી. તો વળી એવા લોકોને પણ અહીં દફનાવવામાં આવ્યા હતા જેમના પરીવાર પાસે તેમની દફનવિધીના પણ પૈસા નહોતા. અને લોકો માને છે કે આજે પણ આવા આત્માઓ તેમની દફનવિધી માટે કબરની ખોજમાં અહીં ભટક્યા કરે છે. હાર્ટ આઈલેન્ડ આજે પણ એટલીજ વિચીત્ર ઘટનાઓ અને અનુભવોનું ઉદ્‍ભવ સ્થાન છે કે ત્યાં લોકોને જવાની પરવાનગી આપવામાં આવતી નથી. 
વર્ષો પહેલા એક સૈનિકે કહેલી વાત કંઈક વિચીત્ર ગભરામણ જન્માવે તેવી છે. એમણે કહ્યું હતું કે જ્યારે અહીં કેદીઓને રાખવામાં આવતા ત્યારે એ લોકોનું કોઈએ ગળું પકડી લીધું હોય તે રીતે શ્વાસ રૂંધાવા માંડતો અને  સમય દરમિયાન જાણે કોઈ પિશાચ લોકોના કાનમાં આવીને બેસી ગયો હોય તેમ કોઈ કારમી ચીસ સંભળાતી. પણ એ લોકો કંઈ કરી શકતા નહોતા. શ્વાસ રૂંધાવાની હદ આવી જાય અને તે કેદી મરવાની અણી પર હોય ત્યારે અચાનક જાણે કોઈ શાપિત આત્મા મોટેથી હસીને તેમનું ગળું છોડી દેતો અને થોડો વારે ફરી એજ રીતે ગળું ભીંસાવા માંડતું. આખરે આ વારંવાર થવાને કારણે ઘણીવાર કેદીઓની એવી હાલત થઈ જતી કે નાના અવાજથી પણ એ લોકો ગભરાઈ જતા અને કાન બંધ કરી લેતા.

સાચી હકીકત આજે પણ ધારણાઓના આવરણ તળે દટાયેલી છે. હાર્ટ આઈલેન્ડ ખરેખર ભૂતિયા છે ? કે પછી ત્યાં આટલા બધા લોકોને દફનાવવામાં આવ્યા હોવાને કારણે માત્ર લોકોના દિમાગમાં ઘર કરી ગયેલો એક ગભરાટ છે તે તો ખબર નથી પણ ન્યુ યોર્ક સરકાર ત્યાં કોઈને પણ જવાની પરવાનગી ન આપતી હોવાને કારણે કંઈક ત્યાં અનિચ્છનિય ઘટતું હોવાની વાત આપણને માનવા પર મજબુર કરે છે. અનેક અલગ અલગ પ્રકારના મોતને કારણે ત્યાં ખડકાયેલા માનવ શરીર કદાચ કોઈ ખુબ મોટી નેગેટીવ એનર્જી ઉત્પન્ન કરતા હોય એવી શક્યતાને પણ નકારી શકાય નહી. પણ હાર્ટ આઈલેન્ડ ખરેખર પ્રેમના પ્રતિક તરીકે વપરાતા હાર્ટ શબ્દથી જોજનો દુર છે એ વાત આપણે મને કમને સ્વીકારવી પડે તેમ છે.