આપણી આ દુનિયામાં, આપણી ભાષામાં અને બોલવા-ચાલવામાં ઘણાંય એવા શબ્દો છે જે શબ્દો જે કોઈ સ્થળ કે પરિસ્થિતિ સૂચવે છે તે એવાં છે કે આપણાં કાન પર એ શબ્દો પડતાંની સાથેજ ઘણીવાર ગભરાટ, ઉચાટ કે કંઈક સંદેહની લાગણી જગાવતા હોય છે. જેમકે, આત્મ હત્યા, સામૂહિક બળાત્કાર, કબ્રસ્તાન, સ્મશાન, અકસ્માતથી થયેલું કમોત, કોઈ અધુરી અદમ્ય ઈચ્છા લઈ થયેલું મોત યા કાળો જાદૂ કે પછી પિશાચી શક્તિની આરાધના. આ તમામ શબ્દ કે શબ્દોનો સમૂહ આપણાં હ્ર્દયમાં એક કંપારી જગાડી જાય છે અને ઘણીવાર આવા સ્થળ કે ઘટનાની સાથે જોડાયેલા કોઈ અનિચ્છનિય બનાવો આપણે સાંભળ્યા હોય છે. ઉપરના સંજોગો કે સ્થળ પર કોઈ ભૂત દેખાયું હોય, કોઈ શાપિત આત્મા ઘણાંય લોકોને હેરાન કરતું હોય તો કેટલીક માહિતીઓમાં તો ઘણીવાર આવી પેરાનોર્મલ શક્તિઓ જીવ પણ લઈ લેતી હોય એવું જાણવા મળે છે. વિજ્ઞાનના સંદર્ભમાં આપણે આટલી પ્રગતિ કરી હોવા છતાં આપણે આવી અનેક શક્તિ સામે લડવામાં કે સામનો કરવામાં મહદાંશે લાચારી નોંધાવી છે. અને વિવિધ પેરાનોર્મલ શક્તિઓની જાણકારી કે અસ્તિત્વ અંગે માહિતી મેળવવા માટે જે અનેક ઉપકરણોની આપણે શોધ કરી છે
તે બતાવે છે કે વિજ્ઞાને પણ આવી શક્તિઓનું આ વિશ્વમાં
અસ્તિત્વ હોવાની વાત સ્વીકારીજ છે.
વાત હંમેશા કોઈને ગભરાવવાની કે ધાકમાં લેવાનીજ નથી હોતી પણ
કંઈક ખરેખર એવું હોય છે જે સામાન્ય મનુષ્યની પહોંચ કે સમજની બહારનું હોય છે. શિકાગોની કુક કાઉન્ટીમાં આવીજ ઘટનાઓની સાબિતિ આપતી એક સેમેટ્રી છે, એટલે કે શુધ્ધ ગુજરાતીમાં કહીએતો મદડાંઓને દફનાવવાનું કબ્રસ્તાન છે. જ્યાં અનેક સ્વરૂપમાં, અનેક સમયે અને અનેક માણસોને ભૂત, આત્મા કે કોઈ શાપિત શક્તિ દેખાય છે. બેચલર્સ ગ્રુવ સેમેટ્રિ યા કહો કે
એવરડેન પ્રોપર્ટીનું કબ્રસ્તાન.
મિડ્લોથિયાન અને ઑક ના જંગલની ઉત્તર પશ્ચિમમાં આવેલું બેચલર્સ ગ્રુવ કબ્રસ્તાન આમતો ન્યુ ઈંગ્લેન્ડથી આવી વસેલા નિરાશ્રિતો દ્વારા બનાવવામાં આવેલી જગ્યા છે. આશરે ૧૮૩૩માં આ પ્રોપર્ટીના મૂળ માલિક હતા સેમ્યુઅલ એવરડેન. અને તેમના નામ પરથી આ કબ્રસ્તાનનું નામ પડ્યું હતું એવરડેન
સેમેટ્રી. સેમ્યુઅલ એવરડેનના આ કબ્રસ્તાનમાં લગભગ
૧૮૪૦માં પહેલીવાર કોઈ ચિર વિદાયે પહોંચી
ગએલા શરીરને દાટવામાં આવ્યું
હતું. તે સમયે આ કબ્રસ્તાનમાં લગભગ ૮૨ પ્લોટ હતા. જેમાંના ઘણાંય ક્યારેય વેચાયા નથી કે ઉપયોગમાં પણ લેવાયા નથી. કહેવાય
છે કે જ્યારે ૧૮૩૪માં જર્મનીથી
આવેલા કેટલાંક મજૂરો અહીં ઈલીન્યોસ અને મિશિગનની કેનાલમાં કામ કરતા હતા ત્યારે આ જગ્યાનો ઉપયોગ તેઓ આરામ કરવા માટે વાપરતા હતા. ત્યારબાદ આ આખુંય મેદાન ૧૯૨૦ થી ૧૯૩૦ના સમયગાળા દરમિયાન શિકાગોમાં થયેલા પારીવારિક હુમલાઓ અને ગુનાહિત કાર્યો કરતા લોકોના મદડાંઓને ડમ્પ કરવા માટે એક ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે વપરાતું.
એવરડેનની આ સેમેટ્રીનું નામ બેચલર્સ ગ્રુવ સેમેટ્રી પડ્યું તેની પાછળનું મૂળ કારણ એ છે કે ઈલીન્યોસ અને મિશિગનની કેનાલ બનાવવા માટે જર્મનીથી જે મજૂરો ત્યાં કામ કરવા આવ્યા હતા તેમાંના મોટા ભાગના મજૂરો અપરિણીત હતા અને એ લોકોનું જ્યારે ત્યાં મૃત્યુ થઈ ગયું ત્યારે એ લોકોને ત્યાંજ દફનાવવામાં આવ્યાં હતાં ત્યારથી આ કબ્રસ્તાનનું નામ
બેચલર્સ ગ્રુવ સેમેટ્રી પડી ગયું. કહેવાય છે કે ૧૮૩૪-૪૦
થી ૧૯૨૦-૩૦ દરમિયાન જર્મનીના એ મજૂરો અને શિકાગોમાં થયેલા પારીવારિક હુમલા અને ગુનાહિત કાર્યોમાં જ્યારે અનેક મોતો થવા માંડી ત્યારે આ લોકોના મૃત શરીરને દફ્નાવવાની જગ્યાએ આ કબ્રસ્તાનમાં જે એક તળાવ છે તેમાં નાખી દેવામાં આવ્યા હતાં. આ વર્ષો દરમિયાન ત્યાં લોક મોતનો આંકડો એટલો મોટો હતો કે દરેક મૃત શરીરને દફનાવવા જેટલી જગ્યા નહોતી, અને લોકોની તૈયારી પણ નહોતી. એક સમયે પરિસ્થિતિ એવી આવી ગઈ કે એ લોકોને દફનાવવા માટે જ્યારે કબર ખોદવામાં આવે ત્યારે તે જમીનમાંથી થોડાં વખત પહેલાંજ દફનાવવામાં આવ્યા હોય તેવા કોઈ શવનું શરીર બહાર નીકળી આવતું
તેથી ત્યાંના લોકો
ત્યારબાદ દરેક મૃત્યુ પામેલા લોકોને એ
તળાવમાં
નાખવા માંડ્યા અને એ રીતે આ તળાવ એક ડેડ બૉડીઝનું ડમ્પિંગ
પોન્ડ જેવું થઈ ગયું.
અલ કૅપોન નામનો તે સમયે આ ઝઘડાઓમાં એક લીડર હતો. કહે છે કે તેના શાગરિતો તેના દરેક
દુશ્મનને મારી નાખી દફનાવવાની જગ્યાએ આ તળાવમાં નાખી દેતા હતા અને આજે બેચલર્સ ગ્રુવ સેમેટ્રી ભૂતિયા હોવા માટેના મુખ્ય કારણ તરીકે આજ કારણને ગણાવવામાં આવે છે. 'ધ વ્હાઈટ લેડી' મિસીસ. રોજર્સ જેને મેડોના ઓફ બેચલર્સ ગ્રુવ સેમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. ફુલ મુન નાઈટના સમયે બેચલર્સ ગ્રુવ સેમેટ્રીમાં ફરતું આ સફેદ કપડાં પહેરેલી સ્ત્રીનું ભૂત વર્ષોથી અહીં રહે છે. કહેવાય છે કે આ મિસીસ. રોજર્સને અહીં એના દીકરાની કબરની બરાબર બાજૂમાં દફનાવવામાં આવી હતી અને ઘણીવાર આ સ્ત્રીનું ભૂત એક બાળકને પોતાના હાથમાં
ઉંચકીને ફરતી આ કબ્રસ્તાનમાં દેખાય છે.
એક વિચિત્ર અને ડરામણું ફાર્મ હાઉસ જે હવામાં તરતું હોય તેવો ભાસ થાય છે. શું ક્યારેય આપણે વાર્તાઓમાં સાંભળ્યું છે કે વિચાર્યું પણ છે કે એક ઘર જેની નજીક જવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ આખુંય ઘર તમને હવામાં તરતું હોય તેવો અહેસાસ થાય ? પણ હા, બેચલર્સ ગ્રુવ સેમેટ્રીમાં એક ફાર્મ હાઉસ છે જે કહે છે કે ભૂતોનું ઘર છે. કહે છે કે આ કબ્રસ્તાન તરફ જવાના રસ્તે આ વ્હાઈટ કલરનું ઘર દેખાય છે અને પછી અચાનક ક્યાંક
હવામાં અદ્રશ્ય થઈ જાય છે. ૧૮૭૦માં એક
ખેડુત એના ઘોડા સાથે આ કબ્રસ્તાન તરફ જઈ રહ્યો હતો. અચાનક એનો ઘોડો પેલા તળાવમાં લપસી પડ્યો અને એ ઘોડાને બચાવવામાં એનો માલિક ખેડુત પણ એ તળાવમાં ગયો. પણ ખબર નહી એ તળાવમાં કોઈ તે લોકોને અંદર ખેંચી રહ્યું હતું કે કોઈ તે લોકોને મારી નાખવા માટેજ એ તળાવ તરફ ધકેલી ગયું હતું પણ એ ખેડુત અને એનો ઘોડો બન્ને ત્યારબાદ એની બહાર ન આવી શક્યા. આ ઘટનાના લગભગ ૧૦૦ વર્ષ પછી પણ કહે છે કે બે શિકારીઓએ આ ખેડુતને એના ઘોડા સાથે એ તળાવની આસ-પાસ અને આ કબ્રસ્તાનમાં ફરતાં જોયા હતા.
ઘણાં લોકોની વાહિયાત લાગે તેવી એક વાત માનીએ તો અહીં આ કબ્રસ્તાનમાં એક બે મોઢાવાળા ભૂતની માનવાકૃતિ દેખાય છે જેના બન્ને મોઢા કાયમ ખુલ્લાં હોય છે અને એનું આ સ્વરૂપનો કોઈકવાર અર્ધપારદર્શક તો કોઈકવાર પડછાયો ફરતો હોય તેવો ભાસ થાય છે. સૌથી કોમન અને સૌથી વધુ જોયેલી ઘટના તરીકે આ સ્થળ પર બ્લૂ લાઈટ ફરતી હોવાની વાત નોંધવામાં આવી છે. અહીં આજૂ-બાજૂમાં રહેતા કેટલાંય લોકોએ આ કબ્રસ્તાનમાં એક બ્લૂ લાઈટ ફરતી જોઈ છે જે ગણતરીની સેકન્ડોમાંજ એક બાસ્કેટ બોલ જેટલી મોટી
થઈ જાય છે અને દર દસથી પંદર સેકન્ડના અંતરાલે આ
લાઈટ ચાલૂ અને બંધ થતી ત્યાંના લોકોએ જોઈ છે. કહે છે કે એક વખત આ ઝળહળ થતી લાઈટનો પીછો કરતા પાંચ યુવાન
મિત્રો એની પાછળ પાછળ ગયા ત્યારે એ લોકોના અચંબા વચ્ચે એ લાઈટનો ગોળો પેલા તળાવની સપાટી પર તરવા માંડ્યો અને થોડી મોનિટો બાદ અચાનક એ ગોળો મોટો થઈ ઝડપથી એ લોકો તરફ આવવા માંડ્યો આખરે એ લોકો ગભરાઈને
પીછો કરી રહેલા એ લાઈટના ગોળાથી દૂર ભાગ્યા અને
પોતાની કારમાં જઈ ઝડપથી કાર બહારની તરફ હંકારી મૂકી.
ગભરાટના માર્યા આવા ઘણાંય લોકો જ્યારે આ બેચલર્સ ગ્રુવ સેમેટ્રીથી ભાગતાં પોતાની કાર ત્યાંના રસ્તા પર હંકારી જતા હોય ત્યારે કહેવાય છે કે આ રસ્તા પર એક ખુબ શાર્પ વળાંક આવે છે અને એ વળાંક પર અચાનક ૧૯૪૦ની કોઈ વિન્ટેજ કાર સામે ઉભેલી દેખાય છે. એ કાર ત્યાં કેમ ઉભી છે અને એ કોની છે એ આજ સુધી કોઈને ખબર નથી. પણ રસ્તાની બરાબર વચ્ચે ઉભેલી એ કાર એ રીતે ઉભી હોય છે કે પેલા ગભરાયેલા લોકોની એ સ્પીડમાં આવતી કારને રોકવી કે કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ જાય. એક ઘડી માટે તો કાર ચાલકને પોતાની મોત
નજર સામે દેખાય જાય છે. પણ અચંબાની વચ્ચે પેલા કારચાલકની કાર પેલી વિન્ટેજ કાર સાથે ઠોકાઈ જવા
છતાં એમાં બેઠેલા એક પણ
માણસને કોઈ ઈજા થતી નથી. અને જ્યારે એ કારમાં બેઠેલા લોકો પાછળ ફરી પેલી
વિન્ટેજ કારને જોઈ છે તો ત્યાં કોઈ કાર ઉભેલી દેખાતી
નથી.
આ તમામ અનુભવો કે ઘટનાઓથી પણ સૌથી વધું જાણીતું એક સ્ત્રીનું ભૂત છે જે બેચલર્સ ગ્રુવ સેમેટ્રીની કબરોના પત્થરો પર બેઠેલી દેખાય છે. આ સ્ત્રીનું ભૂત એક એવું ભૂત છે જે થર્મલ કૅમેરાની ઈમેજમાં પણ કેપ્ચર થયું છે જાણે આ રીતે એ પોતે ત્યાં હોવાની લોકોને સાબિતિ આપતી હોય. શિકાગો સન
ટાઈમ્સ ન્યુઝ પેપરમાં પણ આ
સ્ત્રીભૂતની તસ્વીર છપાઈ હતી.
ગણવા માટે કારણો અનેક છે. કમોત, ખૂન કે વેરભાવથી આચરવામાં આવેલો માનવ સંહારનો સિલસિલો છે. કેટલાંય લોકો પોતાની અધુરી ઈચ્છાઓ લઈને મર્યા હશે કેટલાંય લોકોને બેરહેમીથી મારી નાખવામાં આવ્યા હશે. અને કેટલાંય લોકોએ અમાનવીય કૃત્યો આચર્યા હશે. તે તો કોને ખબર પણ, બેચલર્સ સેમેટ્રી અનેક રહસ્યો, સવાલો, આત્માઓ કે પેરાનોર્મલ શક્તિઓને પોતાનામાં સમાવીને વર્ષોથી એક નિર્જન ભૂતિયા જગ્યા તરીકે કુખ્યાત છે.
3/12/2014 09:28:00 AM |
Category:
"એક સ્થળ ભૂતાવળ",
આર્ટીકલ ; મુંબઈ સમાચાર,
બુધવાર ઈન્ટરવલ પૂર્તિ
|
2
comments
Comments (2)
Good Writing.. !! But want to just comment that have a proof reading done before posting. Very first line is having some grammatical error "જે શબ્દો જે" which makes the reader stick to that and find out what exactly the correct flow of sentence is. Otherwise enjoyed reading it.. !!
Good Writing.. !! But want to just comment that have a proof reading done before posting. Very first line is having some grammatical error "જે શબ્દો જે" which makes the reader stick to that and find out what exactly the correct flow of sentence is. Otherwise enjoyed reading it.. !!