એક ફિલ્મ કેટલા બધા લોકોના નસીબ બદલી નાખી શકે છે, એક ફિલ્મ ન માત્ર હિટ થાય છે પણ એક ટ્રેન્ડ સેટર બની જાય છે. હિન્દી સિનેમાને નવી સુપર ડુપર હિટ હિરોઈન આપે છે એક ફિલ્મ અને હિન્દી સિનેમાને એક ચોકલેટી હીરો પણ આપે છે એક ફિલ્મ. આ બધું જ કહી શકાય ૧૯૭૩ની સુપર હિટ લવ સ્ટોરી 'બોબી' માટે.
એક અદ્‍ભૂત ડાયરેક્ટર જેને માનવામાં આવે છે તેવા હિન્દી સિનેમા જગતના શો મેન રાજ કપૂર ૧૯૭૦માં એક ફિલ્મ લઈને આવ્યા. ફિલ્મ હતી 'મેરા નામ જોકર' આ ફિલ્મ એક મેગા મુવી હતી. ફિલ્મના હીરો હતા ખુદ ગબ્બર રાજ કપુર સાહેબ. મલ્ટિ સ્ટારર એવી આ ફિલ્મ માટે રાજ કપૂરને ખૂબ આશા હતી. તેમણે તેમની જિંદગીની લગભગ બધી કમાણી આ ફિલ્મ બનાવવા માટે ખર્ચી નાખી હતી. પણ જનતા જનાર્દન ખરેખર અનપ્રિડિક્ટેબલ હોય છે. મેરા નામ જોકર પિટાઈ ગઈ. રાજ કપૂરની બધી આશાઓ અને અરમાનો પર ઠંડુ પાણી ફરી વળ્યુ. રાજ સાહેબને સમજાતું નહોતું કે હવે શું કરવું ? તેમની હિંમત મરી પરવારી હતી તેઓ નિરાશ થઈ ગયા. પણ કોઈ એક નિરાશા જ ક્યારેક માણસને એક સફળતા તરફ લઈ જતી હોય છે. રાજ કપુર પાસે એક સ્ટોરીનો પ્લોટ આવ્યો. રાજજીને પ્લોટ ખૂબ ગમી ગયો તેમણે કહ્યું, 'મને સ્ટોરી લાઈન ખૂબ ગમી ગઈ છે પણ ફિલ્મ બનાવવા માટે મારી પાસે પૈસા નથી.' આર.કે સ્ટુડિયોના માલિક આવી વાત કરે તે કઈ રીતે ચાલે. આખરે લાંબો સમય વિચાર કર્યા બાદ રાજ કપુરે નક્કી કરી લીધું કે પોતે  ફિલ્મ બનાવશે. પણ પૈસાનું શું ? રાજ કપુરનો દીકરો રિષી કપૂર હવે મોટો થવા માંડ્યો હતો. રાજ કપૂરે વિચાર્યુ કે રિષીને હીરો તરીકે લઈને જ આ ફિલ્મ બનાવીયે તો કેવું ? ઘરનો જ દીકરો હોવાથી મેઈન લીડ એક્ટરને ચુકવવાના પૈસા પણ બચી જશે. અને ફિલ્મ બોબીને તેનો હીરો મળી ગયો.

બોબી એટલી તરોતાઝા કહાની હતી કે રાજ કપૂરને તેમની આ વાર્તા માટે કોઈ નવો ફ્રેશ ચહેરો જોઈતો હતો, પહેલેથી દર્શકોમાં પોતાની ઈમેજ બનાવી ચૂકેલી કોઈ હિરોઈન પાસે તેમણે આ રૉલ નહોતો કરાવવો. અને તેથી જ શરૂ થઈ બોબી માટે હિરોઈનની શોધ ખોળ. એક પછી એક અનેક છોકરીઓના ઑડિશન લેવાયા. ઑડિશન આપવા આવેલી છોકરીઓની કતારમાં નીતુ સિંગ પણ એક હતી પણ રાજ કપુરને કંઈ જામ્યુ નહીં અને નીતુ સિંગને બોબી માટે રિજેક્ટ કરવામાં આવી. પછી એન્ટ્રી થઈ એક ૧૬ વર્ષની નાજૂક, ભોળા ચહેરાવાળી છોકરીની અને તે છોકરી એટલે બોબીની હિરોઈન અને આપણા બધાની ફેવરિટ ડિમ્પલ કાપડિયા. બોબીનું શૂટિંગ શરૂ થયું પણ રિષી કપૂરની મા નો રૉલ કોણ કરશે તે હજીય નક્કી થવાનું બાકી હતું. તે સમય દરમિયાન રાજ કપૂર ઓફર લઈને સાધનાજી પાસે ગયા. સાધના સમય દરમિયાન પોતાના લીડ એક્ટ્રેસના કરિઅરમાંથી ધીમે ધીમે વિદાય લઈ રહી હતી. તેમણે રિષીની મા નો રૉલ કરવાની ના કહી દીધી. તેમણે કહ્યું કે, 'મારા દર્શકોના દિમાગમાં મારી જે એક હિરોઈન તરીકેની ઈમેજ છે તે ઈમેજ મારે બરકરાર રાખીને જ મારૂં કરિઅર પુરૂં કરવું છે. હું હીરોની મા નો રૉલ કરી તે ઈમેજ તોડવા નથી માંગતી.' અને આખરે સોનિયા સહાનીને રૉલ ઓફર કરવામાં આવ્યો.
હવે નક્કી કરવાનું હતું રિષી બાપનો રૉલ કોણ કરશે. રાજ કપૂરને તેમનો મિત્ર યાદ આવ્યો. રાજ પહોંચી ગયા પ્રાણ સાહેબ પાસે. 'દેખ પ્રાણ મુજે યે ફિલ્મ બનાની હૈ, ઔર મૈં ઉસમે ચીંટૂ કો લોન્ચ કર રહા હૂં. ઔર તુજે ઉસકે બાપ કા રૉલ કરના હૈ, પર યાર તુજે દેને કે લિયે મેરે પાસ પૈસે નહીં હૈ.' પ્રાણ રાજ કપૂરની સામે પોતાની અદ્દલ સ્ટાઈલમાં હસે છે અને ઉભા થઈ ગળે વળગાડતા બોલે છે, 'ઐસા નહીં ચલેગા રાજ સાહબ, મૈં ઈસ રૉલ કે લિયે કમસે કમ એક રૂપિયા તો લૂંગા હી.' અને ખરેખર પ્રાણ સાહેબે બોબી ફિલ્મમાં કામ કરવાની ફી માત્ર એક રૂપિયો જ લીધી હતી. બાકી પ્રેમ નાથ, દૂર્ગા ખોટે અને ગેસ્ટ એપિરીઅન્સમાં અરૂણા ઈરાની, ફરિદા જલાલ વગેરે તો પહેલે થી નક્કી કરી લેવામાં આવ્યા હતા. ફિલ્મની સ્ટાર કાસ્ટ ખૂબ સ્ટ્રોંગ બની હતી. રાજ કપૂર માટે બોબી ડૂબતામાં તરણું સમાન હતી, આ ફિલ્મ પણ ફ્લોપ થઈ જાય તો રાજ કપૂર માટે ખૂબ કપરા દિવસો આવવાના હતા.

બોબી ફિલ્મના ક્લાઈમેક્સના સીનમાં રાજ (રિષી કપૂર) અને બોબી (ડિમ્પલ) બંને આત્મ હત્યા કરવા તૈયાર થાય છે અને નદીમાં કૂદી પડે છે, બંનેને બચાવવા મિ. નાથ (પ્રાણ) અને જૅક બ્રિગેન્ઝા (પ્રેમનાથ) પણ નદીમાં કૂદે છે. જ્યારે  સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તરતા આવડતું હોવા છતાં નદીના જોરદાર પ્રવાહને કારણે પ્રાણ સાહેબ લગભગ ડૂબી  ગયા હતા, આખાય યુનિટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો પણ કોઈક રીતે મહા મહેનતે પ્રાણ સાહેબે એક મોટો પત્થર પકડી લીધો અને તેઓ બચી ગયા. શૂટીંગની વાત નીકળી  છે ત્યારે બીજો પણ એક કિસ્સો મજેદાર છે. રિષી જ્યારે પહેલી વાર ડિમ્પલને તેના ઘરે જોઈ છે ત્યારે ડિમ્પલના કપાળ પર લોટ લાગ્યો હોય છે. કહે છે કે  સીન ખુદ રાજ સાહેબ સાથે બનેલા એક કિસ્સા પરથી લેવામાં આવ્યો હતો. રાજ કપૂર જ્યારે નરગીસને પહેલી વાર મળ્યા હતા ત્યારે નરગીસના કપાળ પર પણ તે જ રીતે લોટ લાગેલો હતો. એક બીજો પણ કિસ્સો યાદ આવે છે રાજ (રિષી કપૂર) જ્યારે હોસ્ટેલથી પોતાને ઘરે પાછો આવે છે ત્યારે એક પાર્ટી રાખવામાં આવી હોય છે અને ત્યાં અરૂણા ઈરાનીએ રિષીના રૂમમાં જવાનું હોય છે. અરૂણા ઈરાની ત્યાં જુએ છે કે રિષીએ હજૂં કપડા પહેર્યા હોતા નથી.  સીન કરતી વખતે અરૂણા ઈરાની ખરેખર ખુબ મુંઝાયેલી હતી, ઓન સ્ક્રીન  રીતે પહેલી વાર કોઈ હીરોને વગર કપડે દેખાડવામાં આવી રહ્યો હતો. તેમણે રાજ કપૂરને વિનંતી કરી કે, કંઈક એવું નહીં થઈ શકે કે હું પહેલા મારો સીન કરી લઉં પછી તમે ચીંટૂનું શૂટીંગ કરી લેજો અને પાછળથી બંને સીન એડિટ કરી લઈએ ? રાજ હસ્યા અને બોલ્યા, જે ગભરાટ અને અચંબો તારા ચહેરા પર છે તે મારે મારા દર્શકોની આંખમાં જોવો છે. માટે ચીંતા નહીં કર અને બિનદાસ્ત ચીંટૂના રૂમમાં ધસી આવ.
પૂનાની ફિલ્મ અને ટેલિવિઝન ઈન્સ્ટીટ્યુટમાં ભણી રહેલો એક બીજો યુવાન પણ હતો જેની જિંદગી ફિલ્મ બોબીએ બદલી નાખી હતી. જેનું નામ છે શૈલેન્દ્ર સિંહ. રાજ કપૂરની નજર શૈલેન્દ્ર સીંઘ પર પડી અને તેમને શૈલેન્દ્રનો અવાજ ગમી ગયો. તેમણે શૈલેન્દ્રને પહેલી વાર ફિલ્મ બોબીમાં ગાવાનો મોકો આપ્યો અને તે ગીત હતું, 'મેં શાયર તો નહીં...' ગીત હીટ થઈ ગયું અને ગીતથી હીરો બનવા માંગતા શૈલેન્દ્ર એક સિંગર તરીકે જાણીતા થઈ ગયા. ત્યાર પછી બોબીના બીજા ગીત પણ શૈલેન્દ્રએ ગાયા પણ ગીત એટલા માટે મહત્વનું છે કે પાર્શ્વ ગાયક તરીકે શૈલેન્દ્ર સિંહનું હિન્દી સિનેમા જગતમાં આ પહેલું ગીત હતું અને સાથે   ગીત દ્વારા બોબી ફિલ્મનું મૂહર્ત પણ થયું હતું. બોબી ફિલ્મનું એક ગીત છે 'ના માંગૂ સોના ચાંદી...' શું તમે યાદ કરી શકો કે  ગીતની ધૂન તમે પહેલા ક્યાં સાંભળી હતી ? આર.કે ફિલ્મસની જ એક ફિલ્મના ગીત પહેલા આ ધૂન વાગી હતી. ગીત હતું, 'દમ ભર જો ઉધર મુંહ ફેરે...' અને ફિલ્મ હતી 'આવારા'. જી હાં, આવારા ફિલ્મના એ ગીત પહેલા બેકગ્રાઉન્ડ સાઉન્ડમાં આ ધૂન વાગે છે અને વર્ષો પછી એજ ધૂન આર.કે ફિલ્મસની જ એક ફિલ્મ બોબીમાં ગીતની ધૂન તરીકે સંભળાય છે.

બોબીના ડાયરેક્ટર હતા રાજ કપૂર, ફિલ્મ પ્રોડ્યુસ પણ તેમણે કરી હતી, એડિટર તરીકે પણ રાજ કપૂર રહ્યા હતા અને પ્રોડક્શન કંપની હતી આર.કે. સ્ટુડિયો એટલું જ નહીં ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટેડ બાય આર.કે ફિલ્મસ ઓનલી. બોબી સુપર ડુપર હીટ નિવડી હતી. ડિમ્પલ પોતાની પહેલી જ ફિલ્મથી રાતો રાત સ્ટાર બની ગઈ. રિષી કપૂર દરેક યુવાન છોકરીઓનું સપનું બની ગયો. બોબી એક એવી ટ્રેન્ડ સેટર ફિલ્મ સાબિત થઈ કે ત્યાર પછી કનસેપ્ટ પર અનેક ફિલ્મો બની અને હીટ પણ થઈ. એટલું નહીં પોતાની પહેલી  ફિલ્મમાં (લીડ એક્ટર તરીકે) રિષી કપૂરને બેસ્ટ એક્ટરનો, ડિમ્પલ કાપડિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો.
આખરી સલામ ; પ્રેમનાથ એક ફિશર મેનની ભૂમિકા ભજવવાના હોય બોબીના શૂટીંગ પહેલા તેઓ એક મહિના સુધી ફિશર મેન સાથે તેમની બોલી, સ્ટાઈલ અને મેનેરિઝમ શીખવા માટે રહ્યા હતા.



Comments (0)