આજે થોડો નવરાશનો સમય હતો અને એટલે નાના બાળકોને અમસ્તાં  રમતા નીહાળવા બેસી રહેવાની ઈચ્છા થઈ આવી. અને અચાનક અમે શું સાંભળીયે છીએ. એક બાળક તેના બીજા મિત્રોને કહે છે, 'એય ચલો ભૂત ભૂત રમીએ.' અને આ વાત સાંભળતાની સાથે અમારા મનમાં એક શહેર વિશેની વાતો, યાદો તાજા થઈ ગઈ. અને તરત અમારૂં મન બાળકોની વચ્ચેથી ફ્લોરિડા પહોંચી ગયુ.
હવે વાત જાણે એમ છે કેદારો કે હું તમને એમ કહું કે અમારૂં મન જે રીતે ફ્લોરિડા પહોંચી ગયું તે રીતે કોઈ આત્મા, કોઈ ભૂત જો કોઈ સ્થળ પર પહોંચી જાય તો ? ધારો કે, અમે તમને એમ કહીએ કે  દુનિયામાં એક એવું સ્થળ પણ છે જ્યાં રહેતા મોટા ભાગના માણસો ભૂતો સાથે વાત કરે છે, તેમને પોતાની ઘરે બોલાવે છે, સવાલો કરે છે, તેના જવાબો પણ મેળવે છે તો ? અને વળી એવું પણ નથી કે જે કોઈ નો આત્મા હોય કે ભૂત હોય તેનું મૃત્યુ ત્યાં નજીકના સ્થળે થયેલું હોય તેમ પણ જરૂરી નથી. ભારતના કોઈ શહેરમાં, કોઈ ગલીમાં, કોઈ ઘરમાં.  કોઈ કોઈ શું કામ ધારો કે તમારા  ઘરમાં મૃત્યુ પામેલા તમારા સ્વજનનો આત્મા કે ભૂત પણ  લોકો બોલાવી શકે છે અને તમારી વાત કરાવી શકે છે તો ? અજીબ જેવી વાતો ને અજીબ જેવા લાગે છે ને બધા સવાલો. એક પ્રકારનું ગાંડપણ લાગતું હશે તમને નહીં ? પણ વાત કોઈ મજાકની નથી. બધી વાતો સો ટકા સાચી વાતો છે. અમેરિકાનું એક રાજ્ય ફ્લોરિડા અને તેની વોલુસિયા કાઉન્ટીમાં એક વસ્તી રહે છે. સ્થળનું નામ છે કાસાડેગા. 
કાસાડેગા એક એવા સ્થળનું નામ છે જ્યાં રહેતા મોટા ભાગના લોકો ભૂતો સાથે વાત કરી શકે છે. કેટલાંય ઘરના લોકો પોતાના ઘરમાં ભૂતો સાથે રહે છે અને આટલું ઓછું હોય તેમ એમને બોલાવે પણ છે. આ સથળ એક મિડિયમ એટલે કે ત્યાં રહેતા લોકો આ દુનિયા અને ભૂતો વચ્ચેના માધ્યમ તરીકે પ્રખ્યાત છે. આથી સ્થળને 'પેરનોર્મલ કેપિટલ ઓફ વર્લ્ડ' તરીકે ઓળખવામાં આવે છે.  
સ્થળ અને તેની સાથે લાગેલા ઉપનામો અને ઓળખ પાછળની મૂળ કહીની કઈંક એવી છે કે, ૧૮૭૫માં જ્યોર્જ પી. કૉલ્બી નામની એક વ્યક્તિ ફ્લોરિડા આવી. જ્યોર્જ કૉલ્બી વર્ષોથી ભારતીય શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી આત્માઓ સાથે વાત કરવાનો અને તેમને બોલાવવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ એક સ્પીરિચ્યુઅલ ગાઈડ તરીકે ન્યુયોર્કમાં કામ કરતા હતા. કહે છે કે સમય દરમિયાન કૉલ્બી એક આત્મા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તે આત્માએ તેમને કહ્યું કે, 'તે ફ્લોરિડા જાય અને ડેયટોન પાસે તેઓ એક સ્પીરિચ્યુઅલ મીડિયમ તરીકે કામ કરે. કૉલ્બી આત્માની વાત માની ફ્લોરિડા અવ્યા અને તેમણે અહીં પોતાની મીડિયમ તરીકેની પ્રવૃત્તિ આગળ વધારી. તેમણે જ આસ્થળને નામ આપ્યું 'કાસાડેગા.' પાછળથી ૧૮૯૪માં તેમના સ્પીરિચ્યુઅલ કેમ્પ મીટીંગ એસોશિયેશને એક વોરંટી ડિડ સહી કરી અને ૩૫ એકરની જમીન મીડિયમ તરીકે કામ કરવા માટેનો અભ્યાસ અને તાલિમ લેવા માટે આવનારા લોકોને માટે ત્યાં કેમ્પ શરૂ કરવામાં આવ્યા. સમય વિતતા તેમાના ઘણાં લોકો ત્યાં જ રહેવા આવી ગયા. અને આજે તમે કાસાડેગામાં એટલે કે કહેવાતા મીડિયમ ટાઉનમાં લટાર મારવા નીકળો તો મોટા ભાગના ઘરની બહાર બોર્ડ લટકતું હોય છે કે, 'મીડિયમ ફોર સ્પીરિટ્સ' અથવા 'રીડિંગ ફોર સ્પીરિટ્સ.'

ત્યાં રહેતા અને આત્માઓ બોલાવવાનું કામ કરતા લોરેન્સ કે જે સર્ટીફાઈડ મીડિયમ છે તે કહે છે કે કાસાડેગાના અનેક ઘરોમાં આત્માઓ રહે છે. અહીં મૃત્યુ પામેલા કેટલાંય જીવ હજી પણ અહીં  ક્યાંક આજૂ-બાજૂમાં ભટકે છે. લોરેન્સ એક સફેદ એક મંઝીલા ઈમારતને દેખાડતા કહે છે કે ઘરમાં અનઈન્વાયટેડ ગેસ્ટ રહે છે, ઘણાં બધા ભૂતો અહીં રહે છે. લોરેન્સ કહે છે કે ક્યારેક ૧૮૦૦ની સાલની આસ-પાસ જીવતી હશે કદાચ, તેવી એક લેડી રોજ હું સૂઈ ગયો હોઉં ત્યારે રાત્રે સફેદ શર્ટમાં આવે છે અને તે કાયમ કહેતી હોય છે મારે કંઈક કહેવું છે. અને હું આંખ ખોલું છું ત્યારે અચાનક તે ક્યાંક ગાયબ થઈ જાય છે. 'બ્રિઘામ હોલ' નામના ઘરમાં એક નહીં પણ અનેક આત્માઓ આજે પણ રહેતા હોવાનું લોકો કહે છે. ત્યારબાદ લોરેન્સ કાસાડેગાના એક મેગ્નેટીક પોન્ડ એટલે કે તળાવ પાસે લઈ જાય છે. કહે છે કે આ તળાવનું પાણી હોલી વોટર એટલે કે પવિત્ર પાણી છે. કહે છે કે કૉલ્બી પોતાના અભ્યાસ અને સાધના માટે આ જ પાણી વાપરતા હતા અને આ પાણી જ અહીં આ સ્થળ પર મુખ્ય સ્ત્રોત છે જે આત્માઓને અહીં બોલાવે છે. ત્યાંના લોકો એમ પણ કહે છે કે કૉલ્બીની જ્યારે મોત થઈ ત્યારે તેમને દફનાવવામાં નહીં પણ અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો અને તેમની રાખને આ જ તળાવમાં વહાવી દેવામાં આવી હતી.

ફ્લોરિડા વિસ્તારમાં જ નહીં પણ ત્યાંથી માઈલો દૂર મૃત્યુ પામેલી આત્માઓ ને પણ અહીં ના મીડિયમ તરીકે કામ કરતા લોકો બોલાવે છે અને તેમની સાથે વાતો કરે છે. એક ખૂબ જાણીતી કહાની કાસાડેગામાં ઘણાં લોકોના મોઢે સાંભળવા મડે છે. કહે છે કે એક વૃધ્ધ મા નો દીકરો તેની સાથે ઝઘડો કરી ઘર છોડી ચાલી ગયો હતો અને ત્યારબાદ તેની મા તેને ખૂબ શોધ્યો છતાં તે મળ્યો નહીં આખરે તેની રાહ જોતા જોતા મા નું મૃત્યુ થઈ ગયું. ત્યાં ના લોકોને આ મા ની હાલત અને પીડાની ખબર હતી આથી તેના મૃત્યુ બાદ લોકોએ તેમની આત્માની બોલાવી તેની સાથે વાત કરવા વિચાર કર્યો, તેમની ઈચ્છા જાણવાના આશયથી તેમની આત્માને તે લોકો એક કમરામાં ભેગા થઈ બોલાવી. તે મા નો આત્મા હજી પણ પોતાના બાળકને શોધી રહે હતી. આખરે લોકોએ પોતાની પેરાનોર્મલ શક્તિઓ અને અભ્યાસ કામે લગાડી મહેનત કરી ત્યારે જાણવા મળ્યું કે તે દીકરાની પણ મોત થઈ ચૂકી હતી અને તે પણ અહીં પોયાની મા ને મળવા આવ્યો હતો પણ તે આવ્યો ત્યાંસુધીમાં તેની મા ને મોત થઈ ચૂકી હતી.

આપણે ત્યાં જે રીતે રસ્તા પર સાઈન બોર્ડ લગાડવામાં અવ્યા હોય છે કે, 'ગાડી ધીમે હાંકો આગળ સ્કુલ છે.' અથવા 'બમ્પ અહેડ' તે રીતે કાસાડેગા વિસ્તારમાં તમે એન્ટર થાવ તો તમને બોર્ડ જોવા મળે છે કે, 'કોશન- સ્પીરિટ્સ ક્રોસિંગ અહેડ' 'સાવચેત આગળ આત્માઓ રોડ ક્રોસ કરે છે' પ્રકારના બોર્ડ જોઈને જ તમારૂં મન કદાચ એક ધડકન ચૂકી જાય કે ક્યાં છે ? ક્યાં છે આત્મા ? કાસાડેગામાં રહેતા કોઈ યુવાનથી લઈને આધેડ વયના દરેક માને છે કે જે દુનિયામાં આપણે જીવીએ છીએ તે દુનિયા સિવાયની પણ એક દુનિયા છે અને તે છે આત્માઓ ની દુન્યા. તેઓ કહે છે કે અમે એવા આત્માને બોલવાનો, પોતાની વાત કહેવાનો મોકો આપીએ છીએ કે જે પોતાની જિંદગી દરમિયાન પોતાની સ્ટ્રગલ, પોતાની મુશ્કેલીઓ, પોતાની અધુરી ઈચ્છાઓ વિશે કહી નથી શક્યા અને આજે પણ તેને કારણે ક્યાંક અટવાતા રહે છે. કહે છે કે કૉલ્બી મર્યા ત્યારે અહીં રહેતા લોકોને કહી ગયા હતા કે જ્યારે જ્યારે તે લોકો કોઈ આત્માને બોલાવવાનો તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે ત્યારે તે પોતે ત્યાં આવી તે આત્માને બોલાવવામાં તેમની મદદ કરશે અને આત્માઓને બોલાવશે.

કહે છે કે કૉલ્બી તેમની આસ-પાસ આત્માઓના કંપન, તેમની અરોમા, તેમની હાજરી મહેસૂસ કરી શકતા હતા અને કોઈ જીવિત વ્યક્તિ  તેમની સાથે બેઠી હોય તે રીતે તેમને જોઈ શકતા હતા અને વાત કરી શકતા હતા. વિચાર કરો, અંદાજ માંડો કે તમે એક એવા શહેર કે એવા સ્થળે જઈ પહોંચો છો જ્યાં તમારી સાથે બરાબર બાજૂમાં કોઈ ભૂત કે કોઈ આત્મા ચાલી રહી હોય અને તમને ખબર પણ ન હોય તો બે ઘડી માતે તમારા કેવા હાલ હવાલ થઈ જાય. પેલા બાળકો ભૂત ભૂત રમવાની વાત કરતા હતા તે સાંભળી તે રમતને તમે જેટલી હળવી કે જેટલી સાહજિક રીતે લઈ લો તેટલી તમારી બાજૂમાં આવી ને બેસતા સાચા ભૂતની વાત તમે સાહજિકતાથી લઈ શકો ખરાં ? તમારે હિંમતને ચકાસવા અને તમારા જવાબને તૈયાર કરવા માટે તમારે એક વાર આ કાસાડેગા જઈ આવવુ પડે એવું દિમાગમાં આવતું હોય તો જો જો, આત્માઓ બધા સાથે સારી રીતે વર્તે એવું જરૂરી નથી  વાત ખાસ ધ્યાનમાં રાખજો.






Comments (0)