ધારો કે, તમારા મનગમતા સાથી સાથે, મનગમતા દિવસે, એકદમ સરસ મૂડમાં તમે કોઈ રૅસ્ટારાંમાં લંચ કે ડિનર માટે જાવ, સરસ મજાનું મેનુ ઓર્ડર કરો અને અચાનક તમને ખબર પડે કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી સાથે કે તમારી આસ-પાસ કોઈ ભૂત બેઠું છે તો ? અચ્છા ચાલો છેક એવું નહીં થાય પણ ધારો કે, તમે તે રૅસ્ટારાંના મેનુમાંથી બેસ્ટ આઈટમ મંગાવવાનો વિચાર કરતા હોય અને ઓર્ડર લેવા માટે આવેલો માણસ ખરેખર જીવિત વ્યક્તિ છે કે કોઈ ભૂત એની તમને ખબર હોય તો ? ભૂખ, મૂડ અને મેનુ બધુ સાઈડ પર રહી જાય. ખરૂં ને ? અજીબ જેવી લાગે વાતો પણ જો તમને એમ કહેવામાં આવે કે કોઈ મનઘડંત કહાની નથી, તમને ખાલી ખોટા ગભરાવવા માટે કરવામાં આવેલી કોઈ કલ્પના પણ નથી પણ એક સાચી હકીકત છે તો ?

જો અને તોની કંટાળાજનક વાતો ઘણી થઈ ગઈ નહીં ? હવે મૂળ મુદ્દા પર આવીએ. યસ, જી હાં, બધા ફિલ્મી લાગતા સવાલો ખરેખર સાચા છે. અને સવાલો પાછળની સાચી કહાનીનું ઉદ્‍ભવ સ્થાન છે બ્રિટીશ કોલમ્બિયા, કૅનેડાનું ગેસટાઉન. વૈંકૂવરની એક રૅસ્ટારાં ' ઓલ્ડ સ્પેગેટી ફેક્ટરી.' અદ્‍ભૂત રીતે આકર્ષક વસ્તુની સજાવટ દ્વારા બનાવવામાં આવેલી રૅસ્ટારાં ખરેખર બેનમૂન લાગે. પણ ભવ્ય સજાવટવાળી રૅસ્ટારાં માટે લોકો કહે છે કે અહીં ભૂત રહે છે. ' ઓલ્ડ સ્પેગેટી ફેક્ટરી' ૧૯૭૦માં શરૂ કરવામાં આવી હતી. લગભગ એક વર્શ જેટલો સમય આ આખીય રૅસ્ટારાંને તેનું અદ્‍ભૂત રૂપ આપવામાં ગયો હતો. ઓલ્ડ સ્પેગેટી ફેક્ટરી જે જગ્યા પર આજે ઊભી છે ત્યાં કહેવાય છે કે પહેલા ડબલ્યુ. એચ. મલકિન નામની હોલસેલ ગ્રોસરીની કંપની હતી.  રૅસ્ટારાં ખૂબ જ સુંદર રીતે રસ પૂર્વક એક એક જૂની એન્ટીક વસ્તુઓ ભેગી કરી તેને કલાત્મક રીતે ગોઠવી આકર્ષક બનાવવામાં આવી છે. જેથી ત્યાં ખાવા માટે આવનારને લંચ કે ડિનરની સાથે એક નવી જગ્યાએ આવ્યાનો અહેસાસ થાય. એક એક વસ્તુઓ એટલી અદ્‍ભૂત રીતે ગોઠવવામાં આવી છે કે રૅસ્ટારાંમાં પ્રવેશતાની સાથે સૌથી પહેલા તમને આખીય રૅસ્ટારાંમાં એક આંટો મારી આવવાની ઈચ્છા થઈ આવે.

વાત કંઈક એવી છે કે ઓલ્ડ સ્પેગેટી રૅસ્ટારાંમાં એક જૂની ટ્રામ ટ્રેનની બોગીને ડાઈનિંગ ટેબલ તરીકે સજાવવામાં આવી છે. મતલબ કે તમે ત્યાં ખાવામાટે જાવ ત્યારે તમારે કોઈ ટ્રેનમાં જતા હોય તેમ એ બોગીમાં અંદર જવું પડે ત્યાં સરસ મજાનું ટેબલ સજાવેલું હોય, તમને એવો અહેસાસ થાય કે જાણે તમે કોઈ સરસ મજાની સજાવેલી ટ્રેનમાં તમારૂં લંચ કે ડિનર લઈ રહ્યા છો. ૧૯૫૦ની આસ-પાસના વર્ષોમાં બ્રિટીશ કોલ્મબિયા ઈલેક્ટ્રીક રેલ્વેમાં વપરાતી ટ્રામ ટ્રેનની બોગીઓમાં એક બોગી કે જે બોગી નંબર ૫૩ તરીકે ઓળખવામાં આવે છે તે ત્યાં રાખવામાં આવી છે. આશરે ૧૯૦૪ની આસ-પાસના વર્ષોમાં આ ઈલેક્ટ્રીક ટ્રેનની બોગીઓ બનાવવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષો સુધી વૈંકૂવરમાં ટ્રામ ટ્રેન ચાલતી હતી. પણ ત્યારબાદ ૧૯૫૭માં ઈલેક્ટ્રીક અને ડિઝલ બસ આવી ગઈ અને ટ્રામ ટ્રેન બંધ કરી નાખવામાં આવી. અને બંધ થઈ ગયેલી ટ્રામની જાણે યાદગીરી અહીં રૅસ્ટારાંમાં રાખવામાં આવી હોય તે રીતે તે બોગીને સજાવીને ડાઈનિગ ટેબલ તરીકે વાપરવામાં આવે છે. ૧૯૬૯માં જ્યારે ઓલ્ડ સ્પેગેટી રૅસ્ટારાં બનાવવામાં આવી રહી હતી ત્યારે તેના માલિકો તેને એક થીમ રૅસ્ટારાં તરીકેની અલગ ઓળખ આપવા માંગતા હતા અને તેથી તેમણે અલગ અલગ એન્ટીક વસ્તુઓ ભેગી કરવા માંડી જેમાં ટ્રામ ટ્રેનની ટ્રોલી પણ તે સમયે રૅસ્ટારાંમાં લાવવામાં આવી. પણ ટ્રામની ટ્રોલી રૅસ્ટારાંમાં એકલી નહોતી આવી, તે પોતાની સાથે એક ભૂતને પણ લેતી આવી હતી. કહે છે કે તે ઓલ્ડ સ્પેગેટી રૅસ્ટારાં જ્યાં બની છે તેની આસ-પાસના વિસ્તારમાં જ ક્યાંક આ ટ્રામને અકસ્માત નડ્યો હતો અને તે સમયે બોગી નંબર ૫૩માં કંડક્ટર બેઠો હતો જેની તે અકસ્માતમાં મોત થઈ ગઈ હતી. આજે લોકોનું માનવુ છે કે તે  કંડક્ટરનું ભૂત આ ટ્રોલીમાં હજી પણ રહે છે. કેટલાંય લોકોએ એક માણસને ત્યાં ફરતા, તે બોગીમાં આંટા મારતા કે ખૂણામાં બેઠેલો જોયો છે. ત્યાંનો સ્ટાફ તો ત્યાંસુધીની વાતો જણાવે છે કે જ્યારે રૅસ્ટારાં બંધ હોય ત્યારે કંડક્ટરનું ભૂત ચમચી, કાંટાઓ, રૅસ્ટારાંની પ્લેટ્સ વગેરે પોતાના સ્થાને ગોઠવવા, ટેબલ ક્લોથ સરખા કરવા વગેરે કામો પણ કરે છે. અને જ્યારે કોઈક તેની ગોઠવેલી વસ્તુઓ અસ્ત વ્યસ્ત કરી નાખે છે ત્યારે ટેબલ પર હાથ પણ પછાડે છે. મહત્વની વાત  છે કે ટ્રોલીમાં દેખાતી માનવાકૃતિ તે જમાનામાં ચાલતી ટ્રામના કંડક્ટરનો યુનિફોર્મ પહેરેલી દેખાઈ છે.
સિવાય ત્યાં એક બીજી આત્માની પણ લોકોએ છાંયા જોઈ છે. કહે છે આ આત્મા કોઈ નાના તોફાની બાળકની આત્મા છે. ખૂબ જ વિચિત્ર મોઢું અને લાલ વાળવાળી આ આત્માને રૅસ્ટારાંના મુલાકાતીઓ અને સ્ટાફ 'લીટલ રેડ મેન' તરીકે ઓળખે છે. કહે છે કે લીટલ મેન ત્યાંના સ્ટાફ મેમ્બર્સને નામથી બોલાવે છે તો વળી એ લોકો સાથે રૅસ્ટારાંના કીચનની અંદર સુધ્ધા જાય છે. કહે છે કે લેડીઝ વોશ રૂમની આસ-પાસ  લીટલ રેડ મેન ઘણી સ્ત્રીઓને પરેશાન કરતો હોય છે. કોઈક વાર કોઇક સ્ત્રી વોશ રૂમમાંથી બહાર આવે ત્યારે દરવાજા પાસે આ રેડ મેન એટલી વિચિત્ર આકૃતિઓ રચતો હોય છે કે ઘણીવાર મહિલાની આ આકૃતિ જોયા બાદ ગભરાટને કારણે તબિયત બગડી જતી હોય છે અને તે મહિલા ત્યારબાદ તરત રૅસ્ટારાં છોડી જવા માટે ઉતાવળ કરે છે. આજ સુધી અનેકવાર એ જાણવાના પ્રયત્નો થઈ ચૂક્યા છે કે ખરેખર આ લીટલ રેડ મેન કોણ છે અથવા તે કોનું ભૂત છે પણ આજ સુધી કોઈ તેની પાછળનો સાચો ઈતિહાસ જાણી શક્યું નથી. પણ પેરાનોર્મલ રિસર્ચ કરનારા કહે છે કે તે એક ડેવિલની આત્મા છે અને તે અશાંત છે.

 સિવાય વર્ષ ૨૦૧૨માં એક તદ્દન નવી  ઘટના બની તે રૅસ્ટારાંમાં કામ કારતી એક લેડી આખા દિવસના કામથી થાકી એક ટેબલ પાસે થોડોવાર આરામ કરવાના આશયથી બેઠી હતી. મોડી રાત થઈ ચૂકી હતી અને રૅસ્ટારાં બંધ થઈ જવાને કારણે ત્યાં સફાઈના સ્ટાફ સિવાય કોઈ હતું નહીં અચાનક તે લેડીની પાછળથી એક યુવાન આકૃતિ દોડી ગઈ હોય તેમ તેને લાગ્યું, તે કૂતુહલવશ તે આકૃતિની પાછળ દોડી. અચાનક તે યુવાન એક ટેબલની નીચે સંતાઈ ગયો અને પેલી લેડીએ જ્યારે નીચે વળી તે ટેબલની નીચે જોયું ત્યારે ખબર નહીં પેલી યુવાન માનવાકૃતિની આંખમાં તેણે શું જોયું પણ લેડી અચાનક જ ખૂબ ગભરાઈ ગઈ અને ત્યાંથી તરત ભાગી તે મેનેજર પાસે આવી. જેમ તેમ મહાપ્રયત્ને મેનેજરે જ્યારે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે લથડતી જીભે આખી વાત મેનેજરને કહી સંભળાવી અને તરત બોલી કે, 'મારાથી અહીં કામ નહીં થઈ શકે.' અને તે લેડી જોબ છોડી ચાલી ગઈ.
આ ઘટનાબાદ એક પેરાનોર્મલ રિસર્ચરને બોલાવવામાં આવ્યો તેણે આખા રૅસ્ટારાંમાં ફરી ત્યાં સ્ટડી કરી ત્યારે તેણે કહ્યું કે લીટલ રેડ મેન એ એડવર્ડનું ભૂત છે અને તેને  રૅસ્ટારાંની પાછળના હિસ્સામાં વર્ષો પહેલા મારી નાખવામાં આવ્યો હતો. અને તેનું ભૂત આજે પણ રૅસ્ટારાંમાં ફરતું રહીને લોકોને હેરાન કરે છે. કેટલાંક વળી એમ પણ કહે છે કે રૅસ્ટારાંની પાછળના હિસ્સામાં પૃથ્વીનો મેગ્નેટીક પાવર છે જે આવી આત્માઓને ત્યાં ખેંચી લાવે છે અને આથી  રૅસ્ટારાંની પાછળના ભાગનો દરવાજો જ્યારે ખૂલે છે અને બંધ થાય છે ત્યારે આત્માઓ રૅસ્ટારાંમાં પ્રવેશે છે.
આ સિવાય અનેકવાર રૅસ્ટારાંમાં પડેલા ચમચી અને કાંટા આપમેળે ગમે તેમ વળી જતા લોકોએ જોયા છે તો વળી ક્યારેક ગુસ્સે ભરાયેલી આત્માઓ પ્લેટ્સ તોડી નાખે તેવા પણ કિસ્સા બન્યા છે. આખીય વાતમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલી કાલ્પનિક વાતો છે તે ચકાસવા માટે તો તમારે બહાદૂર બની એકવાર 'ધ ઓલ્ડ સ્પેગેટી રૅસ્ટારાંમાં જ જવું પડે. પણ એક વાત ચોક્ક્સ કે ત્યાં જ્યારે પણ જાવ ત્યારે તમે જેને ઓર્ડર આપો છો તે આ રૅસ્ટારાંનાં જ સ્ટાફનો માણસ છે ને તે ચકાસી લેવું બહેતર રહેશે અને સાથે સાથે એ પણ જોઈ લેવું રહ્યું કે તમે જ્યાં જમવા બેઠાં છો ત્યાં તમારી સાથે આવેલા તમારા મિત્રો કે સ્નેહીઓ જ છે કે કોઈ પણ બીજૂં પણ મોજૂદ છે. નહીં તો મોઢાંમાં મૂકેલુ સ્વાદિસ્ટ ભોજન મોઢાં જ રહી જાય અને તમારી આંખ કોઈ પડછાયો જોઈ પહોડી જાય એવું બની શકે.


Comments (0)