૨૬મી સપ્ટેમ્બર ૧૯૨૩ના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબના ગુરૂદાસપુરમાં જન્મેલો 'ચીરૂ'. એટલે ધરમ દેવદત્ત કિશોરીમલ આનંદ એટલે કે આપણા લિજેન્ડરી સુપર સ્ટાર દેવ આનંદ. 'મેં ઝિંન્દગી કા સાથ નિભાતા ચલા ગયા...' આ ગીત ન માત્ર તેમના પર ફિલ્માવામાં આવ્યું'તુ પણ દેવ ખરેખર જીવ્યા પણ એ જ રીતે હતા. તેઓ જીવ્યા ત્યાં સુધી સાચા અર્થમાં એક સ્ટાર તરીકે જ જીવ્યા. દેવ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અને તેમના ચાહકો હંમેશા કહેતા કે, 'એક ઐસા સ્ટાર જીસકો બુઢાપા નહીં આતા અથવા એક એવો સ્ટાર જે ક્યારેય ઘરડો નથી થતો.' જી હાં, અને તે છે દેવ આનંદ.
તે સમયના પ્રખ્યાત વકીલ કિશોરીમલ આનંદને પાંચ સંતાનો હતા, દેવના ત્રણ ભાઈ મનમોહન, ચેતન અને વિજય અને એક બહેન શીલા કાન્તા કપુર કે જે શેખર કપુરના મમ્મી છે. ડેલહાઉસીની સ્કુલમાં મેટ્રીક સુધીનું ભણતર પતાવી દેવે ધરમશાલાની કોલેજમાં ઍડમિશન લીધું અને ત્યાંથી ગયા લાહોર. અને લાહોરથથી તેમણે ઈંગ્લીશ લિટરેચરમાં બી.એ.ની ડિગ્રી મેળવી.
બી.એ.ની ડિગ્રી મેળવી દેવ સાહેબે પોતાનું વતન છોડી મુંબઈને પોતાની કર્મ ભૂમિ બનાવવાનું નક્કી કર્યું. અને તેઓ આવી ગયા મુંબઈ. પણ તે સમયમાં પણ એવું નહોતું જ કે કોઈ યુવાન વતન છોડી ફિલ્મોમાં હિરો બનવા માટે મુંબઈ આવી ચઢે અને તેને ફિલ્મોમાં કામ મળી જાય. દેવ સાહેબે પણ ફિલ્મોમાં કામ મેળવવા માટે હજૂ કપરા ચઢાણ ચઢવાના હતા. મુંબઈ એક્ટર બનવા માટે આવ્યા પણ પેટની ભુખ ભાંગવા તેમણે મિલટરીની સેન્સર ઓફિસમાં નોકરી સ્વીકારી લેવી પડી. જ્યાં તેમને ૧૬૦ રૂપિયા પગાર તરીકે મળતા. ત્યારબાદ એક ઓફિસના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં પણ તેમણે ક્લાર્ક તરીકે પણ નોકરી કરી જ્યાં તેમને પગાર પેટે માત્ર ૮૫ રૂપિયા મળતા હતા. પાછળથી તેઓ તેમના મોટા ભાઈ ચેતન આનંદ સાથે ઈન્ડિયન પીપલ થિયેટર એસોશિયેશનમાં જોડાયા અને ફિલ્મ અછૂત કન્યામાં અશોક કુમારને એક્ટિંગ કરતા જોઈ તેઓ સ્ટેજ પર પર્ફોમ કરવા માટે ઈનસ્પાયર્ડ થયાં. અને અચાનક એક દિવસ બાબુરાવ પાઈ નામની એક વ્યક્તિ દેવને જુએ છે અને બસ જોતાં જ રહી જાય છે. દેવ સાહેબ ખુદ એ સમયને યાદ કરતા કહે છે, 'તેમણે મારી તરફ જોયું અને બસ જોયા જ કર્યું, તેઓ કહેતા હતા કે આ છોકરાની બ્યુટીફુલ સ્માઈલ અને આકર્ષક આંખો મને ખૂબ ગમી ગઈ છે. મેં નક્કી કરી લીધું છે કે આ છોકરાને એક બ્રેક મળવો જોઈએ. પાછળથી તેમની ફિલ્મ 'હમ એક હૈ' માં લીડ રોલમાં આ છોકરો જોવા મળે છે અને ચીરૂ, ધરમ દેવદત્ત બની જાય છે એક્ટર દેવ આનંદ. અને આ બાબુરાવ પાઈ એટલે પ્રભાત ફિલ્મસના માલિક. દેવ આનંદની પહેલી એક્ટીંગ જોબ હતી પ્રભાત ફિલ્મ કંપનીમાં, જ્યાં તેમને મહિનાના ૪૦૦ રૂપિયા પગાર તરીકે ચૂકવવામાં આવતા હતા.
પણ આ લખવામાં અને વાંચવામાં જેટલું આસાન લાગી રહ્યું છે ખરેખર આ સ્ટારની સ્ટાર બનવા પહેલાંની સફર એટલી આસાન નહોતી. અહીં દેવ સાહેબના જીવનનો એ તબક્કો યાદ આવે છે જ્યારે દેવ સાહેબ મુંબઈમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ સ્ટ્રગલ કરી રહ્યા હતા. આ એ સમયની વાત છે કે જ્યારે દેવ આનંદ હજૂ સ્ટાર નહોતા બન્યા અને એક્ટર બનવા માટે આ તેમનો સ્ટ્રગલનો સમય હતો. આવી પરિસ્થિતિમાં એક સમય એવો આવ્યો કે જ્યારે દેવ આનંદના ગજવામાં છેલ્લો એક સિક્કો બચ્યો હતો અને જ્યારે એ બસમાં ચઢ્યા ત્યારે એ સિક્કો પણ ખર્ચ થઈ ગયો. તેઓ વિચારતા હતા કે હવે શું કરવું, ખાવા માટે પણ તેમની પાસે પૈસા નહોતા બચ્યા, દેવ વિચારતા હતા કે હું કેટલો વધુ સમય ભુખ્યો રહી શકું છું. આવી પરિસ્થિતિમાં શું કરવું અને શું નહીં નો વિચાર તેમના દિમાગમાં ચાલી રહ્યો હતો એ જ ઘડીએ તેમની પાસે એક માણસ આવ્યો અને તેમને પૂંછ્યુ કે તમારી બેગમાં શું છે. દેવ આનંદે એ માણસની સામે પોતાની બેગ ખુલ્લી મૂકી દીધી જેમાં અનેક અલગ અલગ પોસ્ટલ સ્ટેમપ્સ હતી. જે દેવ આનંદે બાળપણથી એક એક કરીને જમા કરી હતી. અલગ અલગ દેશની પોસ્ટલ સ્ટેમ્પ ભેગી કરવી એ દેવ સાહેબનું પેશન હતું, જૂનુન હતું. પણ જીવનના એ કપરા સમયમાં માત્ર ત્રીસ રૂપિયા માટે તેમણે એ બાળપણથી ભેગી કરેલી પોસ્ટલ ટીકીટો વેચી નાખી, કારણ કે તે સમયે તેમની પાસે ખાવાના પણ પૈસા નહોતા બચ્યા. પણ ત્યારે આ સુપર સ્ટારને ક્યાં ખબર હતી કે એક જમાનામાં તેમના જ નામની પોસ્ટલ સ્ટેમ્પ છપાશે. પણ ટીકીટનો એ ખજાનો વેચી દેવ સાહેબે જિંદગી કમાઈ લીધી. એ ત્રીસ રૂપિયામાં વેચેલી પોતાની મહામૂલી મિલકત એવી ટીકીટ્સ વેચ્યા બાદ દેવ સાહેબે પાછા વળીને નહોતું જોયું.
આવા આપણા આ સુપર સ્ટારનો એક બાળપણનો કિસ્સો પણ મજેદાર છે. દેવ સાહેબને બાળપણમાં અમૃતસરમાં એક શરબત વેચવાવાળાએ કહ્યું હતું કે, 'ઓ ભાઈ તેરે મથ્થે પર તો સૂરજ હૈ, દેખના એક દિન તુ બહોત બડા આદમી બનેગા.' અને તમને એ જાણીને નવાઈ લાગશે કે દેવ સાહેબ એક મેગા સ્ટાર બની ગયા પછી પણ લાંબા સમય સુધી પેલા શરબતવાળાને શોધતા રહ્યા હતા કે કદાચ ક્યાંકથી તેનો પત્તો મળી જાય તો પોતે તેની ખાતિરદારી કરી શકે.
આવા માથે સૂરજ વાળા દેવ આનંદ ધ સુપર સ્ટારનું ફેન ફોલોઈંગ એટલી હદ સુધીનું હતું કે તેમના કેટલાંય ચાહકોને ગાંડપણની હદ સુધીની ચાહતમાં ગણાવવા પડે. દેવ સાહેબનો તે સમય એવો સમય હતો કે દેવ સાહેબને બ્લેક કોટ પહેરી બહાર નહીં નીકળવાની વિનંતી કરવામાં આવતી હતી. કારણ કે જ્યારે દેવ આનંદ બ્લેક કોટ પહેરી બહાર નીકળતા ત્યારે યુવાન છોકરીઓ તેમને જોઈ બેહોશ થઈ જતી હતી. પોતાના આવા ફેન્સ અને આશિક ધરાવતા દેવની કોઈ પ્રેમ કહાણી ન હોય તે કેવી રીતે શક્ય છે ? દેવ સાહેબના કલ્પના કાર્તિક સાથે લગ્ન થયા તે પહેલાં આપણા આ ગાઈડ સુરૈયાના પ્રેમમાં હતા. અને ફિલ્મ જીતના સેટ પર તેમણે સુરૈયાજીને ૩૦૦૦ રૂપિયાની ડાયમન્ડ રીંગ ભેટ આપતા લગ્ન માટે પ્રપોઝ પણ કરી નાખ્યું હતું. પણ સુરૈયાના માતા-પિતાને એ પસંદ નહોતું કે પોતાની દીકરીનો કોઈ હિન્દુ પ્રેમી હોય આથી તેમનો એ પ્રેમ સંબંધ લગ્ન સુધી પહોંચી ન શક્યો.
તો વળી ઓન સ્ક્રીન તેમની વહિદા રહેમાન સાથે કેમેસ્ટ્રી ખૂબ સારી હતી બંને એ સાથે સાત ફિલ્મો કરી હતી. આ સિવાય તેમની ખૂબ સારી ટીમ તરીકે ગણાવી શકાય તેવા બીજા પણ કેટલાંક દિગ્ગજોનું તેમની સાથે ખૂબ સારૂં જામતું હતું. જેમાં લિજેન્ડરી મ્યુઝીક ડાયરેક્ટર એસ.ડી. બર્મનદાનું નામ સૌથી પહેલા લેવું પડે. લોકો કહેતા કે બર્મનદા અને દેવ સાહેબ એક સૂર અને તાલ જેવા મિત્રો છે. એક સમય હતો જ્યારે રફી સાહેબનો અવાજ દેવ આનંદ સાથે ઓન સ્ક્રીન બખુબી મેચ થતો હતો પછી દેવ સાહેબ સાથે આવ્યા કિશોરદા, બંનેની મિત્રતા જામી ગઈ અને દેવ આનંદને નવો અવાજ મળ્યો કિશોર કુમાર. કિશોરદાએ દેવ આનંદ માટે ગાયેલા કેટલાંય ગીતો આજે પણ એટલાં જ હિટ છે. આ સિવાય દેવની એક બીજા લિજેન્ડરી સ્ટાર સાથે પણ અનોખી દોસ્તી હતી અને તે છે સુપર સ્ટાર, સુપર ડાયરેક્ટર ગુરૂદત્ત. દેવ અને ગુરૂદત્તની દોસ્તી આખીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી હતી. તેમની આ દોસ્તી એટલી ગહેરી હતી કે બંને વચ્ચે બોન્ડ થયો હતો કે જો દેવ આનંદ ફિલ્મ પ્રોડ્યુસ કરશે તો ગુરૂદત્ત તે ફિલ્મનું દિગ્દર્શન કરશે
અને જો ગુરૂદત્ત ફિલ્મ બનાવશે તો દેવ
આનંદ
તેમાં એકટિંગ કરશે.
પાછળથી દેવ આનંદે એક કંપની પણ બનાવી હતી નવકેતન. અને પછી નક્કી કર્યું કે હવેથી નવકેતન ફિલ્મો પણ બનાવશે. તેમના આ સાહસમાં તેમની સાથે જોડાયા તેમના બે ભાઈ વિજય આનંદ અને ચેતન આનંદ. તેમના આ જ સાહસ
દરમિયાન
દેવ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા ટેલેન્ટ શોધી લાવવામાં અને તેમને ચાન્સ આપવા માટે પણ મશહૂર થઈ ગયા. હિન્દી સિનેમાને મળેલી બે ખુબસૂરત હીરોઈન ઝીન્નત અમાન અને ટીના મુનીમ એ દેવ સાહેબની જ શોધ હતી એમ કહી શકાય.
દેવ આનંદને જ્યારે કોઈ પૂછતું કે, 'દેવ તમારી જિંદગીની ફિલોસોફી શું છે ?' ત્યારે તેઓ હસીને કહેતા, 'મેં ઝિન્દગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા.' યાદ છે ફરાહખાનની ફિલ્મ ઓહ્મ શાંતિ ઓહ્મ ? આ ફિલ્મના એક ગીતમાં ફરાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સને લઈ આવે છે અને ઘણાંય કલાકારોએ ફરાહની ફિલ્મના એ ગીતમાં ગેસ્ટ એપીરિઅન્સ આપ્યો હતો. પણ આ ગીત બનાવવા પહેલાં ફરાહ જ્યારે દેવ સાહેબ પાસે ગઈ અને તેમને ગેસ્ટ એપીરિઅન્સ આપવા માટે ફરાહે વિનંતી કરી ત્યારે આપણાં આ હિરોએ ધરાર ના કહી દીધી અને કહ્યુ કે, 'મેં ફિલ્મો મે સિર્ફ લીડ રોલ કરતા હું.' આવા લિજેન્ડરી સુપર સ્ટારની આ ૨૬મી સપ્ટેમ્બરે ૯૧મી વર્ષગાંઠ છે. તેમને એડવાન્સમાં હેપ્પી બર્થ ડે. દેવ આપ
હમારે દિલ મેં હમેંશા જીન્દા રહોગે.
લાસ્ટ કટ ; દેવ સાહેબનું નીક
નેઈમ હતું ચીરૂં.
9/12/2014 10:27:00 AM |
Category:
Gujarat Guardian News Paper - 12.09.2014 / FriDay Supplement.
|
0
comments
Comments (0)