એક એવો કલાકાર જેણે હિન્દી સિનેમા જગતમાં મ્યુઝિકની, ગીતોની અને સ્ટાઈલની વ્યાખ્યા બદલી નાખી, રૂપ બદલી નાખ્યુ અને સૌને એક નવા રૂપને જોતા, ચાહતા, માણતા અને ગૂનગુનાવતા કરી નાખ્યા. અમર ગીતો આપ્યા, અમર અને અનોખી સ્ટાઈલ આપી, કમ્પોઝિશન આપ્યા અને કેટલાંક ફિલ્મ હિરો એવા પણ છે કે હતા જેમને  ગાયકના ગીતોએ સ્ટાર બનાવી દીધા. યસઆટલી બધી પ્રસ્તાવના એક જેન્યુઈન મેગાસ્ટાર માટે જ હોઈ શકે અને તે છે લીજેન્ડરી સિંગર, કમ્પોઝર, રાઈટર, એક્ટર શ્રી આભાસ કુમાર. અરે, અરે અચંબિત થવાની જરૂર નથી.આપણે આપણા પ્યારા ગાયક કિશોર કુમારની જ વાત કરી રહ્યા છીએ.
૧૯૨૯ની સાલના ઓગસ્ટ મહિનાની ચોથી તારીખે મધ્યપ્રદેશના ખંડવા જીલ્લામાં આપણો સિતારો જન્મયો. (જબ હમ પૈદા હુએ થે તબ રોયે નહીં, બલ્કે ગાના ગાયા થા.) બંગાળી પરિવારમાં જન્મેલા છોકરાનું મૂળ નામ હતું આભાસ. ખંડવામાં તે વખતના પ્રખ્યાત અને મોટા વકીલ એવા કુંજલાલ ગાંગુલીને ત્યાં જન્મેલો આભાસ સૌથી નાનો દીકરો. મોટો ભાઈ અશોક, અનૂપ અને બહેન સતીદેવી. કિશોર કુમાર નાનપણમાં ખૂબ ધમાલીયા હતા. કહે છે કે ત્રણ ભાઈ અને એક બહેનમાં તેમની મા ગૌરીએ સૌથી વધારે કોઈને સજા કરી હોય કે ખિજવાયા હોય તો તે કિશોર કુમાર હતા. કુંજલાલ તો કામને કારણે મહદાંશે બહાર રહેતા હતા, મા ગૌરીને ચારેય છોકરાઓ સાથે સૌથી વધુ સમય વિતાવતાનો આવતો. કિશોરને ભલે સજા થતી કે તેમની ફરિયાદો આવતી રહેતી પણ ગૌરીને સૌથી વધારે લાડકા પણ કિશોર જ હતા.
કિશોર કુમાર હજૂ બાળક હતા ત્યારે  તેમના મોટા ભાઈ અશોક કુમારનું હિન્દી સિનેમા જગતમાં સારુ નામ થવા માંડ્યુ હતુ. અશોક કુમાર હવે એક્ટર એટલે કે હિરો બની ગયા હતા. સમય દરમિયાન કિશોર અને તેના ભાઈ અનૂપનું પણ અશોક કુમારને કારણે વારંવાર મુંબઈ આવવાનું થતું હતું. અશોક કુમારની ઈચ્છા હતી કે તે પોતાના ભાઈઓને પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર બનાવે. તે એકટિંગ શીખવા અને કરવા અંગે ગંભીરતાથી વિચારવા કાયમ કિશોરને સલાહ આપતા રહેતા. પણ કિશોર કુમાર અલગારી જીવ હતા, તે તો બેફિકરાઈથી ફર્યા કરતા. ક્યારેક અચાનક અશોક કુમારનું શુટિંગ ચાલતું હોય ત્યાં પહોંચી જાય, તો ક્યારેક મોડી રાત સુધી અશોક કુમાર ઘરે રાહ જોયા કરે અને બંદા આરામથી ક્યાંક ફરતા હોય. પણ કિશોર કુમારના મોઢે કાયમ કોઈને કોઈ ગીતનો ગણગણાટ થતો હોય. કારણ કે સમય એવો હતો કે જ્યારે મહાન ગાયક શ્રી કિશોર કુમાર કોઈક બીજા ગાયકના દીવાના હતા, માત્ર દીવાના પણ હાર્ડકોર ફેન કહી શકાય તે હદ સુધી તેઓ તેમને ફોલો કરતા હતા. તે સમયના લીજેન્ડરી ગાયક અને એક્ટર કે.એલ. સાયગલ. કિશોર કુમાર તેમની બોલવાની સ્ટાઈલ, ગાવાની સ્ટાઈલ, અવાજ વગેરે તમામની નકલ કરતા. કે.એલ. સાયગલના અવાજમાં ગાવું, તેમની મિમિક્રી કરવી કિશોર કુમારને ખૂબ ગમતું. પણ એક ગાયક તરીકેની તેમની કાબેલિયત સૌથી પહેલા ઓળખી હતી અનૂપ કુમારે.  
આ સમય દરમિયાન સચિન દેવ બર્મનનું કંઈક કામ અંગે અશોક કુમારને ત્યાં આવવાનું થયું અને તે સમયે કિશોર અંદરના રૂમમાં કે.એલ. સાયગલનું કોઈ ગીત ગાઈ રહ્યા હતા. સચિન દા તે સાંભળ્યુ અને તે ખુશ થઈ ગયા. પહેલા તો તેમને એમ લાગ્યું કે કે.એલ સાયગલ ગાઈ રહ્યા છે. તેમણે અશોક કુમારને પૂછ્યું, ‘કુન્દનલાલ આવ્યા છે તમારી ઘરે ?’ ત્યારે અશોક કુમારે હસીને કહ્યું, ‘ના નાસાયગલ સાહેબ નથી તો મારો ભાઈ કિશોર છે જે તેમનું ગીત ગાઈ રહ્યો છે.તેમણે તરત કિશોરને બોલાવ્યો અને શાબાશી આપતા કહ્યું, ‘ખૂબ સરસ, તારામાં કાબેલિયત છે પણ યાદ રાખજે  દુનિયામાં તારી પોતાની ઓળખ બનાવવી હોય તો કોઈનું અનુકરણ કરવું બંધ કરી દે, અને તારી પોતાની કોઈ એવી સ્ટાઈલ ઊભી કર જેને લોકો અનુસરે.' સચિનદાની વાત કિશોર કુમારે બરાબર ગાંઠ વાડી લીધી. એસ.ડી. બર્મનની  સલાહ  આપણને ભવિષ્યમાં એક ગાયકની એવી સ્ટાઈલ ભેટ આપવાની હતી જેની વર્ષો પછી પણ લોકો નકલ કરવાના હતા. અને અહીંથી ખરા અર્થમાં જન્મ થયો એક સ્ટાર, મેગા સ્ટાર, લીજેન્ડરી સ્ટાર ધ કિશોર કુમારનો. આટલા બધા એડ્‍જેકટિવ લગાડવા પાછળનું કારણ એ છે કે આ નામ એક એવા વ્યક્તિત્વનું નામ છે જે માત્ર સિંગર કે એક્ટર જ નથી. કિશોર કુમાર એક ગીતકાર હતા તો વળી કમ્પોઝર અને ફિલ્મ પ્રોડ્યુસર પણ હતા, આટલું ઓછું હોય તેમ હજૂ તેમના મુગટમાં ડાયરેક્ટર, સ્ક્રીપ્ટ રાઈટર, સ્ક્રીનપ્લે રાઈટર અને રીકોર્ડના પ્રોડ્યુસર જેવા પિંછા પણ ઉમેરવા પડે. અને બધા સિવાય લોક પ્રિય ગાયક અને એક્ટર તો ખરાંજ.
કિશોર કુમારે તેની ફિલ્મી કરિઅર સ્ટાર્ટ કરી એક કોરસ સિંગર તરીકે. અને તેમની પહેલી ફિલ્મ આવી ૧૯૪૬માં જેનું નામ હતું "શિકારી". જેમાં મોટા ભાઈ અશોક કુમારનો લીડ રોલ હતો.  સમય દરમિયાન અનૂપ કુમાર પોતાના ભાઈ કિશોર કુમારની ગાવાની કાબેલિયતને ઓળખી ગયા હતા અને તેઓ ભાઈ કિશોરને એક ચાન્સ મળે તે માટેના પ્રયત્નો કરતા રહેતા. જે કોઈ નવી ફિલ્મ ફ્લોર પર આવે કે કોઈક ફિલ્મનું રીકોર્ડિંક શરૂ થવાનું હોય એટલે અનૂપ કુમાર તે સમાચાર કિશોરને આપતા. અને ૧૯૪૮માં મ્યુઝિક ડાયરેક્ટર ખેમચંદ પ્રકાશે તેમની ફિલ્મ ઝિદ્દીમાં કિશોર કુમારને ગાવાનો ચાન્સ આપ્યો. આભાસ કુમાર ગાંગુલીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગાયેલું પહેલું ગીત હતું - 'મરને કી દૂઆએં ક્યોં માંગૂ...' અને ફિલ્મી પડદે તેમનું ગીત ગાયુ હતુ દેવ આનંદે. રીતે કિશોર કુમારની એક અભિનેતા અને ગાયક બંને તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ. પણ કિશોર કુમારતો મોજીલુ વ્યક્તિત્વ, ઝિદ્દીમાં એમણે જે એક ગીત ગાયું ત્યાર પછી તેમને કામની અનેક ઓફર મળવા માંડી પણ ફિલ્મી કરિઅર માટે તે કોઈ ખાસ સિરીઅસ હજૂ થયા નહોતા. ભાઈ અશોક અને અનૂપને કારણે પણ સમય દરમિયાન મુંબઈમાં સ્થાયી થઈ ગયા હતા. પણ કામ સ્વીકારવાનો અને કરવાનો હજૂ તેમનો ઈરાદો ખાસ કંઈ પાક્કો થયો નહોતો. 
ત્રણ વર્ષ પછી ૧૯૫૧માં મોટા ભાઈ અશોક કુમારને કારણે ફણી મજમુદારની ફિલ્મ આંદોલનમાં તેમને હિરોનો રોલ મળ્યો અને કિશોર કુમારે તે કર્યો પણ ખરો, પણ તેમની ઈચ્છા ગાયક બનવાની હતી અને અશોક કુમાર ચાહતા હતા કે તેમનો ભાઈ તેમની જેમ અભિનેતા બને. પણ કહેવાય છે ને સાચા હીરાના મૂલ જાણવા માટે અને સમજવા માટે હીરાનો ઘડાયેલો અને અનુભવી વેપારી હોવો જોઈએ. કઈક એવું કિશોર કુમારના કિસ્સામાં બન્યું. ૧૯૫૪માં કિશોરજીને બિમલ રૉયની ફિલ્મ નોકરીમાં રોલ મળ્યો. જેમાં તેમણે એક બેરોજગાર યુવાનની ભૂમિકા ભજવી હતી. અને ત્યારબાદ શરૂ થઈ સફર જે લાંબી લાંબી મજલ કાપાવા છતાં થાકવાની નહોતી. રીશીકેશ મુખર્જીની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ૧૯૫૭માં આવી જેનું નામ હતું મુસાફીર, તેમાં અભિનેતા તરીકે મુખર્જીએ કિશોર કુમારને લીધા. પણ નોકરી ફિલ્મમાં બેરોજગાર યુવાનની ભૂમિકા કરી રહેલા આપણા કિશોર કુમારની હાલત પણ તે સમયે બેરોજગાર જેવી હતી. કારણ કે તેમણે કરિઅર બનાવવી હતી એક ગાયક તરીકે અને તે કામ હજૂ સુધી તેમને જોઈતુ હતુ તે રીતે મળ્યુ નહોતું. ફિલ્મ નોકરીના મ્યુઝિક ડાયરેક્ટર હતા સલીલ ચૌધરી. સલીલજીએ કિશોર પાસે એક પણ ગીત ગવડાવવા માટે ધરાર ના પાડી દીધી. કારણ કે કિશોરે ત્યારે ગાવા અંગે કોઈ ટ્રેનિંગ લીધી નહોતી કે કોઈ ગુરૂ પાસે પણ તે શિખ્યા નહોતા. પણ એક દિવસ સલીલ ચૌધરીએ કિશોર કુમારનો અવાજ સાંભળ્યો અને તરત તેમણે પોતાની ફિલ્મનું એક ગીત કિશોર કુમારને ગાવા કહી દીધું. જે ગીત પહેલા ગાવાના હતા મન્ના ડે. અને ગીત હતું - 'છોટા સા ઘર હોગા...'

આવતા સપ્તાહે વાત આગળ વધારશું, કિશોર કુમારે કયો એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે ? એસ.ડી. બર્મનની સલાહ પછી આપણને લીજેન્ડરી સિંગર પાસે તેને કઈ અનોખી સ્ટાઈલ મળી અને પર્સનલ તેમજ પ્રોફેશ્‍નલ લાઈફમાં તેઓ કેવી રીતે વર્તતા હતા. કેટલીક એવી વાતો કરશું જે કદાચ તમે ક્યારેય તેમના વિશે ક્યાંય વાંચી કે સાંભળી નહીં હોય.