જંગલ શબ્દ કાન પર પડતાં જ દરેક માણસને ઘણા બધા અલગ અલગ રીતના વિચારો આવવા માંડે
છે. કોઈકને એડવેંચર્સ કરવાનું મન થાય, કોઈને પોતાની
પ્રેમિકા સાથે ગાળવા લાયક એકલતા મઢ્યા સમયની કલ્પના
આવે, કોઈક ને ટ્રેકિંગ કરવાનું જોમ ઉપડે તો કોઈકને ઔષધી, પ્રાણીઓ, પક્ષીઓનો વિચાર આવે. કોઈકને ફિલ્મોમાં બતાવવામાં આવતા ડરામણા અને ગેરકાનુની કામોનો વિચાર આવે તો કોઈને
ગાઢ વૃક્ષોની વચ્ચેથી વહી જતા ઝરણા કે નદીમાં
તરવાનો ને રાફ્ટીંગ કરવાનો વિચાર થઈ આવે.
આપણું મન આપણી ધારણા કરતા
પણ સવિશેષ ચંચળ અને કલ્પનાઓમાં રાચનારૂં છે. ક્યારેક સાંભળેલી, ક્યારેક ક્યાંક જોયેલી કે ક્યારેક સ્વપ્નમાં જોયેલી વાતને આપણું આ મન ઘણીવાર સાચી માની લે છે અને પછી ભવિષ્યમાં ગમે
ત્યારે તેવા કોઈ સંદર્ભની વાત નીકળે
ત્યારે પોતાના કલ્પનાઓના ઘોડા દોડાવવા માંડે છે. અને પછી શરૂ કરી દે છે પોતાની રીતે અનેક નવી નવી કાલ્પનિક ઘટનાઓ અને અનુભવો વિશે ચિત્રો રચવાનું. પણ આજે આપણે જેની
વાત કરવાના છીએ એ કોઈ કલ્પનાઓના ઘોડાઓ દોડાવવાથી કે
સ્વપ્નમાં ઘડાયેલી મનઘડંત કહાની નથી પણ પાંત્રીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા એક સાચા, આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા જંગલની છે.
આખુંય વિશ્વ આ જંગલને
સ્યુસાઈડ ફોરેસ્ટ તરીકે ઓળખે છે. તો વળી કેટલાક તેને વૃક્ષોનો દરિયો પણ કહે છે. આ જંગલ છે
જાપાનના માઉન્ટ ફૂજીમાં આવેલું ઑકીગહારાનું માણસખાઉ
જંગલ. શું આપણને માનવામાં આવે ખરૂં કે માત્ર કોઈક સ્થળે એક્થી એક લગોલગ વૃક્ષોના અતિ
ગહેરા જાળાથી રચાયેલું કોઈ એવું જંગલ હોય જે જંગલમાં લગભગ નહીવત્ વાઈલ્ડ લાઈફ હોય એટલે કે પ્રાણી, પક્ષી કે બીજા કોઈ જીવ લગભગ રહેતા જ ન હોય. એટલું જ
નહીં એ જંગલમાં ભાગ્યે જ કોઈ માનવી જતો હોય યા એમ કહો જઈ શકતો
હોય અને ધારો કે હિંમત કરી કોઈ જાય
પણ
તો ભાગ્યે જ તે જીવતો પાછો આવી શકતો
હોય. આ બધી માનવામાં ન આવે તેવી વાતો છે ને ? પણ જાપાનના ઑકીગહારા જંગલની આ જ
વાસ્તવિક્તા છે.
વોલ્કેનો, જ્વાળામુખીને કારણે રચાયેલા પહાડી પત્થરોની વચ્ચે ઊગી નીકળેલું જંગલ જ્યાં કોઈ પર્વતારોહક, મુલાકાતી કે સહેલાણી જઈ ન શકે અને ધારો કે તે ગયો કે ગયા તો કોઈ ખાતરી
નહીં કે તે જીવતા પાછા આવી શકે. જંગલની ભૌગોલિક પરિસ્થિતિને જોતા ઘણાં લોકો એવી દલીલ કરે છે કે જંગલની ગહેરાઈ, તેની ભૌગિલિક પરિસ્થિતિ અને તેના વૃક્ષો જ એટલા બધા છે કે જે કોઈ અંદર જાય છે તે ફરી બહાર આવવાનો રસ્તો જ ભૂલી જાય છે અને
તેથી જ તે અંદરોદર જ ફર્યા કરે છે બહાર આવી જ નથી શકતો અને અંતે ભૂખ, બિમારી, તરસ કે શિકાર થઈ જવાને કારણે મરી જાય છે. તો વળી કેટલાંક લોકો કહે છે કે અહીં સદીઓ પહેલા વોલ્કેનો ફાટ્યો હતો, તે વખતે તો અહીં આ જંગલ પણ નહોતું પણ આખું એક ગામ વસેલું હતું, અહીં વસ્તી હતી. તે સમયે એ વોલ્કેનો
ફાટવાને કારણે ઘણાં લોકોએ
પોતાના જીવ ગુમાવ્યા હતા અને તે લોકો પોતાના એ અકસ્માતથી થયેલા મૃત્યુને આજ સુધી સ્વીકારી નથી શક્યા. તે બધા જ લોકો આજે પણ પોતે જીવિત હોવાનું જ માને છે અને આજે સદીઓ બાદ તે
જગ્યા પર ગાઢ જંગલ રચાઈ ગયું છે. વર્ષોના અવર્ષો વીતી જવા છતાં આજે પણ તે જગ્યા છોડીને તે લોકોના આત્મા જઈ નથી શક્યા અને આજે પણ તે લોકો અહીં જ આ જંગલની વચ્ચે ભટક્યા કરે છે. અથવા એમ કહો કે આ જંગલ જ આ આત્માઓનું ઘર છે. સૂર્યના કિરણો પણ
ધરતી પર પહોંચી નહીં શકે અને
પાંચ ફૂટ દૂર ઉભેલી કોઈ વ્યક્તિને પણ જોઈ નહીં સકાય તેવા ગહેરા આ જંગલને તે લોકો પોતાનું ઘર
માનતા હોવાને કારણે કોઈ બહારની વ્યક્તિ આ ઘરમાં આવવાની હિંમત
કરે તે તેમને પસંદ નથી અને તેથી જ તે લોકો ત્યાં જનાર
ને મારી નાખે છે. તો વળી કેટલાંક તો ત્યાં સુધી કહે છે જાપાન આટલો અત્યાધુનિક દેશ હોવા છતાં ઑકીગહારાના એ જંગલમાં આજેય માણસખાઉ લોકો
રહે છે જે જીવતા માણસનો શિકાર કરે છે અને તેમને ખાય છે. તો વળી કેટલાંક એવી પણ દલીલ કરે છે કે આ જંગલ આત્મહત્યાનું જંગલ છે અને અહીં લોકો આત્મ હત્યા કરવા જ આવે છે અથવા અહીં આવ્યા પછી અજાણતામાં જ તેમની માનસિક પરિસ્થિતિ એવી થઈ જાય છે કે તે આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે. આથી જ આ જંગલને આત્મહત્યાનું જંગલ પણ કહે છે. સાચી કહાની શું છે તે તો આજે પણ કોઈ ચોક્ક્સરીતે કહી શકતું નથી પણ લોકો પાસે જે વાત, જે અનુભવો સાંભળવા મળે છે તે કંઈક આ
પ્રમાણે છે.
લોકો કહે છે કે આ જંગલમાં
દાખલ થતાંની સાથે જ કંપાસ એટલે કે દિશા સૂચક યંત્ર કામ કરતું બંધ થઈ જાય છે. કહે છે કે થોડા વર્ષો પહેલા એક
પર્વતારોહક આ જંગલમાં ગયો હતો આશરે
બે દિવસ પછી એ પર્વતારોહકની એટલી મોટી ચીસ સંભળાય હતી કે જેટલો મોટો અવાજ પોતાના મોઢેથી કાઢવો કદાચ કોઈ પણ
માણસ માટે શક્ય નથી. કહે છે કે કોઈ આત્માએ બિહામણી રીતે તેના આખાય શરીરને ચીરી નાખ્યું હતું. તેના થોડા વર્ષોબાદ સાત માણસોનું એક ગૃપ જંગલમાં એડવેન્ચર પ્રવાસ કરવાના આશયથી ગયું હતું અને તેમાંના દરેક માણસે ત્યાં આત્મહત્યા કરી લીધી હતી. જાપાનના આ જંગલની આવી તો અનેક કહાનીઓ છે. જાપાન પોલીસે આ જંગલમાં હોમાય જતી જિંદગીઓને અટકાવવા અને બચાવવાના આશયથી જંગલની બહાર બોર્ડસુધ્ધા માર્યું છે કે 'તમારી જિંદગી તમારા મા-બાપે આપેલી અમૂલ્ય ભેટ છે, મહેરબાની કરી તમે મોતને ગળે લગાડવા
પહેલા પોલીસને કનસલ્ટ કરો.'
કહે છે કે અહીં ફરતા
આત્માઓ ઝાડના થડની વચ્ચે રહે છે અને ત્યાં જનારાને આંખના ખૂણામાં ઘાવ કરે છે જેથી તરત તે લોકો
તેમને જોઈ ન શકે અને વારંવાર તેઓ પોતાના રૂપ પણ બદલતા
રહે છે. એવું પણ જોવાયું છે કે તે જંગલના વાતાવરણમાં ભેજ અને સોઈલ સૌથી વધુ હોવાથી આ આત્માઓના રૂપ જાણે કોઈ સફેદ લીલ
(શેવાળ) બાઝી હોય તેવી ચીકણી
અને સહેદ હોય છે જેમની આંખ અત્યંત લાલ અને તેની
નીચે ઝાડના થડની ચામડી
જેવા જ પડ આવી ગયેલા હોય છે. કહે છે કે જ્યારે અહીં જ્વાળામુખી ફાટ્યો હતો ત્યારે લોકો ભુખમરામાં જીવતા હતા
અને જેટલા માણસો હતા તેટલા પ્રમાણમાં
ખવાનું નહોતું તેથી આજે જે કોઈ માણસ ત્યાં જાય છે તેને પોતાનું ખાવાનું સમજી તે લોકો આત્મ હત્યા કરવા
મજબૂર કરી મૂકે છે અને આ રીતે ત્યાં ગયેલી વ્યક્તિ જ્યારે પોતાની
જિંદગીનો અંત આણી દે ત્યારે આ આત્માઓ તેને એક પછી
એક ઝાડના થડ માંથી ભાર આવી ખાવા માંડે છે.
સાચી ખોટી વિગત તો ક્યાંય પણ મળતી નથી પણ જાપાન સરકારના ચોપડે બોલતી વિગતો તો તપાસીએ તો વર્ષ ૧૯૮૮ સુધી આશરે વાર્ષિક સો જેટલા મૃત દેહો આ જંગલ માંથી મળતા રહ્યા છે. જ્યારે તેની સામે વર્ષ ૨૦૦૩માં એકસો પાંચ અને સાલ ૨૦૦૨માં ઈઠ્યોત્તેર મૃત દેહ મળ્યા હતા. હાલના સમયમાં જાપાન સરકાર દ્વારા ઑકીગહારા જંગલના મૃતદેહોની વિગતો જાહેર કરવાની બંધ કરી દેવામાં આવી છે. પણ ઑકીગહારા એસોશિયેશન પાસેથી મળતી માહિતી અનુસાર સાલ ૨૦૦૪માં એક્સો આંઠ જેટલા લોકો મરી ગયા હતા જ્યારે વર્ષ ૨૦૧૦માં તો બસો સુડતાલીસ લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવા છતાં ચોપ્પન માણસો મોતને હવાલે થઈ ચૂક્યા હતા.
વારંવારના ઉહાપોહને
કારણે હાલ પરિસ્થિતિ એ છે કે જાપાન સરકાર અને જાપાન પોલીસ કોઈ પણ માણસને આ જંગલમાં જવાની પરવાનગી નથી આપતી. પણ જાણકારો કહે છે કે ઑકીગહારાનું આ જંગલ એટલું ગાઢ અને બિહામણું છે કે ત્યાં સૂર્યના કિરણો તો ખૂબ
દૂરની વાત છે પણ હવા પણ સરખી રીતે પસાર થઈ શકતી નથી અને પાંચફૂટ દૂર ઉભેલી
વ્યક્તિ પણ તે જંગલના થડ, ડાળખા અને પાનને કારણે નજર નથી આવતા. અને આવા જ વાતાવરણમાં અચાનક ક્યાંકથી નજરની સામે કોઈ સફેદ અર્ધપાર્દર્શક જેવું દેખાતું શરીર આવી ચઢે છે. આ સફેદ શરીર ભૂત છે, આત્મા છે, લૂટારા છે કે માત્ર લોકોને થતો વહેમ છે તે તો આજેય માત્ર દલીલનો વિષય છે. પણ કંઈક એવું આ જંગલમાં છે જે લોકોને ફરી જીવતા નથી આવવા દેતું અને આ માણસખાઉ જંગલ ત્યાં જનારને આત્મહ્ત્યા કરવા મજબૂર કરી દે છે.
6/11/2014 09:48:00 AM |
Category:
"એક સ્થળ ભૂતાવળ",
Mumbai Samachar News Paper - 11.06.2014 / WedDay Supplement.
|
0
comments
Comments (0)