એક એવી ફિલ્મ જેને બનતા ચૌદ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો. એક એવી ફિલ્મ જે રિલીઝ થઈ ત્યારે એવરેજ પાછળથી હીટ અને પછી સુપર હીટ થઈ, એક એવી ફિલ્મ જેના મ્યુઝિક માટે ફિલ્મ ફેર એવોર્ડ ફંક્શનમાં પણ વિવાદ થયો અને એવી ફિલ્મ જેને માટે એક મોટા દરજ્જાના એક્ટરે પોતાનો ફિલ્મ એવોર્ડ સુધ્ધા સ્વીકારવાની ધરાર ના કહી દીધી.
યસ, પાકીઝા. ચોથી ફેબ્રુઆરીને ૧૯૭૨માં રિલીઝ થયેલી મીના કુમારી, રાજ કુમાર અને અશોક કુમાર સ્ટારર હીટ સૉરી, સુપર હીટ ફિલ્મ પાકીઝા. કમાલ અમરોહીનું દિગ્દર્શન, ગુલામ મહોમ્મદનું સંગીતનૌશાદનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, લત્તા મંગેશકર અને રફી સાહેબ સિવાય રાજ કુમાર અને પરવીન સુલતાનાના અવાજમાં ગવાયેલા ગીતો. સુપર ડુપર સ્ટોરી, બેલાશક અદ્‍ભૂત અભિનયયાદગાર મ્યુઝિક અને  બધાથી વધુ રસપ્રદ  ફિલ્મ પાછળની અનેક ખટ્ટમધુરી વાતો. આ તમામ આ પિક્ચરને માત્ર હીટ નહીં પણ સુપર હીટ બનાવે છે, બેમિશાલ બનાવે છે અને અમર બનાવે છે.
મૂળ ઉર્દૂ શબ્દ પાકીઝાનો અર્થ થાય છે પવિત્ર. ૧૯૫૮માં શરૂ થયેલી અને ૧૯૭૨માં રિલીઝ થયેલી ફિલ્મ પાકીઝાની વાર્તામાં એક હીટ પિક્ચર માટે જરૂરી હોય તે તમામ વસ્તુઓ છે. આ પિક્ચરમાં પ્રેમ સભર કવિતાઓ છેએકથી એક સુંદર ગીતો અને તેના શબ્દો છે. રોમાન્સ છે, બગાવત છે, અભિનય છે અને કહાનીમાં આવતો છેલ્લી વખતનો ટ્વીસ્ટ પણ અદ્‍ભૂત છે. 'ટ્રેજેડી ક્વીન' તરીકે જાણીતી સુંદર અભિનેત્રી મીના કુમારી, ડાયલોગ ડિલીવરીના તે સમયના બેતાજ બાદશાહ રાજ કુમાર અને સુપર સ્ટાર અશોક કુમાર.
ફિલ્મની કહાની નરગીશના પાત્રની આજૂ-બાજૂ કંડારાયેલી છે. નરગીસ (મીના કુમારી) કે જેનું પાલન-પોષણ એક કોઠા પર થાય છે. આ બજારૂ દુનિયાથી છૂટકારો મેળવવા અસમર્થ એવી નરગીસ જ્યારે યુવાનીમાં પ્રવેશે છે ત્યારે અત્યંત સુંદર અને લોકપ્રિય નર્તકી અને ગાયિકા તરીકે આખાય વિસ્તારમાં સાહિબજાનના ઉપનામથી પ્રખ્યાત થઈ જાય છે. નવાબ સલીમ અહમદખાન (રાજ કુમાર) સાહિબજાનની સુંદરતા, ગાયિકી, અંદાજ અને માસુમિયત પર ફિદા થઈ જાય છે. નવાબ સાહેબ નરગીસના પ્રેમમાં એટલા ગહેરા ઉતરી જાય છે કે તે પોતાની પ્રેયસીને  કોઠા પરથી ભાગી જવા માટે રાજી કરી લે છે. પણ કહે છે ને કે આપણી આ દુનિયામાં માણસ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેની સફળતા, નિષ્ફળતા, નામ કે બદનામી તેના કરતા પહેલા પહોંચી ગયા હોય છે. તે રીતે સલીમ, નરગીસ એટલે કે સાહિબજાનને જ્યાં જ્યાં લઈને જાય છે ત્યાં લોકો સાહિબજાનને ઓળખી જાય છે. આખરે સલીમ તેની પ્રેમિકાનું નામ બદલીને પાકીઝા રાખી લે છે અને તેની સાથે નિકાહ કરવા માટે એક મૌલવી પાસે લઈને જાય છે. પણ પોતાના પ્રેમી સલીમની બદનામી નહીં થાય તે વિચારથી સાહિબજાન નિકાહ માટે ના પાડી દે છે અને ફરી કોઠા પર ચાલી જાય છે. સલીમ આખરે કોઈ બીજા સાથે લગ્ન કરવા તૈયાર થાય છે અને તે વખતે સાહિબજાનને ત્યાં નૃત્ય કરવા માટે બોલાવવામાં આવે છે. પછી ? પછી આગળ શું થાય છે ? બસ, તમને ખબર છે કે ફિલ્મની આખી કહાની વિશે આપણે અહીં વાત નહીં કરીએ કારણ કે, જેમણે ફિલ્મ નથી જોઈ તેમને જોવાની મઝા નહીં આવે. અને જેમણે જોઈ છે તેમને યાદ કરવાની, વાગોળવાની પણ મજા નહીં આવે.
પણ કેટલીક એવી વાતો આ ફિલ્મ સાથે સંકળાયેલી છે જે ફિલ્મ જેટલી  રસપ્રદ છે. તમે નહીં માનો પણ આ પિક્ચર પાકીઝાના પ્રોજેક્ટની સૌથી પહેલા શરૂઆત થઈ ૧૯૫૮માં. અને તે વખતે પિક્ચર બ્લેક એન્ડ વ્હાઈટ સિનેમા તરીકે શરૂ થઈ, ત્યારબાદ હિન્દી ફિલ્મ જગતમાં કલર પ્રિન્ટનો પગ પેસારો થયો એટલે અમરોહી સાહેબે આખુંય કામકાજ નવેસરથી કલર ટૅક્નોલોજીમાં શરૂ કર્યું. પણ આ નવી કલર ટૅક્નોલોજીમાં શરૂ થયાના થોડા જ સમયમાં સિનેમાસ્કોપ કેમૅરાનો દૌર આવ્યો. કમાલ અમરોહી સાહેબ તેની આ ફિલ્મને હવે સિનેમાસ્કોપમાં શૂટ કરવા માંગતા હતા. તેથી તેમણે રોયલ્ટિ પર તે માટેનો લેન્સ મંગાવ્યો પણ શૂટિંગ દરમિયાન તે લેન્સમાં કોઈ ખરાબી હોવાની અમરોહી સાહેબને ખબર પડી અને શૂટિંગ અટકી ગયું. જો કે થોડા વખતમાં ફરી પાકીઝા ફ્લોર પર આવી ગઈ ખરી. 
એક ગ્રહણ ઉતર્યુ ત્યાં બીજૂં આવ્યુ, ૧૯૬૪માં કમાલ અમરોહી અને તેમના તે વખતના પત્ની મીના કુમારી અલગ થઈ ગયા. પાકીઝા ફરી ખોરંભે ચઢી ગઈ. પણ ૧૯૬૮માં સુનિલ દત્ત અને નરગીસ વચ્ચે પડ્યાતેમણે મીના કુમારીને  પ્રોજેક્ટમાં સપોર્ટ કરવા અને પૂરો કરી આપવા સમજાવ્યા અને આખરે મીના કુમારી પોતાના અંગત ક્લેશ અને સંબંધોને બાજૂ પર મૂકી ફિલ્મ પૂરી કરી આપવા તૈયાર થયા. અને ૧૯૬૮માં પાકીઝા ફરી ફ્લોર પર આવી. ચાર વર્ષના અંતરાલ બાદ ફરી શરૂ થયેલી પાકીઝા એટલી આસાનીથી પૂરી થઈ જાય તેમ નહોતું. ૧૯૬૮માં જ્યારે ફિલ્મ ફરી શરૂ થઈ ત્યારે મીના કુમારી આલ્કોહોલિક થઈ ગયા હતા. તે સતત બિમાર રહેતા હતા તેમની તબિયત એટલી નાદુરસ્ત રહેતી કે તેમનાથી અમુક લાંબા સીન્સ કે ડાન્સ સિકવન્સ પણ થઈ નહોતા શકતા. કદાચ ખૂબ ઓછા માણસોને ખબર હશે કે કારણથી ગીત, "ચલો દિલદાર ચલો..."માં મીના કુમારીનો ચહેરો દેખાડવામાં જ નથી આવ્યો. એટલું જ નહીં ડાન્સની લાંબી લાંબી સિકવન્સ હોય તેમાં પણ પદ્મા ખન્નાને સાથે લઈ શૂટિંગ કરવામાં આવ્યું.
મુશ્કેલી કોઈ એક હોય તો ફિલ્મ આટલી યાદગાર થોડી  બને ! ફિલ્મના સંગીતકાર ગુલામ મહોમ્મદ કે જે આ પહેલા મિર્ઝા ગાલિબ (૧૯૫૪) અને શમા (૧૯૬૧) જેવી ફિલ્મોમાં હીટ મ્યુઝિક આપી ચૂક્યા હતા તે પાકીઝા પૂરી કરે અને તેની સક્સેસ જોય તે પહેલાં મૃત્યુ પામ્યા. પાકીઝાનું મ્યુઝિક હજૂ પૂરેપુરુ રેકોર્ડ થયું નહોતું અને તે પહેલાં જ ગુલામ મહોમ્મદ આ રીતે ચાલી જાય એ કમાલ સાહેબ માટે ખૂબ દુઃખની વાત હતી. જો કે પાછળથી ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર આપનારા નૌશાદજીએ અધુરૂ કામ પૂરુ કરી આપ્યુ. પણ કમાલ અમરોહીને ઘણા લોકોએ કહ્યું કે ફિલ્મનું મ્યુઝિક હમણાંના દૌરમાં જે ટ્રેન્ડ ચાલે છે તે ટ્રેન્ડમાં ફરીથી નવું બનાવી રેકોર્ડ કરો. પણ અમરોહી નહીં માન્યા. તેમણે કહ્યું  ફિલ્મના ગીતો અને તેની મૅલોડી ગુલામ મહોમ્મદે જે જાળવી છે તે અદ્‍ભૂત છે અને હું તેને કોઈ કાળે નહીં બદલું.
ફિલ્મનું મૂળ કાસ્ટિંગ પણ ફિલ્મમાં જે હતું તેના કરતા ક્યાંય અલગ હતું. સલીમ એટલે કે રાજ કુમારે જે પાત્ર કર્યું તે પહેલા અશોક કુમાર કરવાના હતા, ત્યારબાદ જ્યારે પિક્ચર ફ્લોર પર આવી ત્યારે ધરમેન્દ્ર, રાજેન્દ્ર કુમાર અને સુનિલ દત્તના નામો નો પણ વિચાર થયો હતો. અને  બધા હીરોને ધ્યાનમાં રાખી  ફિલ્મના હીરોને એક બિઝનેસ મેન તરીકે ચિતરવામાં આવ્યો હતો પણ પાછળથી  રોલ રાજ કુમારે સ્વીકાર્યો અને તેમની સ્ટાઈલ અને પર્સનાલિટીને ધ્યાનમાં લેતા હીરોને ફોરેસ્ટ ઓફિસર દેખાડવામાં આવ્યો.
અફસોસ, ફિલ્મ રિલીઝ થઈ તેના બે જ મહિનામાં મીના કુમારીનું મૃત્યુ થઈ ગયું. પાકીઝાની સક્સેસ જોવાનો કે માણવાનો તેમને મોકો ન મળ્યો. પણ તેની સાથે જ એક હકીકત એ પણ છે કે પાકીઝા જ્યારે રિલીઝ થઈ ત્યારે તેને એટલો પ્રતિભાવ નહોતો મળ્યો પણ એટલામાં મીના કુમારીના મોતના સમાચાર આવ્યા અને ફિલ્મ આખાય હિન્દુસ્તાનમાં જબરદસ્ત ચાલી નીકળી. સ્વાભાવિક રીતે જ મીના કુમારી પ્રત્યેની સહાનુભૂતિમાં લોકોએ બોક્સ ઓફિસને ટંકશાળમાં ફેરવી નાખી.
તે વખતે ૧૯૭૨ના ફિલ્મ ફેર એવોર્ડમાં પાકીઝાને જેટલું મળવું જોઈતું હતું તેટલું ઈમ્પોર્ટન્ટ મળવાને કારણે ઘણી કોન્ટ્રાવર્સિઝ પણ થઈ હતી. મહાન અદાકાર પ્રાણ સાહેબને તે વર્ષે ફિલ્મ બેઈમાન માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ જાહેર થયો પણ પાકીઝાના મ્યુઝિકને મહત્વ આપવા બદલ પ્રાણ સાહેબે વિરોધ દર્શાવતા તેમનો એવોર્ડ લેવાની ના પાડી દીધી. પ્રાણ સાહેબનું માનવું હતું કે પાકીઝાનું મ્યુઝિક અને ગુલામ મહોમ્મદ સાહેબની કાબેલિયત બંનેને અવગણવામાં આવી છે અને તેથી જ તેમણે તે વર્ષે તેમને મળેલો એવોર્ડ  સ્વીકાર્યો.
            એક એવી ફિલ્મ જે આટલી બધી મુશ્કેલીઓ અને આટલી બધી કોન્ટ્રાવર્સી છતાં ન માત્ર સક્સેસના લિસ્ટમાં સ્થાન પામી પણ ગ્રાન્ડ સક્સેસ મેળવી સોનેરી અક્ષરોમાં ઈતિહાસ રચી અમર થઈ ગઈ. મીના કુમારીને તેમના કરિઅરના છેલ્લા પગથિયે ચિરંજીવી બનાવી ગઈ.


Comments (0)