હું લાગણીઓ લખું છું, ઘટનાઓ નહી. મારો કોઈ પણ વાંચક અગર મારી
વાર્તામાં ઘટનાઓ શોધવા મથશે તો
એને નિરાશા જ મળશે. પરંતુ જેણે લાગણીઓ વાંચવી છે, અનુભવવી છે, એમાં ક્યાંક પોતાની જાતને શોધવી છે. તે
દરેકને મારી વાર્તા વાંચવાની મજા પડશે.
ક્યાંક પોતાના શ્વાસો ચિતરાયા હોવાનો અહેસાસ થશે. કારણકે હું, મારા લખાણમાં રોજીંદી જિંદગીમાં ક્યાંક
અટવાઈ ગયેલી, ધૂળના પડળો ચઢી ગયેલી તમારી ભીંતરની કોઈ
લાગણીને શબ્દોનું ઝાપટીયું મારી,
ફરી જગાડવાનો પ્રયત્ન કરતો હોંઉ છું. અને
કદાચ એટલેજ હું સૌથી વંચાતો લેખક છું, આઈ મે બી રોંગ, કદાચ મારા વાંચકો વિશે આ મારી ભ્રમણા
હોય શકે પણ મારા લખાણ વિષે આ એક હકીકત
છે.
પોતાના વકતવ્યનું આ
છેલ્લું વાક્ય બોલી ગુજરાતી સાહિત્યના મહાન લેખક પુરંજય આચાર્યએ પોતાનું વકતવ્ય પુરું
કર્યુ અને શ્રોતાઓથી ચિક્કાર ભરેલો
હોલ
તાળીઓના ગળગળાટથી ગૂંજી ઉઠ્યો. સાહિત્ય પરીષદના એક સપ્તાહથી ચાલી રહેલા રજત જયંતિ પર્વની ઉજવણીનો આજે છેલ્લો
દિવસ હતો અને સમારંભની પૂર્ણાહૂતિ પુરંજયના સત્કાર અને
વકતવ્ય સાથે થઈ.
'લાગણીઓના આવેગથી આવેલું વાવાઝોડું અગર કોઈના ભવિષ્યને ભરખી જાય તો ?' લોક અભિવાદન ઝીલી રહેલા પુરંજયની પાછળથી અવાજ આવ્યો અને એ ઉભો રહી ગયો. પાછળથી આવેલા પ્રશ્નાર્થ અવાજના કંપન એને જાણીતા લાગ્યા. રાજવી તો નહી ? એની અંદરથી અવાજ આવ્યો અને એ ચકાસણી કરવા પાછળ ફર્યો. પણ ૫૫ વર્ષના પુરંજયની ધારણા ખોટી પડી. એની નજરસામે હમણાં એક ૨૪-૨૫ વર્ષનું તાજું યૌવન ઉભું હતું. ધરાર ખોટી પડેલી એની ધારણાથી એ અચંબિત થઈ ગયો. 'કોઈ બીજા ચહેરાની આશા હતી ?' પેલા યૌવને ફરી એક ઘા કર્યો. અને પુરંજય, કોલેજમાં ભણતા કોઈ યુવાનની જેમ બઘવાઈ ગયો. સામે ઉભેલી આ છોકરી એક પછી એક એની દુખતી રગ દબાવ્યે જતી હતી અને પુરંજય એ સૂકાઈ રહેલા ઘા ને પાછા લીલા થતાં અનુભવી અકળાઈ રહ્યો હતો. 'હું સમજ્યો નહી, તમે શું પૂછવા માંગો છો મીસ ?' 'રાજવી કહેશે તો પણ ચાલશે.' આ વખતે પેલી છોકરીએ જાણે પુરંજયના ગાલ પર સીધો તમાચોજ ચોઢી દીધો. પુરંજયને સમજાતુ નહોતું કે એની નજર સામે હમણાં આ શું ચાલી રહ્યું છે. ૪૫ની આસ-પાસની એક આધેડ વયની સ્ત્રી હોવાના પોતાના અંદાજથી વિરૂધ્ધ હમણાં એક યૌવના એની સામે ઉભી હતી અને છતાં એ પોતાની જાતને રાજવી તરીકે ઓળખાવી રહી હતી. 'હં તમે, તમે રાજવી ? મતલબ કે, એટલે હું એમ કહેવા,' 'આટલા બધા અકળાઈ જવાની જરૂર નથી લેખક સાહેબ, બી રીલેક્સ.' પોતાને રાજવી તરીકે ઓળખાવી રહેલી એ છોકરીએ હાથ મિલાવવાના આશયથી પોતાનો જમણો હાથ આગળ કર્યો. અને પુરંજયને એના હાથનો સ્પર્શ થતાંજ ફરી આંચકો લાગ્યો. 'અરે સ્પર્શનો અહેસાસ પણ એજ, એજ કોમળ હથેળીમાં હળવો હળવો ભેજ, શેઈક હેન્ડ કરવાની એજ આગવી સ્ટાઈલ અને અદ્દલ એજ નેઈલ પોલિશ કરેલા લાંબા નખવાળી પાતળી આંગળીઓ. પણ આ કઈ રીતે શક્ય છે ? પુરંજયે પોતાની જાતનેજ પ્રશ્ન પૂછ્યો.
'એક સાંજ ગાળીશ મારી સાથે ? શક્ય છે કદાચ તારી વાર્તાને કોઈ નવો વળાંક મળી જાય. પેલી છોકરીએ અચાનક પૂછ્યું. પુરંજયને પણ આ છોકરી વિષે જાણવાની એટલીજ જીજ્ઞાસા હતી, બન્ને સમારંભના પ્રાંગણથી બહાર નીકળી શહેરથી દુર એક શાંત જગ્યાએ જઈને બેઠાં. 'મારી સાથે આટલો મોટો અન્યાય કરતા તને જરા પણ દયા ન આવી લેખક ? હું લાગણીઓ લખું છું, ઘટનાઓ નહી. એવા બધા ભારે ભારે શબ્દો સમારંભમાં તો ખુબ મોટા અવાજે બોલી ગયા, પણ શું તેં ક્યારેય મારી લાગણીઓ સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? ક્યારેય વિચાર્યું છે કે મારી શી હાલત થઈ હશે ? મારા મન પર શું વિત્યું હશે ?' સામે બેઠેલું રૂપ ફરીયાદ કરી રહ્યું હતું અને પુરંજયને હજુંય એજ સમજાતું નહોતું કે આ છોકરી રાજવી કઈ રીતે હોય શકે ? અને અગર ખરેખર એ રાજવી હોય પણ તો એ આટલી યુવાન, આટલી વાચાળ ? મારી રાજવી ક્યારેય આવીતો નહોતીજ. આ કેવી રીતે શક્ય છે ? પણ એના વિચારોને અધવચ્ચેજ બ્રેક લગાડતાં પેલી છોકરીએ એનો સવાલ ફરી દોહરાવ્યો. 'વાંક મારો નહોતો રાજવી, વાંક સંજોગોનો હતો. બાકી મને કહે એક આધેડ વયની સમાજ સેવિકા પોતાના ભૂતકાળને ફરી જીવવા માંગતી હોય એ કઈ રીતે શક્ય છે ? અને જે વાત શક્ય નથી એની ઈચ્છા રાખવી એ શું નરી નાદાનિયત નથી ? હું મજબૂર હતો રાજવી.' પુરંજયે દલીલ કરી. 'મજબૂર, તું મજબૂર નહોતોજ પુરંજય, મજબૂરી તો તેં મારા માટે ઉભી કરી હતી. મારી ઈચ્છાઓને દફનાવી
તું કઈ રીતે રહી શકે છે ? ગૂંગળામણ નથી થતી તને ? મેં ફરીયાદ નહોતી કરી તારી સામે ? શું નહોતું કર્યું મેં તારી ચાહત મેળવવા માટે ? અરે, મારી ચાહત પણ એટલીજ પ્રામાણિક હતી જેટલી
મારી સમાજસેવા.' પળવાર માટે પુરંજય શાંત થઈ ગયો. શું
કહેવું એને સમજાતુ નહોતું. પણ એ કંઈ બોલે તે
પહેલાંજ રાજવી ફરી બોલી.
'પુરંજય તેંજ, તેંજ મને રાજવી બનાવી હતી ને ? અરે મારૂં નામ રાજવી શુધ્ધા તેં આપ્યું હતું. હં, સમાજમાં દ્રષ્ટાંત બેસાડી શકાય એવી રાજવી ખરૂંને ? પણ મારે એવા નહોતું બનવું પુરંજય, અને એ તું ભલી ભાંતિ જાણતો હતો છતાં ? મારે એક સામાન્ય છોકરીની જેમ જીવવું હતું, તને ચાહવો હતો, તારી સાથે મારી યુવાની જીવવી હતી. જે એકાંતની પળો મેં તારી પાસે ઝંખી હતી, મારી એ દરેક ક્ષણનો ભોગ તેં લીધો છે પુરંજય તેંજ.' રાજવી પુરંજય સામે એક પછી એક એવી દલીલો કરી રહી હતી કે એને શું બોલવું કે શું જવાબ આપવો એ સમજાતું નહોતું. 'પણ રાજવી મેં હંમેશા તને ન્યાય મળે એવાંજ પ્રયત્નો કર્યા છે. તેં અગર મને ચાહ્યો છે તો શું મેં તને નથી ચાહી ? મારા રોમે રોમમાં વસાવી છે તને, અને એ પણ સંપૂર્ણ પ્રામાણિકતાથી.' પુરંજય બોલ્યો. 'હા સંપૂર્ણ પ્રામાણિકતાથી. પણ મારી યુવાનીનું શું પુરંજય ? એ તો સંજોગો અને સંબધોની વચ્ચે હોમાયજ ગઈ ને ? તને ચાહવાની એક એક પળ તેં છીનવી લીધી મારી પાસે. અને એ માટે હું તને ક્યારેય માફ નહી કરી શકું.' રાજવીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. પુરંજયે પોતાની જાતને સાચી સાબિત કરવા એક ઓર પ્રયત્ન કરતા કહ્યું. 'એક યુવાન વિધવાને પ્રેમ કરવાની પરવાનગી હજુ આજેય આપણો સમાજ નથી આપતો રાજવી. તારી લાગાણીઓ, તારા પ્રેમની હું કદર કરૂં છું પણ,' 'પણ, પણ શું લેખક ? તું એ માનવા તૈયાર કેમ નથી કે તું પણ મને ચાહતો હતો પણ એ વાતનો સ્વીકાર કરવાની તારામાં હિંમત નહોતી. હં, ત્યારે પણ નહોતી અને આજે પણ નથી. અને કદાચ એટલેજ ભરયુવાનીમાં મને ઘડપણના દરવાજે લાવીને ઉભી કરી દીધી અને હવે આજે એ માટે તું સમાજની વાહ વાહ લૂંટી રહ્યો છે.' રાજવી જાણે પુરંજયની કોઈ વાત આજે સાંભળવા નહોતી માંગતી. હ્રદયના વલોપાતને ઠાલવતાં એણે વાત આગળ વધારી. 'એક યુવાન વિધવાને એની યુવાની આપ્યા વગર તેં આધેડ વયની સ્ત્રી બનાવી દીધી. સમાજસેવાના મસમોટા લેબલનું ભારણ વળગાડી દીધું અને પછી, છોડી દીધી સમાજની વચ્ચે કહેવાતા સ્વમાન અને સ્વાભિમાનના પોકળ અને તૂટતાં શ્વાસો લેવા માટે. મેં બરાડી બરાડીને તને વિનવ્યો હતો પુરંજય કે મારે આ શ્વાસો, આ જિંદગી નથી જોઈતી, મારી ઈચ્છાઓને મારીને તું મને જીવાડવા માંગતો હોય તો નથી જોઈતું મારે એ જીવન. પણ નહી તું એ સાંભળવા તૈયાર નહોતો, તારેતો સમાજમાં સારા દેખાવું હતું, મારી જિંદગીને તું ચાહે તે પ્રમાણે ગોઠવી નામના કમાવવી હતી, પણ તારી એ ભુખમાં મારા શ્વાસો રૂંધાતા હતા, તે ન દેખાયું તને ? કે કદાચ દેખાતું હતું છતાં તેં આંખ આડા કાન કર્યા.' રાજવીનો અવાજ રડમસ થઈ ગયો. 'ના એવું નથી રાજવી મારો વિશ્વાસ કર. મેં પણ તને મારા હ્રદયના ઉંડાણથી ચાહી છે, મારી કલ્પનાઓ, સપનાંઓ અને શ્વાસોમાં જીવાડી છે તને. મારા એક એક શ્વાસની આવન જાવન પર તારૂં આધિપત્ય સ્વીકાર્યું છે મેં.' પુરંજયે રાજવી પ્રત્યેના એના પ્રેમને સાબિત કરવા માટે જાણે એના બધા શબ્દોને હમણાં કામે લગાડી દીધા હતાં.
'તો પછી શા માટે પુરંજય, શા માટે તેં મને મારા શ્વાસો મારી મરજી મુજબ લેવાની પરવાનગી ન આપી ? શું કામ મારા માટે તું એક ઝંખના માત્ર થઈને રહી ગયો અને શું કામ મારૂં જીવન એક મૃગજળ બનાવી દીધું ? તેં કેવી રીતે માની લીધું કે આ સમાજ જીવનના વાઘા પહેરેલી ક્ષણો મને મંજૂર હશે ? મારે તો પ્રેમ કરવો હતો પુરંજય અને એ પ્રેમની પરીભાષામાં તને ઝંખ્યો હતો મેં, એવો પ્રેમ જ્યાં કદી પાનખર જેવી કોઈ ૠતુ ન હોય, જ્યાં કોઈ લાગણી ક્યારેય સંજોગો કે પરિસ્થિતિની મહોતાજ ન હોય, અવિરત વહેતા ઝરણાંની માફક બસ માત્ર હું તારામાં વહ્યા કરૂં અને તું, તું ઓજસ થઈને પથરાયા કરે, મારી સપાટીથી લઈને છેક તળીયે બેઠેલાં એક એક અણુ સુધી. મારા શ્વાસો, મારૂં જીવન, મારી ઝંખનાઓ અને વણબોલાયેલી મારી વાસ્તવિકતાઓ મને પાછી આપી દે પુરંજય, પાછી આપી દે પ્લીઝ. એકવાર સમાજની પરવા કર્યા વગર ફરી મારા જીવનને નવો ઓપ આપ અને મને ચાહવા દે તને અને તું, તું પણ મારી પ્રત્યેની તારી ચાહતનો સ્વીકાર કર.' પરસેવાથી ભીની થઈ ગયેલી પુરંજયની હથેળીને પોતાના હાથમાં પકડી રાજવી સમજાવી રહી હતી.
એટલામાં બન્નેની અંગત એકલતાને તોડતો પુરંજયના સેક્રેટરી નીરજનો અવાજ આવ્યો. 'સર તમે અહીં આમ એકલાં બેઠા છો ? અને હું ક્યારનો તમને ત્યાં હોલ પાસે શોધ્યાં કરૂં છું, તમારે માટે મારી પાસે એક ગુડ ન્યુઝ છે સર. 'લે પુરંજય એક ઓર સમાચાર સાંભળ. મારા કારણે મળી રહેલા એક ઓર સન્માનનો ગુલદસ્તો.' રાજવી બોલી. 'સર, તમારી વાર્તા 'એક હતી રાજવી' ને આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરીષદમાં દશકની સૌથી શ્રેષ્ઠ વાર્તા તરીકે સ્થાન મળ્યું છે.' નીરજે સમાચાર આપ્યા. 'હં, હા શ્રેષ્ઠ વાર્તા ! પુરંજયના શબ્દોમાં કેદ રાજવીની શ્રેષ્ઠ વાર્તા.' રાજવીએ જાણે ટોણો માર્યો. 'અરે સર, રાજવીના પાત્રનું અને એના જીવનનું આટલું સુંદર વર્ણન કરવા બદલ આ દશકના શ્રેષ્ઠ લેખક તરીકે પરીષદે તમારા નામની જાહેરાત કરી છે.' 'ગુડ, સરસ રાજવી ભલેને કાગળો વચ્ચે ગૂંગળાતી હોય છતાં પુરંજય એક શ્રેષ્ઠ લેખક છે.' રાજવીના આ શબ્દોથી પુરંજયને જાણે ભાલો વાગ્યો હોય તેમ લાગ્યું પણ એ ચુપ હતો અને નીરજ ઉત્સાહથી એકધારૂં બોલ્યે જતો હતો અને એના એક એક શબ્દ સામે રાજવી જાણે પુરંજયને એક એક ઘસરકો પાડી રહી હતી. 'હમણાંજ એ લોકોનો ફોન આવ્યો સર, કે એવોર્ડ સેરીમનીનું આમંત્રણ અને અમેરીકાની રીટર્ન ટીકીટ એ લોકોએ તમને કુરીઅરમાં મોકલી છે, ત્રણેક દિવસમાં મળવી જોઈએ.' 'હા અમેરીકા, ફરી મારા વર્ણનના શબ્દોભરેલાં પાના હાથમાં ઉંચકી એક ઓર વકતવ્ય આપવાનો પ્રસંગ પુરંજય, અમેરીકા.' આટલું બોલી રાજવી જાણે ત્યાંથી ઉભી થઈ ગઈ. 'અમેરીકા જવાની તૈયારી કરો સર.' નીરજ બોલ્યો. 'જા પુરંજય, અમેરીકા જા અને મને લખવા બદલ એક ઓર એવોર્ડ લઈ આવ. પણ એક વાત યાદ રાખજે. તેં ભલે મને તારી વાર્તામાં જીવંત કરી હોય, ભલે મારા શ્વાસો પણ તેં લખ્યા હોય. હું ભલે માત્ર તેં લખેલું એક પાત્ર હોંઉ. પણ સુંદર વર્ણન હોવા છતાં એ પાત્રને તેં જીવનતો સુંદર નહોતુંજ આપ્યું.' આટલું બોલતા રાજવી ચાલી ગઈ. 'અભિનંદન સર, લેખન ક્ષેત્રે ઉંચાઈનું એક ઓર નવું શિખર સર કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.' પુરંજયના જાણે કાન બહેર મારી ગયા હતા. 'ફરી એકવાર તમે એ પુરવાર કરી દેખાડ્યું કે પાત્ર વર્ણનમાં પુરંજય આચાર્યની તોલે કોઈ પહોંચી શકે તેમ નથી.' નીરજનો ઉત્સાહ હજુંય ઓછો થયો નહોતો એ બોલ્યે જતો હતો. 'પાત્રને જન્મ ભલે તેં આપ્યો હોય લેખક પણ એ પાત્રનું જીવન એને મંજૂર નહોતુંજ. એ યાદ રાખજે.' જાણે ક્યાંક દૂર આકાશ માંથી પડઘા પડતા હોય તેમ પુરંજયને લાગ્યું. આ એવોર્ડના સમાચારનો જાણે પુરંજયને કોઈ આનંદ નહોતો, એના કાન પર હમણાં જાણે નીરજના એકેય શબ્દો નહોતા પડી રહ્યાં, એ તો બસ માત્ર એજ વિચારી રહ્યો હતો કે હમણાંજ બાજુમાં બેઠી હતી તે રાજવી અચાનક ક્યાં ચાલી ગઈ ? એણે સેક્રેટરી નીરજ તરફ કંઈ અજીબ નજરથી જોયું અને બોલ્યો, 'એક હતી રાજવી' એ મારી સૌથી ખરાબ વાર્તા છે નીરજ, સૌથી ખરાબ, સૌથી ખરાબ. ક્યાંય સુધી એ આ એકનું એક વાક્ય બોલતો રહ્યો.
6/13/2014 09:34:00 AM |
Category:
Published In Gujarat Guardian News Paper - SunDay Supplement.
|
1 comments
Comments (1)
varta j samaj ma n aavi.