દરેક કલાકારની પોતાની એક આગવી ઓળખ હોય છેજે ઓળખ માત્ર તેની કલાને કારણે જ નથી બની હોતી પણ તેની તે કરવાની સ્ટાઈલને કારણે બની હોય છે. અને આપણને ખબર છે કે જે કોઈ કલાકાર લોકપ્રિય થયા છે તેમાં સૌથી મોટો ફાળો તેમની આગવી સ્ટાઈલનો જ હોય છે. દેવઆનંદ હોયરાજેશ ખન્ના હોયઅમિતાભ બચ્ચન હોય કે શાહરૂખ ખાન, કે પછી સાધના હોય, વહિદા રહેમાન હોયમાધુરી કે કાજોલ. લેખક હોય, ફોટોગ્રાફર હોય, એક્ટર કે ફિલ્મ ડાયરેક્ટર દરેકની પોતાની કોઈ નહીં તો કોઈ આગવી સ્ટાઈલ જરૂર હોવાની જે તેને લોકપ્રિય બનાવે છે. સ્પેશ્યલ, મેમરેબલ અને ડિફરન્ટ આવુ કંઈ નહીં હોય તો કોઈ પણ કલાકાર ઓળખ બનાવવા પહેલાં  ક્યાંક ટોળામાં અટવાય જશે.
આપણા હિન્દી સિનેમા જગતમાં પણ આવા જ એક નોખા ડાયરેક્ટર હતા જેમનું માત્ર નામ  કાફી છે. બિમલ રૉય. સાત-સાત ફિલ્મ ફેર એવોર્ડ જીતી ચૂકેલા 'બિમલદા'ની એક અફલાતૂન ફિલ્મ એટલે 'બંદિની'. ૧૯૬૩માં આવેલી બંદિની હિન્દી સિનેમા જગતમાં સૂવર્ણ ઈતિહાસ ધરાવતી એક અમર ફિલ્મ છે. નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ, ફિલ્મ ફેર એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ, ફિલ્મ ફેર એવોર્ડ ફોર બેસ્ટ ડાયરેક્ટર, ફિલ્મ ફેર એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સિનેમેટોગ્રાફર, બેસ્ટ સાઉન્ડ અને ફિલ્મ ફેર એવોર્ડ ફોર બેસ્ટ સ્ટોરી. અધધ કહી શકાય તેટલા આ બધા જ એવોર્ડ બંદિની ફિલ્મને મળ્યા હતા. યશરાજ ફિલ્મ પ્રેઝન્ટ, ડાયરેક્ટેડ એન્ડ પ્રોડ્યુસ્ડ બાય બિમલ રૉય "બંદિની." આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે બિમલ રૉયના નિર્દેશનમાં બનેલી બંદિની તેમની છેલ્લી પૂર્ણ ફિલ્મ છે. બાકીના કેટલાક પ્રોજેક્ટ અધૂરા રહી ગયા હતા.
નૂતન, અશોક કુમાર અને ધરમેન્દ્રને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી બંદિનીના કલ્યાણીના પાત્રને આપણે આજેય ભૂલી શક્યા નથી. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના એ જમાનામાં પણ પડદા ઉપર ઉપસતું બેનમૂન સૌંદર્ય એવી એ ફિલ્મની હીરોઈન નૂતને કલ્યાણીના પાત્રને એટલી સુંદર રીતે ન્યાય આપ્યો હતો કે આપણને ફિલ્મ જોયા પછી એમ લાગે કે જાણે આ પાત્ર નૂતનને માટે જ લખાયું હતું. જેલના રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. દેવેન્દ્રના પાત્રમાં તે સમયે નવોદિત હોવા છતાં એક મંજેલા કલાકરની જેમ ધરમેન્દ્રએ ખૂબ સુંદર કામ કર્યું હતું અને બંદિનીનો પ્રથમ પ્રેમ એવો બિકાસ ઘોષ (આપણે ગુજરાતી હોવાને નાતે વિકાસ પણ કહી શકીએ.) એટલે તે સમયના સુપર સ્ટાર અશોક કુમાર. આ બધાની સાથે સચિનદેવ બર્મનનું મ્યુઝિક, શૈલેન્દ્ર અને ગુલઝારના ગીતો અને કમલ બોઝની સિનેમેટોગ્રાફી.
બધાએ જરાસંધ લિખિત કહાની તામસી પર જબરદસ્ત મેહનત કરી અને તેનું જે હિન્દી ફિલ્મ વર્ઝન બન્યું તે હિન્દી સિનેમાની અમર ફિલ્મ "બંદિની". તમસા મૂળ એક બંગાળી નોવેલ છે જે ચારૂ ચંદ્રા ચક્રોબર્તીએ લખી હતી. જરાસંધનું મૂળ નામ ચારૂ ચંદ્રા ચક્રોબર્તી. ચારૂ ચંદ્રાજી એક જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ હતા. જેમણે પોતાની કૅરિઅરનો મહત્તમ સમય ઉત્તર બંગાળની જેલમાં જેલર તરીકે વિતાવ્યો હતો. તેમણે તેમના અનુભવોને આધારે ઘણી ફિક્શન સ્ટોરીઝ પણ લખી હતી. તે જ રીતે બંદિનીનો પણ જન્મ એમની નોવેલ તમસા પરથી થયો હતો.
એસ.ડી. બર્મન અને બંદિની ફિલ્મએ આપણને ગૂલઝાર જેવા ઊંચા ગજાના ગીતકાર આપ્યા એમ કહીએ તો ચાલે. સંપૂર્ણ સિંઘ કાલ્‍રા એટલે કે ગૂલઝાર તે સમયે બંદિની ફિલ્મમાં આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. એસ.ડી. બર્મનને ખબર હતી કે ગૂલઝાર થોડું ઘણું કંઇક લખે છે. અને તેમણે ગૂલઝારજીને બંદિની માટે ગીત લખવા કહ્યું. ગૂલઝાર સાહેબે પહેલા કયારેય ગીતો લખ્યા નહોતા, તેથી તેમણે ઘસીને ના કહી દીધી. પણ એસ.ડી. બર્મને ગૂલઝાર સાહેબને જબરદસ્તી બેસાડ્યા અને તેમને ફિલ્મની હિરોઈન કલ્યાણી વિશે સમજાવ્યું, તેમણે કહ્યું, 'કાલ્‍રા, (ગૂલઝારનું મૂળ નામ) મુઝે કલ્યાણી કે લિયે ગીત ચાહીયે, એક ઐસી લડકી કે લિયે જો રાત કો ઘર સે બાહર નહીં નિકલ શકતી પર ઉસકા દિલ બહોત ચંચલ હૈ, વો ઝિંદાદિલ હૈ પર કહીં જાને સે ડરતી ભી હૈ.' ગૂલઝાર સાહેબે કહ્યું, 'મને આ બધુ નહીં ફાવે મેં ક્યારેય ગીતો નથી લખ્યા.' પણ બર્મનદાની જીદ્દ સામે નમતું મૂકી તેમણે એક ગીત લખ્યું. કહે છે કે ગૂલઝાર સાહેબને તે સમયે ખબર પણ નહોતી કે હિન્દી સિનેમા જગતમાં પહેલા ધૂન બને છે અને પછી તેના પર બોલ લખાય છે. એસ.ડી.એ તેમને ધૂન સંભળાવી દીધી અને કલ્યાણીનું પાત્ર પણ, ગૂલઝારે  ધૂન બરાબર યાદ રાખી લીધી અને પાંચ દિવસ સતત જ ગુનગૂનાવતા રહ્યા. તે ધૂનને જે બોલ મળ્યા અને ગીત બન્યું તે ગીત એટલે, 'મોરા ગોરા અંગ લઈ લે...'
પણ કમાલની વાત એ છે કે ગૂલઝારે જ્યારે મહામહેનતે ગીત લખ્યું ત્યારે બિમલ રૉય સાહેબે તે ગીત ફિલ્મમાં લેવા માટે ના કહી દીધી. તેમણે એસ.ડી. બર્મનને કહ્યું કે, 'આ નવો છોકરો મારી કલ્યાણીના પાત્રને ન્યાય મળે તેવું ગીત નહીં લખી શકે. હું આ ગીત મારી ફિલ્મમાં નહીં લેવા દઉં.'
યુવાન, સ્વરૂપવાન અને ભોળી દેખાતી કલ્યાણી જેલમાં પોતે કરેલા ગુનાની સજા ભોગવી રહી છે. જેલમાં તેનું વર્તન જોઈ જેલરને વાત પર ભરોષો નથી બેસતો કે આટલી નિર્દોષ છોકરી ઈરાદા પૂર્વક કોઈનું ખૂન કરી શકે ! કોટન સાડી પહેરેલી એક કેદી જેલમાં દેખાય છે. અહીંથી પિક્ચરની શરૂઆત થાય છે. જેલમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા યુવાન ડૉ. દેવેન્દ્રને તેના તરફ આકર્ષણ થાય છે. દેવેન્દ્રનું કલ્યાણી પ્રત્યેનું આકર્ષણ ધીમે ધીમે પ્રેમમાં પરીણમે છે અને કલ્યાણીનો ભૂતકાળ જાણતો હોવા છતાં દેવેન્દ્ર તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. તે કલ્યાણી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે પણ કલ્યાણી દેવેન્દ્રના પ્રસ્તાવને સ્વીકારી શકતી નથી. અને ત્યાંથી શરૂ થયેલી વાર્તા આપણને ફ્લેશબેકમાં લઈ જાય છે. કલ્યાણી એક પોસ્ટમાસ્તરની દીકરી છે, અને તે એક આઝાદીના લડવૈયા બિકાસ ઘોષના પ્રેમમાં પડે છે. બિકાસ તેનો પહેલો પ્રેમ છે, તેણે બિકાસ સાથે લગ્ન કરવા છે. પણ બિકાસને કલ્યાણીનું ગામ છોડી શહેર જવું પડે છે, જતા-જતા તે કલ્યાણીને લગ્નનું વચન આપતો જાય છે. પણ બિકાસ પાછો આવતો નથી. કલ્યાણીને ખબર મડે છે કે બિકાસે શહેરમાં કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા છે. તે ગામ છોડી શહેરમાં આવી જાય છે...કલ્યાણી જેલમાં શા માટે ગઈ ? કોના ખૂનના ગુનાહની સજા ભોગવી રહી છે ? તે દેવેન્દ્રના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે કે નહીં ? શું બિકાસ તેને ફરી ક્યારેક મળ્યો હશે ખરો ? અને જો મળ્યો પણ હશે તો શું કલ્યાણી ફરી તેની પાસે ગઈ હશે કે દેવેન્દ્રનો લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હશે ? આ બધી વાતોની આપણે અહીં જ ચર્ચા કરી લઈશું તો ફિલ્મ જોવાની મજા નહીં આવે. અને હવે તો હાથવગું સાધન છે યુ ટ્યુબ. તો મારો ડાઉનલોડ કે ઓન લાઈન જોઈ નાખો.
આ ફિલ્મ સાથે એક અનોખો યોગ પણ થયો હતો. અશોક કુમાર અને બિમલ રૉયે દસ વર્ષ જેટલા લાંબા ગાળા બાદ બંદિની ફિલ્મમાં ફરી સાથે કામ કર્યુ હતું. બંદિની પહેલા તેઓ બંને એ ફિલ્મ પરીણિતા (૧૯૫૩)માં કામ કર્યું હતું. વાત કંઈક એમ બની હતી કે પરીણિતા ફિલ્મ અશોક કુમાર પ્રોડ્યુસ કરતા હતા અને તે જ સમયે બિમલદાની હોમ પ્રોડક્શન ફિલ્મ દો બીંઘા ઝમીન પણ ફ્લોર પર આવી ચૂકી હતી. અશોક કુમારને પરીણિતાના શૂટીંગ દરમિયાન એમ લાગવા માંડ્યુ કે પરીણિતાનું શૂટીંગ અટકાવી, પરીણિતા કે મારા પૈસાના ભોગે બિમલ રૉય તેમની પોતાની ફિલ્મ દો બીંઘા ઝમીન પર વધુ ધ્યાન આપી રહ્યા છે. અને કારણથી ત્યાર પછીના દસ વર્ષ સુધી સુપર સ્ટાર અને સુપર ડિરેક્ટર સાથે કામ નહોતા કરી શક્યા. પણ તેમનું મન દુઃખ કહો કે ગલતફેમી તે દૂર થઈ બંદિની માટે કે બંદિનીને લીધે. અને બંદિનીને કારણે બંને ફરી એક ફિલ્મમાં સાથે આવ્યા. કદાચ ત્યારે બંદિની પિક્ચરનું ભવિષ્યા ચૂક્યુ હતું કે ફિલ્મ સુપર હીટ પુરવાર થવાની છે.ફિલ્મ વિવેચકોનું કહેવું હતું કે નૂતનના ફિલ્મી કૅરિઅરમાં બંદિની ફિલ્મમાં તેણે કરેલો કલ્યાણીનો રોલ એ તેનું કૅરિઅર બેસ્ટ પર્ફોર્મન્સ હતું.
આ બધાની સાથે એસ.ડી બર્મનનું મ્યુઝિક. સચિનદા માટે એવું કહેવાય છે કે ભારતીય લોક સંગીત અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચે સચિનદા એક બ્રીજ બનીને રહ્યા હતા. એમણે એમના મ્યુઝિકમાં અને ક્મ્પોઝિશનમાં જે ખુબીથી લોકસંગીત વાપર્યું છે એટલી સહજતાથી અને અતિપ્રિયની કક્ષાએ લઈ જનારૂ કમ્પોઝિશન ભાગ્યેજ કોઈ સંગીતકાર કરી શક્યો હશે. અને સચિનદાના મ્યુઝિક માટે શબ્દો લખ્યા શૈલેન્દ્રએ અને ગુલઝારે. વાહ કેવા સરસ ગીતો. લત્તા દીદીના સુરીલા અવાજમાં 'મોરા ગોરા અંગ લૈ લે...' અને 'જોગી જબ સે તુ આયા...' જેવા સુમધુર ગીત. મુકેશ દ્વારા ગવાયેલું 'ઓ જાનેવાલે હો સકે તો લૌટ કે આના...' અને આશા ભોસલે પાસે પણ સચિન દાએ બે ગીતો ગવડાવ્યા હતા 'ઓ પંછી પ્યારે સાંજ સકારે...' અને 'અબ કે બરસ ભેજો...' અને મન્ના ડેનું પેલું ગીત 'મત રો માતા લાલ...' કેવું સુંદર સંગીત, બોલ અને ગીત. ક્યા બાત...ક્યા બાત...અને ત્રીજી વારના ક્યા બાત માટે તમારે અટકવું પડે કારણ કે સચિન દાએ પોતે ગાયેલું એ અમર ગીત જે આજે પણ સતત સાંભળવા છતાં એટલું તરો તાઝા લાગે. ' રે માઝી...મેરે સાજન હૈ ઉસ પાર...' હેટ્સ ઓફ સચિન દા, હેટ્સ ઓફ બિમલ દા. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે લિજેન્ડ દ્વારા આપણા માટે બનાવાયેલી એક એવી ફિલ્મ જે આજે પણ લોકો યાદ કરે છે. આ ફિલ્મ એવી માઈલ સ્ટોન ફિલ્મ બની હતી કે જેણે નૂતનને એક હીરોઈન તરીકેની ઓળખ આપી. ધરમેન્દ્રને સ્ટાર બનાવી દીધો અને અશોક કુમારનું સ્ટારડમ ઓર બેવડાયું. એક મઝાની મસ્ટ વોચ ફિલ્મ. "બંદિની".




Comments (0)