'મારી પાસે તેમનો ફોન નંબર નહોતો. મારી ફોન સ્ક્રીન પર જ્યારે નંબર ફ્લેશ થયો ત્યારે મને નહોતી ખબર કે તેમનો ફોન હશે. મેં કહ્યું, 'હલ્લો,' અને સામા છેડે ખૂબ સાલસ અવાજે તેમણે કહ્યું, 'મેં તમારી ફિલ્મ જોઈ, તમે અને તમારી ફિલ્મના લેખકે ફિલ્મ માટે ખૂબ સારૂ કામ કર્યુ છે, મને ફિલ્મ જોવાની ખરેખર ખૂબ મજા પડી. અભિનંદન. કદાચ વિષય પર જો મારે ફિલ્મ લખવાની હોત તો હું પણ આટલી સારી રીતે વિષયને ન્યાય આપી શક્યો હોત. હું આટલી સુંદર સ્ક્રીપ્ટ લખી શક્યો હોત કદાચ. તમારા સરાહનિય કામ બદલ હું તમને મળવા માંગુ છું. તમને મારા ઘરે ચ્હા પર આવવાનું નિમંત્રણ આપવા માંગુ છું, તમે આવશો ?' આટલું કહેતા સુજીત સિરકાર હસી પડે છે, તેમના ચહેરા પર લાલી આવી જાય છે. અને આટલું કહી તે તેમની સામે બેઠેલા પત્રકારને પૂછે છે. 'કેન યુ બિલીવ હુ વોઝ ટોકિંગ વીથ મી ? ઓહ યસ, ધેટ વોઝ સલીમ ખાન, આઈ વોઝ શોક્ડ એટ ધેટ ટાઈમ. કાન્ટ બિલીવ ધેટ સલીમ ખાન કોલ્ડ મી !' હીટ ફિલ્મ વિકી ડોનરના ડાયરેક્ટર સુજીત સિરકાર સલીમ ખાનના આમંત્રણને માન આપી તેમની ઘરે જાય છે અને આ મુલાકાતના અંતે સલીમ તેમને પોતાના શો કેસમાંથી તેમનો એક ફિલ્મ ફેર એવોર્ડ ઉઠાવી સિરકારના હાથમાં મૂકતા કહે છે. 'ધીસ ઈઝ  ગિફ્ટ ફોર યોર વર્ક.' સુજીત સિરકાર છેલ્લે કહે છે. 'એક વેટ્રન લેખક નવી પેઢીના, નવા ડાયરેક્ટરને આટલી આત્મિયતાથી વખાણે મારે માટે સુખદ આંચકો હતો.

સલીમખાન સાથે અંગતમિત્ર તરીકે સંબંધ ધરાવતા તેમના તમામ મિત્રો કહે છે કે સલીમખાન એવું માનનારા માણસ છે કે, 'મહેમાન તમારા પર અહેસાન કરે છે કે તેમની કિસ્મતનું ખાવાનું તે તમારા ટેબલ પર આવીને ખાય છે.' મહેશ ભટ્ટે એક મુલાકાતમાં તેમની સાથેના એક અંગત અનુભવને યાદ કરતા કહ્યું હતું કે, 'તેમની માન્યતાને કારણે સલીમ ખાન તેમના નજીકના મિત્રોમાં રીતે જાણીતા છે કે જો તમે સલીમની ઘરે બપોરના કે રાત્રિના ભોજન સમયે ગયા હોવ તો તમારે તેમની સાથે જમવા બેસવું પડે.' આજ સલીમ ખાન એક દિવસ સારા મૂડમાં કહી જાય છે. 'આમ તો મારા અને સલમાનમાં ઘણી સમાનતા છે પણ તેમાની એક હું આજે તમને કહું તો, હું અને સલમાન અમે બંને અમારી એક્સ ગર્લફ્રેન્ડ જોડે આજની તારીખે પણ સંબંધ રાખીએ છીએ અને જરૂર પડ્યે તેમને મદદ કરવાની પણ તૈયારી રાખીએ છીએ.' ગર્લ ફ્રેન્ડની વાત નીકળી તો સ્વાભાવિક પણે વિચાર આવે કે સલીમ સાહેબની મેરેજ લાઈફ કે આશિકીની લાઈફ કેવી રહી હશે ?
સલીમ સાહેબના સલમાખાન (પહેલા પત્ની) સાથે લગ્ન થયા ૧૯૬૪માં પણ સલીમ ખાન અને સલમા તે પહેલાથી લગભગ ૧૯૫૯થી એકબીજાને ડેટ કરતા હતા. સલમાખાનનું મૂળ નામ સુશીલા. તેઓ હિન્દુ હતા પણ પાછળથી તેમણે સલીમખાન સાથે લગ્ન કરી મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો. સલીમખાન કહે છે, 'સલમાનું માત્ર નામ બદલાયું કારણ કે નિકાહ માટે તે જરૂરી હતું, તે સિવાય સલમા આજે પણ મંદિર જાય છે, અમે અમારા ઘરમાં પણ મંદિર રાખ્યું છે, તે પોતાના ઘરે પૂજા કે બીજા કોઈ પ્રસંગ હોય ત્યારે આજે પણ એટલાં ઉમળકાથી તેમાં શામેલ થાય છે. તમારા પોતાના ધર્મને તમે કઈ રીતે કોઈ સંબંધને કારણે પોતાનાથી અળગો કરી શકો ? તે જ રીતે હેલનજી પણ નિયમીતપણે ચર્ચમાં જાય છે.' સલમા સાથેના લગ્ન જીવનથી તેમને ત્રણ દિકરા છે સલમાન, અરબાઝ અને સોહેલ અને એક દીકરી અલ્વીરા. પણ સલીમ ખાન સલમાને મળ્યા અને તેમની સાથે પ્રેમમાં પાડ્યા તે પહેલાંથી તે એક બીજી છોકરીને પણ ઓળખતા હતા. જેનું નામ તે સમયે હિન્દી સિનેમા જગતમાં એક ડાન્સર અને એક્ટર તરીકે જાણીતુ થઈ ચૂક્યુ હતું. જી હા હેલન. સલીમ તે સમય દરમિયાન ફિલ્મોમાં એક્ટીંગમાં કરિઅર બનાવવા માટે મથામણ કરી રહ્યા હતા. સ્ક્રીન પ્લે સ્ટોરી કે સ્ક્રીપ્ટ રાઈટર બનવાનો તે સમયે હજી વિચાર સુધ્ધા નહોતો કર્યો. સલીમખાનના શરૂઆતના તે દિવસોમાં તેમને એક્ટીંગ કરવાનો મોકો મળ્યો. સરહદ કે લૂટેરે, તિસરી મંઝિલ જેવી ફિલ્મોમાં તેમણે કામ પણ કર્યું. અને  સમય દરમિયાન તેમની મુલાકાત થઈ હેલન જોડે. સલીમ ખાન કહે છે, 'જ્યારે હું તેમના પ્રેમમાં પડ્યો હતો ત્યારે મારામાં હિંમત નહોતી કે હું તેમને કહી શકું.' પછી તો તેમના લગ્ન સલમાખાન જોડે થઈ ગયા. હેલન સમય દરમિયાન (૧૯૫૭થી ૧૯૭૩) જાણીતા ફિલ્મ ડાયરેક્ટર પી.એન. અરોરા જોડે રહેતા હતા. પણ હેલનની ૩૫મી વર્ષગાંઠે તેમનો અરોરા સાથેનો સંબંધ કોઈ કારણોસર તૂટી ગયો. ત્યારબાદ સલીમ ખાન અને હેલન બંને ને લાગ્યુ કે, રિલેશનને માન આપી અમારે પરણી જવું જોઈએ અને ૧૯૮૦માં તેમણે લગ્ન કરી લીધા. સ્વાભાવિક રીતે લગ્નથી ઘરમાં મોટો હોબાળો થયો પણ થોડા વખતમાં સલીમખાનની હેલન પ્રત્યેની લાગણી જોતા તેમના સંબંધને માનપૂર્વક તેમની પહેલી પત્ની સલમાખાને સ્વીકારી લીધો. પણ સલીમખાનના ચારેય પુત્રો પપ્પાના સંબંધને સ્વીકારવા રાજી નહોતા. તેમની વચ્ચે તે બાબતે ચઢભડ પણ થઈ પણ, સલીમ ખાનનાં શબ્દોમાં કહીએ તો, 'દિકરાઓ તરીકે તેમનો વિરોધ વ્યાજબી હતો, તેમને પોતાની મા ની સુરક્ષા અને અવગણનાની શક્યતા અંગે ચિંતા હતી. પણ મારા દિકરાઓ મારા ધારવા કરતા વધુ સમજદાર સાબિત થયા. તેમને ખબર હતી કે હેલનજી એક ઉમદા વ્યક્તિ છે, અને તેઓ પણ તેમની મા જેટલા પ્રેમાળ છે. તેઓ વાતને બરાબર સમજે છે કે પાપાને તેઓ પ્રેમ કરે છે અને અમારી મમ્મા પણ તેમને પસંદ કરે છે. અને મારા ત્રણે દિકરાઓ હેલનને પણ તેમની મા સલમા જેટલાં સ્વાભાવિકતાથી સ્વીકારી લીધા. એટલું નહીં મારી બંને દીકરીઓ પણ હેલનને એટલો  પ્રેમ કરે છે.' ત્રણે ભાઈઓને અલ્વીરા સિવાય એક ઓર બહેન પણ છે, અર્પિતા જેને હેલનજી અને સલીમ ખાને મા-બાપ તરીકે દત્તક લીધી છે.
પ્રેમ અને લગ્ન વિશે સલીમખાન માને છે કે, 'શું કોઈ પર્ટીક્યુલર બાયોડેટા છે કે જેને તમે પ્રેમમાં પડતા પહેલા સ્ક્રુટીનાઈઝ કરી શકો ? પ્રેમ માટે તો તમારે તમારો અને તમે જેને જીવન સાથી તરીકે ચાહતા હો તેના આત્માનો અવાજ સાંભળવો પડે. હું પણ ભૂતકાળમાં કેટલીય છોકરીઓ પ્રત્યે આકર્ષાયો છું. પણ મેં લગ્ન માત્ર તેમાંની બે સાથે કર્યા કારણ કે, મને તેમના કમીટમેન્ટ પ્રત્યે માન થયું અને મને મારી પોતાની જાત માટે તે વખતે લાગ્યું કે હું મારી બાકીની જિંદગી તેમની સાથે ગાળી શકીશ.'  
બોલિવુડમાં બાઈક લવર તરીકે જ્હોન અબ્રાહમ વિશે બધાને ખબર છે પણ કેટેગરીમાં આપણે વેટ્રન લેખક સલીમખાનને પણ મૂકવા પડે. સલીમખાનને પહેલીવાર ૧૯૫૬માં એક ફુલ્લી રીસ્ટોર્ડ બાઈક ખૂબ ગમી ગયેલી ટાઈગર ટી-૧૦૦ તેમને  બાઈકની એવી ધૂન ચઢી હતી કે તેમણે તેવીજ અદ્દલ બાઈક તે સમયે તેમના વતન ઈન્દોરમાં ક્યાંકથી શોધી કાઢી અને રૂપિયા ૪૯૫૦ (૧૯૫૬માં)  ચૂકવીને તે બાઈક ઘરે લઈ આવ્યા. તે બાઈક પર તેમની પહેલી સફર રતલામથી ઈન્દોર તેમના ઘર સુધીની હતી. હમણાં તેમના પુત્ર સોહેલખાને પોતાના પિતાની વર્ષગાંઠ પર તેવી બાઈક તેમને ભેટમાં આપી ત્યારે સલીમખાન તેમનાએ જૂના દિવસો યાદ કરતા કહે છે. 'મારા જૂના દિવસોમાં મને તે ખૂબ પ્રિય હતી, તેનો રજીસ્ટ્રેશન નંબર પણ મેં તે વખતે બની શકે તેટલો સ્પેશ્યલ રાખ્યો હતો. તેનો નંબર હતો ૦૧જાઓરા - ૦૧. આ મશીન માટે હું પાગલ છું.'
છેલ્લે, સલીમ-જાવેદની જોડી તરીકે ત્રણ ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકેલા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ વીનર આ ફિલ્મ, ટી.વી સિરીયલ રાઈટર, એક્ટર, પ્રોડ્યુસરની કલમથી લખાયેલા એક ફેમસ ડાયલોગને યાદ કરતા ચર્ચા અહીં પૂરી કરીએ. 'આજ મેરે પાસ બિલ્ડીંગ હૈ, પ્રોપર્ટી હૈ, બેંક બેલેન્સ હૈ, બંગલા હૈ, ગાડી હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ ?' અને ઓલ ટાઈમ હીટ આ શબ્દોને કઈ રીતે ભૂલી શકાય, 'જાઓ પહેલે ઉસ આદમી કા શાઈન લે કે આઓ જીસને મેરે હાથ પે યે લીખ દિયા થા !'


Comments (0)