આજે આપણે તમારી કલ્પના શક્તિને થોડી કામે લગાડીયે. એ માટે આપણે કોઈ એક સ્ટોરીનો પ્લોટ વિચારીયે તો કેવું ? માની લો કે તમને વાંચવાનો ખૂબ શોખ છે અથવા કોઈ વિષયના અભ્યાસ માટે એક દિવસ તમે કોઈ સરસ મોટ્ટી લાયબ્રેરીમાં ગયા છો. લાયબ્રેરીના પ્રવેશદ્વાર પાસે જ મોટા અક્ષરે બોર્ડ લગાવ્યું છે. શાંતિ જાળવોકે પછી પ્લીઝ કીપ સાયલન્સતમે આ બોર્ડ જોતાની સાથે જ તમારા મોઢા પર આંગળી મૂકી દો છો. પછી ધીમે રહી તમે તમારું ગમતું પુસ્તક શોધી લીધું અને હવે તે પુસ્તક લઈ તમે કોઈ એક ખૂણે વાંચવા બેઠાં છો. પણ ધારો કે, ત્યાં જ તમારી આજુ-બાજુથી કોઈ ભૂત, કોઈ પરછાઈ કે હવામાં તરતી કોઈ માનવાકૃતિ પસાર થઈ જાય તો ? તમારી શું હાલત થાય ? જેટલા વાંચકના મનમાં એમ આવ્યું હોય કે, ’આહ, એમાં વળી શું ડરવાનું ? આપણને આટલામાં ડર નો લાગે હોં.તો માની લેજો કે તેમની બહાદુરી જોવા તમારે એક વાર સાચે જ આવી પરિસ્થિતિ સર્જાતી હોય તેવી જગ્યાએ તેમને લઈ જવા પડે.
ખેર, આપણે વાત કરવી છે આજથી લગભગ ૧૩૦ વર્ષ પહેલા શરૂ થયેલી એક લાયબ્રેરીની. વિક્ટોરિયન શૈલીની સરસ ભવ્ય ઈમારત, તેના મૂળ માલિકના નામ પરથી રાખવામાં આવેલું એ ઈમારતનું નામ અને ત્યારબાદ તે જ નામ પરથી તે ઈમારતમાં બનાવવામાં આવેલી લાયબ્રેરીનું પણ નામ રાખવામાં આવ્યું. ઈન્ડિયાનાના કેન્ટસ્કીની વોલબશ નદીથી જમણી તરફ આવેલા ઈવાન્સવિલેમાં એક ઈમારત ખૂબ જાણીતી છે. ફર્સ્ટ એવન્યુની આ ઈમારત આમ તો બની હતી આશરે ૧૮૮૧માં જેનો ઉપયોગ ૧૮૮૫માં શરૂ થયો. આ ઈમારતને લગભગ ૧૩૦ વર્ષ થવા આવ્યા. વિલાર્ડ કારપેન્ટર નામના એક રહીશ કે જેમને પાયોનિયર ઓફ પબ્લિક ચેરિટીતરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે ૧૮૭૬માં એક ટ્રસ્ટ બનાવ્યું. તેમણે એક મોટા ગાર્ડન સાથેની એક ભવ્ય પ્રોપર્ટી બનાવી હતી. પાછળથી તેમણે આ ઈમારતને એક ભવ્ય લાયબ્રેરી બનાવવાનો વિચાર કર્યો. વિલાર્ડનું આ સપનું જ્યારે પૂર્ણ થયું અને લાયબ્રેરી ૧૮૮૫માં ખૂલ્લી મૂકવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે, ’આ લાયબ્રેરી બનાવવા પાછળનો મારો આશય છે કે ઈવાન્સવિલે આર્ટ, કલ્ચર અને ઈન્સ્ટિટ્યુશનમાં ખૂબ પ્રગતિ કરે, આગળ વધે. અને તેથી જ હું આ લાયબ્રેરી સામાન્ય જનતા માટે ખૂલ્લી મૂકું છું જેનો કોઈ પણ વ્યક્તિ પોતાનું જ્ઞાન વધારવા ઉપયોગ કરી શકે છે.
મિ. કારપેન્ટર એક ધનિક માણસ હતા. સાથે સાથે જ તેમનો આશય પણ સારો હતો કે તેમની પ્રોપર્ટી કોઈ સારા આશય માટે ઉપયોગમાં આવે. પણ જરૂરી નથી કે તમારી કોઈ માન્યતા કે વર્તન સાથે દરેક માણસ સહમત હોય જ. વિલાર્ડ કારપેન્ટરના કિસ્સામાં પણ તેવું જ બન્યુ. કહેવાય છે કે વિલાર્ડની એક દીકરી હતી લુઈસ કારપેન્ટર. જેને વિલાર્ડનું વર્તન નહોતું ગમ્યું, તે નહોતી ચાહતી કે તેના ફાધર તેમની આટલી મોટી પ્રોપર્ટી કોઈ લાયબ્રેરી બનાવવા માટે આપી દે. વિલાર્ડનું જ્યારે મોત થયું ત્યારે તેમણે તેની વસિયતમાં પણ તેના તમામ પૈસા આ લાયબ્રેરીને જ દાનમાં આપી દીધા હતા. લુઈસને વિલાર્ડે પોતાની વસિયતમાંથી પણ બાકાત રાખી. પોતાના પિતાએ પોતે જ સામે ચાલીને પોતાની આ ભવ્ય પ્રોપર્ટી અને તમામ પૈસા લાયબ્રેરીને આપી દીધા હોય લુઈસથી કંઈ જ થઈ શકે તેમ નહોતું. આખરે ૧૮૯૦માં લુઈસે વિલાર્ડ લાયબ્રેરી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો. તેની દલીલ હતી કે તેના પિતાએ લાયબ્રેરીને જે પૈસા આપ્યા હતા તે લાયબ્રેરી તેને પરત કરે કારણ કે તે વિલાર્ડની દીકરી હોય તેમના પૈસા પર સાચો હક્ક તેનો બને છે. લુઈસ કોર્ટમાં તે કેસ હારી ગઈ લાયબ્રેરી પાસેથી તેને એક પણ રૂપિયો નહીં મળ્યો. પણ લુઈસ માનવા તૈયાર નહોતી તેણે ફરી ઉપરની કોર્ટમાં અપીલ કરી. પણ લુઈસ ત્યાં પણ કેસ હારી ગઈ. બંને કોર્ટમાંથી કેસ હારી જતા લુઈસને ખૂબ ગુસ્સો આવ્યો, તે કોઈ પણ સંજોગોમાં પોતાની આ હાર સ્વીકારવા તૈયાર નહોતી. અને કહે છે કે તેણે બાકીની આખી જિંદગી ખૂબ તકલીફોમાં વિતાવી હતી. લુઈસ તેની આખી જિંદગી દરમિયાન લાયબ્રેરી માટે ઝેર ઓકતી રહી, અને આજ બધા કારણથી તે મરી ત્યારે પણ તેના આત્માને શાંતિ નહોતી મળી અને તે અધૂરી ઈચ્છાઓ લઈને જ આ વિશ્ર્વમાંથી ગઈ. કેટલાંક એમ પણ કહે છે કે વિલાર્ડની આ દીકરીનું નામ લુઈસ નહીં પણ સારાહ હતું. જેને આજે લોકો લેડી ઈન ગ્રે તરીકે ઓળખે છે. અને લેડી ઈન ગ્રે નું એટલે કે લુઈસનું યા સારાહનું ભૂત આજે પણ વિલાર્ડ લાયબ્રેરીમાં રહે છે.
જ્યારે કે એક બીજી લોકવાયકા અનુસાર ૧૯૮૫માં એક ખૂબ જાણીતા પેરાસાયકોલોજીસ્ટ મિસીસ લ્યુકાઈલ વોરેનને આ લાયબ્રેરીમાં તપાસ અને રીસર્ચ કરવા બોલાવવામાં આવ્યાં હતાં. તેમનું મંતવ્ય અને રીસર્ચ કંઈક અલગ છે. કહે છે કે મિસીસ વોરેને આ લેડીનું ભૂત સૌપ્રથમ ચિલ્ડ્રન્સ લાયબ્રેરીવાળા હિસ્સામાં જોયું હતું. તેમણે તેમના રીસર્ચ પેપરમાં આ ભૂત વિશે એટલી ઝીણવટભરી માહિતી આપી છે કે આ ભૂતની હેરસ્ટાઈલ, કપડા અને તેમની સ્ટાઈલ સુધ્ધાં તેમણે તેમાં લખ્યા છે. તેઓ લખે છે કે આ લેડી ભૂત ૧૯મી સદીની શરૂઆત પહેલાના સમયની હોય તેવું લાગે છે. તેઓ કહે છે લેડી ઈન ગ્રે એટલી શરમાળ છે કે તે તેમની સાથે વાત પણ કરી શકતી નહોતી અને સતત વોટર પુલ સામે તાકી રહી હતી. લેડી ઈન ગ્રેની આ વર્તણૂકથી વોરેનને જે સાયકોલોજીકલ કોલ આવ્યો તે એ હતો કે આ ઈમારતના બાંધકામ વખતે અહીં એક વોટર કેનાલ હતી (જે આજે પણ લાયબ્રેરીની બાજુમાં છે.) જેમાં પડતું મૂકી આ લેડીએ આત્મહત્યા કરી હતી. જેનું ભૂત આજે પણ તે લાયબ્રેરીમાં ભટકે છે. મિસીસ વોરેન તો ત્યાં સુધી કહે છે કે તેને ખબર જ નથી કે આ એક લાયબ્રેરી છે અને તેના મૃત્યુ બાદ અહીં આ ઈમારત બંધાઈ હતી, અને આ જ કારણથી તે ખૂબ ક્ધફ્યુઝ હોય તેવું દેખાય છે.
લેડી ઈન ગ્રેનું ભૂત સૌ પ્રથમ ૧૯૩૦માં વિલાર્ડ લાયબ્રેરીના કેરટેકરે જોયું હતું. જ્યારે તે મોડી રાત્રે ચિલ્ડ્રન્સ લાયબ્રેરીમાં ગયો હતો. આ સમય હતો લગભગ રાતના ત્રણ વાગ્યાનો. કેરટેકર તેને જોઈને એટલો ડરી ગયેલો કે તે બીજે દિવસે ખૂબ બીમાર થઈ ગયો અને તેણે લાયબ્રેરીની નોકરી છોડી દીધી. ત્યારબાદ તેની જગ્યાએ જે બીજો કેરટેકર રાખવામાં આવ્યો તેનો તો લેડી ઈન ગ્રે સાથે સીધો જ ભેટો થઈ ગયો હતો. જ્યારે તે બેઝમેન્ટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની સાથે લેડીનું ભૂત કે તેની પરછાઈ ટકરાઈ હોય તેવો તેને અહેસાસ થયો. અચાનક તેણે પણ નોકરી છોડી દીધી.
કહે છે કે એક ત્રણ વર્ષનો છોકરો તેની માની સૂચનાઓ પર ધ્યાન નહીં આપી ને તે લાયબ્રેરીમાં આમથી તેમ આંટા ફેરા કરી રહ્યો હતો. તે અચાનક તેની મા પાસે દોડી આવ્યો. તે ખૂબ અકળાયેલો અને ગભરાયેલો દેખાઈ રહ્યો હતો. જ્યારે તેની માએ તેને પૂછ્યું કે તે કેમ આટલો ગભરાયેલો છે શું થયું ત્યારે તેણે કહ્યું કે તેણે એક ખૂબ જ ડરામણી લેડીને ગ્રે કપડા પહેરીને ફરતા જોઈ હતી. લાયબ્રેરીમાં જઈ આવેલા ઘણાંય લોકોનું કહેવું છે કે વિલાર્ડ લાયબ્રેરીમાં ઘણી વાર કેટલાક એરિયામાં અચાનક વાતાવરણમાં પલટો આવી જતો મહેસૂસ થાય છે. કેટલીક વાર કોઈ પર્ફ્યુમની ખૂબ તીવ્ર સુગંધ આવે છે તો ઘણાં લોકો એ એવું પણ જોયું છે કે લાયબ્રેરીના કેટલાંય કમરાના દરવાજા ઘણી વાર આપ મેળે ખૂલતા અને બંધ થતા હોય છે એટલું જ નહીં લાયબ્રેરીમાં મૂકેલાં પુસ્તકો કે તેના ફર્નિચરનો પણ કોઈ અદ્રશ્ય વ્યક્તિ દ્વારા ઉપયોગ થતો હોય તેમ તે હલતાં દેખાયા છે. કેટલાંક ત્યાં બેસીને શાંતિથી વાંચી રહેલા લોકો અચાનક તેમની આજુ બાજુ ફાં ફાં મારવા માંડે છે કારણ કે તેમને અચાનક એવું લાગે છે કે કોઈકે તેમના વાળમાં કે કાનની બૂટને સ્પર્શ કર્યો છે. આ લેડી ઈન ગ્રે સાથે જોડાયેલી એક વાત તો ખૂબ જ જુગુપ્સા ઉપજાવે તેવી છે. ક્યારેક વિલાર્ડ લાયબ્રેરીના લાયબ્રેરિયન માર્ગારેટ માયર નામના એક લેડી હતાં. તેમણે આ લેડી ઈન ગ્રેની ઝાંખી પરછાઈ જેવી આકૃતિ બેઝમેન્ટમાં આવેલા ચિલ્ડ્રન લાયબ્રેરી સેક્શનમાં જોઈ હતી. પણ લેડીનું આ ભૂત કોઈ ને કોઈ પણ જાતની હાનિ નહીં પહોંચાડતું હોવાને કારણે માર્ગારેટને તેની પ્રત્યે કોઈ ફરિયાદ નહોતી ઉપરથી તે જ્યારે પણ આ આકૃતિ જોતા ત્યારે ખૂબ પ્રેમથી તેની સાથે વાતો કરવાનો કે વર્તવાનો પ્રયત્ન કરતા. કહે છે કે જ્યારે આ ચિલ્ડ્રન્સ લાયબ્રેરીવાળા હિસ્સાનું રીક્ધસ્ટ્રક્શન ચાલતું હતું તેટલો સમય લેડી ઈન ગ્રેનું ભૂત રોજ માર્ગારેટ સાથે તેના ઘરે જતું હતું અને તેટલા સમય માટે તે માર્ગારેટના ઘરે જ રહ્યું હતું. પાછળથી માર્ગારેટના સારા વ્યવહારને કારણે તે લેડી એક પરછાઈની જેમ નહીં પણ પૂરી આકૃતિ તરીકે માર્ગારેટની સામે આવવા માંડી હતી.

અલગ અલગ લોકોના આ વિલાર્ડ લાયબ્રેરી સાથેના અનેક અનુભવો છે. કેટલાંકને લેડીનું પર્ફ્યુમ જાણીતું લાગે છે તો કેટલાંકને તેમની બાજુમાં બેસી તે પુસ્તક વાંચી રહી હોય તેવો અહેસાસ થયો છે. આવા અનેક અનુભવો નોંધાયા બાદ ત્યાં આખીય લાયબ્રેરીમાં હવે કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે જેથી ભૂતને જોઈ શકાય અને તેના વિશે વધુ માહિતી મેળવી શકાય. વાત અનેક છે, કિસ્સાઓ ઘણાં છે પણ એક વાત ચોક્ક્સ કે પેલા આપણે ગભરાતા નહીં.જેવા ડંફાસ મારતા લોકોને એક વાર વિલાર્ડ લાયબ્રેરીમાં લઈ જવા જોઈએ. લેડી ઈન ગ્રે નું ભૂત અને વિલાર્ડ લાયબ્રેરી આખા ઈવાન્સવિલે અને ઈન્ડિયાનામાં જાણીતા છે, નેકસ્ટ ટાઈમ કોઈ લાયબ્રેરીના ખૂણે ભરાઈને બોચીએ કાંકરો મૂકી વાંચવા બેસતા પહેલાં આજુ બાજુ જોઈ લેજો ખરાં કે ક્યાંક કોઈક લેડી ઈન ગ્રે તમારી આસપાસ તો નથી ને.




Comments (0)