તારા પાનેતરની લાલાશ અડે ને આંખમાં ભિનાશ જેવું લાગે, દીકરી તું તો પારકી થાપણ તોય કેમ આટલી વ્હાલી લાગે ?
રોજ તો આવી જાય છે આ સમયે, આજે કેમ મોડું થયું હશે ? રાજવીરને ફોન કરૂં એકવાર ? ના ના હજૂ અડધો કલાક રાહ જોઈ લઉં, પણ આજે તો કોઈ એક્સ્ટ્રા
ક્લાસીસ પણ નથી, તો પછી ? સ્કુટી તો બગડ્યું નહીં હોય ને ? ચોક્કસ કોઈ બહેનપણી સાથે વાતે વડગી હશે, હજી ગઈ કાલે જ તો એને...
ચિંતા નામના આ બધા શબ્દો અને પ્રશ્નો હમણાં ઈશાનીના દિમાગમાં ઘુમરાઈ રહ્યા હતા. યુવાની તરફ પગરણ માંડી રહેલી દીકરી માટે જે બધી ચિંતાઓ એક માને સતાવે, તે જ હમણાં ઈશાનીને સતાવી રહી હતી. પંદર વર્ષની એની
દીકરી શલાકા આમ તો રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઘરે આવી જતી પણ સાડા છ થવા આવ્યા તો પણ હજી શલાકા સ્કુલેથી ઘરે નહોતી આવી.
રાજવીર સરદેસાઈ અને ઈશાનીની કાળજી, વ્હાલ અને ઉત્તમ સંસ્કારોમાં કેળવાયને
મોટી થયેલી, યુવાનીના લપસણાં
દૌરના
ફેલાં પગથિયે રમતી પંદર વર્ષની દીકરી એટલે શલાકા. ગોરી ત્વચા, સૌષ્ઠવ શરીર અને તેના પર ધીમે ધીમે ચઢવા માંડેલી યુવાની ટૂંકમાં, નખશીખ સ્વરૂપ સૌંદર્યની માલિક એટલે શલાકા રાજવીર સરદેસાઈ. ત્રણ જ વ્યક્તિનો નાનો પરીવાર જેમાંથી એક પણ ઘરમાં હાજર નહીં હોય તો એકલતા અનુભવાય તેવો પ્રેમ. રાજવીર એક ઉમદા વ્યક્તિત્વની સાથે સાથ જ સારા બીઝનેસ એમ્પાયરનો પણ માલિક હતો. કામ-ધંધાની વ્યસ્તતા અને ચલણી નોટોના મખમલી સ્પર્શ વચ્ચેથી પણ પરીવાર માટે સમય ફાળવી શકતા જૂજ
બીઝમેનમાંથી એક રાજવીર હતો. એના વ્યાપાર વિશ્વને બાદ કરતા રાજવીર માટે એકમાત્ર એનો પરીવાર એ
જ તેનું વિશ્વ હતું. પ્રેમાળ પત્ની
ઈશાની
અને મોરપિચ્છ જેવી દીકરી શલાકા.
કોલેજ સમયનો એક વર્ષનો ઉન્માદથી
તરબતર પ્રેમ, પછી તરવરતી યુઅવાન
આંખોમાં ભવિષ્યના સપનાં અને પોતાનો પ્રેમી એ
સપનાંઓની આંગળી પકડી ન લે ત્યાં સુધી પ્રેમિકાએ જોયેલી રાહ. ત્રણ વર્ષની વાટ જોયા પછી હાથમાં
મહેંદી અને શરીર પર પાનેતર ઓઢી ઈશાની રાજવીરના ઘરના ઉંબરે નવોઢા થઈ ને આવી. રોજ ખાવાનાની સાથે સાથે બંને એક બીજાને અઢળક પ્રેમ પણ પીરસતા અને મન ભરીને આરોગતા. લગ્નના અઢી વર્ષ પછી ઈશાનીએ શલાકાના રૂપમાં રાજવીરને દીકરીની ભેટ આપી. રાજવીર તે દીવસે આનંદમાં પાગલ જેવો થઈ
ગયો હતો. ચાર માળના એ નર્સિંગહોમના એક એક કમરે જઈ તે દિવસે તેણે પેંડા
વહેંચ્યા હતા. તમામ નર્સ અને વોર્ડ બોય્ઝને
ઘરે લઈ જવા માટે પણ એક એક પેકેટ બાંધી આપ્યુ. અને ડોક્ટરને માટે વળી અલગથી એક મોટું પેકેટ. આ તમામ ઉત્સાહ, ઉન્માદ અને આનંદનું કારણ માત્ર એટલું જ કે રાજવીરને
જાણે તે દિવસે પોતાનું પૂર્ણ વિશ્વ મડી ગયાનો સંતોષ હતો. પોતાને ખૂબ ખૂબ ચાહતી પત્ની તો હતી જ અને હવે તેની કોખે અવતરેલું હાડમાંસનું કોઈ શરીર નહીં પણ એક-મેકના પ્રેમનું સાકાર સ્વરૂપસમ દીકરી પણ હતી. દીકરીને વ્હાલ કરતા કરતા આજે પંદર વર્ષ થઈ ગયા, પણ શલાકા આજે પણ એ લોકો માટે જાણે ઘોડીયામાં રમતી અને ઘરમાં પાપા પગલી કરતી ઢીંગલી જ હતી. કદાચ એ વ્હાલનું જ પરીણામ હતું કે આજે દીકરીને માત્ર દોઢ જ કલાકનું મોડું થયું હોવા છતાં ઈશાનીને કેમેય કરી ચેન પડતું
નહોતું. સવાલો અને ચિંતાનું ટોળું તેને વારંવાર પજવી
રહ્યું હતું.
'રમા કાકી, શલાકા કંઈ કહીને ગઈ છે તમને ? આજે મોડું થશે કે ક્યાંક જવાની છે કે બીજૂં કઈ
? ગઈ કાલે જ તો એને પાછું...' ઈશાની આ એકનો એક સવાલ હમણાં રમાકાકીને ત્રીજી વાર પૂછી રહી હતી. 'છેલ્લી પંદર મિનિટમાં આ તમે ત્રીજીવાર મને પૂછ્યું બૂન. આવી
જા હે શલાકાબૂન તેમાં આટલા
બાવરા હાના થાવો સો તમે, માણહ બાર નીકળ્યું હોય તો કંઈ કામ આવી પડે, તમે અધીરા બઉ ભઈસા'બ.' પણ રમાકાકીના કોઈ શબ્દો હમણાં ઈશાનીના કાને નહોતા પડી રહ્યા. એના કાનતો હમણાં
દરવાજા તરફ મંડાયેલા હતા. કે હમણાં શલાકાની સ્કુટીનો અવાજ આવશે.
આમને આમ બીજો અડધો કલાક નીકળી ગયો, હવે તો બહાર અંધારૂં પણ થવા માંડ્યુ
હતુ. હવે ખરેખર ઈશાનીની ધીરજ જવાબ દઈ રહી હતી. ધ્રુજતા
હાથે તેણે ફોન ઉઠાવ્યો અને એક નંબર
ડાયલ
કર્યો. 'હલ્લો,' અને બસ રડી પડી. 'હલ્લો, હલ્લો ઈશાની શું થયું ?' સામા છેડે રાજવીર પૂછી રહ્યો હતો. 'રાજવીર, રાજવીર તું હમણાં જ ઘરે આવી જા પ્લીઝ, મને...મને ખૂબ ડર લાગે છે, હજૂ ગઈકાલે જ તો એને...' 'પણ થયું શું ઈશાની ? કંઈ વાત તો કર.' રાજવીરને સમજાતું નહોતું કે ઈશાની શું
કહી રહી છે. 'તું ઘરે આવી જા બસ,' ઈશાનીએ ફોન કટ કરી નાખ્યો. રાજવીર મારતે
ઘોડે ઘરે દોડી આવ્યો.
ઈશાની જે રીતે બોલી રહી હતી તે પ્રમાણે તે રાહ જોઈ
શકે તેમ નહોતો. તેને ખબર હતી કે કંઈ ગંભીર વાત નહીં
હોય ત્યાં સુધી ઈશાની આ રીતે ફોન કરે જ નહીં
અને હું તુરંત ઘરે નહીં પહોંચ્યો તો ઈશાની વારંવાર ફોન કર્યા કરશે.
'શું થયું ઈશાની વાત તો કર ? ક્યારની રડ્યે જાય છે, ફોન પર પણ સરખું બોલી નહીં. શું થયું છે તને ? અને શલાકા ક્યાં છે, એણે કંઈ ધમાલ કરી ? જો કે એણે કંઈ ધમાલ કરી હશે તો તો તું મને કહે જ શાની. શલાકા... એય શલાકા.' રાજવીરે બૂમ પાડી. 'રાજવીર, શલાકા હજૂ ઘરે નથી આવી. મને ખૂબ
ગભરાટ થાય છે.' રાજવીરે કાંડા ઘડિયાળ પર નજર નાખી અને બોલ્યો, 'અરે પણ હજૂ તો સાત વાગ્યા છે, આવી જશે, ખરી છે તું તો જરાક અંધારૂં થાય એટલે છોકરીએ બહાર રમવાનું પણ નહીં ?' 'રાજવીર, શલાકા હજૂ સ્કુલેથી ઘરે પાછી નથી આવી. આમ તો રોજ પાંચ
વાગ્યે આવી જાય છે પણ આજે, ગઈ કાલે જ તો હજૂ...' ઈશાની વારંવાર આ એક જ વિચાર પર આવીને અટકી જતી હતી. 'ગઈકાલે જ હજૂ...' 'શું સ્કુલેથી પાંચ વાગ્યે...પણ હમણાં તો સાત વાગ્યા છે ઈશાની !' રાજવીર રીતસર બરાડી પડ્યો. એના એક એક બરાડે દીકરી પ્રત્યેની લાગણી, ચિંતા અને ગભરાટ કોઈ અજાણ્યા માણસને પણ સમજાય જાય તે રીતે બહાર આવી રહ્યા હતા. 'તેં, તેં એની સ્કુલમાં ફોન કર્યો ? એની ફ્રેન્ડ્સને ત્યાં ? રમાકાકીને પૂછ્યું ?' એક જ વાક્યમાં રાજવીરે ધડાધડ અનેક સવાલો પૂછી નાખ્યા. 'રમાકાકીને પૂછ્યું રાજવીર તેમને પણ નથી ખબર, સ્કુલમાં ત્રણવાર ફોન કરી જોયો, તેની જેટલી ફ્રેન્ડ્સના મારી પાસે નંબર હતા તે બધાને પૂછી લીધું પણ કોઈને શલાકા ક્યાંય નથી રાજવીર.' ઈશાની ફરી રડી પડી. 'પણ તો તારે સ્કુલમાં આંટો મારી આવવો જોઈએ ને એકવાર ?' રાજવીરે કહ્યું. 'પણ હું સ્કુલમાં જાવ અને શલાકા અહીં આવી જાય તો પાછૂ ઘર બંધ હોયને, તો હું કેવી રીતે જાવ ?' ઈશાનીએ તદ્દન બાલીશ દલીલ કરી.
'તું હવે રડવાનું બંધ
કર ઈશાની, હું એકવાર એની
સ્કુલમાં અને પ્રીન્સિપાલના ઘરે પણ
આંટો મારી આવું છું, ત્યાંથી કદાચ કંઈક
ખબર મડી જાય, એમ તો ક્યાં જાય આપણી
શાલુ ? એ કોઈ દિવસ કહ્યા વગર
ઘરની બહાર પણ નથી જતી. તને ખબર છે ને
સોસાયટીમાં જ રમવા જવું હોય તો પણ દસ વખત કહીને જાય છે. તું ચિંતા નહીં કર.' રાજવીર આટલું કહીને રીતસર પોતાની કાર તરફ દોડ્યો, ઈશાનીને શાંત રહેવા કહેતા રાજવીરને પણ અંદરથી દીકરીની
ફીકર સતાવતી હતી.
અત્યારસુધી શલાકાની રાહ જોતી
ઈશાની હવે રાજવીરની પણ રાહ જોવા માંડી. દર બે મિનિટે એને જાણે દરવાજે કોઈ આવ્યાનો ભાસ થતો હતો.
દરવાજે દોડતી પહોંચી જતી અને નિરાશ
થઈને
પાછી આવતી. લગભગ પોણા કલાકે રાજવીર આવ્યો. ઈશાની તરત રાજવીર પાસે દોડી ગઈ પણ રાજવીરનું મોઢું જોઈ એ સમજી ગઈ કે
રાજવીરને તેની લાડકવાયીના કોઈ ખબર મળ્યા નથી. રાજવીરને
આવેલો જોઈ સવારથી ઈશાનીના મનમાં ચાલી રહેલો ગભરાટ એના હોંઠ પર આવી ગયો. તેને પોતાને જ ખબર
નહોતી કે તે શું બબડી રહી છે.
'હજી ગઈકાલે જ તો, ગઈકાલે જ તો મારી શલાકા, ના ના પ્રભુ એને કંઈ જ નહીં થાય ચોક્ક્સ એ ક્યાંક કામમાં અટવાય હશે. ગઈકાલે જ થયું હોય તેથી શું...' 'આ તું શું બોલ્યા કરે છે ઈશાની, વાત શું છે ? અહીં આવ જોઉં, મારી પાસે બેસ.' રાજવીરે ઈશાનીનો હાથ પકડી તેની પાસે બેસાડી. 'ગઈકાલે જ શું ઈશાની, શું થયું શલાકાને ગઈકાલે ?' ઈશાની એક મોટા બરાડા સાથે રડી પડી, એની અંદરનું માતૃત્વ જાણે હમણાં વલોપાત કરી રહ્યું હતું. કોઈ અજાણ્યો ગભરાટ ઈશાનીને ચારેકોરથી ઘેરી વળ્યો
હતો.
'રાજ, ગઈકાલે જ આપણી શલાકાને, એને...એને પહેલી મેન્સ્ટ્રલ સાયકલ સ્ટાર્ટ થઈ, આપણી નાની બાળકી હવે યુવાન છોકરી થઈ ગઈ છે રાજ. મને ગઈકાલથી વારંવાર એવા વિચારો આવ્યા કરે છે કે કોઈ નરાધમ, કોઈ શેતાન મારી દીકરી પર બુરી નજર નાખશે તો...' ઈશાનીની વાત સાંભળી રાજવીર એક પળ માટે ખળભળી ગયો. ઈશાનીના વિચારો, એનો ગભરાટ છેક કાઢી નાખવા જેવી બાબત નહોતી.
પતિ-પત્નીની આ બધી વાતો ચાલતી હતી એટલામાં જ દરવાજે શલાકા આવી. દીકરીને આવેલી જોઈ ઈશાની
દોડી. પહેલા ઉદ્વેગ, ઉભરો પછી સવાલોનો કાફલો, પછી ઉશ્કેરાટમાં ખિજવવાવું અને પછી સમજાવટ. એક
સાથે ઈશાની શલાકા પર વરસી પડી. 'શું થયું છે તને મમ્મા ? ગઈકાલે સાંજે જ તો મેં તને કહેલું કે મારી ફ્રેન્ડ હેતવી ઘર શીફ્ટ કરે છે
એટલે મારે તેની મદદે જવું પડશે. તને યાદ ન રહ્યું તેમાં મારો શું વાંક ? અને બે કલાક જ તો મોડી આવી છું તેમાં શું આમ ઘર માથે લીધું છે તેં ? પાપા ધીસ ઈઝ નોટ ફેર.' શલાકા આવતાની સાથે મમ્મા તેના પર આમ વરસી પડી તે ન ગમ્યું, તેણે તેના પાપાને ફરીયાદ કરી. રાજવીરના મોઢે સ્મિત આવી ગયું, મા-દીકરીની રક્ઝક ત્યાર પછી પણ બીજી પંદર-વીસ મિનિટ સુધી ચાલી. રાજવીર બંને વચ્ચેનો મીઠો ઝઘડો સાંભળી મલકાય રહ્યો. બે જ મિનિટ પહેલાંનું બોઝલ વાતાવરણ હમણાં જાણે હરિયાળી ક્રાંતિમાં પલટાય ગયું.
રાતનું ભોજન પતાવી જ્યારે
બધા બેઠાં હતા ત્યારે રાજવીરે દીકરીને પાસે બોલાવી. 'બેટા કબૂલ કે આજે તારી
મમ્મા ભૂલી ગઈ હતી અને તારો જરા પણ વાંક નહોતો.
પણ દીકરા હવેથી એક વાત ખાસ ધ્યાન રાખજે, ક્યાંય
પણ જવાનું હોય મમ્મા અને પાપા બંનેને
કહીને જ જવાનું. અમે ભૂલી પણ ગયા હોય તો છેલ્લી વખતે ઘરની બહાર નીકળે ત્યારે ફરી યાદ કરાવી ને જવાનું. મને અને મમ્માને તારી ફિકર હોય છે દીકરા એટલે કહું છું. સમજ પડીઈ ?' રાજવીરે શલાકાના માથે વ્હાલથી હાથ ફેરવ્યો. 'હા, હું સમજૂ છું પાપા, શ્યોર હવેથી તમને ચિંતા નહીં થાય. પ્રોમિસ.'
તે દિવસ તો ખાધું-પીધુંને રાજ કર્યુંની જેમ સુખાંત સાથે પસાર થઈ ગયો. પણ ઈશાનીના મનનો ડર
હજીય એમનો એમ હતો. એક
છોકરી જ્યારે પુખ્ત ઉંમર તરફ આગળ
વધે અને એનામાં શારિરીક ફેરફાર આવવા શરૂ થાય તે જ ફેરફારો શલાકામાં પણ આવતા જોઈ ઈશાનીની
ચિંતાઓ વધતી જતી હતી. કદાચ દરેક મા-બાપના મનમાં આવી
ચિંતા, ગભરાટ થતો જ હશે પણ કોઈ કહેતું નહીં હોય.
'આ શું છે મમ્મા, વોટ ઈઝ ધીસ, હદ કરે છે તું, હું ભણવા જાઉં મોમ, કોઈ યુધ્ધ મેદાનમાં નહીં ?' પેલી ઘટનાના ત્રણ દીવસ પછી એક સવારે
શલાકાએ અચાનક તેની બેગ
દેખાડતા બરાડો પાડ્યો. ઈશાની
ચૂપ હતી, જાણે તેણે શલાકાના શબ્દો સાંભળ્યા જ ન હોય. શલાકાએ બેગ રાજવીરને દેખાડી, ઈશાનીએ તેમાં એક મોટી છરી મૂકી દીધી હતી. રાજવીર સમજી ગયો, તેણે છરી લઈ લીધી અને દિકરીને સમજાવી સ્કુલ માટે રવાના કરી. આ વાતને બે દિવ્સ જેમ-તેમ થયા હશે ત્યાં શલાકા ફરી મમ્મા પર ભડકી, 'મમ્મા વોટ આર યુ ડુઈંગ, મારી બધ્ધી ફ્રેન્ડ્સ હસે છે મારા પર.
વ્હાય આર યુ બી હેવ લાઈક ધીસ ?'
આજે ઈશાનીએ શલાકાની બધી ફ્રેન્ડ્સને ફોન
કર્યા અને તેમને કાયમ ઈશાનીની સાથે
જ
રહેવા કહ્યું હતું. ધીમે ધીમે ઈશાનીનું આ રીતનું વર્તન ઓર
વધતું ગયું. શલાકા ટ્યુશન ક્લાસિસ
કે એક્સ્ટ્રા ક્લાસિસમાં પણ ગઈ હોય તો દસવાર ફોન કરીને દિકરીની ખબર પૂછે, ક્યારેક સ્કુલ બેગમાં બ્લેક પીપર
સ્પ્રેની બોટલ મૂકી આપે તો
ક્યારેક વળી, મોટી કાતર. શલાકા કોઈ બર્થ ડે પાર્ટીમાં
કે ફિલ્મ જોવા પણ ગઈ હોય અને થોડું મોડું થાય એટલે ઈશાની આખુંય ઘર માથે લઈ લે, 'કેમ મોડું થયું હશે ? કંઇ તકલીફ તો નહીં પડી હોય ને !' વગેરે વગેરે...
ધીમે ધીમે ઈશાનીની આ
ચિંતાઓ શલાકા માટે ત્રાસ રૂપ બનવા માંડી, તેને
મમ્માની આ ફિકર પોતાની અંગત લાઈફમાં ખલેલ પહોંચાડતી લાગવા માંડી. રાજવીર પણ ઈશાનીને વારંવાર કહેતો, 'ઈશાની હવે તું હદ કરે છે, દિકરી યુવાન થઈ ગઈ છે તે વાત સાચી પણ તે માટે
આટલી બધી ફિકર વધારે પડતું
છે.' પણ ઈશાની હજીય એની એ જ હતી. શલાકાની ચિંતા અને સુરક્ષામાં
જાણે એ ગાંડી જેવી થઈ ગઈ હતી.
આજે રાજવીર ઓફિસેથી વહેલો આવી ગયો, તેના એક સાઈકિયાટ્રીસ્ટ મિત્ર ડૉ. પરાશરને ત્યાં તેણે અને ઈશાનીએ જમવા જવાનું હતું. ઈશાની પણ આજે સારા
મૂડમાં જણાતી હતી. બંને એ પરાશરને ત્યાં સાંજ, ભોજન અને મિત્રોનો સાથ ત્રણે ખૂબ એન્જોય કર્યા. પરાશરની પત્ની સાથે ઈશાનીને ખૂબ જામતું
બંને બહેનપણીઓ વાતે વળગી. આ તરફ રાજવીર અને પરાશર હિંચકે ઝૂલતા હતા. 'લુક રાજવીર, ઈશાની ભાભીનો ડર કે ચિંતા વ્યાજબી જ છે. હા વધારે પડતી છે તે વાત
સાથે હું સહમત થાઉં છું. પણ તે માટે તેમને કોઈ દવા કે ઈલાજની જરૂર નથી. આ નિર્ભયા વાળો
દિલ્હી ગેંગરેપનો કિસ્સો, અને યુ.પીમાં સગીર બાળકી પર...આ બધું રોજ રોજ અને દર અડધા કલાકે ટી.વી. પર આવતું હોય છે
રાજવીર. અને તે બધું જોઈ, સાંભળી, પેપર વાંચી એક મા ને ચિંતા થાય એ સ્વાભાવિક
છે. બની શકે તો ઈશાનીને એ વિશ્વાસ અપાવવાની કોશિશ કર કે
આપણી શલાકા પોતાની સુરક્ષા ખૂદ રાખી શકે તેટલી સક્ષમ છે અને અગર નથી તો આપણે તેને બનાવશું. તેમને સમજાવ કે, જરૂર પડ્યે તેનો શિકાર કરવાની મેલી મુરાદ સેવનારાઓ ને
આપણી શલાકા એક વાઘણની જેમ નહોર મારી
માયકાંગલા
બનાવી શકે છે. એમને મારા કોઈ ઈલાજની જરૂર નથી રાજવીર, એમને તારા શબ્દોની, હૂંફની અને દિકરી માટે નિશ્ચિંત થઈ શકે તેવા
વિશ્વાસની જરૂર છે.'
મોડી રાત્રે બંને પરાશર
અને ભાભીને આવજો કરી ઘર માટે રવાના થયા, અને રાજવીરે કાર સ્ટાર્ટ કરતા પહેલાં ઈશાનીને કહ્યું, 'ઈશુ, પરાશરનો એક ખૂબ સારો મિત્ર માર્શલ આર્ટ, કરાટે અને સેલ્ફ ડિફેન્સના ક્લાસિસ ચલાવે છે, આવતી કાલથી આપણે એ ક્લાસિસમાં આપણી શાલુને મોકલીએ છીએ. પછી કોઈની મજાલ પણ છે કે આપણી દીકરી તરફ આંખ ઉઠાવવાની હિંમત પણ કરે, કોઈ કમઅક્કલે એવું કર્યું પણ આપણી દીકરી તેને પરચો બતાવવામાં વાર નહીં
લગાડે.'
સહેજ ભીની થયેલી આંખમાંથી બે મોતી નીચે સરી પડવાનો ડર લાગ્યો હશે કદાચ તે ઈશાની રાજવીરને વળગી પડી, જરા સરખા રાજવીરના ખભા ભિંજાયા એટલું જ બાકી ઈશાની રડી નહોતી.
(યુવાન દીકરીના મા-બાપને એની ચિંતા સતાવે તે
સ્વાભાવિક છે પણ એ ચિંતા પણ એક ચિંતાનો વિષય બની જાય
એવું સામાજીક ચિત્ર ઉભું કરવું એ શું આપણા સ્વસ્થ અને ભણેલા-ગણેલા સમાજની મોટી ચિંતા નથી ? દીકરીઓ જ અગર આપણા
સમાજના યુવાનોની બદમુરાદથી સુરક્ષીત ન
હોય તો મોડી સાંજે કે રાત્રે આપણે દીકરીઓને નહીં પણ, વંથી ગયેલા આપણા એ યુવાનોને ઘરમાં કેદ
રાખવાની જરૂર છે, એમ નથી લાગતું ?)
જરૂરિયાત ભણતર, કેળવણી અને સુસંસ્કારોના સિંચનની છે
નહીં કે કોઈ એક વર્ગને ડરથી ઘરમાં ગોંધવાની. જે સમાજ એક સ્ત્રીને
માન અને સન્માન નથી આપી શકતો તે સમાજ
દુનિયાસામે
ધૃણાસ્પદ ચિત્ર ઊભુ કરનારો કલંક જ
હોઈ શકે. (કથાબીજ ; સત્ય ઘટના પર આધારિત)
-- આશુતોષ દેસાઈ
7/28/2014 10:27:00 AM |
Category:
"bhelpoori.com" on 24.07.2014,
Published on Gujarati Web Site
|
0
comments
Comments (0)