શું એ વાત પહેલી નજરે આપણે માની લેવી જોઈએ કે કોઈ એક દેશમાં, કોઈ એક જગ્યાએ, તે દેશની એક તરફની દરિયાઈ બાજૂ બચાવવા માટે લડતા સૈનિકોના ઉપયોગ માટે લેવાતી એક ઈમારત બનાવવામાં આવી હોય અને તે ઈમારત આજે ભૂતિયા હોય ? કદાચ નહીં જ. આર્મી, એર ફોર્સ કે નેવી. લશ્કરના તમામ દળો લગભગ તમામ દેશમાં એટલા ડિસીપ્લીન્ડ અને વેલ બિહેવ્ડ હોય છે કે તે લોકો જ્યાં રહ્યા હોય તે સ્થળ હોન્ટેડ હોવાની વાત તરત માનવામાં ન આવે. કેમ કારણ શું ? સીધી વાત છે કેઆ દળના લોકો ક્યારેય કોઈ નિર્દોષને કે શોખ ખાતર કે માત્ર પોતાના દિમાગની વિકૃતિ સંતોષવા ખાતર મારી નાખતા હોય તેવું સાંભળવા મળતું નથી. અને હોય પણ તો તે કદાચ જવ્વલે જ હશે. કારણ કે મહદાંશે આપણે જોયું છે કે અપમૃત્યુ, ખૂન કે અધૂરી લાલશા સાથે થયેલું મોત કે બીજી વિકૃતિનો શિકાર થઈ થયેલી મોતવાળા જીવનું ભૂત તરીકે આ દુનિયામાં ફરતા રહેવાની શક્યતા વધારે હોય છે.
૧૯૩૫માં સિંગાપોરના છાંગીમાં બંધાયેલી એક ઈમારત જે બની હતી ત્યારે જોહોર સ્ટ્રેઈટની પશ્ચિમ દરિયાઈ બાજૂને સંભાળવા માટે એર ફોર્સના મિલિટરી બેઝ કેમ્પ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. ત્યારબાદ એર ફોર્સનાં  રોયલ એન્જિનીઅર્સને સારવાર આપવા માટે તેને એક હોસ્પિટલનો ઓપ આપવામાં આવ્યો અને ત્યારથી એ ઈમારતનું પણ જાણે નામકરણ થઈ ગયું. આર.એ.એફ હોસ્પિટલ એટલે કે, રોયલ એર ફોર્સ હોસ્પિટલ. ત્યારબાદ જ્યારે બીજા વિશ્વયુધ્ધ દરમિયાન સિંગાપોર જાપાનિઝ પ્રજાએ પોતાના કબ્જે કરી લીધું ત્યારે વિશાળ ઈમારત એક મોટી જેલ તરીકે વપરાતી હતી. કેમ્પેતાઈ નામનો જાપાનીઝ સિક્રેટ પોલિસ ઓફિસર  ઈમારતનો ઈન્ચાર્જ હતો. ખૂબ  નિર્દયીજુલ્મી અને તેની જેલમાં આવનાર તમામને માણસ સુધ્ધા પણ નહીં ગણવાની માનસિકતા ધરાવતો કેમ્પેતાઈ  ઈમારતનો એક મોટો હિસ્સો એક ટોર્ચર રૂમ તરીકે વાપરતો. અને જે ઈમારત સારવાર માટે વપરાતી હતી તેનો એક મોટો હિસ્સો હવે જુલ્મ ગુજારવાના ટોર્ચર રૂમ તરીકે વપરાવા માંડ્યો અને હોસ્પિટલ શિફ્ટ થઈ ગઈ રોબર્ટ બેરેકમાં.
પણ બીજું વિશ્વયુધ્ધ પુરૂ થયું ત્યારબાદ સિંગાપોર ૧૯૬૫માં આઝાદ થયું ત્યાંસુધી તે હોસ્પિટલ ફરી પોતાની મૂળ જગ્યા પર શરૂ કરવામાં આવી. પણ બ્રિટીશ ગવર્મેન્ટ દ્વારા જ્યારે પોતાનું સૈન્ય પાછું બોલાવી લેવાયું ત્યારે ૧૯૭૧માં તે હોસ્પિટલને નવું નામ આપવામાં આવ્યું અન્ઝુક હોસ્પિટલ (ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ યુનાઈટેડ કિંગડમ). ૧૯૭૫માં ફરી તે યુકે મીલિટરી હોસ્પિટલ બની ત્યારબાદ એસ.એ.એફ હોસ્પિટલ (સિંગાપોર આર્મડ ફોર્સ) અને ફાયનલી ૧૯૭૬માં એસ.એ.એફ હોસ્પિટલ મર્જ થઈ ગઈ છાંગી ચેનલ હોસ્પિટલમાં જેથી તેનું નામ પડ્યું છાંગી હોસ્પિટલ. પણ આતો હોસ્પિટલના નામનો અને અસ્તિત્વનો ઈતિહાસ થયો. આ આખીય વાતમાં ભૂતિયા જેવું કંઈ જ જણાતુ નથી. તો પછી એવા કયા કારણો હતા જે ને કારણે આ હોસ્પિટલ ન માત્ર ભૂતિયા પણ સિંગાપોરની એક સૌથી વધુ ભૂતિયા જગ્યા તરીકે બદનામ થઈ ગઈ. 
કહેવાય છે કે જાપાનિઝ દ્વારા જ્યારે હોસ્પિટલની ઈમારત એક જેલ અને ટોર્ચર રૂમ તરીકે ઉપયોગમાં લેવાતી હતી ત્યારે કેમ્પેતાઈ અને તેના સાથીઓ દ્વારા તેમજ બીજા જાપાનિઝ સિક્રેટ પોલિસ દ્વારા અહીં હદપાર અત્યાચાર આચરવામાં આવ્યો હતો અને ત્યાં બંદિ હતા તેવા લોકોને ખુબ માર મારી મારીને મારી નાખવામાં આવ્યા હતા. વાત માત્ર અહીં જ નથી અટકતી પણ નિર્દોષ સ્ત્રી અને બાળકોને પણ એટલી જ હેવાનિયતથી ત્યાં મારવામાં આવ્યા હતા.
આજે કહેવાય છે કે આ અમાનુષી વર્તનના ભોગ બનેલા અને મૃત્યુ પામેલા લોકોના ભૂત ત્યાં રહે છે. ન માત્ર રહે છે પણ તે લોકો પર થયેલા અત્યાચારનો જાણે બદલો લેવા માંગતા હોય તે રીતે આ ભૂત ત્યાં સારવાર લેવા જનારને કે બાળકોના વોર્ડમાં દાખલ થનારા બાળકોને પણ હેરાન કરતા હતા. હોસ્પિટલના આ મકાનમાં એક વૃધનું ભૂત ઘણાં લોકોએ જોયું છે અને તે લોકો કહે છે કે કોઈ એક ઘરડો માણસ સતત આ મકાનમાં ફરતો દેખાય છે જે ત્યાં જનારા લોકોને અલગ અલગ રીતના બરાડા પાડી કે હોસ્પિટલનાં કમરાઓમાં અચાનક જ વાતાવરણમાં પલટો કરી ગભરાવતો હતો. તેના બરાડા એટલા બિહામણા અને કરપીણ મોતનો સામનો કરી રહેલા કોઈ માણસના છેલ્લા અવાજ જેવા હોય છે કે ત્યાં રહેનાર વ્યક્તિ માટે શ્વાસ લેવું કે જીવવું દુષ્કર થઈ પડે. એટલું જ નહીં મકાનની કોરીડોરમાં અને પગથિયા પર કેટલીક સ્ત્રીઓને પણ ફરતી ઘણાં લોકોએ જોઈ છે. જે કેટલાંક વોર્ડમાં પોતાના કોઈ અંગત માણસને રાખ્યા હોય તે રીતે વર્તે છે અને ત્યારબાદ ત્યાં સારવાર લેવા જનાર ને કે તેના સગાવ્હાલાંને ગૂંગળાવી મુકતી હતી. બાળકોના વોર્ડમાં દાખલ થયેલા છોકરાઓ સાથે રમવાની તો ક્યારેક તેમના રમકડાં લઈ લેવાની જીદ્દ કરતા નાના બાળકોના ભૂતને કેટલાંય લોકો નિર્દોષ બાળક સમજી રમાડવામાં કે સાથે રહેવા દેવામાં કોઈ દખલ નહોતા સમજતા તે જ લોકોએ નોંધ્યુ હતું કે આ બાળક કે બાળકો અચાનક ક્યાંક ગાયબ થઈ જતા કે પોતાના બાળકોને હેરાન કરી ઈજા પહોંચાડી રહ્યા હતા.
ત્યાં જઈ આવેલા કેટલાક લોકોની વાત પર વિશ્વાસ કરીએ તો એક પાર્ટી કરીને કંટાળેલા છોકરાઓનું ગૃપ ત્યાં જઈ ચઢ્યું. અને એ વેરાન જગ્યા પર તે આખુંય ગૃપ મોટો દરવાજો ઓળંગી પહોંચ્યુ પણ ત્યાંની હવામાં જતાં બધાના મનમાં ડર ઘર કરી ગયો અને તે લોકો ત્યાં  અટકી ગયા. થોડી  મિનિટોમાં અચાનક ક્યાંકથી ત્યાં એક સફેદ કપડા પહેરેલો વૃધ્ધ આવી ચઢ્યો અને જોર જોરમાં કહેવા માંડ્યો, 'હેય છોકરાઓ અમને અહીં આવી ડિસ્ટર્બ નહીં કરો, ચાલી જાવ.' ઓર્ડર છોડતો હોય તે રીતે બોલતા તે વૃધ્ધના ભૂતે હોસ્પિટલના મકાન તરફ ઈશારો કર્યો અને ત્યાં જોયું તો પેલા છોકરાઓ ને ત્યાં અનેક સફેદ કપડામાં ઉભેલા લોકો દેખાયા. જોઈ તે લોકો એટલા ગભરાઈ ગયા હતા કે કોઈથી કંઈ પણ બોલી શકાય તેમ નહોતું અને બધા તે ઘડીએ સ્થળ છોડી ભાગી ગયા. છોકરાઓના ગૃપમાં જાણવા મળેલી વાત એ પણ છે કે તેમાં ના બે છોકરાઓ માનસિક આઘાત અને ગભરામણને કારણે ત્યારબાદ ગાંડા જેવા થઈ ગયા હતા અને તેમને ઘણાં લાંબા સમય સુધી ડૉક્ટરી સારવારની જરૂર પડી હતી.
વર્ષ ૨૦૦૭માં બે મિત્રો છાંગી હોસ્પિટલ અંગે કહેવાતી બધી વાતો ખોટી છે તેમ માની ત્યાંની સાચી હકીકત જાણવાના આશયથી ત્યાં ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તે લોકોને એ વાતની નવાઈ લાગી કે વર્ષોથી બંધ પડેલા આ મકાનની લિફ્ટ કઈ રીતે ચાલૂ હોય શકે ? પણ છતાં તે લોકો એ વાત અવગણી અંદર ચાલતા રહ્યા. તે લોકોને લાગ્યું કે અનેક વોર્ડમાંથી કેટલાંય લોકો અસહ્ય દર્દમાં સબડી રહ્યા હોય તેવો અવાજ આવતો હતો. પણ તે લોકોએ તે વાત પર ધ્યાન ન આપવાનું અંદરોદર નક્કી કર્યુ અને તે લોકો દાદર તરફ જઈ રહ્યા હતા. અચાનક ખબર નહીં શું થયું તે બંને મિત્રોમાંના એકનો ચહેરો બદલાવા માંડ્યો. તેનો ચહેરો એવો થઈ ગયો જાણે તેણે તેની નજરની સામે  કોઈ ભૂત જોયું હોય. તેના મિત્રએ જોઈ તેને પૂછ્યું કે, 'તને શું થાય છે ? તું સ્વસ્થ તો છે ને ?' ત્યારે પેલાએ કોઈ જવાબ નહીં આપ્યો અને માત્ર એટલું બોલ્યો કે, 'જેમ બને તેમ જલ્દી અહીંથી બહાર નીકળ.' અને પછી જોશમાં બરાડો પાડ્યો. 'ચાલ અહીંથી.બીજા દિવસે જેમ-તેમ પેલા ગભરાઈ ગયેલા મિત્રએ તેના મિત્રને ફોન કર્યો અને માત્ર એટલું  કહ્યું કે, 'આપણે જ્યારે છાંગી હોસ્પિટલના દાદર પર હતા ત્યારે આખા શરીર પર ભૂરી ચામડી હોય તેવો એક છોકરો દાદરની કોર્નર પરથી સતત આપણને જોઈ રહ્યો હતો.'

આ જ હોસ્પિટલ પરથી એક ફિલ્મ પણ બની હતી 'હોન્ટેડ છાંગી.' ક્યારેક કેટલાંક કિસ્સા કે કેટલીક વાતો એવી હોય છે કે આપણાં માનવામાં  આવેકેટલીક વાતો એવી હોય છે કે કોઈએ ઉપજાવી કાઢેલી મનઘડંત કહાની જેવી લાગે તો ક્યારેક કોઈ ફિલ્મની વાર્તા જેવું જણાય પણ, બધાની સામે દલીલ માત્ર એટલી જ છે કે જો બધું માત્ર કહાની હોય, મનની કલ્પના માત્ર હોય તો શા માટે છાંગી હોસ્પિટલ બંધ પડી છે ? શા માટે તે મકાન એક અવાવરૂં મકાન તરીકે ઊભું છે. હકીકત કદાચ ભિન્ન પણ હોય શકે પણ  બધી માત્ર કહાની છે તે સાબિત કરવા માટે એકવાર ત્યાં જવું પડે અને જવા માટે હિંમત જોઈએ. શું આપણા માંથી કોઈ ત્યાં જઈ ત્યાંના ભૂતોને કહી આવશે ? કે તમે બધા માત્ર એક વહેમની ઉપજ છો !

Comments (0)