હીટ ફિલ્મ 'એક વિલન' હમણાં સો કરોડના ક્લબમાં સામેલ થઈ અને ઘણાં ફિલ્મ ચાહકો અને વિવેચકોએ પ્રસંગે ફિલ્મના સારા નરસા પાસાંઓ અંગે અનેક ચર્ચાઓ કરી. આવી એક ચર્ચા સાંભળતા સાંભળતા કોઈક બોલ્યુ, 'હેય ગાયઝ, તમને ખબર છે મહિનાની ૧૨મી તારીખે આપણા એક ગ્રેટ વિલનની પૂણ્યતિથી હતી ?' અને પ્રશ્ન સાંભળતાની સાથે બધા યાદ કરવા માંડ્યા કે તે મહાશય કોની વાત કરે છે ? અને તે ટોળામાંથી એક મિત્ર બોલ્યો, 'યસ, અવર લવલી લિજેન્ડ પ્રાણ સાહેબ.' અને પ્રાણ સાહેબનું નામ આવતાં બધા એકી અવાજે બોલી ઉઠ્યા, 'હા યાર, ખરા વિલનતો હતા. તે જમાનામાં પણ એમની શું સ્ટાઈલ હતી. શું ડાયલોગ ડિલીવરી હતી.'
અને બંદાનું દિમાગ નીકળી પડ્યુ ગોલ્ડન ડેઝની યાદોની સફરે. ૧૯૨૦ની ૧૨મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં કેવલ ક્રિષ્ન સિકંદને ત્યાં જન્મેલા પ્રાણ ક્રિષ્ન સિકંદ કે જેમણે હિન્દી સિનેમા જગતમાં પોતાની એક્ટીંગ, સ્ટાઈલ અને રિયલ લાઈફના પ્રેમાળ વ્યક્તિત્વને કારણે પોતાના નામનો એક માઈલ સ્ટોન ઊભો કર્યો છે. ગયા વર્ષે મહિનાની ૧૨મી તારીખે પ્રાણ સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. આજની આ તમામ શબ્દ સફર એ ઉમદા વ્યક્તિત્વવાળા વિલનને નામ. સિવિલ એન્જિનીઅર અને ગવર્મેન્ટ સિવિલ કોન્ટ્રાક્ટર એવા કેવલ ક્રિષ્ન સિકંદ અને રામેશ્વરીને ત્યાં જન્મેલા સાત સંતાનોમાં ના એક પ્રાણ. પિતાની ટ્રાન્સફરેબલ જોબ હોવાને કારણે પ્રાણજી પોતાનો અભ્યાસ અનેક જૂદી-જૂદી જગ્યાએથી કર્યો હતો. દેહરાદૂન, કપૂરથાલા, મેરઠ કે ઉનાઓ જેવા અનેક શહેરો બાદ આખરે તેમણે રામપુર- ઉત્તરપ્રદેશથી મેટ્રીક પાસ કર્યુ. તે દિવસોમાં પ્રાણસાહેબની ઈચ્છા હતી એક ફોટોગ્રાફર તરીકે પોતાની કરિઅર બનાવવાની. તેથી જ તેમણે એક પ્રોફેશ્‍નલ ફોટોગ્રાફર બનવા દિલ્હીની દાસ એન્ડ કંપનીમાં એપ્રેન્ટીસ તરીકેની નોકરી સ્વીકારી લીધી. એક વખત પ્રાણ શિમલા ગયા હતા જ્યારે તેમને ત્યાં ના ગામમાં ભજવાતી રામલીલામાં સીતાનો રોલ કરવા માટે વિનંતી કરવામાં આવી. તેમણે તે વિનંતી સ્વીકારી લીધી અને સીતા તરીકે તે સાડી પહેરી રામલીલાના સ્ટેજ પર પહોંચી ગયા. ત્યારે તેમની સામે રામનું પાત્ર ભજવતા હતા મદનપુરી.
પ્રાણ સાહેબનો સિનેમામાં અભિનય કરવાનો ક્યારેય કોઈ વિચાર નહોતોતેમણે હાથમાં કૅમેરો પકડવો હતો, એક સફળ ફોટોગ્રાફર બનવાની તેમણે ઈચ્છા રાખી હતી પણ એક દિવસ લાહોરની એક દૂકાનમાં અનાયાસ તેમની મુલાકાત વાલી મહોમ્મ્દ સાથે તેમની મુલાકાત થઈ અને તેમને મોતી ગીડવાની દ્વારા દિગ્દર્શીત અને દલસુખ પંચોલી નિર્દેશીત પંજાબી ફિલ્મ 'યમલા જટ્ટ' માં અભિનય કરવાની ઓફર થઈ. અને  રીતે નૂર જહાં અને દૂર્ગા ખોટે સાથેની ફિલ્મ યમલા જટ્ટથી પ્રાણ સાહેબની ફિલ્મી કરિઅરની શરૂઆત થઈ. ત્યારબાદ ચૌધરી અને ખજાનચી ફિલ્મમાં પણ તેમને નાના નાના રોલ મળ્યા અને પંચોલી સાહેબે ત્યાર પછી પ્રાણ સાહેબને કાસ્ટ કર્યા ફિલ્મ ખાનદાન માટે. અને ખાનદાન ફિલ્મથી પ્રાણ સાહેબનું પદાર્પણ થયું હિન્દી ફિલ્મી જગતમાં. જેમાં પ્રાણ એક રોમેન્ટીક હિરોના પાત્રમાં આવ્યા હતા. અને ફિલ્મમાં તેમની સામે હતા નૂરજહાં જેમણે એક બાળ કલાકાર તરીકે તેમની સાથે યમલા જટ્ટમાં કામ કર્યું હતું. નૂરજહાં તે સમયે માત્ર પંદર વર્ષના હતા તેથી પ્રાણ સાહેબ સાથેના ઘણાં ક્લોઝ અપ શોટ્‍સમાં તેમની હાઈટને કારણે જ મુશ્‍કેલીઓ નડી હતી.
પ્રાણ સાહેબે જ્યારે ફિલ્મોમાં કામ કરવું શરૂ કર્યુ ત્યારે તેઓ ને લાગ્યુ હતું કે તેમના પિતા ક્યારેય એ વાત ચલાવી નહીં લે કે તેમનો દીકરો ફિલ્મોમાં કામ કરે તેથી જ્યારે પણ ફિલ્મનું શૂટિંગ હોય ત્યારે તે વાત પ્રાણ પોતાના પિતાથી છૂપાવતા હતા. વાતનો ડર તેમને ત્યાં સુધીનો હતો કે જ્યારે પ્રાણ સાહેબનો પહેલી વાર છાપા ઈન્ટરવ્યુ છપાયો હતો ત્યારે તેમણે તે પેપર પણ તેમના પિતાથી સંતાડીને રાખી લીધુ હતું. પાછળથી તેમના પિતાને બહારથી ખબર પડી કે તેમનો દીકરો ફિલ્મોમાં કામ કરે છે.
 ત્યારબાદ ૧૯૪૪થી ૧૯૪૭ દરમિયાન પ્રાણ સાહેબની ફિલ્મી કરિઅરમાં થોડી બ્રેક લાગી ગઈ કારણ કે એમની મોટા ભાગની ફિલ્મો ભારત-પાકિસ્તાન પાર્ટીશન પહેલા શૂટ થઈ હતી. અને ત્યારબાદ પાર્ટીશનના માહોલે દેશને ઘેરી લીધો હતો. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે પ્રાણની બે ફિલ્મો તરાશ અને ખાનાબદોશ કે જેમાં તેમની સામે મનોરમાએ કામ કર્યુ હતુ તે માત્ર પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. ત્યારબાદ પ્રાણે લાહોર છોડી દીધું અને મુંબઈ આવી ગયા. ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે પ્રાણ સાહેબ પોતાની પત્ની અને દિકરા અરવિંદ સાથે જ્યારે મુંબઈ આવ્યા તે પહેલાં એ ૨૨ જેટલી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી ચૂકવ્યા હતા. તેઓ મુંબઈ આવ્યા ત્યારે તો પરિવાર સાથે તાજ હૉટેલમાં રોકાયા પણ પછી પાછળથી તેમનો હાથ તંગ થવા માંડ્યો, પાર્ટીશનને કારણે કામ મડવામાં પણ તકલીફ થઈ રહી હતી. તેથી તેમણે રહેવા માટે સસ્તા ભાવની હૉટેલ કે ગેસ્ટહાઉસ જેવું કંઈક મડે તો તે શોધવા માંડ્યુ. ભારત આવી ગયાના આઠ મહિના પછી તેમને રાયટર શઆદત હસનઅલી મન્ટો અને અભિનેતા શ્યામની મદદથી પહેલું કામ મળ્યું અને તે ફિલ્મ હતી ઝીદ્દી. બસ પછી પ્રાણ સાહેબે પાછા વળી જોયું નથી. ઝીદ્દી હીટ સૉરી સુપર હીટ રહી અને રિલીઝ થયાના એક  અઠવાડિયામાં પ્રાણ ધ વિલને બીજી ત્રણ ફિલ્મો સાઈન કરી. ત્યારબાદ પ્રાણની તકદીરનો સિતારો ચમક્યો ૧૯૫૨માં આવેલી બી.આર. ચોપરાની ફિલ્મ અફસાનાથી, જે સુપર હીટ સાબિત થઈ. 
આમ તો પ્રાણ સાહેબના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમામ સાથે સૂમેળભર્યા સંબંધ રહ્યા છે પણ તેમાંય અશોક કુમાર તેમના ગાઢ મિત્ર હતા. પ્રાણની સમય દરમિયાન ફિલ્મી પડદે એક ખલનાયક તરીકે એવી આગવી છાપ ઊભી થઈ ગઈ હતી કે તેમને કોઈ બીજા પાત્રમાં લેવાનો કોઈ પણ દિગ્દર્શક વિચાર સુધ્ધા નહોતો આવ્યો. તેમણે અશોક કુમાર સાથેને અંગત મુલાકાતમાં આ અંગે ઘણીવાર વાતો કરી હતી કે 'હું ફિલ્મોમાં વિલનના પાત્ર ભજવતા ભજવતા મરી જઈશ ? અશોક શું મારામાં કાબેલિયત હશે જ નહીં કોઈ બીજૂ કિરદાર ભજવવાની ?' અને અશોક કુમાર ચ્હાની ચૂસકી મારતા કહે છે. 'યે ફિલ્મ ઈન્ડસ્ટ્રી જબ કભી કૂછ નયા કરને કે બારે મેં સોચેગી તબ તેરા નામ પહેલી કતાર મેં આના ચાહિયે પ્રાણ.' અને ખરેખર તેવું થયું ૧૯૬૭માં પ્રાણની ' વિલન' ની ઈમેજથી તદ્દન અલગ તેમને એક રૉલ ઓફર થયો. અને તે ફિલ્મ હતી મનોજ કુમાર સ્ટારર 'ઉપકાર'.
અને વર્ષો પછી ફરી એક ફિલ્મ બનવા જઈ રહી હતી જે માત્ર સુપર ડુપર હીટ સાબિત થવાની હતી પણ કોઈ એક અભિનેતાની જિંદગીના સિતારા બદલી નાખનારી પણ સાબિત થવાની હતી.  ફિલ્મ બનાવવા માટે જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે પ્રાણ સાહેબને જે રૉલ ઓફર થયો તે રૉલ માટે તે પહેલા દેવ આનંદ, રાજ કપૂર અને ધરમેન્દ્ર જેવા અનેકનો વિચાર કરવામાં આવ્યો હતો, પણ લાંબી ચર્ચા બાદ પ્રકાશ મહેરાએ પ્રાણનું નામ તે રૉલ માટે સજેસ્ટ કર્યું અને હિન્દી સિનેમાના ઈતિહાસના પાને પ્રાણ સાહેબનું પાત્ર અમર થઈ ગયુ. તે ફિલ્મ એટલે અમિતાભને રાતો રાત સુપર સ્ટાર બનાવી દેનારી ફિલ્મ 'ઝંજીર.' આ ફિલ્મે પ્રાણને અમિતાભ બચ્ચન સાથે એવા ગહેરા સંબંધ બાંધી દીધા કે ત્યાર બાદ તેમણે કસૌટી, ડૉન, અમર અકબર એન્થની, મજબૂર, દોસ્તાના, નસીબ, કાલિયા અને શરાબી જેવી અનેક ફિલ્મો અમિતાભ સાથે કરી. એક સમય (૧૯૯૦ પછીનો) એવો આવી ગયો કે નાદુરસ્ત તબિયતને કારણે પ્રાણ ફિલ્મોની ઓફર ઠુકરાવવા માંડ્યા હતા પણ સમય દરમિયાન જ્યારે અમિતાભ બચ્ચને તેમને રૉલ ઓફર કર્યો ત્યારે તે ના નહીં કહી શક્યા અને તેમણે મૃત્યુદાતા અને તેરે મેરે સપને જેવી ફિલ્મમાં કામ કરવું પડ્યું હતુ. દોસ્તી નિભાવવામાં આમ પણ પ્રાણ સાહેબનું નામ આખીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ માન પૂર્વક લેતી રહી છે. તેમનો એક પેટન્ટ શબ્દ 'બરખુરદાર' તેમના ચાહકોમાં આજે પણ માનીતો છે.

ખૂબ ઓછા લોકોને ખબર હશે કે પ્રાણ સાહેબ ફિલ્મની સાથે સ્પોર્ટ્સમાં પણ ઉમદા રસ ધરાવતા હતા. તેમની માલિકીની એક ફૂટબોલ ટીમ પણ હતી જેનું નામ હતું, 'બોમ્બે ડાયનામો ક્લબ.' વર્ષ ૨૦૦૧માં તેમને સરકાર દ્વારા દેશનો સૌથી સન્માનિય એવોર્ડ 'પધ્મભૂષણ' એનાયત કરવામાં આવ્યો. સ્વાભાવિક છે કે પ્રાણ ક્રિષ્ન સિકંદ જેવા મોટા ગજાના અભિનેતાની વાતો પણ અનેક હોય, કઈ ફિલ્મના રૉલ માટે તેમણે ૧૦૦ રૂપિયા એડવાન્સ માંગ્યા હતા અને શા માટે ? પ્રાણે શું માત્ર હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યુ હતુ ક્યો એવોર્ડ આપવા માટે પ્રાણ સાહેબના ઘરે જવું પડ્યુ હતુ અને શા માટે ? હિન્દી ફિલ્મોમાં એ કયા વર્ષો હતા જ્યારે પ્રાણ કોઈ હિરો કરતા પણ વધુ પેઈડ એક્ટર હતા ? વગેરે જેવી અનેક જાણી-અજાણી વાતો આવતા સપ્તાહે...


Comments (0)