હમણાં હમણાં લગભગ બધી એન્ટરટેઈન્મેન્ટ ટી.વી. ચેનલ્સ પર એક જૂની હિન્દી ફિલ્મની કહેવાતી રિમેક એવી નવી ફિલ્મનું ટ્રેલર દેખાવા માંડ્યુ, અને તે ફિલ્મ એટલે અક્ષય કુમારની 'ધ શૌખીન'. અનુપમ ખેર, અન્નુ કપૂર, અક્ષય કુમાર અને લિઝા હૈડનને ચમકાવતી ફિલ્મનું ટ્રેલર અમે પહેલીવાર જોયું અને અમારી લાયબ્રેરીમાંથી જૂની ફિલ્મોની સી.ડી પરની ધૂળ ખંખેરી ફરી એકવાર દિવાળીની રજાઓમાં બાસુ ચેટર્જીની ૧૯૮૨વાળી શૌખીન જોઈ લેવાની ઈચ્છા થઈ આવી. ફિલ્મ જોવા હજી બેઠાં હતાને ત્યાં કેટલીય જૂની યાદો ફરી તાજી થઈ અને દિમાગના કોઈક ખૂણે જાણે રીવાઈન્ડનું બટન દબાઈ ગયું હોય તેમ ફિલ્મની સાથે સંકળાયેલી કેટલીય વાતો યાદ આવવા માંડી.
૧૯૮૧માં બાસુ ચેટર્જીએ બે કલાકારનો સંપર્ક કર્યો જેમનું હિન્દી સિનેમા જગતમાં પદાર્પણ એક જ ફિલ્મ દ્વારા થયું હતુ. ઉત્પલ દત્ત અને એ.કે હંગલ બંને એ સાત હિન્દુસ્તાની ફિલ્મથી પહેલીવાર હિન્દી સિનેમા જગતમાં પોતાની કરિઅર શરૂ કરી હતી. ત્યારબાદ અનેક ફિલ્મોમાં કામ કર્યુ અને ઉત્પલ દત્તે હિન્દી સિનેમાના તે સમયમાં પોતાની અનેરી સ્ટાઈલ અને અભિનયથી પોતાનું એક અલાયદુ સ્થાન બનાવ્યુ. તો એ.કે. હંગલ એક કેરેક્ટર રોલના અભિનેતા તરીકે સમયાંતરે દેખાતા રહ્યા. નેચરલ કોમેડી જેને કહેવાય તે ખૂબ સહજ રીતે ઉત્પલ દત્ત સ્ક્રીન પર દેખાડી સકતા હતા. બાસુ ચેટર્જી ઉત્પલજી અને એ.કે. હંગલને મળ્યા અને ફિલ્મના કન્સેપ્ટની માત્ર એક લાઈન કહી. 'બુઢ્ઢે અગર રંગીન મિજાઝી હો ઔર વો ઈશ્‍ક કરે, જવાન લડકીઓ કો છૂપ છૂપ કર દેખા કરે તો કૈસા હો ?' અને ઉત્પલ દત્ત સાહેબને બાસુ ચેટર્જીના કન્સેપ્ટની માત્ર આ એક લાઈન એટલી ગમી ગઈ કે તેમણે તરત જ હા કહી દીધી. આમ પણ ઉત્પલ દત્ત અને બાસુ ચેટર્જી વચ્ચે કંઈક અલગ જ કેમેસ્ટ્રી હતી. તેમની લગભગ દરેક લાઈટ હાર્ટેડ કોમેડીમાં તેમણે શક્ય હોય ત્યાં ઉત્પલ દત્ત સાથે કામ કર્યુ છે. ત્રણ બુઢ્ઢાઓ માંથી બે તો નક્કી થઈ ગયા. હવે ત્રીજા બુઢ્ઢાની જરૂર હતી અને બાસુજી એ ફોન કર્યો અશોક કુમારને. અશોક કુમાર તે સમય દરમિયાન કેટલીક ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરતા હતા તેમણે બાસુ ચેટર્જીનું નામ સાંભળતા જ હા કહી દીધી. બાસુદા એ કહ્યું, 'દાદા મુની આપ પહેલે સ્ક્રીપ્ટ તો એક બાર દેખ લિજીયે !' ત્યારે અશોક કુમારે પોતાના અદ્દલ અંદાજમાં કહ્યું, 'હેય બાસુદા આપ આ જાઈએ ફિર મિલકે બાત કરતે હૈ, પર એક બાત લીખ લિજીયે, મેં ફિલ્મ કરૂંગા.' ફિલ્મના કન્સેપ્ટને અનુસાર ત્રણ બુઢ્ઢા નક્કી થઈ ગયા જે દિલથી હજીય જુવાન હતા. અને ત્યારબાદ હીરો-હિરોઈન તરીકે પસંદગી ઉતારવામાં આવી મિથૂન ચક્રવર્તી અને રતિ અગ્નીહોત્રી પર.
ફિલ્મની સ્ક્રીપ્ટ જ્યારે ફ્લોર પર નહોતી આવી ત્યારે પ્રોડ્યુસર દેબીકા મિત્રાની ઈન્દર સેન (એ.કે. હંગલ)ના રોલ માટે પહેલી પસંદગી હતી મદન પુરી. પણ ત્યારબાદ તેમના એક મિત્રએ તેને એ.કે. હંગલનું નામ સજેસ્ટ કર્યુ અને બાસુજીએ ઉત્પલ દત્તને સાથે સાથે  એ.કે. હંગલને એપ્રોચ કર્યો અને તેમનું કન્ફર્મેશન લઈ લીધું. બાસુ ચેટર્જી પાસે સમરેશ બાસુની સ્ટોરી માત્ર એક વાર્તા તરીકે આવી અને બાસુદાને વિચાર આવ્યો, 'ચલો ઈસ પે ફિલ્મ બનાતે હૈ.' બાસુદાએ સમરેશજીને કહ્યુ, 'સમરેશ યે તો દુનિયા કે હર એક ઓલ્ડ મેન કે મન કી કહાની હૈ, મઝા આયેગા.'
માણસની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તબિયત અને અવસ્થાની ફરિયાદ, એન્ગઝાઈટી એટલી વધતી જાય છે કે ઉંમરે પહોંચેલા દરેકને કોઈને કોઈ સારી કમ્પેનીયનશીપની જરૂર વર્તાય છે. શૌખીન આ જ હકીકતને એક હલકી ફૂલકી રમૂજ સાથે રજૂ કરે છે. ૬૦ વર્ષની ઉંમરે પહોંચેલા ઓમપ્રકાશ ચૌધરી (અશોક કુમાર) એક રિટાયર્ડ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર છે જેમણે તેમની મોટા ભાગની જિંદગી હેલ્થ ડાયટ, મસાજ વગેરે સાથે વિતાવી છે. પણ ઓમપ્રકાશની પત્ની પતિમાં રહેલા રોમેન્ટીક પ્રેમીને ઓળખતી નથી અને વારંવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતી કે ધર્મ તરફી જ હોય છે. બીજી તરફ છે એ.કે. હંગલ. એક ધનવાન અને ટ્રાવેલ એજન્સીના માલિક જેની પત્ની હજી એક વર્ષ પહેલાં જ મૃત્યુ પામી છે પણ તેમની સેક્રેટરી સાથે તે જે રીતે ફ્લર્ટ કરતા રહે છે તે જોઈ કોઈ આ વાત માની શકતું નથી. ઈન્દર સેન (એ.કે. હંગલ)ને ખૂબ મજા પડે છે જ્યારે કોઈ તેને કહે છે. 'અરે આપ તો સિર્ફ ચાલીસ કે લગતે હૈ.' અને ત્યારબાદ આવે છે આપણા નેચરલ કોમેડીના બંદા એવા ઉત્પલ દત્ત જગદીશભાઈના રોલમાં. તે પણ એક ધનવાન પ્રોપર્ટી હોલ્ડર છેજેની પત્ની વર્ષો પહેલા મૃત્યુ પામી છે અને તેમની ભાડૂઆત એક યુવાન છોકરી છે જેના પર કાયમ  શોખીન બુઢ્ઢો નજર મારતો ફરતો હોય છે. અને એક દિવસ આ ત્રિપૂટી ઓમપ્રકાશની ઘરે ડ્રિન્ક પર ભેગા થાય છે અને ત્રણે પોતાની જાણે દિલની વાત કહેતા હોય તેમ, 'કોઈ ભી જવાન લડકી અચ્છી લગતી હૈ.' અને આખરે ત્રણે નક્કી કરે છે ઉંમરના આ પડાવ પર જિંદગીને માણી લેવાનું. ત્રણે વચ્ચે નાસિક જવાનું નક્કી થાય છે અને તે લોકો ડ્રાઈવર તરીકે સખરામ નામના એક યુવાનને રોકે છે.  સખરામ એટલે આપણા મિથુન દા. મિથુન ચક્રવર્તી. સખરામ તે લોકોને સજેસ્ટ કરે છે કે નાસિક જવાની જગ્યાએ તે લોકોએ ગોવા જવુ જોઈએ, ત્રણે બુઢ્ઢાઓને ગોવા લઈ જવામાં સખરામનો સ્વાર્થ એટલો છે કે ગોવામાં સખરામની પ્રેમિકા અનિતા (રતિ અગ્નીહોત્રી) રહે છે. અને ત્યારબાદ શરૂ થાય છે ત્રણે બુઢ્ઢાઓની રંગીન જિંદગી. સખરામની  પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવાની લ્હાયમાં પડેલા આ ત્રણે રંગીન મિજાજી બુઢ્ઢા ઓન સ્ક્રીન અજબની કોમેડી સર્જે છે. ફિલ્મ જોતી વખતે હસવા માટે તમારે તમારા જ હાથે પેટમાં આંગળા ખોસી ગલગલિયાં નથી કરવા પડતા. કોમેડી એક પછી એક સિચુએશનમાંથી આપોઆપ બખુબી બહાર આવે છે અને જોનારને બસ જલસો પડી જાય છે.     
'ઝૂલ્મ હૈ ? જીન જીન ચીઝો સે ઝિન્દગી, ઝિન્દગી લગતી હૈ. કમબખ્ત ડૉક્ટર ઉસી કો છીન લેતે હૈ.' હકીકતને બાસુદાએ સુંદર રીતે ડાયલોગમાં ઢાળી દેખાડી છે અને  તમામ બંધનો ત્યાગી કઈ રીતે ઉંમરના એક પડાવ પર પહોંચેલા ત્રણ માણસો જિંદગી જીવી લેવાની પોતાની મહેચ્છા પૂરી કરે છે તે ખૂબ સુંદર રીતે ફિલ્મમાં ઉતારવામાં આવી છે. 
રતિ અગ્નીહોત્રીને આ ફિલ્મ ઓફર કરવામાં આવી તે પહેલાં  ૧૯૮૧માં રતિની કમલ હાસન સાથેની ફિલ્મ 'એક દૂજે કે લિયે' સુપર હિટ પુરવાર થઈ હતી અને રતિને જ્યારે આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પહેલા તેને કહ્યું આ એક સેક્સ કોમેડી ફિલ્મ છે અને તે આ ફિલ્મ કરશે તો ઈન્ડસ્ટ્રીમાં તેની ઈમેજ ખરડાઇ જશે. આથી રતિનો શૌખીન ફિલ્મ કરવા માટે ઝાઝો વિચાર નહોતો. પણ બાસુદાએ જ્યારે તેને સ્ક્રીપ્ટ સંભળાવી અને ત્યારબાદ તેના ડાયલોગ પણ સંભળાવ્યા ત્યારે રતિને તેમાં કંઈ વાંધા જનક નહીં લાગ્યુ અને આખરે તેણે ફિલ્મ કરવા હા કહી દીધી. તે  રીતે હીરો તરીકે જ્યારે મિથુનનો એપ્રોચ કરવામાં આવ્યો ત્યારે મિથુનની   અરસામાં ફિલ્મ ડિસ્કો ડાન્સર આવી રહી હતી. મિથુનને પહેલા લાગ્યુ કે ફિલ્મમાં મુખ્ય ભુમિકા તરીકે હીરો નહીં પણ ત્રણ બુઢ્ઢાઓ નો રોલ છે તો  ફિલ્મ કરવાને કારણે તેની ગણતરી એક સાઈડ હીરો તરીકે કાયમ થઈ જશે અને આથી કદાચ તેની ડીસ્કો ડાન્સર પણ પિટાઈ જાય તેમ બને. પણ આ સાથે જ મિથુન બાસુ ચેટર્જી સાથે કામ કરવાનો મોકો પણ જવા દેવા નહોતા માંગતા આથી તેમણે પણ હા કહી દીધી.
શૌખીનમાં એ.કે. હંગલના પાત્રનું નામ છે ઈન્દર સેન જ્યારે ફિલ્મ સેટ પર હતી અને એ.કે. હંગલનો એક સીન ચાલી રહ્યો હતો ત્યારે બાસુદાને અચાનક વિચાર આવ્યો કે ઈન્દર સેન એક ફોર્સ બેચ્લરનો રોલ કરી રહ્યા છે અને તે આ ઉંમરે પણ શૌખીન છે તો ઈન્દર સેન ફિલ્મમાં અગર તેનું નામ બદલી નાખે તો ? અને આથી જ રંગીન મિજાજી ઈન્દર સેન ફિલ્મમાં પોતાને એન્ડરસન તરીકે ઓળખાવે છે. તે સમયે કોઈ એક ફિલ્મમાં એક ઉંમરલાયકના રોલમાં આવેલું કોઈ કેરેક્ટર પણ ભવિષ્યમાં ફેશનનો એક નવો ટ્રેન્ડ શરૂ કરી શકે તે ચોક્ક્સ માની શકાય તેવી બાબત નથી પણ અશોક કુમારે ફિલ્મમાં પહેરેલા સિલ્કના કૂર્તા અને પ્રિન્ટેડ લૂંગી ખરેખર  ત્યારબાદ એક ફેશન બની ગઈ હતી.
ફિલ્મમાં મ્યુઝિક આપ્યુ હતુ આર.ડી. બર્મને. શૌખીનમાં એક ગીત છે 'જબ ભી કોઈ કંગના...' બર્મનદા એ ગીત બનાવ્યુ તે મૂળ તો આર.ડી.ના પિતા સચિન દેવ બર્મનના ગીત પરથી ઈનસ્પાયર્ડ હતું. વાત કંઈક એવી છે કે સચિન દા એ એક બંગાળી ગીત બનાવ્યુ હતુ 'નિતોલ પાયે રિનીક જિનીક...' બર્મન દાને તેમના પિતાનું આ ગીત ખૂબ ગમતુ હતુ અને તેમણે આ જ ગીતની ધૂનને થોડી અપ બીટમાં રિકોર્ડ કરી શૌખીન માટે 'જબ ભી કોઈ કંગના...' ગીત બનાવ્યુ.
   સો, ઓવર ઓલ શૌખીન એક ખરા અર્થમાં બાસુ ચેટર્જીની એક સિગ્નેચર ફિલ્મ છે. અને એક વખત ફરી જોઈ જવામાં મજા જ આવે. 'કોઈ શક ?'

લાસ્ટ કટ ; શૌખીનના સેટ પર જ્યારે એક સીનમાં અશોક કુમાર, ઉત્પલ દત્ત અને એ.કે. હંગલને ડ્રિન્ક પર ભેગા થયેલા અને વિસ્કી પી રહેલા ફિલ્માવવામાં આવ્યા ત્યારે બાસુ ચેટર્જીએ કહ્યું હતું આ ત્રણ સ્ટારને આ રીતે એક ટેબલ પર ડ્રિન્ક માટે ભેગા થયેલા જોવું એ એક લ્હાવો છે.