'સમય ક્યારેય મારો હતો જ નહીં શ્રીકાંત, એને તો તેં બાંધી રાખ્યો હતો તારી પાસે. મારી દરેક ક્ષણ, મારી અંગત્તમ કહી શકાય એવી એક એક પળ તેં તારા નામે લખાવી લીધી હતી. તો પછી તે સમયને હું મારો સમય કઈ રીતે ગણાવી શકું ?' સુમધુર અવાજમાં સીડી પ્લેયરમાંથી નીકળતા એક પછી એક વાક્યો અને તે વાક્યોના જવાબ આપતી હોય, જાણે વાતો જ કરતી હોય તેમ બેડરૂમમાં શ્રીકાંતના ફોટા સામે ઊભેલી શિવાંગી. સીડી પ્લેયરમાંથી વહેતા શ્રીકાંતના એક એક શબ્દ સાથે શિવાંગીની આંખમાંથી દળદળ આંસૂ વહી રહ્યા હતા. તદ્દન સામાન્ય એવા એક રૂમ રસોડાના ઘરમાં શ્રીકાંત સાથે જિંદગીના મહામૂલા ચાર વર્ષ વિતાવ્યા પછી હવે શિવાંગીને આ મહેલ જેવડા મોટા ઘરમાં જાણે ગૂંગળામણ થઈ રહી હતી. આલિશાન ઘર, ધન વૈભવ, આરામ, નોકર-ચાકર બધું  મળ્યુ હતુ  પાછલાં સાત વર્ષમાં પણ છતાં આજે આ તમામ વૈભવની સામે પેલા એક રૂમ રસોડામાં જીવી નાખેલા ચાર વર્ષ શિવાંગીને વધુ જાહોજલાલી વાળા વર્ષો લાગી રહ્યા હતા.
આજે અચાનક તેને શ્રીકાંતે ત્રીજી લગ્ન તિથીએ ભેટ આપેલી સીડી યાદ આવી ગઈ અને કબાટમાં રંગીન સાડીની થપ્પી નીચે મૂકેલા કવરમાંથી તે સીડી કાઢી અને બેડરૂમનો દરવાજો બંધ કરી સીડી પ્લેયર ઓન કર્યું. પ્લેયર શરૂ થતાંની સાથે જ સીડીમાંથી આવતા કોઈક નાના નાના ગણગણાટ જેવો અવાજ સાંભળીને શિવાંગીની આંખ સામે તે દિવસનું આખુંય ચિત્ર કોઈ ફિલ્મની જેમ ભજવાવા માંડ્યુ. નાનકડા એક રૂમ રસોડાના ઘરના બાથરૂમની સામેની દિવાલ પર અરીસો લગાવ્યો હતો. સાંજના લગભગ ચાર વાગવા આવ્યા હશે અને શિવાંગી હમણાં જ બાથરૂમમાંથી બહાર નીકળી હતી. સદ્યસ્નાતાના રૂપમાં ભીનેવાન શિવાંગી કોઈ બ્યુટીક્વીન જેટલી સુંદર તો નહોતી લાગી રહી પણ શ્રીકાંત તેને જોતા વેંત ગાંડો થઈ જાય તેટલી રૂપાળી તો હતી જ. ઘઉંવર્ણી ત્વચા પણ, ચહેરાનો નાક નકશો બરાબર તેની ચામડીના રંગને અનુરૂપ બનાવવામાં આવ્યો હોય તેવો હતો. સસ્તામાં સામે મળી જાય તો કદાચ ફરી પાછળ વળીને જોવું પડે એવું રૂપ નહોતું એનું પણ શ્રીકાંતને મન તો તેની શિવાંગી અપ્સરાથી જરાય ઉતરતી નહોતી. બાથરૂમમાંથી બહાર આવતાની સાથે તેણે તરત રૂમના દરવાજાની સામે તરફની બારી બંધ કરી દીધી. ખબર હતી કે બારીની સામે દૂર દૂર સુધી ખાલી મેદાન છે અને કોઈ તેને જોઈ શકે તેમ નથી છતાં સ્ત્રી સહજ શરમ તેને તે બારી ખુલ્લી રાખતા રોકી રહી હતી. આજે શ્રીકાંત ઓફિસેથી જલ્દી આવી જવાનો હતો. તેથી જ ઘડિયાળના કાંટા ચારનો ટકોરો દેખાડે તે પહેલાં શિવાંગી નાહીને તૈયાર થઈ ગઈ. અરીસા સામે મુસ્કુરાતા વાળમાં કાંસકો ફેરવતા ફેરવતા શ્રીકાંતને યાદ કરી તે ગીત ગણગણી રહી હતી 'ક્યારે પૂરા થશે મનના કોડ, કે સાહ્યબો મારો ગુલાબ છોડ.' અને એટલામાં જ બારણે ટકોરા પડ્યા. તેને આજ સુધી એ સમજાયું નથી કે શ્રીકાંત તો તે સમયે ઘરમાં હાજર નહોતો, તો પછી તેણે તેનું આ ગીત કઈ રીતે રીકોર્ડ કરી લીધું હશે ? હમણાં સીડીમાં તે જ શબ્દો સાંભળાતા તેને ફરી એ વિચાર આવી ગયો.
'ક્યારે પૂરા થશે મનના કોડ, કે સાહ્યબો મારો ગુલાબ છોડ.' બારણે ટકોરા પડ્યા અને શિવાંગી દોડી, પોતાના પ્રિયતમ એવા પતિને આવકારવા તેણે ઘરનો દરવાજો ખોલ્યો. 'આવો મારા સાહ્યબા,' તેણે પ્રેમથી શ્રીકાંતને આવકારતા કહ્યું હતું. 'હા, આવી ગયા, મારા મનની ધરા પર એક હથ્થુ સાશન ચલાવતા મારા રાજરાણી, લો અમે આવી ગયા. બોલો શું હુકમ છે ?' શ્રીકાંતે કહ્યું હતું અને પોતાની નજીક ખેંચતા કેટલા દબાણ સાથે તેણે શિવાંગીને બાથમાં જકડી લીધી હતી, 'બાપરે, કેટલું જોર કરે છે શ્રીકાંત, રીતે તો હું કોઈક દિવસ મરી જઈશ.' શ્રીકાંત આ સાંભળી વધારે ગેલમાં આવી ગયો અને લાલ ચકામું પડી જાય તેવા આવેગથી તેણે શિવાંગીના જમણાં ગાલ પર બચીઓ ભરી લીધી અને બોલ્યો હતો, તારો પ્રાણવાયુ છું હું સનમ, તો મારા નજીક આવવાથી તને મોત નહીં પણ જીવન મળેજીવન. સમજ પડી ડોબી !' 'એમ, જીવન મળે ને ? તો લો ત્યારે જકડી લો મને, હજી વધારે જોરથી જકડી લો, ભલે ને મારૂં જે થવાનું હોય તે થાય.શિવાંગીએ છણકો કરતા કહ્યું અને શ્રીકાંત પ્રેમથી તેના કપાળે બચી ભરતા બોલ્યો હતો, 'ક્યારેક શરીર પર થોડું દબાણ આવે તે સારૂં કહેવાય શિવુ, શરીરની કોઈ નસો બંધ થઈ ગઈ હોય તો તે ખુલી જાય.' અને વાક્ય પૂરૂ કરતા સુધીમાં તો તેણે ફરી શિવાંગીને એક જોરદાર આવેગ સાથે બાથમાં ભરી લીધી. શ્રીકાંત પ્રેમથી શિવાંગીને જ્યારે શિવુ કહીને સંબોધતો ત્યારે શિવાંગી એક અલગ જ રોમાંચ અનુભવતી.
'સારૂં ચાલો તમે ફ્રેશ થઈ જાવ એટલામાં હું દૂધ લઈને આવું છું, પછી સાથે ચા પીશૂં.' શિવાંગીએ સાડીનો છેડો સરખો કર્યો અને હાથમાં થેલી ઉપાડતા કહ્યું. પણ શ્રીકાંત આજે એમ કંઈ એને થોડો જવા દેવાનો હતો. આજે લગ્નની ત્રીજી વર્ષગાંઠ હતી. શ્રીકાંતે શિવાંગી જે સાડીનો છેડો ઠીક કરી હતી તે જ હાથમાં લીધો અને તેની આંખો પર ઢાંકી દીધો. 'અરે, આ શું કરે છે શ્રીકાંત ? છોડો ને હવે ભઈસા', મોડું થાય છે. હમણાં કલાકમાં, તું પાછો બોલશે. "શિવુ, જમવાને કેટલી વાર ?" બે મિનિટ પણ ભૂખ્યા તો રહેવાતુ નથી ગાંડાથી અને હમણાં ધમાલે ચઢ્યો છે. છોડને શ્રીકાંત પ્લીઝ.' શિવાંગીએ તેની આંખ પરથી સાડીનો છેડો હટાવી લેવાનો પ્રયત્ન કરતા આજીજી કરી. 'એ ચિબાઉલી, આજે મહારાજા શ્રીકાંતને કોઈ કંઈ જ કહેશે નહીં સમજી ને, આજે બંદાના સુપર મેરેજની સુપર્બ એનિવર્સરી છે.' શ્રીકાંત આજે બરાબર મૂડમાં હતો. 'બોલ્યા મોટા સુપર એનિવર્સરી, હજી રાંધવાનું શાક સુધ્ધા લાવી નથી ઘરમાં અને શું ખાક સુપર એનિવર્સરી.' શિવાંગી ગંભીર થઈ ગઈ, થોડી વાર અટક્યા બાદ તેણે શ્રીકાંતને કહ્યું હતું, 'હું શાક લેવા જવા માટે તારી  રાહ જોતી હતી શ્રીકાંત, મારી પાસે શાક લેવા જવા જેટલાંય પૈસા નથી બચ્યા, તારી પાસે પચ્ચીસ-ત્રીસ રૂપિયા હોય તો આપીશ ? તો શાક લઈ આવું. આ પંદર રૂપિયામાં તો માત્ર દૂધની થેલી જ આવશે.' શિવાંગી ઉદાસ થઈ ગઈ. શ્રીકાંતે પણ શિવાંગીના ચેહેરાની ફરતે હાથ વિંટ્યા હતા તે કાઢી લીધા અને ગંભીર થતા બોલ્યો, 'પચ્ચીસ-ત્રીસ રૂપિયા ! આટલા બધા તો મારી પાસે પણ... એક મિનિટ લેટ મી ચેક' શ્રીકાંતે પેન્ટના ગજવામાં હાથ ફંફોસ્યા અને કોઈ પાણીમાં ભીંજાયેલી નોટ હાથ લાગી હોય તેમ કાળજીથી ધીમે રહીને હાથ બહાર કાઢતા હસી પડ્યો. શ્રીકાંતના હાથ તરફ નજર કરતા શિવાંગીની પણ આંખો પહોળી થઈ ગઈ. 'વાઉ, શ્રીકાંત કેટલા સરસ છે ! મારે માટે લાવ્યો ?' શ્રીકાંતના હાથમાં ચાંદીના ઝાંઝર હતા. શ્રીકાંત કાયમ તેને કહ્યા કરતો 'શિવાંગી તું ઝાંઝર પહેરને પ્લીઝ, તું ઘરમાં ચાલતી હોય ત્યારે ઝાંઝરનો રૂમઝૂમ અવાજ આવે તો કેવું સરસ લાગે !' અને તે દિવસે જ્યારે ખરેખર તે ઝાંઝર લઈને આવ્યો ત્યારે શિવાંગી હરખઘેલી થઈ ગયેલી. 'ના તારા માટે નહીં, તારી સૌતન માટે લાવ્યો છું, અફકોર્સ તારા માટે જ હોય ને શિવુ, તુ આ ઝાંઝરની જેમ રૂમ ઝૂમ કરતા આવી છે મારા જીવનમાં.' કહેતા શ્રીકાંતે ફરી શિવાંગીને બાથમાં જકડી લીધી હતી. શાક અને દૂધ બજારમાં એમના એમ રહી ગયા અને એક રૂમ રસોડાના એ ભાડાના ઘરમાં ત્યારે ફરી જાણે સપ્તપદી પછીની પહેલી રાતનું ચાદરણું ઉતરી આવ્યુ હતુ. શરીરના આવેગ અને પ્રેમની ભૂખ સામે શરીરની ભૂખ તે દિવસે સ્વાભાવિક રીતે જ ભૂલાઈ ગઈ હતી. અને આવેગ શમન પછીના અભિસારમાં શ્રીકાંત બોલ્યો હતો. 'શિવુમેં જોબ છોડી દીધી છે.' શિવાંગીને અચાનક આ શબ્દો સાંભળી કેવો આંચકો લાગ્યો હતો. તેના ગળા પરથી શ્રીકાંતનો હાથ હટાવી તે સફાળી બેઠી થઈ ગઈ હતી. 'શું તે જોબ છોડી દીધી ? શ્રીકાંત આમ અચાનક તેં...હવે શું થશે, ઘરમાં એક રૂપિયો નથી, બીજી જોબ ક્યાં મળશે ? અનાજ-પાણીરહેવાનુંખાવાનું, ઘરનું ભાડૂ ! પ્રેમની વાતોથી પેટ નથી ભરાતું શ્રીકાંતતેં  શું કર્યુ ?' શિવાંગી એકધારૂં બોલી ગઈ હતી અને શ્રીકાંત શાંત પડ્યો પડ્યો તેને સાંભળી રહ્યો હતો, મનમાં ને મનમાં હસી રહેલા શ્રીકાંતે ફરી શિવાંગીને એક ચૂમી ભરી. 'તું હસે છે શું શ્રીકાંત ? આ ઝાંઝરની સાથે સાથે એનિવર્સરીના દિવસે તેં આ ખૂબ સારી ભેટ આપી મને.' શિવાંગી રડમસ થઈ ગઈ. અને ત્યાં શ્રીકાંત જોર જોરમાં હસવા માંડ્યો હતો અને પેન્ટના પાછલા ગજવા માંથી તેણે એક કાગળ કાઢી શિવાંગીના હાથમાં મૂક્યો ત્યારે...' શ્રીકાંત ત્રિપાઠી હવે, સોની એન્ટરટેઈન્મેન્ટ ચેનલમાં માર્કેટીંગ એક્ઝિક્યુટીવ તરીકે જોડાઈ રહ્યો છે ચિબાઉલી શિવુ,  જો.' તેણે એપોઈન્ટમેન્ટ લેટર શિવાંગીના હાથમાં મૂકતા કહ્યું હતું. અને શિવાંગીની આંખમાંથી સરી પડેલા આંસૂની બૂંદ જ્યારે તે લેટરમાં છપાયેલા શબ્દોને ભીંજવી રહ્યા હતા ત્યારે ફરી એક જોરદાર આવેગ સાથેનું આલિંગન બંનેને તરબોળ થવા પૂર્ણ સાબિત થયું પણ ફર્ક માત્ર એટલો હતો આ વખતે શિવાંગીનો આવેગ શ્રીકાંત કરતા વધુ હતો.
તે દિવસને સાત વર્ષ પછીનો આજનો દિવસ. સાત વર્ષમાં બંને વચ્ચે કેટકેટલું બદલાઈ ગયું. શિવાંગી માટે શાક કે દૂધ લાવવાના પૈસાની હવે ચીંતા નહોતી, ઝાંઝરની પાતળી સેરનું સ્થાન હવે જાડા ઝાંઝરે લઈ લીધું હતું પણ તેનો રણકાર સાંભળવાની શ્રીકાંત પાસે ફૂરસત નહોતી. એક પછી એક ભૌતિક સુખ સહ્યાભી વસાવવામાં શ્રીકાંત એવો ગળાડૂબ અટવાયો હતો કે શિવાંગીને એક શાંત નજરે નિરખવાનો પણ તેની પાસે સમય નહોતો. તે દિવસે જ્યારે શિવાંગી શાક લઈને પાછી આવી ત્યારે એક સીડી તેના હાથમાં મૂકતા શ્રીકાંત કેટલો ખૂશ દેખાતો હતો. જૂના ગુજરાતી લોક ગીત સાથે તેણે બાંધેલા સંવાદો અને તે સંવાદોના એક એક શબ્દમાંથી નિતરતો શિવાંગી માટેનો પ્રેમ. કેટલી અદ્‍ભૂત ક્ષણો હતી એ ! અને આજે ઘરમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું સીડી પ્લેયર છે પણ સીડીમાં કેદ થયેલા એ સંવાદો માત્ર કબાટમાં પડેલી બીજી સીડીઓની વચ્ચેની એક ડિસ્ક માત્ર બનીને રહી ગઈ હતી. લખલૂટ પૈસાની ઝાકઝમાળમાં એ લાગણી સભર સંવાદો અને પ્રેમ નીતરતા ઝાંઝરનો રણકાર ક્યાંક ભૂલાઈ ગયા હતા. આલીશાન મહેલ જેવા ઘરમાં એકલા રહી રહીને શિવાંગીને હવે ડિપ્રેસન આવવા માંડ્યુ હતું. 'આજે દિવાળી છે શ્રીકાંત, ધનતેરસનો શુભ દિવસ. અને છતાં ઓફિસની અને ઘરની તિજોરી ભરાઈ તે આશયથી ઓફિસમાં ચોપડા પૂજન કરી રહેલા તને તારી શિવાંગી યાદ સુધ્ધા નથી આવતી ? આજે  ધનતેરસને દિવસે તારી શિવુની વર્ષગાંઠ પણ આવે છે તે પણ ભૂલાઈ ગયુ તને ?' શિવાંગીના મોઢા માંથી આખરે ફરિયાદ નીકળી ગઈ. પોતાની વર્ષગાંઠ અને દિવાળીનો પ્રસંગ હોવા છતાં, છેલ્લા સાત વર્ષથી સતત દોડધામમાં બધું ભૂલી ચૂકેલા શ્રીકાંત માટે શિવાંગી હવે માત્ર એક ઘરનું રાચરચિલૂં બની ગઈ હોય તેમ શિવાંગીને લાગવા માંડ્યુ હતું. આજે સવારે પણ જ્યારે તે ઊઠી ત્યારે શ્રીકાંત ઓફિસ જઈ ચૂક્યો છે તે જાણી તેને રડવું આવી ગયુ. અને તેથી  જાણે પોતાને જ ફરી તે જૂના દિવસોની યાદોની ભેટ આપતી હોય તેમ તેણે આ સીડી કાઢી હતી, પણ સીડીમાં બોલાઈ રહેલા શબ્દોથી શિવાંગી જાણે વધુ દુઃખી થઈ ગઈ.
ત્યાં જ એ આલિશાન ઘરના કંપાઉન્ડમાં શ્રીકાંતની કાર પ્રવેશી અને વોચમેન દોડતા આવી ને ખબર આપી ગયો, 'મેડમ સર આવી ગયા છે અને તમને ડ્રોઈંગ રૂમમાં બોલાવે છે.' શિંવાગીએ આંખના આંસૂને મેક અપમાં છૂપાવ્યા અને સીડી પ્લેયરના રિમોટથી સ્ટોપનું બટન દબાવી જાણે તેની લાગણી અને વેદનાને પણ સ્ટોપ કરી નાખી ડ્રોઈંગ રૂમ તરફ ચાલી ગઈ. 'શિવુ... શિવુ... શિવુ.' શ્રીકાંત બોલ્યો. વર્ષો પછી ફરી શ્રીકાંતના મોઢે આ નામ સાંભળી શિવાંગી દંગ રહી ગઈ. શ્રીકાંતે શિવાંગીનો સાડીનો છેડો તેની આંખો પર ઢાંક્યો અને ધીમે રહીને ગજવામાંથી ઝાંઝરની એક પાતળી સેરવાળી જોડી કાઢી અને સામે ધરતા બોલ્યો ચાલ આ પહેરી લેશે શિવુ ? આપણે ક્યાંક બહાર જવુ છે.' શિવાંગીની આંખ થોડી ભીની હતી એટલે ઝાંઝર તો સ્પષ્ટ દેખાયા નહીં પણ તેનો હળવો રૂમઝૂમ અવાજ જાણીતો હતો. તેણે ઉતાવળે પગમાંથી મોટા ઝાંઝર કાઢ્યા અને નવી સેર ચઢાવી લીધી. શ્રીકાંત સાથે કારમાં બેસતા તે બોલી, 'આપણે ક્યાં જઈ રહ્યા છે શ્રીકાંત ?' શ્રીકાંત હસ્યો અને ગાડીના ડેસ્કબોર્ડનું ખાનું ખોલતા એક ચાવી શિવાંગીને આપી. 'આપણું પેલું ભાડાનું ઘર મેં ખરીદી લીધું છે શિવુ. મારા જેવા ગરીબ સાથે ફરી એક દિવાળી એ ઘરમાં વિતાવીશ ?' સાત વર્ષના લાંબા અંતરાલ પછી ફરી એક આવેગના આલિંગનથી બે શરીર જકડાઈ ગયા. ફર્ક માત્ર એટલો હતો કે આ વખતે બંને તરફથી આવેગ એક સરખો હતો.


Comments (0)