અમેરિકાના દક્ષિણપૂર્વમાં આવેલું સ્ટેટ એટલે સાઉથ કેરોલિના. અનેક ભૂતિયા અનુભવો અને પેરનોર્મલ એક્ટિવીટીને કારણે પ્રખ્યાત ગણો કે બદનામ ગણો પણ કેટલીક એવી હકીકતો સ્થળના ઈતિહાસમાં ઘરબાઈને પડી છે જે સાઉથ કેરોલિનાને એક ભૂતિયા સ્થળ તરીકેની ઓળખમાં જકડી રાખી રહી છે. કહેવાય છે કે માણસનો સૌથી વધુ ચાહેલો, ઝંખેલો અને જીવી લેવાની ઈચ્છા રાખી હોય તેવો પ્રેમ જ્યારે અધુરો રહી જાય છે ત્યારે તેની મોત પણ તેને ચિરશાંતિનો અનુભવ નથી કરાવી શકતી અને તેની આત્મા, તેની ઈચ્છાઓ કે તેની અધુરી લાગણીઓ ક્યાંક વાતાવરણમાં અટવાતી રહે છે, તેના પ્રેમની યાદમાં, તેના પ્રેમીની ચાહનામાં તેનો જીવ વિશ્વમાં ઘુમરાતો રહે છે. કંઈક આવું જ સાઉથ કેરોલિનાના એ પ્રખ્યાત જૂના થિયેટર ઓપેરા હાઉસ અને તેની બાજૂની હૉટેલ બેલમોન્ટ ઈનમાં દેખા દેતા ભૂત સાથે પણ બન્યું છે. 
સો વર્ષ જૂના એ થિયેટર ઓપેરા હાઉસના ગ્રીન રૂમથી લઈને સ્ટેજની ઉપર લટકતા પાઈપ તથા દર્શકોને બેસવાની સ્ટોલ અને બાલ્ક્નીની ખુરશીઓ વચ્ચે કંઈક એવા રાઝ સચવાઈને પડ્યા છે જેની પાછળની હકીકત જગ્યાને ભૂતિયા સાબિત કરી રહી છે. બાલ્કનીમાં મૂકાયેલી એક ગહેરા કથૈઈ રંગની ખુરશી જે ક્યારેક હલતી દેખાઈ છે. શો શરૂ થવાથી લઈને તે પૂર્ણ થઈ જાય ત્યારબાદ પણ તે ખુરશીમાં કોઈ બેઠું હોવાનો ભાસ થાય, અને કોઈપણ શો માટે જ્યારે તે ખુરશીની ટીકીટ વેચવામાં જ ન આવે અને ખાલી રાખવામાં આવે ત્યારે કૂતુહલવશ માણસને સવાલ થાય કે શું કામ આ ખુરશી આમ ખાલી રાખવામાં આવી હશે ? અને ખાલી જ રાખવામાં આવી હોવા છતાં કેમ ત્યાં કોઈ બેઠું હોવાનો ભાસ થાય છે. આખાય થિયેટરમાં બધાની અલગ એવી આ જૂની દેખાતી ખુરશીમાં એવું તે શું છે ? એ ખુરશી સાથે કઈ કહાની સંકળાયેલી છે, તેમાં સચ્ચાઈ કેટલી ?
બેન એન્ડરસન એક હન્ટેડ સ્ટોરી રાઈટર સાઉથ કેરોલિના અંગેની અનેક ભૂતિયા કહાનીઓથી આકર્ષાઈને તેની સાતત્યતા જાણવા અને પ્રત્યક્ષ અનુભવ કરવાના આશયથી હૉટેલ બેલમોન્ટ ઈનમાં પ્રવેશે છે. ઓપેરા હાઉસની બાજૂમાં જ આવેલી આ હૉટેલમાં પ્રવેશી એન્ડરશન પોતાના બુક થયેલા રૂમમાં પ્રવેશે છે અને તેની નજર પડે છે કે રૂમ અનેક જૂની પુરાણી એન્ટીક વસ્તુઓથી સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. એન્ડરસન એક પછી એક દરેક વસ્તુને ધ્યાન પૂર્વક જૂએ છે ત્યાં તેની નજર પડે છે બાજૂમાં ગોઠવાયેલા ટેબલ પર પડેલી કોગ્નેક વિસ્કીની બોટલ પર, વિસ્કીની  બોટલ અધુરી ભરેલી છે અને તેની કેપ ખુલ્લી છે. બાજૂમાં પડેલા ગ્લાસ રીતે ગોઠવાયેલા છે જાણે તે બોટલ હમણાં કોઈકે વાપરી હોય. તેણે ત્યાં પડેલા તે ગ્લાસમાંથી એક ગ્લાસ કૂતુહલ પૂર્વક ઉપાડ્યો અને કોગ્નેકની પેલી અધુરી બોટલમાંથી એક ઘૂંટ જેટલી શરાબ ગ્લાસમાં ઠાલવી અને ઘૂંટ ભર્યો. એન્ડરસનને ઘૂંટ ભરતાની સાથે   મહેસૂસ થયું કે બોટલમાં નો શરાબ ખાસ્સો જૂનો હોવો જોઈએ. પણ એન્ડરસનના એ ઘૂંટ ભરતાની સાથે જ તેણે અવાજ સાંભળ્યો કે કોઈ બીજી વ્યક્તિ પણ જાને તેની સાથે જ તે શરાબનો ઘૂંટ ભરી રહી હતી અને પી લીધા બાદ તેનું ગળું ખોંખારી સાફ કરી રહી હતી. એન્ડરસને આજૂ-બાજૂ નજર નાખી તો ત્યાં બારી પાસે રૂમમાં મૂકેલા બેડની બરાબર સામેની ખુરશીમાં એક કાળો પુરૂષ બેઠો હતો. લેખક બેન એન્ડરસન હૉટેલના એ રૂમમાં કોઈ બીજા પુરૂષને જોઈ સ્તબ્ધ થઈ ગયો. બેન એન્ડરસનને લાગ્યું કે તે ભૂલથી કોઈ બીજાના રૂમમાં આવી ગયો છે. પેલા પુરૂષે હાથમાં ગ્લાસ પક્ડ્યો હતો. એન્ડરસન કંઈ બોલે તે પહેલાં  પેલો પુરૂષ બોલ્યો, 'તમે ચાહો તો હું તમને ફરી ડ્રિંક ઓફર કરી શકું મી. બેન ? એન્ડરસનની આંખો પહોળી થઈ ગઈ. આ માણસને તેનું નામ કઈ રીતે ખબર છે ? 'ડોન્ટવરી મી. બેન એન્ડરસન તમે તમારા રૂમમાં આવ્યા છોકોઈ બીજા ના નહીં. તમે અહીં ભૂતિયા કહાનીની ખોજમાં અવ્યા છો રાઈટ અને લોકો અહીં જગ્યા માટે જે વાતો કરે છે તેમાં સચ્ચાઈ છે તે ચકાસવા માંગો છો ખરૂં ને ?' બેન પેલા અજાણ્યા પુરૂષની વાતો સાંભળી અવાચક થઈ ગયો. તે કહે છે કે રૂમ મેં જે બુક કરાવ્યો હતો તે છે. તો પછી અજાણ્યો માણસ અહીં શું કરે છે ? અને તેને મારા વિશે, મારા આશય વિશે આટલી ડીટેઈલ માહિતીની કઈ રીતે જાણ છે બેન દ્વીધા સાથે પેલા કાળા પુરૂષને પૂછે છે, 'માફ કરજો મહાશય પણ હું તમને ઓળખતો નથી, હજી હમણાં  હૉટેલમાં આવ્યો છું તો તમે મારૂં નામમારા કામ વિશે કઈ રીતે જાણો છો.
પેલો માણસ હાથમાં પકડેલા ગ્લાસમાંથી ફરી શરાબનો ઘૂંટ ભરે છે અને કહે છે. 'અગર હું તમને અહીંના એક ભૂતની સાચી કહાની કહી સંભળાવું તો ?' બેન આગળ કંઈ બોલતા નથી અને બસ તેની સામે ટગર ટગર જોયા કરે છે. પેલો પુરૂષ વાતની શરૂઆત કરે છે. ' ઓપેરા હાઉસ, સો વર્ષથી જૂનું એક ભવ્ય થિયેટરજ્યાં અનેક શોઝ આવતા હતા અને આજે પણ આવે છે. ઓપેરા હાઉસની બાલ્કનીમાં એક બ્રાઉન કલરની ચેર બીજી તમામ ચેર્સથી અલગ છે રાઈટ ? અને તે ખુરશી હંમેશા ખાલી રાખવામાં આવે છે, લોકો કહે છે ત્યાં, તે ખુરશીમાં ભૂત છે અને તે શોઝ જોવા આવે છેખરૂં ને ? સાચી હકીકત એ છે મી. બેન કે  ભૂત ઓપેરા હાઉસમાં આવતા શોઝ જોવા નથી આવતો પણ તેણે ગુમાવેલી તેની પ્રેમિકાની યાદમાં આવે છે.બેન એન્ડરસન તેને વચ્ચેથી અટકાવી છે અને પૂછે છે. 'એક મિનિટએક મિનિટ...તમને કઈ રીતે ખબર કે ત્યાં સાચે  કોઈ ભૂત આવે છે અને તે પણ તેની પ્રેમિકાની યાદમાં તે ત્યાં આવતો હોય છે ?' 'મી. બેન એન્ડરસન લેટ મી ઈન્ટ્રોડ્યુઝ માય સેલ્ફ ફર્સ્ટ, મારૂં નામ છે એબ્રાહમ, અને મારી ઉંમર લગભ ૧૨૫ વર્ષ કે તેથીય વધુ છે. નવાઈ લાગી મી. બેન ? હકીકત છે કે હું આજ હૉટેલમાં ૧૯૦૮ના ગાળામાં નોકરી કરતો હતો અને ઓપેરા હાઉસમાં તે સમયે ન્યુયોર્ક શહેરથી શોઝ લઈને ટીમ આવતી રહેતી. હું ખૂબ દેખાવડો અને મજબૂત શરીર ધરાવતો હેન્ડસમ મેન હતો, હમણાં પણ તમે મારૂં શરીર જોઈ શકો છો કેવું કસાયેલું છે. એક દિવસ હું મારી હૉટેલની બાજૂમાં આવેલા આ ઓપેરા હાઉસમાં શો જોવા માટે ગયો હતો અને બાલ્કનીની ખુરશી પર બેઠો હતો. મેં જોયું કે બ્લોન્ડેડ હેર અને નીલી આંખોવાળી એક સુંદર ગોરી ચામડીવાળી છોકરી મને મળવા આવી. અમારી વચ્ચે મિત્રતા થઈ ગઈ તે તેની કંપની સાથે અમારી જ હૉટેલમાં રોકાઈ હતી. તેણે મને કહ્યું કે તમે શો પૂરો થાય ત્યાં સુધી રોકાશો પ્લીઝ, હું તે લેડીના કહેવાથી ત્યાં રોકાઈ ગયોબહાર આવ્યો ત્યારે અમે બંને સાથે હૉટેલ સુધી આવ્યા, તેની બેગ મેં ઉંચકી લેવાની ફોર્માલિટી કરી અને તેની બેગ લઈ લીધી. હૉટેલમાં આવી હું તેમને તેમના રૂમ સુધી દોરી ગયો અને બેગ તેમના રૂમમાં મૂકી મેં અદબભેર કહ્યું તમે ખૂબ સુંદર છો મિસ. તે હસી અને તેણે એક કાગળ પર લખ્યું, 'કેટી હૌકિન્સ' અને તે કાગળ મને આપ્યું. મેં તે કાગળ કાળજીથી મારા પોકેટમાં સરકાવી દીધું અને અમે ત્યારબાદ થોડા સમયસુધી વાતો કરતા રહ્યા.
બીજે દિવસે જ્યારે તેમની ટીમ શો કરવા ગઈ ત્યારે તે લેડીની રાહ જોઈ હું હૉટેલની બહાર  ઊભો રહ્યો. તે દિવસે મેં તેને મારા રૂમમાં આવવાનું આમંત્રણ આપ્યું અને મારૂં સૌથી પ્રિય પીણું કોગ્નેક ઓફર કર્યું. અમે ખૂબ વાતો કરી, મને ખબર પણ નહોતી પડી પણ હું તેના પ્રેમમાં પડી ચૂક્યો હતો, અને તમને ખબર છે કેટી પણ મને ચાહવા માંડી હતી. એબ્રાહમ બે ઘડી માતે અટકે છે અને કોગ્નેકનો ફરી એક ઘૂંટ ભરે છે...
વાત અધુરી છે, એબ્રાહમ કોણ છે જે પોતાને ૧૨૫થી વધુ ઉંમરનો ગણાવે છે ? કેટી હૌકિન્સનું પછી શું થયું ? એબ્રાહમ અને ઓપેરા હાઉસ થિયેટરની પેલી ખુરશીને શું લેવા-દેવા છે ? બેલમોન્ટ હોટેલમાં ખરેખર શું છે ? પ્રશ્નો અનેક છે અને વાત રસપ્રદ. એક વાસ્તવિક ભૂતિયા સ્થળની સાથે સંકળાયેલી હકિકત પરથી પડદો ઉઠાવતી  કહાની આવતા સપ્તાહે પૂરી કરીએ. 



Comments (0)