પ્રિમિયરમાં બધાની બોલતી બંધ થઈ જાય, બધા સિતારાઓ ફિલ્મ જોયા બાદ ડિરેક્ટરને એક પણ શબ્દ કહ્યા વગર શૉ માંથી ચાલી જાય, બે પ્રોડ્ક્શન હાઉસ એક સાથે બે ભાષામાં એક જ ફિલ્મ બનાવવા માટે મહેનત કરતા હોય, કેટલાંક મત ભેદોને કારણે બે માંથી એકે પ્રોજેક્ટ પડતો મૂકવો પડે અને બધા પછી ફિલ્મ રિલિઝ થતાંની સાથે પિટાઈ જાય. કારણ ? ઓડિયન્સને ફિલ્મનો ક્લાયમેક્સ સમજાય નહીં. પાછળથી લોકોને ક્લાયમેક્સ સમજમાં આવે અને ફિલ્મ ચાલી પડે, માત્ર ચાલી પડે પણ હિટ થાય અને હિરો અને હીરોઈનના ફિલ્મી કરિઅરમાં એક માઈલ સ્ટોન મુવી બની જાય. બધું બન્યું બ્લેક એન્ડ વ્હાઈટ સિનેમાના સુપર સ્ટાર એવા દેવ આનંદની પહેલી રંગીન ફિલ્મ સાથે. અને તે ફિલ્મ એટલે 'ગાઈડ.'
૧૯૬૫માં રિલીઝ થયેલી ગાઈડ અનેક સારા નરસા દિવસો પસાર કર્યાબાદ બની હતી, એક ડિરેક્ટરે ફિલ્મ શરૂ કરી અને પડતી મૂકવી પડી, ત્યારબાદ બીજા ડિરેક્ટરની એન્ટ્રી થઈ, સિનેમાઘરોની બહાર જ્યારે પોસ્ટર લાગ્યા ત્યારે શરૂઆતના નબળા પ્રતિસાદને કારણે તે ડિરેક્ટર પણ હતાશ થઈ ગયા. પણ ગાઈડ પાછળથી એવી ચાલી કે સુપર હિટ પુરવાર થઈ. બ્લેક એન્ડ વ્હાઈટ સિનેમાના જમાનામાં અનેક સુપર હિટ ફિલ્મો આપી ચૂકેલા અને લોકોના દિલમાં વસી ચૂકેલા સ્ટાર દેવ આનંદ ૧૯૬૨માં બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં ગયા હતા. તેઓ બર્લિન ગયા તે પહેલાં અમેરિકન ડિરેક્ટર ટેડ ડેનિયલવસ્કી અને પર્લ બક દ્વારા તેમને એક ફિલ્મની ઓફર આવી હતી. ટેડ અને પર્લ એક ભારતીય લેખકની નોવેલ પરથી ફિલ્મ બનાવવા માંગતા હતા, પણ દેવ આનંદે તેમની ઓફર ઠુકરાવી દીધી. સમયે દેવ સાહેબના દિમાગમાં એક વિચાર ઘર કરી ગયો કે નોવેલ પરથી જો ફિલ્મ બનાવવી હોય તો અમેરિકન ડિરેક્ટર્સ તેમની સાથે કોલોબ્રેશન કરી બનાવે. અને ૧૯૬૨માં બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં ટેડ ફરી દેવ આનંદને મળ્યા. નોવેલ, ફિલ્મ અને કનસેપ્ટ અંગે ફરી વાત થઈ અને દેવ સાહેબે તે પહેલાં આખી નોવેલ એકી બેઠકે વાંચી નાખી હતી. તેમણે પર્લને મળવા બોલાવ્યા, તેમની સાથે વાત કરી અને તરત નોવેલના લેખક આર.કે. નારાયણનને પણ મળવા બોલાવી લીધા. નારાયણન પાસે નોવેલના રાઈટ્સ ખરીદાઈ ગયા. અને નક્કી થયું કે ફિલ્મ ઈન્ડો-અમેરિકન કો-પ્રોડક્શનમાં બનશે અને હિન્દી તથા અંગ્રેજી બંને ભાષામાં એક સાથે બનશે. હિન્દી વર્ઝન અહીંનું પ્રોડક્શન હાઉસ બનાવશે અને અંગ્રેજી વર્ઝન બનાવશે પર્લ અને ટેડ.
પર્લ વહિદાને અંગ્રેજી વર્ઝન માટે ટ્રેઈન પણ કરવા માંડ્યા હતા, પણ થોડાં જ સમયમાં બંને પ્રોડક્શન હાઉસ વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા અને દેવ સાહેબે તતપૂરતો હિન્દી વર્ઝન બનાવવાનો આઈડિયા પડતો મૂકી દીધો. આ સમય દરમિયાન ગાઈડનું હિન્દી વર્ઝન ડિરેક્ટ કરી રહ્યા હતા દેવ આનંદના ભાઈ ચેતન આનંદ. પણ પ્રોજેક્ટ પડતો મૂકાઈ જવાને કારણે ચેતન આનંદ તેમની નવી ફિલ્મ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા અને તે ફિલ્મ હતી 'હકીકત.' પાછળથી ગાઈડના ડિરેક્ટર તરીકે બીજા એક ડિરેક્ટરની એન્ટ્રી થઈ અને તે હતા દેવ સાહેબના જ બીજા ભાઈ વિજય આનંદ. શું તમને ખબર છે ગાઈડ દેવ આનંદની પહેલી રંગીન ફિલ્મ છે ? કદાચ કારણથી દેવ સાહેબ ફિલ્મ માટે ખૂબ એક્સાઈટ હતા.
ફિલ્મ જ્યારે ફ્લોર પર આવી ત્યારે હિરોઈન તરીકે વિજય આનંદની પહેલી પસંદગી હતી વૈજંતીમાલા, જેનું મુખ્ય કારણ એ હતું કે ફિલ્મની હિરોઈન રોઝી એક સુંદર ડાન્સર હોય છે. અને તે સમયે ડાન્સ કે નૃત્યમાં વૈજંતીમાલાથી બહેતર બીજો કોઈ ઓપ્શન નહોતો. પણ વૈજંતીમાલાને હિરોઈન તરીકે લેવામાં નહીં આવ્યા. કારણ ? ઓન સ્ક્રીન સુપર સ્ટાર દેવ આનંદ સામે વૈજંતીમાલા જાડા લાગતા હતા. અને આથી જ એન્ટ્રી થઈ વહિદા રહેમાનની.
જેલમાંથી છૂટેલા ગાઈડ રાજૂ (દેવ આનંદ)ને એક દિવસ માર્કો નામનો આર્કિઓલોજીસ્ટ તેની યુવાન પત્ની રોઝી (વહિદા રહેમાન) સાથે મળે છે જે શહેરની બહાર આવેલી ગૂફાઓ પર રિસર્ચ કરવા માગે છે. એક વૈશ્યાની દિકરી અને ઉત્તમ ડાન્સર રોઝી માર્કોથી ખૂશ નથી અને તે આત્મ હત્યાની કોશિશ કરે છે, પણ બચી જાય છે જેને માર્કો રોઝીનું એક નાટક તરીકે ગણાવે છે. માર્કો સાથેના ઝઘડાને કારણે રોઝી માર્કોને છોડી જાય છે અને રાજૂ તેને સહારો આપે છે, સમજાવે છે કે તેણે પોતાના ડાન્સના પેશનને જીવતા શીખવું જોઈએ. પોતાના ઘરમાં રોઝીને સહારો આપવાના આશયથી લઈ આવેલા રાજૂને એક વૈશ્યાને સહારો આપવા બદલ મા, ભાઈ અને ગામવાળાની થૂ થૂ નો સામનો કરવો પડે છે, છતાં રાજૂ રોઝીને મદદ કરવું ચાલૂ રાખે છે. પોતાનો ધંધો ખોઈ ચૂકેલો રાજૂ રોઝીને તમામ રીતે પ્રોત્સાહન આપે છે અને રોઝી સ્ટાર બની જાય છે. આ તરફ બેકાર થઈ ચૂકેલો રાજૂ દારૂ, જુગાર જેવી લતમાં અટવાવા માંડે છે. બીજી તરફ હવે સ્ટાર બની ચૂકેલી રોઝીને મનાવી લેવા ફરી માર્કો તેની પાસે આવે છે, જે રાજૂને નથી ગમતું પણ તે જ સમયે રોઝી રાજૂએ કરેલી બધી જ મદદ ભૂલી જઈ તેને સંભળાવી દે છે કે, 'રાજૂ એક ઔરત કી કમાઈ પે કબ તક જીઓગે ?' અને અહીં થી રાજૂના જીવનમાં અનેક ઘટનાઓની શરૂઆત થાય છે. ફિલ્મ તેના અંત તરફ પહોંચે ત્યાં સુધીની કહાની એટલી ઘટનાસભર છે કે એક સમયનો ગાઈડ અને જેલમાં સજા ભોગવી ચૂકેલો રાજૂ આખરે સાધુ બની ગયો હોય છે અને દૂકાળનો સામનો કરી રહેલા ગામમાં વરસાદ વરસે તે માટે બાર દિવસના ઉપવાસ રાખવા તૈયાર થઈ જાય છે.
ફિલ્મની કહાની જેટલી રસપ્રદ છે તેટલી જ તેની સાથે જોડાયેલી ઘટનાઓની વાત પણ રસપ્રદ છે. વિજય આનંદે જ્યારે પહેલીવાર ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચી ત્યારે તેમણે ડિરેક્ટ કરવાની ના કહી દીધી હતી, તેમણે કહી દીધું હતું કે આ ફિલ્મથી વિદેશમાં ભારતની ઈમેજને ખરડાશે, આખરે ત્રણ ત્રણવાર દેવ આનંદના સમજાવ્યા પછી તે તૈયાર થયા. ગાઈડના છેલ્લા કેટલાંક સીનનું શૂટીંગ આપણા ગુજરાતના અમદાવાદ નજીકના લીમડી ગામમાં થયું હતું. વ આનંદના ભાઈ ચેતન આનંદ લીમડી ગામના રોયલ ઝાલા ફેમિલીના જનક સિંહજી સાથે દેહરાદૂનની ડૂન હાઈસ્કુલમાં ભણ્યા હતા. હવે ગાઈડના છેલ્લા કેટલાંક સીન્સમાં સાધુ બની ચૂકેલા રાજૂનો ઈનટરવ્યુ કરવા માટે એક ફોરેન જર્નાલિસ્ટ આવે છે. દેવ આનંદને રોલ માટે કોઈ યુવાન સુંદર દેખાવડી છોકરી જોઈતી હતી. તેમણે આખાય યુનિટને તે માટે કામ પર લગાડી દીધું અને કહી દીધું કે મારે પાંચ કલાકમાં કોઈ સુંદર જર્નાલિસ્ટ જોઈએ. દેવ સાહેબના ઓર્ડરને લીધે જર્નાલિસ્ટના રૉલ માટે યુનિટ કોઈ સુંદર ફોરેનર લેડીને શોધી રહ્યા હતા. અમદાવાદના રસ્તાઓ પર ચાલી રહેલી  જર્નાલિસ્ટની શોધ દરમિયાન એક યુનિટ મેમ્બરે એક હેન્ડસમ ફોરેનરને જોયો. તે તરત તેની પાસે દોડી ગયો અને કહી દીધું, 'શું તમારી પત્ની સુંદર દેખાય છે ?' પેલો ફોરેનર તરત ગુસ્સે થઈ ગયો, તે પેલા ને મારવા જતો હતો એટલામાં  તેણે સાચી વાત સમજાવી કે એક ફિલ્મમાં રૉલ માટે તેની પાસે ઓફર છે. આખરે તે દંપતી તૈયાર થયું અને તે લોકોને લીમડી લઈ આવવામાં આવ્યા અને શૂટીંગ શરૂ થયું.
ઘણી બધી સફળ ફિલ્મોની તમે પડદા પાછળની કહાની તપાસો તો મહદઅંશે તેના સંગીત અને ગીતો સાથે સંકળાયેલી કોઈ ઘટનાતો જરૂરથી સાંભળવા મળે જ. ફિલ્મ ગાઈડમાં પણ પિયા તોસે નૈના લાગે રે...ગીત એટલું લાબું હતું કે તેને કંપોઝ કરવું ખરેખર મુશ્કેલ હતું, આખરે વિજય આનંદે સચિન દેવ બર્મનને સૂચવ્યુ કે તમે એક કામ કરો  ગીતનો દરેક અંતરા એક અલગ ગીત હોય તે રીતે કંપોઝ કરો અને વિજય આનંદ તે ગીતનું ફિલ્મમાં શૂટીંગ પણ તે રીતે કરવા માંગતા હતા. આખરે સચિનદા  તેજ પ્રમાણે ગીત કંપોઝ કરીને આપ્યું હતું. સચિનદા ગાઈડનું સંગીત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓ ખૂબ બિમાર થઈ ગયા હતા. તે બિમારી એટલે ગંભીર હતી કે સચિનદાને લાગતું હતું કે તેમની બિમારીને કારણે ફિલ્મનું કામ અટકે છે, ફિલ્મ રોકાઈ પડી છે. તેમણે દેવ આનંદને કહ્યું કે તેઓ કોઈ બીજા કમ્પોઝર પાસે ગીતો કરાવડાવી લે, પણ દેવ સાહેબ જીદ્દ પકડીને બેઠાં હતા કે ગાઈડમાં સંગીત તો તમે  આપશોહું તમે સારા થઈ જાવ ત્યાં સુધી રાહ જોઈશ અને આખરે સચિનદાની તબિયત ઠીક થઈ ગયા બાદ ફરી ગાઈડના ગીતો પર અને સંગીત પર કામ શરૂ થયુંઅને આ લાંબા બ્રેક પછી જે પહેલું ગીત રેકોર્ડ થયું તે હતું, 'ગાતા રહે મેરા દિલ...'
ફિલ્મ બની ગઈ, રિલિઝ માટે રેડી પણ થઈ ગઈ પણ પ્રિમિયર વખતે ફરી એક લોચો પડ્યો. લગભગ આખીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગાઈડનો પ્રિમિયર શૉ જોવા આવી હતી. પણ ફિલ્મ જોઈ લગભગ બધા જ શોક્ડ હતા. ગાઈડની કહાની કોઈને પણ કન્વેન્શનલ નહોતી લાગી આથી ફિલ્મ ખત્મ થઈ ત્યારે એક પણ વ્યક્તિ વિજય આનંદને અભિનંદન પાઠવવા કે મળવા સુધ્ધા નહી ગઈ. વિજય આનંદ આથી હતાશ થઈ ગયા. ફિલ્મ રિલિઝ થઈ અને શરૂઆતમાં જામેલી ભીડ તરત પાંખી થઈ ગઈ. લોકોને ફિલ્મનો ક્લાયમેક્સ સમજાયો  નહીં. શરૂઆતના સપ્તાહનું કલેક્શન પણ નિરાશા જનક રહ્યું. પણ પાછળથી દર્શકોને ક્લાયમેક્સ સમજાયો અને ફિલ્મ ચાલી નીકળી અને સુપર હિટનું લેબલ લાગી ગયું.
આખરી સલામ ; ગાઈડ ફિલ્મના શૂટીંગ બાદ વહિદા રહેમાને દેવ આનંદને કહ્યું હતું કે, 'ફિલ્મમાં જરૂર પડે તો તમે મારા બીજા સીન્સ કાપી નાખજો પણ પ્લીઝ ડાન્સનો એક પણ સીન કાપતા નહીં, ડાન્સએ હિરોઈન રોઝીનું નહીં પણ મારૂં પણ પેશન છે.'






Comments (0)