ક્યારેક તમારે અમેરિકાથી આવેલા કોઈ મહેમાન કે સગાવહાલાંને મળવાનું થયું છે ? અગર હા, તો હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળોને ત્યારે જરા એમની સાથે વાત કાઢજો ને કે ભઈલા ટેક્સાઝની જેફરસન હૉટેલ કઈ બલાનું નામ છે ? કહે છે કે અમેરિકાની મોસ્ટ હૉન્ટેડ હૉટેલ્સની યાદીમાં  બલા મોખરાનું સ્થાન ધરાવે છે, વાત સાચી ખરી કે ? બીજૂં તો શું પણ તમને બે ફાયદા થશે. પેલા ભાઈને એમ થશે તમને કે સાલું તમને અમેરિકા વિશે ઘણી ખબર છે હંઅને બીજૂં તમને એમની પાસેથી  બે વાત નવી જાણવા મળશે.
જી હાં મજાકની આ વાત નથી પણ જેફરસન હૉટેલ અમેરિકાની મોસ્ટ હોન્ટેડ હૉટેલ્સની યાદીમાં સ્થાન ધરાવે છે એટલું નહીં પણ હોન્ટેડ હૉટેલ્સની જે લોકો મુલાકાત લેતા રહે છે તેમના લીસ્ટમાં પણ ટેક્સાઝની હૉટેલ ટોપ ૨૦માં ગણાવવામાં આવે છે. કહે છે કે આ હૉટેલમાં તમારી નજરની સામે કોઈ વસ્તુ એક જગ્યાથી બીજી જગ્યાએ એની જાતે ખસતી હોય છે. હૉટેલના કેટલાંક રૂમમાં ખરેખર ઘણીવાર ટુરિસ્ટો લોક થઈ જતા હોય છે. સિવિલ વૉર પછી સિટી રીકન્સ્ટ્રક્શનના સમયે લોકોને આ હૉટેલ એક હોન્ટેડ પ્લેસ હોવાનું ધ્યાનમાં આવ્યું. કોઈક ગેબી અવાજ સંભળાવો, કોઈના પગલાનો અવાજ આવવો, કોઈ દરવાજો ખટખટાવે છે તેવો ભાસ થવો આ બધા જ બનાવો આ હૉટેલ માટે ખૂબ  સામાન્ય ઘટના છે. 

૧૮૫૧માં બંધાયેલી  જેફરસન હૉટેલ મૂળ એક કોટન વેર હાઉસ હતું. જ્યારે ન્યુ ઓર્લેન્સથી બીગ સાયપ્રેસ રીવરમાં સ્ટીમ બોટ ફરતી હતી. આજે દોઢસો વર્ષથી પણ વધારે સમય આ બિલ્ડીંગને થઈ ગયો હોવા છતાં, જેફરસન હૉટેલનું એ મકાન તેની મૂળ સ્થિતિમાં જ ઊભું છે. તેમા કોઈ સ્ટ્રક્ચરલ ફેરફાર કરવામાં નથી આવ્યો. ઘણાંએ લોકો એવો દાવો કરે છે કે તેમણે અહીં ભૂત જોયા છે અને તે પણ એક નહીં પણ સાત સાત ભૂતો આ હૉટેલમાં રહે છે. ખૂદ જેફરસન હૉટેલની વેબસાઈટમાં જ નોંધવામાં આવ્યુ છે કે અહીં આવેલા મહેમાનોને કેટલીય વાર અચાનક મહેસૂસ થતી ઠંડક, અજીબ તરહના પગલાંનો અવાજ અને કોઈ વિચિત્ર આકૃતિ જોયાનો કે અવાજ સાંભળ્યાનો અહેસાસ થયો છે.

જેફરસન હૉટેલમાં સૌથી વધુ ભૂતિયા રૂમ જેને ગણાવવામાં આવે છે તે છે રૂમ નંબર ૧૯. લોકોની  રૂમ પ્રત્યે ઘણી માન્યતાઓ છેઅનુભવો છે અને તેટલી જ કહાનીઓ પણ છે. કહે છે કે આ રૂમ નંબર ૧૯ના બાથરૂમના બાથ ટબમાં એક યુવાન વેશ્યાનું ખૂન કરી નાખવામાં આવ્યું હતું. બે દિવસ સુધી તે વેશ્યાનું શરીર પોતાનો અંતિમ શ્વાસ લેવા માટે તે બાથ ટબમાં જ કણસતુ રહ્યું અને આખરે તેની મોત થઈ ગઈ. કહે છે કે ખૂન કરી નાખ્યા પછી પણ તેના શરીરની અમ્તિમ વિધી નહોતી કરવામાં આવી પણ તો પછી તેના શરીરનું શું થયું તેને ક્યાં ગાયબ કરી નાખવામાં આવ્યું તેની કોઈ ચોક્ક્સ માહિતી નથી. અને તે વેશ્યાનો આત્મા આજે પણ તે જ રૂમમાં આમથી તેમ રખડ્યા કરે છે. લોકોને અહીં રાતના સમયે બિહામણા અવાજ સંભળાય છે. ભર ઊંઘમાં સૂતેલા કોઈ મહેમાન ઘણીવાર અચાનક ઊંઘમાંથી જાગી જઈ બાથરૂમના બારણે દોડી જાય છે. કહે છે કે કોઈ કારમી ચીસ પાડી રહ્યું છે તે મરી જશે, તેને બચાવો, તેને બચાવો. ત્યાં કામ કરતી એક સ્ત્રી કહે છે કે તેણે રૂમ નંબર ૧૯માં ઘણીવાર અવાજો સાંભળ્યા હતા જ્યારે કે તે રૂમ તદ્દન ખાલી હતો.
વર્ષ ૨૦૦૪માં એક સ્ત્રીએ માહિતી આપી હતી કે તેમણે જેફરસન હૉટેલના રૂમ નંબર ૧૯ વિશે ઘણું સાંભળ્યુ હતુ અને તેથી તે એક દિવસ તેના પતિ સાથે ત્યાં રોકાવા ગઈ હતી. પણ તે સ્ત્રી જ્યારે બાથરૂમના બાથ ટબમાં નહાવા માટે ગઈ ત્યારે અચાનક બાથરૂમમાં લગાવેલા આયના પર ગરમ હવા લાગવાથી જે ઝાંય બાઝી જાય તેવી ઝાંય બાઝવા માંડી અને જાણે તે આયનાની બીજી તરફથી એટલે કે અંદરથી કોઈ લખી રહ્યું હતું કે તેને હેલ્પની જરૂર છે.

વળી ૨૦૦૭માં જાના વૈઈસ નામની એક સ્ત્રી નોંધે છે કે તે ૨૦૦૫માં રૂમ નંબર ૧૯માં રોકાવા માટે ગઈ હતી. તે કહે છે કે તે જેટલો સમય ત્યાં રોકાઈ હતી ત્યારે એક કલાક માટે પણ સૂઈ નહોતી શકી કારણ કે તેના બેડની પાછળથી અને ચારે તરફ કોઈ બાળકનો દોડવાનો અવાજ આવ્યા કરતો હતો. ક્યારેક તેની રૂમની ઉપરના રૂમમાં કોઈ બાળક રમતું હોય કે ક્યારેક બરાડા પાડતું હોય તેવો અવાજ આવતો હતો. બીજે દિવસે સવારે તેણે તપાસ કરી તો ત્યાં કોઈ બાળક નહોતું. નવાઈની વાત છે કે વૈઈસે જ્યારે બીજા રૂમમાં રહેતા મહેમાનો સાથે અંગે વાત કરી તો તેમણે કહ્યું કે તેમને પણ પોતાના રૂમની ઉપરના રૂમ માંથી આજ રીતનો અવાજ સંભળાતો હતો. અને તે લોકો પણ શાંતિથી સૂઈ નહોતા શક્યા. બધા મહેમાનોએ જ્યારે હૉટેલના પ્રોપરાઈટરને વાત કરી અને પૂંછ્યુ કે શું ત્રીજા માળે કોઈ બાળક રહે છે ત્યારે પ્રોપરાઈટરે જણાવ્યું કે હૉટેલમાં ત્રીજો માળ છે નહીં.
આ બધામાં સૌથી ચોંકાવનારો એક કિસ્સો રેસા નામની એક યુવતિએ નોંધ્યો છે. તે કહે છે કે, 'રાતની થોડી ઘણી અડચણ સાથેની ઊંઘબાદ હું અને મારો પતિ નહાવાની તૈયારી કરી રહ્યા હતા. અને અમે બાથ તબ ભરાઈ તેની રાહ જોતા હતા એ જ સમયમાં બાથરૂમના આયના પર ગરમ હવાની ઝાંય બાઝવા માંડી.' તે ઉમેરે છે કે, 'મેં અચાનક જોયું કે આયના પણ જાણે કોઈ કશુંક લખી રહ્યું છે. ધીમે રહી અમે ત્યાં જોયું કે કોઈકે શબ્દ 'હેલ્પ' લખ્યો હતો. આ જોઈ મારી આંખો પહોળી થઈ ગઈ મેં ગભરાઈ જઈ મારા હસબન્ડનો હાથ બળપૂર્વક પકડી રાખ્યો. ત્યારબાદ તે હેલ્પની ઉઅપર એક બીજો શબ્દ લખાયો 'જ્યુડી' અને પછી ધીમે ધીમે તે આયનાની જમણી બાજૂ નીચેની તરફ લખાયું 'એડરમ' (EDRUM) અને પછી અચાનક વચ્ચે બચેલી ખાલી જગ્યામાં સ્મોલ 'r' લખાયો જેને ઍદરમ સાથે જોડી દેવામાં આવે તો શબ્દ બનતો હતો 'મર્ડર' અમે ગભરાઈ ગયા. અમે તરત તે ઝાંય આયના પરથી સાફ કરી નાખવાનો પ્રયત્ન કર્યો પણ જેવી અમે તેની સફાઈ કરી કે તે ઝાંય ફરી આયના પર બાઝવા માંડી હતી. અમે બીજે દિવસે તપાસ માતે ત્યાં એક બીજો આયનો લાવી લટકાવી દીધો, માત્ર એ આશયથી કે તે નવા આયના પર પણ તે જ પ્રમાણે થાય છે કે નહીં. પણ નવાઈની વાત છે કે તે આયના પર કંઈ જ નહોતું થયું.
જેફરસન હૉટેલની આવી અનેક વાતો આ હૉટેલને ટેક્સાઝમાં પ્રખ્યાત બનાવી રહી છે અને મહેમાનો કે જે આરામ કરવાના આશયથી કે સુપર નેચરલ અનુભવ કરવાના આશયથી ત્યાં જાય છે તેમને કોઈને કોઈ અવનવા, ક્યારેક બિહામણા તો ક્યારેક શ્વાસ થંભાવી દેનારા અનુભવો થતા રહે છે. તમે ભૂતમાં કે વિશ્વ સિવાયના કોઈ આત્માઓના વિશ્વમાં વિશ્વાસ ધરાવતા હોય કે નહોય પણ આ હૉટેલમાં રહેવા જવાથી, ત્યાં એક કે તેથી વધુ રાત વિતાવવાથી તમને કોઈ ડરામણા અનુભવ થવાના છે તે માનસિક તૈયારી તમારે રાખવી જ પડે.





Comments (0)