પોતાની ફિલ્મી કરિઅર દરમિયાનના લવ અફેર હોય, પતલી કમર અને મરોડદાર શરીર રાખવા માટેના નુસખા દર્શાવતા યોગ હોયબીગ બ્રધર જેવો રિઆલિટી શૉ હોય કે બિગ બોસનું સંચાલન અને આ બધાની સાથે જ પોતાના લગ્ન સમારંભની વાત હોય કે આઈપીએલ ટીમની ખરીદી, તેનું પ્રમોશન કે મેચ ફિક્સીંગ હોય શિલ્પા હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે કદાચ વિવાદો આપો આપ સર્જાય જતા હોય છે. અથવા એમ કહો કે શિલ્પાને વિવાદોથી ઘેરાયેલા રહેવું ગમે છે કે પછી કદાચ શિલ્પાને ભલીભાંતી ખબર છે કે કઈ રીતે એક પછી એક ચોક્ક્સ સમયાંતરે નવા નવા વિવાદો સર્જવા, તેના થકી લાઈમ લાઈટમાં રહેવું અને તેમાંથી શક્ય હોય તો અને શક્ય હોય તેટલી કમાણી પણ કરી લેવી.  

હિટ ફિલ્મોની ફ્લોપ હિરોઈને જો પોતાની હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય અને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દેવા છતાં લાઈમ લાઈટમાં રહેવું હોય તો શિલ્પા પાસે તેનો રામબાણ ઈલાજ છે. અને તે કે કોઈ મોટા હાઈ પ્રોફાઈલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટને વખત આવ્યે પરણી જવુ. ૮મી જૂન ૧૯૭૫ના દિવસે જન્મેલી શિલ્પાના મા-બાપ સુનંદા શેટ્ટી અને સુરેન્દ્ર શેટ્ટી મૂળ મેંગ્લોરના વતની છે પણ વર્ષો પહેલા સુરેન્દ્ર શેટ્ટીની ટેમ્પર પ્રુફ ફાર્માશ્યુટીકલ કેપ બનાવતી ફેકટરીના કારોબારને કારણે તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા. માટૂંગાની પોદાર કોલેજમાં ભણેલી શિલ્પા ભણતરની સાથે જ ભારત નાટ્યમ્ પણ શીખી છે. એટલું નહીં શિલ્પા નાની હતી ત્યારથી  તેને સ્પોર્ટસમાં પણ રસ હતો. તે સ્કુલમાં હતી ત્યારે સ્કુલની વોલિબોલ ટીમની કેપ્ટન રહી ચૂકી છે અને કરાટેમાં પણ તેણે બ્લેક બેલ્ટ મેળવ્યો છે. 
સોળ વર્ષની ઉંમરે શિલ્પાએ પોતાના કરિઅરની શરૂઆત એક મોડૅલ તરીકે કરી હતી અને ૧૯૯૧માં તેણે પહેલીવાર લિમ્કાની ઍડમાં કામ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૯૩માં તેણે ફિલ્મ બાઝિગરથી પોતાની ફિલ્મી કરિઅર આરંભી અને તેની પહેલી ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઈ અને બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટીંગ રૉલની કેટેગરીમાં તે નોમિનેટ પણ થઈ. પણ પહેલી જ ફિલ્મથી શિલ્પાના નામની પાછળ વિવાદ કે કોન્ટ્રાવર્સીનું પણ લેબલ લાગી ગયુ. તેની પહેલી ફિલ્મ બાઝિગરથી જ કહેવાવા માંડ્યુ હતુ કે શિલ્પા પોતાનો રૉલ ફિલ્મમાં વધારવા માટે પ્રોડ્યુસરને અલગ અલગ રીતે દબાણ લાવવાનો પ્રયત્ન કરતી હતી તો કોઈકે કહ્યુ કે શાહરૂખ ખાન દ્વાર તે ફિલ્મના નિર્માતાઓ પર પોતાનો દબદબો બનાવવા પ્રયત્ન કરતી હતી. ત્યારબાદ શિલ્પાને હિરોઈન તરીકે પહેલી ફિલ્મ ઓફર થઈ ૧૯૯૪માં. જે ફિલ્મ હતી આગ. અને આ જ વર્ષમાં તેની અક્ષય કુમાર સાથે બીજી ફિલ્મ આવી મેં ખિલાડી તુ અનાડી. અહીં ફરી શિલ્પાજી એક વિવાદની આગમાં સપડાય છે. ફિલ્મના હીરો અક્ષય કુમાર સાથે તેનો પ્રેમ સબંધ હોવાની વાતો પુરજોશમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાવા માંડી. વાત સાંભળી અક્ષયની તે સમયની પ્રેમિકા રવીના ટંડન સાથે પણ તેની ચળભળ થઈ ગયેલી. રવિના અને શિલ્પા વચ્ચે અક્ષયને લઈને ચાલેલી કોલ્ડ વૉર તે સમયે આખીય ઈન્ડસ્ટ્રીમાં હોટ ટોપીક હતો. શિલ્પાને ત્યારબાદ પણ ફિલ્મો તો મળતી હતી પણ તેમાંની મોટા ભાગની ફિલ્મ્સ બોક્સ ઓફિસ ચાલી નહીં. શિલ્પાના હાથમાં ફિલ્મોનું લાંબુ લચક લીસ્ટ હોવા છતા તેની ફિલ્મી કરિઅર ઝોલા ખાતી હતી. આઓ પ્યાર કરે, હથકડી, ઔઝાર, પરદેશી બાબુ, રિશ્તે વગેરે અનેક લીસ્ટ હજીય લાંબુ છે.

આ બધાની સાથે તેની એકલ દોકલ ફિલ્મો સારૂં પ્રદર્શન પણ કરતી ગઈ જેમાં સૌથી મોખરે ફિલ્મ ધડકન ગણાવી શકાય. કદાચ શિલ્પાને ખબર પડી ગઈ હતી કે હિન્દી ફિલ્મોમાં તે લાંબુ ટકી શકે તેમ નથી આથી તેણે સાઉથની ફિલ્મોમાં પણ એક ચાન્સ લઈ લેવાનો વિચાર કર્યો હતો અને ૧૯૯૬માં મિ. રોમિયો દ્વારા તેણે તમિલ ફિલ્મમાં પણ કામ કર્યુ. એટલું નહીં તેણે ૧૯૯૭માં તેલુગુ ફિલ્મમાં પણ નસીબ અજમાવી જોયુ. વર્ષ શિલ્પા માટે એટલું વ્યસ્ત વર્ષ હતું કે શિલ્પા તે એક જ વર્ષમાં ફિલ્મોમાં દેખાય હતી. શિલ્પાનો અભિનય સૌથી વધુ ત્રણ ફિલ્મોમાં વખણાયો અને તે હતી ધડકન, ફિર મિલેંગે જેમાં તેણે એક એચઆઈવી પોઝિટીવ પેશન્ટનો રૉલ કર્યો હતો અને લાઈફ ઈન મેટ્રો.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયની ખાસ કોઈ છાપ નહીં છોડી શકેલી હિટ ફિલ્મોની ફ્લોપ હિરોઈન શિલ્પાને જબરદસ્ત લાઈમ લાઈટ મળી યુ.કે.ના સેલિબ્રીટી શૉ બિગ બ્રધરથી. શિલ્પા બિગ બ્રધરની પાંચમી સિરીઝમાં ભાગ લેવા યુ.કે ગઈ અને અહીં તેની યુ.કે કરતા પણ વધુ ચર્ચાઓ ચાલી નીકળી. કહે છે કે શિલ્પાને આ શૉમાં પાર્ટીસિપેટ કરવા માટે ત્રણ લાખ સડસઠ હજાર પાચસો પાઉન્ડ મળ્યા હતા. અને બિગ બ્રધરને કારણે જ તેને પ્રધાન મંત્રી ટોની બ્લેયરને પણ મળવાનું થયું અને ક્વીન એલિઝાબેથ દ્વીતીય તરફથી પણ તેને આમંત્રણ મળ્યુ. જે ને કારણે શિલ્પા માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એક સેલિબ્રીટી તરીકે પ્રખ્યાત થઈ ગઈ.
યુ.કેનો  શૉ બિગ બ્રધર શિલ્પાને એટલો ફળ્યો કે તેમાં ભાગ લીધા બાદ શિલ્પાને સ્કાયવન ડોક્યુમેન્ટરી માટે એક સબ્જેક્ટ તરીકે પસંદ કરવામાં આવી અને બ્રિટીશ ટેલિવિઝન પ્રોડક્શન કંપની ટુ ફોર દ્વારા તેના પર 'ધ રિઅલ શિલ્પા શેટ્ટી' નામથી એક ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી. એટલું નહી તેને શૉ બાદ ઢગલાબંધ કમર્શિયલ ઍડ પણ મળવા માંડી. એક પછી એક ઍડ કરી શિલ્પાએ ફિલ્મો નહીં તો એડવર્ટાઈઝમેન્ટમાંથી કમાણી કરવા માંડી. અહીં ફરી વિવાદ શિલ્પાનો પીછો છોડે તેમ નહોતો. લોકો કહેવા માંડ્યા કે શિલ્પાએ શૉ જીતવા માટે જાણી જોઈને પોતાને એક્યુઝ બનાવી હતી જેથી તે લોકોની સહાનુભૂતિ મેળવી શકેઅને લોકો કહેવા માંડ્યા કે આ શૉમાં પાર્ટીસિપેટ કરી શિલ્પાએ દેશની ઈજ્જત ખરાબ કરી છે. પૈસા કમાવવા માટે શિલ્પાએ આ બધા ગતકડાં કર્યા હોવાની પણ ખૂબ ચર્ચા થઈ હતી.
કોન્ટ્રાવર્શિયલ સેલિબ્રીટી શિલ્પા શેટ્ટીની બીજી કેટલીક વાતો આવતા સપ્તાહે.

Comments (0)