એક એવો સફળ પ્રોડ્યુસર-ડાયરેક્ટર કે જેમણે પોતાની કરિઅરની શરૂઆતમાં તેમના જીવનની સૌથી મોટી નિરાશાનો સામનો કરવા પડ્યો. જી હા આપણે વાત કરી રહ્યા છે બોકસ ઓફિસ હિટ 'લવ ઈન ટોક્યો'ના ડાયરેક્ટર પ્રમોદ ચક્રવર્તીની. પ્રમોદ સાહેબનો જન્મ ૧૫મી ઓગસ્ટ ૧૯૨૯ના દિવસે થયો. અને ૭૫ વર્ષની ઉંમરે ૧૨મી ડિસેમ્બર ૨૦૦૪ના રોજ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. પરંતુ ૧૯૬૪થી ૧૯૮૪, આ વીસ વર્ષનો સમયગાળો પ્રમોદ સાહેબનો ગોલ્ડન પિરીઅડ હતો અથવા તેમની કરિઅરનો સૂર્ય મઘ્યાહને હતો એમ કહી શકાય. ઝીદ્દી ફિલ્મથી એક સફળ પ્રોડ્યુસર-ડાયરેક્ટર તરીકે નામ બનાવવા માંડેલા પ્રમોદ ચક્રવર્તીએ ત્યારબાદ તેમના કરિઅરના આ વીસ વર્ષ દરમિયાન લવ ઈન ટોક્યો, તુમસે અચ્છા કૌન હૈ, જુગ્નુ, ડ્રિમ ગર્લ, આઝાદ, નાસ્તિક, જાગીર જેવી અનેક ફિલ્મો બનાવી. લગભગ બધીજ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી અને હિટ ફિલ્મોની યાદીમાં પોતાનું નામ લખાવી લીધુ છે. પરંતુ એક પછી એક ફિલ્મોને સફળતા તરફ લઈ જનારા આ ડાયરેક્ટરના કરિઅરની શરૂઆત ખૂબ જ ઉબડ ખાબડ રસ્તા પરથી થઈ હતી. કરિઅરની શરૂઆતમાં જ એક તબક્કો એવો આવી ગયેલો કે જ્યારે પ્રેમોદ સાહેબ હિંમત હારી ગયેલા. નિરાશાઓથી ઘેરાય ગયેલા. તેમના જીવનમાં આ એક તબક્કો આવ્યો હતો જ્યારે તેમને કોઈ કામ આપવા પણ તૈયાર નહોતું, એટલું  નહીં જે કામ ચાલૂ હતું તે પણ તેમના હાથમાંથી આંચકી લેવામાં આવ્યુ.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ લાંબી સ્ટ્રગલ કર્યા બાદ પ્રમોદ ચક્રવર્તીને ફિલ્મ મિલાપ અને સીઆઈડીમાં ડાયરેક્ટર રાજ ખોસલા સાહેબને આસિસ્ટ કરવાનો ચાન્સ મળ્યો. આ બે ફિલ્મો બાદ પણ પ્રમોદ રાજ ખોસલા સાહેબને ત્રણ વર્ષ સુધી આસિસ્ટ કરતા હતા. આ જ સમય દરમિયાન મહાન અભિનેતા ગુરૂદત્ત સાહેબની સાળી સાથે લગ્ન કરી લીધા. પ્રમોદ ચક્રવર્તીને કદાચ લાગતું હતુ કે એક હિટ ફિલ્મ બનાવવા માટે રાજ ખોસલા જેવા ડાયરેક્ટરના હાથ નીચે લીધેલી ત્રણ વર્ષની ટ્રેનિંગ પૂરતી થઈ પડશે. રાજ ખોસલા સાથે કામ કરતા કરતા જ તેમને ૧૯૫૮માં જીપ્પી-સિપ્પી બેનર હેઠળ એક ફિલ્મ ડાયરેક્ટ કરવાનો મોકો મળ્યો. ફિલ્મનું નામ હતુ '૧૨ O' ક્લોક'. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ તે સમયની હોટ ફેવરિટ જોડી ગુરૂદત્ત અને વહિદા રહેમાનની રાખવામાં આવી હતી. ગુરૂદત્ત જેવા કલાકારને હિરો તરીકે લઈ બનાવવામાં આવેલી એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ૧૨ O' ક્લોક માટે ફિલ્મના પ્રોડ્યુસરને જીપ્પી-સિપ્પીને ખૂબ આશા હતી. આ તરફ પ્રમોદ સાહેબની પણ એક સ્વતંત્ર ડિરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ હતી આથી તેમને પણ આ ફિલ્મના રિલીઝ પછી પોતાની સારી કરિઅર બનવાની આશા હતી. પણ બદકિસ્મતીથી પ્રમોદ ચક્રવર્તીની આ પહેલી ફિલ્મ ચાલી નહીં, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પિટાઈ ગઈ. પણ સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી તે જ રીતે પ્રમોદ પણ મહેનત કરતા રહ્યા. ગુરૂદત્ત સાહેબ, રાજ ખોસલા જેવા ડાયરેક્ટર પાસે શીખવાનું કામ તેમણે ચાલૂ રાખ્યુ. અને આખરે ૧૨ O' ક્લોક રિલીઝ થઈ અને ફ્લોપ થઈ તેના ત્રણ વર્ષ બાદ પ્રમોદજીને ફરી મોકો મળ્યો. પ્રમોદ સાહેબે બીજી ફિલ્મ ડિરેક્ટ કરી પાસપોર્ટ. પાસપોર્ટની પણ સ્ટાર કાસ્ટ મોટા કલાકારો સાથેની હતી. પ્રદીપ કુમાર, મધુબાલા, નાસિર હુસૈન અને કે.એન.સિંગ. પ્રમોદજીના કામમાં ખબર નહીં શું કસર રહી જતી હતી પણ પાસપોર્ટ પણ ફ્લોપ થઈ ગઈ. પહેલી ફિલ્મમાં ગુરૂદત્ત બીજી ફિલ્મમાં મધુબાલા આ બંને કલાકાર એવા હતા કે તે સમયે આ બંને કલાકારના માત્ર નામથી ફિલ્મ હિટ થઈ જતી હતી પણ ૧૨ O' ક્લોક અને પાસપોર્ટ બંને પિટાઈ ગઈ. આ પછી ફરી એક તક પ્રમોદની રાહ જોઈને બેઠી હતી. પ્રમોદ ફરી એક ત્રીજી ફિલ્મ ડિરેક્ટ કરવા જઈ રહ્યા હતા. ફિલ્મનું નામ હતું 'ગંગૂ દાદા'. શેખ મુખ્તારને હિરો તરીકે ચમકાવતી ફિલ્મ 'ગંગૂ દાદા' પ્રમોદ ચક્રવર્તીની એક ડિઝાસ્ટર ફિલ્મ હતી એમ ગણાવવામાં કોઈ અતિશયોક્તિ નથી.  ફિલ્મથી પ્રમોદની રહી સહી ઈજ્જત પણ ડહોળાઈ જવાની હતી. પ્રમોદને સમય દરમિયાન લોકો એક ડિઝાસ્ટર ડાયરેક્ટર કહેવા માંડ્યા હતા. એક પછી એક લગાતાર ત્રણ ફિલ્મો ખરાબ રીતે પિટાઈ જવાને કારણે પરિણામ એ આવ્યું કે પ્રમોદ ત્યારબાદ જે બે ફિલ્મોના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા તે પણ તેમના હાથમાંથી છીનવાઈ ગઈ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રમોદ ચક્રવર્તી માટે કહેવાવા માંડ્યુ કે પ્રમોદને ફિલ્મ ડિરેક્ટ કરતા જ નથી આવડતુ.

પ્રમોદ માટે લગાતાર ત્રણ ફિલ્મો ફ્લોપ અને ત્યાર બાદ બે ફિલ્મો હાથમાંથી છીનવાઈ જવી તે એક ખૂબ મોટો ઝટકો હતો. માનસિક રીતે પ્રમોદ ભાંગી પડ્યા હતા. તેમનો આત્મ વિશ્વાસ તૂટી પડ્યો હતો. પ્રમોદને સમજાતુ નહોતું કે આ કઈ રીતે બન્યુ. આખરે લાંબા મનોમંથન બાદ પ્રમોદ ચક્રવર્તીએ નક્કી કર્યુ કે હવે તેઓ પોતે ડિરેક્ટ કરેલી ફિલ્મ જાતે જ પ્રોડ્યુસ પણ કરશે. પ્રમોદ જાણીતા સ્ટોરી રાઈટર સચીન ભૌમિકને મળ્યા અને કહ્યું, 'મૈં ને યે પિછલે પાંચ સાલ મેં બહોત કૂછ ખોયા હૈ, ઔર અબ જો કૂછ ભી બાકી હૈ, મૈં વો ભી લગાને કે લિયે તૈયાર હું. મેં યહાંઈસ શહર મેં ખાલી હાથ આયા થા ઔર વૈસે હિ વાપસ ભી લૌટ જાઉંગા, મગર જાને સે પહેલે એક ઔર ફિલ્મ બનાના ચાહતા હું, ચાહે ઉસકે લિયે મુઝે ખૂદ કો હી બેચના ક્યોં નહીં પડે.' સચીને પ્રમોદને સાથ આપવાનું વચન આપ્યુ અને બંને એ એક પ્રોજેક્ટ પર કામ કરવું શરૂ કર્યુ. આ વાત છે સાલ ૧૯૬૪ની, પ્રમોદ અને સચીન ભૌમિકે તેમની એ ફિલ્મમાં જોય મુખર્જીને હિરો તરીકે લેવાનું નક્કી કર્યુ. જોય મુખર્જી તે જ સમયમાં એક મુસાફીર એક હસીના અને ફિર વોહી દિલ લાયા હું જેવી હિટ ફિલ્મ આપી ચૂક્યા હતા. પ્રમોદજીએ જોય મુખર્જીના પિતાને જ્યારે રૉલ માટે એપ્રોચ કર્યો અને જણાવ્યુ કે તેઓ જોયને હિરો તરીકે લેવા માગે છે ત્યારે જોયના પિતાએ બે શર્તો મૂકી. પહેલી શર્ત, ફિલ્મની સ્ટોરી જબરદસ્ત હોવી જોઈએ અને જોયની સામે હીરોઈન તરીકે સાધના અથવા આશા પારેખને લેવામાં આવે. અને બીજી તેમનો દિકરા જોયનો  ફિલ્મમાં લૂક એન્ડ ગેટ અપ માર્લન બ્રાન્ડો જેવો હોવો જોઈએ. પહેલી નજરે તેમની આ બંને શર્ત અશક્ય જણાતી હતી પણ છતાં પ્રમોદજીએ તે શર્ત સ્વીકારી લીધી.

હવે સમય હતો બે હિરોઈન માંથી કોઈ એકને પહેલો એપ્રોચ કરવાનો. સચીન ભૌમિક ઓફર લઈને પહોંચી ગયા સાધના પાસે. સાધનાએ પહેલા પ્રપોઝલ સાંભળી અને પછી ચોખ્ખુ સંભળાવી દીધું કે તે ગંગૂ દાદા જેવી ફ્લોપ ફિલ્મ ડિરેક્ટ કરવાવાળા ડાયરેક્ટરની ફિલ્મમાં કામ નહીં કરે. હવે આ જ ઓફર લઈ આશા પારેખ પાસે જવાનું હતુ. અને અહીં જો આશા પણ ફિલ્મ કરવા ના કહી દે તો ફિલ્મ શરૂ થતા પહેલાં ડબ્બામાં ચાલી જાય તેમ હતું, કારણ કે આ બંને હિરોઈનની ના આવે તો જોય મુખર્જી પણ કામ નહીં કરે. સચિન ભૌમિકે પ્રમોદને કહ્યું કે તેમણે આશા પારેખની ફિલ્મ છાયા લખી હતી આથી આશા તેમની વાત સાંભળશે. બંને પહોંચી ગયા આશા પાસે. આશાએ પણ કહી દીધું, 'મૈંને ચાર સાલ તક કઈ બી ગ્રેડ કી ફિલ્મો મેં સાઈડ રૉલ કિયે હૈ, તબ કહીં જા કે અબ મુઝે બડે બેનર કી ફિલ્મેં મિલના શુરૂ હુઈ હૈં. અબ ઐસે મેં મૈં યે ફિલ્મ કરને કા ખતરા નહીં ઉઠા સકતી.' સચિનદા એ વિનંતી કરી કે આશા કમ સે કમ એકવાર ફિલ્મની કહાની સાંભળી લે. પણ આશા ત્યાંથી ચાલી ગઈ. બંને  એક આખરી પ્રયત્ન રૂપે આશાની મા ને વિનંતી કરી. આશાની મા માત્ર એટલો ભરોષો આપ્યો કે તેઓ આશાને એક વખત સ્ટોરી સાંભળવા માટે મનાવી લેશે, પરંતુ ત્યારબાદ જો આશાને સ્ટોરી પસંદ નહીં પડી તો તે પણ કોઈ મદદ નહીં કરી શકે. આખરે બીજે દિવસે લંચના સમયે પ્રકાશ સ્ટુડિયોમાં મળવાનું નક્કી થયું. આશાએ બીજે દિવસે સ્ટોરી સાંભળી તેને સ્ટોરી પસંદ પડી પણ પ્રમોદજીની મુશ્કેલી એટલી આસાનીથી ખત્મ થઈ જાય તેમ નહોતું. આશાએ પણ આ ફિલ્મ કરવા માટે એક શર્ત મૂકી, કે તે આ ફિલ્મ કરવાના બે ગણા પૈસા લેશે. તે સમયે આશા પારેખને એક ફિલ્મ કરવાના પંચોત્તેર હજાર રૂપિયા મળતા હતા. મતલબ કે પ્રમોદ ચક્રવર્તીને ફિલ્મ કરવા માટે તે એક લાખ પચાસ હજાર લેશે. કારણ કે આશાનું માનવું હતું કે, કદાચ ફિલ્મ કર્યા પછી તેનું કરિઅર અહીં  પૂર્ણ થઈ જાય. વાત હવે પ્રમોદના હાથથી સરકી રહી હતી. તેઓ ફરી આશાની મા ને મળ્યા અને પોતાની પરિસ્થિતિ સમજાવી. તેમણે આશા પારેખની માને કહ્યુ કે તેઓ હાલ વધુમાં વધુ આશા પારેખને એક લાખ રૂપિયા ચૂકવી શકે તેમ છે. ત્યારબાદ ફિલ્મ બની અને ચાલી તો બાકીના પચાસ હજાર તેઓ ચૂકવી દેશે. અનેક વિનવણીઓ બાદ આશા પારેખ એક લાખ રૂપિયામાં પ્રમોદ ચક્રવર્તીની ફિલ્મ કરવા રાજી થઈ.
આખરે પ્રમોદ ચક્રવર્તીની એ ફિલ્મ બની, રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર ટંકશાળ વરસાવી દીધી. ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ. એટલું  નહીં પ્રમોદની એ ફિલ્મએ એટલો તગડો બિઝનેસ કર્યો કે ૧૯૬૪માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં તે ચોથા સ્થાન પર રહી. લગાતાર ત્રણ ફ્લોપ ફિલ્મો અને બે ફિલ્મમાંથી ડિરેક્ટર તરીકે કાઢી મૂકાયા બાદ પ્રમોદ ચક્રવર્તીએ જોય મુખર્જી અને આશા પારેખને લઈને એક ફિલ્મ બનાવી અને તે સુપર ડુપર હિટ સાબિત થઈ. આ ફિલ્મ એટલે ૧૯૬૪ની બ્લોક બસ્ટર 'ઝિદ્દી'. અને ઝિદ્દી રિલીઝ થયા બાદ પ્રમોદ ચક્રવર્તીને પાછા વળી જોવાની જરૂર નહોતી પડી. ત્યારબાદ એક પછી એક તેમની હિટ ફિલ્મો આવતી ગઈ. અને પ્રમોદ ચક્રવર્તીનું નામ એક સફળ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકે લેવાવા માંડ્યુ.


આખરી સલામ ; હાલના સુપર સ્ટાર અક્ષય કુમારને તેમની કરિઅરને સૌ પ્રથમ ફિલ્મ આપનારા કે સાઈન કરનારા પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા પ્રમોદ ચક્રવર્તી. અને તે ફિલ્મ એટલે દીદાર. જો કે અક્ષયની ફિલ્મ સોગન્ધ તે પહેલા રિલીઝ થઈ હતી પણ અક્ષયે સોગન્ધ પહેલા સાઈન કરી હતી દીદાર.




Comments (0)