કિરણ એક એવી કલાકાર છે જે કોમેડી અને ટ્રેજડી બંને રૉલ બખુબી નિભાવી શકે છે. કિરણ મૂળ થિયેટરની માણસ છે, તેણે અનુપમ ખેર સાથે વર્ષો પહેલા ઘણાં નાટકો
કર્યા છે. મુંબઈનું પૃથ્વી થિયેટર કિરણને ખૂબ પ્રિય છે. પૃથ્વીમાં શૉઝ કરવા કિરણને આજે પણ ખૂબ ગમે છે. પણ તેના જ્યારે અનુપમ
સાથે લગ્ન થયા અને ત્યારબાદ દીકરાનો જન્મ થયો ત્યાર પછી કિરણે અભિનય માંથી બ્રેક લઈ લીધો પરંતુ આ સમય દરમિયાન પણ કિરણની
અંદરનો કલાકાર તેને ઝંપવા નહોતો દેતો. તેણે નાટકો કરવાનું બંધ કરી દીધું ત્યારબાદ
પણ તે અવાર નવાર નાટકો જોવા તો જતી હતી ખરી જ પણ જ્યારે પણ તે નાટક જોવા થિયેટર્સમાં જતી ત્યારે તેને પોતાની જાત માટે અફસોસ થતો. 'શા માટે એ નાટકો નથી કરી રહી ? એ પ્રશ્ન તેને સતત સતાવતો
રહેતો. અને એક દિવસ આવ્યો જ્યારે શબાના આઝમીએ ફિરોઝ અબ્બાઝ ખાનને કહ્યું કે કિરણ શું કામ થિયેટર નથી કરી રહી ? તેના માટે થિયેટર એ એક કેટલો સારો સ્કોપ
છે. અને ફિરોઝે અનુપમ સાથે વાત કરી. અનુપમ પણ તે વાત સ્વીકરતા હતા, આથી
તેમણે કિરણ સાથે વાત કરી અને બંને ફરી એક જ સ્ટેજ પર દેખાયા, અને તે
નાટક હતુ 'સાલગિરહ.' કિરણ
અને અનુપમ લગ્ન પહેલાં પણ ખૂબ સારા મિત્રો હતા, તેમની કેમેસ્ટ્રી ખૂબ
લોકપ્રિય હતી. જ્યારે કિરણ અને અનુપમ સાથે પૃથ્વી થિયેટરમાં નાટક કરતા ત્યારે લોકો
માત્ર તે બંનેને જોવા ખાતર જ થિયેટર્સમાં આવતા એવું બનતું હતું. પણ એક સમય એવો આવી
ગયો કે કિરણના ખૂદના પરીવારમાં જ બધા તેને કહેવા માંડ્યા કે અનુપમ તેના કરતા બહેતર
કલાકાર છે અને કિરણે આ વાત સકારાત્મક રીતે લઈ નક્કી કરી લીધું કે એક દિવસ તે સુંદર
અભિનય દ્વારા પોતાની કાબેલિયત સાબિત કરી દેખાડશે. કિરણ આજે પણ હસી પડતા કહે છે કે
સાલગિરહ નાટક કરતી વખતે પણ તેના મનમાં સતત એ જ ખયાલ ચાલ્યા કરતો હતો કે તેણે અનુપમ
કરતા બહેતર અભિનય કરી દેખાડવાનો છે.
સાલગિરહ નાટકની વાત નીકળી ત્યારે કિરણના નાટકના એ દિવસો યાદ આવે છે. કિરણનું સ્કુલીંગ ખતમ થયું
ત્યારબાદ તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડિયન થિયેટરમાં
ગ્રેજ્યુએશન કર્યુ. અને કિરણના ગૌતમ બેરી નામના મુંબઈ સ્થિત બિઝનેસ મેન સાથે
લગ્ન થઈ ગયા. અને ગૌતમ સાથેના લગ્ન જીવનમાં તેણે સિકંદર નામના પુત્રને જન્મ આપ્યો. કિરણ મુંબઈ આવી ત્યારથી ફિલ્મોમાં તક મેળવવા માટે
પ્રયત્નો કરતી રહેતી હતી પણ તેને કામ મળતું નહોતું આ જ સમય દરમિયાન બીજો પણ એક
કલાકાર હતો જે કિરણની જેમ જ કામ મેળવવા મથી રહ્યો હતો અને તેનું નામ અનુપમ ખેર.
કિરણ અને અનુપમ બંનેને પંજાબ
યુનિવર્સિટીના સમયથી ઓળખતા હતા, એક જમાનામાં બંને સાથે નાટક કરતા હતા. અને મુંબઈમાં સાથે કામ
શોધતા બંને કલાકારોએ ફરી એક નાટકમાં સાથે કામ કરવાનો વિચાર કર્યો અને ૧૯૮૫માં
આવેલા એ નાટકનું નામ હતું ચાંદપુરી કી ચંપાબાઈ.
આ નાટકબાદ અનુપમને ફિલ્મ સારાંશમાં બ્રેક મળ્યો અને એ ફિલ્મ બાદ લગભગ તરત જ અનુપમે તેની
પત્નીને છૂટાછેડા આપી દીધા. આ તરફ કિરણ પણ ગૌતમ સાથેના સંબંધમાં ખૂશ નહોતી અને તે પણ તેને છૂટાછેડા
આપવા વિશે વિચારી રહી હતી. આ સમયમાં ગૌતમ સાથેના સંબંધની લઈને જ્યારે કિરણ કોઈ
પણ કારણોસર ઉદાસ થતી, ડિપ્રેશનમાં સરી પડતી ત્યારે અનુપમ તેની ખૂબ કાળજી લેતો, તેનો મૂડ સુધારવાના, તેને ડિપ્રેશનમાંથી બહાર લાવવાના પ્રયત્નો કરતો રહેતો. અને આ જ કારણોથી બંને ખૂબ સારા મિત્રો બની ગયા. અને એક સમય એવો આવી ગયો જ્યારે બંને વચ્ચેની મૈત્રી લગ્ન સંબંધમાં પલટાઈ
ગઈ.
કિરણ ખેરની મૂળ ઈચ્છા હતી પેરેલલ સિનેમામાં કંઈક મોટું કામ કરવાની, તેની ઈચ્છા હતી કે કમર્શિયલ સિનેમા કરતા પણ તેને પેરેલલ સિનેમામાં કામ કરવાનો મોકો મળે. તે શ્યામ બેનેગલને પણ મળ્યા હતા જ્યારે શ્યામજી ફિલ્મ મંડી બનાવી રહ્યા હતા. શ્યામ બેનેગલે એ ફિલ્મ
માટે જેટલી છોકરીઓને સિલેક્ટ કરી હતી તેમાંથી એક નામ કિરણ ખેરનું પણ હતું, પણ ત્યારબાદ આગળ તેમણે માત્ર
રાહ જોવા સિવાય બીજૂં કોઈ પરિણામ નહોતુ આવ્યુ. પણ જ્યારે કિરણે ૧૯૯૬માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યુ ત્યારે તેની પહેલી ફિલ્મ શ્યામ બેનેગલની જ હતી અને તે ફિલ્મ હતી ૧૯૯૬માં આવેલી સરદારી બેગમ. જે ફિલ્મમાં કિરણના રૉલ માટે તેને ૧૯૯૭ના નેશનલ ફિલ્મ
એવોર્ડમાં સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ પણ મળ્યો હતો. જો કે તે પહેલા તેણે ૧૯૮૭માં અનુપમ સાથે
પેસ્તનજી નામની ફિલ્મમાં નાનો અમથો રૉલ કર્યો હતો. પણ સરદારી બેગમ તેની ફિલ્મી
સફરની ખરી શરૂઆત હતી. સરદારી બેગમ કરતા પહેલા કિરણે
પુરૂષક્ષેત્ર, જાગતે
રહો વીથ કિરણ ખેર અને કિરણ ખેર ટુ ડે નામના ટેલિવિઝન શૉઝ પણ કર્યા હતા.
સરદારી બેગમ કર્યાને એક જ વર્ષ થયું હતુ અને એક દિવસ કિરણને ખબર મળે છે કે કલ્પના લાઝમી એક ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ
કરી રહ્યા છે અને તે ફિલ્મ હતી 'દરમિયાન' કિરણને થયું કે કાશ આ ફિલ્મ હું કરતી હોત. પણ સાથે જ તેને એ પણ વિચાર આવી ગયો કે, 'કલ્પના શા માટે તેના નામનો વિચાર પણ કરે ?' આ બધા વિચારો અને
ઈચ્છાનું મૂળ કારણ એ હતું કે કિરણ પહેલેથી જ પેરેલલ સિનેમામાં કામ કરવાની ઈચ્છા
હતી. પણ કલ્પનાની એ ફિલ્મ માટે ડિમ્પલ કાપડિયાના નામ પર પસંદગી ઉતારવામાં આવી, પણ ડિમ્પલે તે ફિલ્મ કરવા ના કહી દીધી અને ત્યારબાદ અમૃતા
સિંઘને એપ્રોચ કરવામાં આવ્યો, પણ ફિલ્મ શરૂ થાય ત્યાં જ ખબર આવ્યા કે અમૃતા પ્રેગનન્ટ છે અને
કિરણ ખેર આ સમાચાર
સંભળી ખૂબ ખૂશ થઈ ગઈ. તેણે તેના બંને હાથની મુઠ્ઠીઓ વાડી અને જોરમાં બોલી, 'યસ...' તેને ફરી આશા બંધાઈ કે કલપ્ના લાઝમીની
ફિલ્મ તેને મળી શકે છે. છતાં કિરણને મનના કોઈક ખૂણે હજીય લાગ્યા કરતુ હતું
કે કલ્પના તેને ફિલ્મમાં નહીં જ લે. આખરે તેણે અવઢવ સાથે કલ્પનાને ફોન કર્યો અને
કલ્પનાએ જ્યારે કહ્યું કે, તે પણ એ જ
વિચારતી હતી કે કિરણ આ રૉલ કરી શકશે. અને કિરણને એક ડિફીકલ્ટ કહી શકાય તેવો રૉલ
ફિલ્મ દરમિયાનમાં મળ્યો.
અને ત્યારબાદ અહેસાસ, દેવદાસ જેવી ફિલ્મોથી કિરણની હિન્દી સિનેમાની સફર શરૂ થઈ ગઈ.
ફિલ્મોમાં અભિનય કરવાની સાથે સાથે જ કિરણ એક સોશિયલ
એક્ટીવિસ્ટ પણ છે. જ્યાં તે લાડલી, રોકો કેન્સર જેવી એનજીઓ માટે
પણ કામ કરે છે. ૨૦૦૯માં તેણે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ મેળવ્યુ અને ૨૦૧૪ની
લોકસભા ચૂંટણીમાં તે જીતી પણ ખરી.
12/26/2014 10:24:00 AM |
Category:
Gujarat Guardian News Paper - 19.12.2014 / Fri Day Supplement.
|
0
comments
Comments (0)