તમારા ઘરમાં, ના તમારા જ શું કામ આપણા દરેકના ઘરમાં આપણે કેટલાંક ફોટોગ્રાફ્સ દિવાલ પર લગાવતા હોય છે. ક્યારેક, કેટલાંક તે ભગવાનના હોય, ક્યારેક આપણાં જ કે આપણાં પરીવારના હોય, તો ક્યારેક આપણા પરિવારના કોઈ દિવંગત વ્યક્તિના હોય. કેટલાંક નેચર લવર વળી કુદરતી પ્રકૃતિના ફોટો પણ લટકાવતા હોય છે તો કેટલાંક સારા પેઈંટીંગ્સના. પણ તે દરેક આપણે આપણા ઘરની દિવાલ પર લટકાવતા હોય છે અને તે દરેક આપણે પોતે જ લગાડ્યા હોય છે. પણ ધારો કે, તમને ખબર પડે કે દુનિયામાં કોઈક ઘર એવા છે જ્યાં દિવાલ પર નહીં પણ તે ઘરની સિરામીક ફ્લોર પર કેટલાંક ફેસ (ચહેરા) દેખાય છે તો ? સૌથી પહેલો વિચાર એ આવે કે તેમણે તેમના ઘરની ફ્લોર એ રીતની બનાવડાવી હશે. અથવા કોઈ આર્ટ કરાવી હશે. પણ આપણા દિમાગમાં આવેલો આ વિચાર પણ ખોટો છે. કોઈ આર્ટ નથી કે ઘરના માલિકે કોઈ એવી ફ્લોર પણ બનાવડાવી નથી. આ ઘરની ફ્લોર પર આપોઆપ જ કેટલાંક ચહેરા દેખાય છે અને પછી અચાનક તે ગાયબ થઈ જાય છે. જી હાં, ધ હાઉસ ઓફ ફેસીઝ તરીકે જાણીતા આ ઘરમાં તેના માલિકનું એમ કહેવું છે કે તેમના ઘરની સિરામીક ફ્લોર પર કેટલાંક અજાણ્યા ચહેરા અચાનક દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે. એટલું  નહીં તે ચહેરા તેના પરિવારના કોઈ વ્યક્તિના પણ નથી. વાત થોડી વિગતે જાણીએ.

સ્પેનના એક ઘરમાં આશરે ૧૯૭૧થી એવી બિના બને છે કે તેમના ઘરની સિરામીક ફ્લોર પર સતત ચહેરાઓની આકૃત્તિ બને છે અને અદ્ર્શ્ય થઈ જાય છે. સ્પેનના એન્ડાલૂઈસિયામાં કાલે રિઅલ ૫નું પરેરા ફેમિલી હોમ આવીજ ઘટનાઓનું ઉદાહરણ છે. બેલમેઝ ડ લા મોરાલેડા નામનું આ ઘર કંઇક વિચિત્ર ઘટનાઓનું ઉદ્‍ભવ સ્થાન છે. માનવામાં ન આવે તેવી આ ઘટના ૧૯૭૧થી સતત ઘરમાં ઘટે છે અને તેનું સાચુ કારણ આજ સુધી કોઈ શોધી શક્યુ નથી. પૅરાનોર્મલ સાયકોલોજીસ્ટ આ ઘટનાને સૌથી શ્રેશ્ઠ ડોક્યુમેન્ટેડ અને ૨૦મી સદીની મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પૅરાનોર્મલ ફિનોમીના તરીકે ગણાવે છે.
વાત કંઈક એવી છે કે ૨૩મી ઓગસ્ટ ૧૯૭૧ના રોજ બેલમેઝના  ઘરમાં મારિયાનો દીકરો તેની દાદી સાથે રસોડામાં બેઠો હતો અને અચાનક તેને ઘરની ફ્લોર પર એક અજાણ્યા ચહેરાની આકૃત્તિ જોવા મળી. તેણે તરત જ તેની દાદીને કહ્યુ અને દાદી મા તે આકૃત્તિને ધારી ધારીને જોવા માંડ્યા. તેમણે ઘરની માલિક મારિયા ગોમ્ઝ કૅમ્રાને બૂમ પાડી અને મારિયાએ જોયું કે તેમના ઘરના રસોડામાં તેમણે જે નરમ માટી અને લિક્વીડ સિમેન્ટથી સિરામીકની મોલ્ડેડ ફ્લોર બનાવડાવી હતી ત્યાં એક અજાણ્યો ચહેરો અચાનક જ દેખાતો હતો અને ફરી અદ્રશ્ય થઈ જતો હતો. મારિયાએ તેના પતિ જ્યુઆન પરેરાને અને તેના મોટા દીકરા મીગ્યુઅલને બોલાવ્યા અને તે આકૃત્તિ અંગે વાત કરી. તે લોકોની આ વાત ચાલતી જ હતી અને ત્યાં ફરી એ જ ચહેરાની આકૃત્તિ દેખાઈ. દુઃખી અને રઝળી પડેલી કોઈ વ્યક્તિનો ચહેરો હોય તેવી દેખાતી આકૃત્તિને જ્યુઆન અને મીગ્યુઅલે તરત  એક હથિયાર વડે ત્યાંની માટી ખુરેદી નાખી  ચહેરાને હટાવી દેવાનો પ્રયત્ન કર્યો. કોઈને અંદાજ નહોતો કે આ આકૃત્તિ કઈ રીતે તેમના ઘરમાં દેખાઈ રહી છે અને તે ફરી ક્યાં અદ્રશ્ય થઈ જાય છે. જ્યુઆન અને મીગ્યુઅલના આ પ્રયત્નને લીધે ઘરની તે ફ્લોર, તે જમીન હવે ખરાબ થઈ ચૂકી હતી. આથી તે લોકોએ ફરી નવી ફ્લોર બનાવડાવી પણ જેવી નવી ફ્લોર તૈયાર થઈ કે ત્યાં વળી કોઈ નવી આકૃત્તિ દેખાઈ, કોઈ નવો ચહેરો દેખાયો. મારિયા અને જ્યુઆનને સમજાતુ નહોતું કે આ તેમના ઘરમાં શું થઈ રહ્યુ છે. જ્યુઆન નહોતો ચાહતો કે મારિયા કે ઘરના બીજા સદસ્યો આ અંગે કોઈની પણ સાથે ચર્ચા કરે પરંતુ પેલા ચહેરાની આકૃત્તિના હાવ ભાવ પણ હવે જાણે તે જીવિત હોય તેમ વારંવાર બદલાતા જઈ રહ્યા હતા, તેની આંખો ધીમે ધીમે મોટી અને વિકરાળ થતી જઈ રહી હતી. આખરે તેમણે પોતાના ઘરમાં બનતી આ ઘટના વિશે બેલમેઝના મેયરને જાણ કરી. પણ ત્યાં સુધીમાં હવે એક જ નહી મારિયાના ઘરમાં બીજા પણ અનેક ચહેરાઓની આકૃત્તિ રચાવા માંડી હતી. અને તે દરેક આકૃત્તિ જાણે જીવંત હોય તેમ તેના ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યા હતા. અને નવાઈની વાત એ હતી કે આ આકૃત્તિ હવે સમયાંતરે સતત થતી હતી. પણ તે ક્યારે થશે તેનો કોઈ ચોક્ક્સ સમય નહોતો. મેયરે પરેરાના ઘરની એ ફ્લોર ફરી તોડાવી નાખવાની સલાહ આપી અને તોડાવ્યા બાદ તે લોકોએ તે ફ્લોરના એ ટૂકડાને આગળના સંશોધન માટે મોકલી આપ્યો. જ્યુઆને હવે નિર્ણય કરી લીધો  કે તે સિરામીકની ટાઈલ પૂરેપુરી કઢાવી નાખશે અને સિમેન્ટથી તે આખાય ભાગને કવર કરી લેશે.
પરંતુ તેના એક જ અઠવાડિયા બાદ સિમેન્ટના નવા કરાવેલા લેયર પર પણ ત્યાં ફરી કોઈ નવા ચહેરાની આકૃત્તિ દેખાઈ. અને આ વખતે આ આકૃત્તિ પહેલા દેખાતી હતી તેના કરતા વધુ સ્પષ્ટ દેખાતી હતી. અને હવે પછીની આકૃત્તિમાં વધારે દુઃખ અને વિચિત્રતા હતી. અને ગભરાઈ ગયેલા પરિવારના લોકોએ વધુ સંશોધન અને શોધખોળ ચલાવી. સંશોધનની એક વધુ ટીમ મારિયાની ઘરે મોકલવામાં આવી અને તે લોકોએ આખાયા ઘરના સ્ટ્રક્ચરથી લઈને ફ્લોરિંગ સુધીની તમામ ચીજો ચકાસી લીધી. ઘટનાબાદ મારિયાનું ઘર ટુરિસ્ટોને આકર્ષવા માટેની જાણે જાહેરાત બની ગયુ. લોકો તે ઘરને લા કાસા ડે લાસ કારસ તરીકે ઓળખવા માંડ્યા, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ચહેરાઓનું ઘર. પરેરાના ઘરની તે ફ્લોરનો ટૂકડો તોડી નાખ્યા બાદ કાઢીને આગળની રિસર્ચ અને સંશોધન માટે પણ મોકલવામાં આવ્યો પણ તેનું કોઈ નક્કર પરિણામ હજી આજે ૪૩ વર્ષ બાદ પણ મળી શક્યુ નથી. પરેરાના તે ઘરમાં ત્યારબાદ પણ પુરૂષ, સ્ત્રી અને તે સિવાયના પણ અનેક વિચિત્ર આકારના ચહેરાઓ દેખાતા રહ્યા ત્યારે આખરે શોધકર્તાઓ એ તે આખેય ફ્લોર તોડી નાખી નીચે સુધીની ચકાસણી કરવાનો નિર્ણય કર્યો. અને તે ખોદ કામનું તેમને કંઈક અજૂગતુ  પરિણામ મળે છે. કોઈ માનવ હાડપિંજર જેને વચ્ચેથી ચીરીને મારી નાખવામાં આવ્યો હતો. નાના નાના પત્થરોનો ભૂક્કો કરી સિમેન્ટની વચ્ચે તેના શરીરને બેરહમીથી જડી દેવામાં આવ્યુ હતુ. સંશોધન કર્તાઓએ તે મૃત જડી દીધેલા શરીરને અંતિમ ક્રિયા માટે બહાર કાઢી લીધુ અને બાકીનો ભાગ ફરી બંધ કરી દીધો.
પરેરા પરિવારને હતુ કે હવે લગભગ આ ઘટનાનું નિવારણ થઈ ગયુ હશે. પણ થોડાં જ સપ્તાહમાં એ જ ફ્લોર પર ફરી બીજા કેટાલાંક ચહેરા દેખાવા માંડ્યા. અને હવે તે ચહેરાઓ એક પછી એક બદલાઈ રહ્યા હતા. કોઈ ફોટો જાણે મૂક્યો હોય એટલા સ્પષ્ટ ચહેરા અચાનક દેખાતા અને ફરી ગાયબ થઈ જતા. પણ મુશ્કેલી એ હતી કે આ ચહેરાઓની પેટર્ન ખૂબ અલગ પ્રકારની હતી. તે ક્યારે દેખાશે અને ક્યારે અદ્રશ્ય થઈ જશે તે સમજી શકાતુ નહોતું. આખરે ઓથોરિટીએ પરેરા ફેમિલીને તે રસોડુ સદંતર બંધ કરી નાખવાની સલાહ આપી. કારણ કે તે ચહેરા હવે વિકરાળ અને દુઃખી હાવભાવના થતા જઈ રહ્યા હતા. જાણે ત્યાં તેમને કોઈએ જકડી રાખ્યા હોય તેમ તે લોકો આક્રંદ કરતા દેખાઈ રહ્યા હતા. આખરે મારિયા અને પરેરા પરિવારે તે રસોડુ બંધ કરી દીધુ. પણ ત્યાર પછીના થોડા જ વખતમાં હવે ઘરના બીજા હિસ્સામાં પણ ચહેરાઓ દેખાતા થઈ ગયા. પુરૂષ આકૃત્તિના ચાર અલગ અલગ ચહેરા અને એક સ્ત્રીનો ચહેરો ત્યાં દેખાતો હતો.
રિસર્ચ અને સંશોધન છતાં તેનું કોઈ નક્કર પરિણામ હજી આજે ૪૩ વર્ષ બાદ પણ મળી શક્યુ નથી. કેટલાંક કહે છે કે પરેરા પરિવારની  કોઈ ટ્રીક છેકેટલાંક કહે છે કે સિરામીક ફ્લોરીંગમાં કોઈ એવું કેમિકલ વાપરવામાં આવ્યુ છે જેથી ત્યાં ચહેરો દેખાતો હોય તેવો વહેમ થાય. તો કોઈ કહે છે કે તે એક શાપિત ભૂમિ છે અને ત્યાં ભૂત રહે છે. સાચૂ કારણ આજે પણ અજાણ્યુ છે યા જડ્યુ નથી. પણ ચહેરાઓનું આ ઘર બેલમેઝના આખાય વિસ્તારમાં જાણીતુ છે અને અનેક લોકોએ અહીં દેખાતી આકૃત્તિઓ જોઈ છે.


Comments (0)