ફિલ્મ આનંદનો પ્લોટ હ્રિષિકેશ મુખરજીના દિમાગમાં છેક ૧૯૫૦થી હતો, પરંતુ તેમણે ફિલ્મ બનાવી ૧૯૭૧માં. શા કારણથી ? કારણ ખૂબ લાંબૂ છે અને રસપ્રદ પણ. ધારો કે, તમને કોઈ એમ કહે કે આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાની જગ્યાએ રાજ કપૂરને ફીટ કરી જૂઓ તો ? અથવા માનો કે એમ કહેવામાં આવે કે શશી કપૂર માટે વિચારો તો ? નહીં જામે ખરૂં ને ? ના ના રાજ સાહેબ કે શશી કપૂરની કાબેલિયત કે એક્ટીંગ પર આપણે સવાલ નથી ઉઠાવતા પણ મૂળ વાત એ છે કે, રાજેશ ખન્નાએ આનંદનો રૉલ એટલી સુંદર રીતે ભવજ્યો હતો કે આપણે તેમના સિવાય કોઈ બીજાને વિચારી જ
નથી શકતા.
ખેર આપણી મૂળ વાત એ હતી
કે ફિલ્મનો પ્લોટ અગર હ્રિષિ
દાના દિમાગમાં ૧૯૫૦માં હતો તો ફિલ્મ છેક ૧૯૭૧માં કેમ બની ? કારણ એ હતુ
કે હ્રિષિ જ્યારે ફિલ્મ અનાડી ડિરેક્ટ કરી રહ્યા હતા તે સમય દરમિયાન રાજ કપૂર સાથે તેમની ખૂબ સારી મિત્રતા થઈ ગઈ, બંને ઘણા નજીક આવી ગયા હતા. રાજ કપૂરના સ્વભાવ અને તેમની બીજા સાથેની વર્તણૂક જોઈ હ્રિષિદાને કાયમ લાગતુ કે આનંદના પાત્ર માટે તે એક પરફેક્ટ મેચ છે. રાજ કપૂર અનેકવાર
મજાકમાં કે પ્રેમથી હ્રિષિકેશજી સાથે બંગાળી એક્સેન્ટમાં વાત કરતા અને કેટલીયવાર હ્રિષિદાને તે બાબૂ
મોશાઈ કહીને પણ બોલાવતા. જે સંબોધન પાછળથી તેમણે ફિલ્મમાં અમિતાભ માટે વાપર્યુ હતું. ખૂબ ગાઢી મિત્રતા થઈ ગયા બાદ હ્રિષિદા એ એક દિવસ રાજ કપૂરને ફિલ્મ આનંદની કહાની સંભળાવી, રાજ કપૂરને કહાની ગમી પણ રાજ તે સમયે તેમના હોમ પ્રોડ્ક્શનની ફિલ્મ જીસ દેશ મેં ગંગા બહેતી હૈના શૂટીંગમાં વ્યસ્ત હતા આથી રાજ કપૂરના બિઝી શેડ્યુલને કારણે હ્રિષિદાએ તેમનો આ પ્રોજેક્ટ તે સમય પૂરતો મોકૂફ રાખવો પડ્યો. જીસ દેશ મેં... પૂર્ણ થઈ એટલે હ્રિષિકેશ ફરી રાજ પાસે ગયા પણ ત્યારબાદ રાજ કપૂર તેમની જિંદગીની પહેલી રંગીન મુવી એવી મહત્વાકાંક્ષી ફિલ્મ સંગમમાં વ્યસ્ત થઈ ગયા. અને હ્રિષિકેશ મુખરજીએ
રાજ કપૂરને લઈને ફિલ્મ બનાવવાનું પોતાનું સપનું ફરી અભરાઈ પર ચઢાવવુ પડ્યુ. પણ હ્રિષીદા એમ હાર માને તેવા નહોતા. સંગમ બાદ ફરી આનંદ
બનાવવા વિશે વાત થઈ પણ ત્યારે રાજ કપૂર તેમના બીજા મેગા પ્રોજેક્ટ મેરા નામ જોકર બનાવવામાં પડી ગયા. હ્રિષીકેશ મુખરજીએ ફરી રાહ જોવી પડી. કમનસીબે રાજ કપૂરની સૌથી
મહત્વાકાંક્ષી ફિલ્મ ફ્લોપ થઈ ગઈ અને રાજ કપૂર પાસે લગભગ
હવે કામ આવતુ બંધ થઈ ગયુ,
હ્રિષિકેશ ફરી રાજ કપૂર પાસે પહોંચી ગયા પણ રાજ
સાહેબે તેમને કહ્યુ કે, તેમની ખૂબ મોટી ફિલ્મ ફ્લોપ થઈ જવાને કારણે
તેમને હાલમાં પૈસાની ખૂબ
જરૂરિયાત છે આથી તેમણે નાણાં ઉભા કરવા માટે
બોબી બનાવવી આવશ્યક છે.
અને રાજ ફરી બોબીના શુટીંગમાં વ્યસ્ત થઈ ગયા.
હ્રિષિકેશજી પાસે હવે રાજ કપૂરના નામ પર ચોકડી મારવા સિવાય બીજો વિકલ્પ નહોતો. તેઓ સ્ક્રીપ્ટ લઈ પહોંચી ગયા તેમના જ પરિવારના બીજા હીરો શશી કપૂર પાસે. પણ શશી તે સમયે ખૂબ
વ્યસ્ત હતા, કારણ કે તેમની ફિલ્મ્સ શર્મિલી, હસીના માન જાયેગી અને આ ગલે લગ જા જબરદસ્ત હિટ થઈ ચૂકી હતી. ત્રીજા વિકલ્પ તરીકે હ્રિષિકેશ
મુખરજીએ કિશોર કુમાર અને મહેમૂદના નામ પર પસંદગી ઉતારી. આ બંને સ્ટારને લીડ રૉલમાં લઈ તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ. પણ કિશોર કુમાર સાથે કામ બન્યુ નહીં, આ પણ એક રસપ્રદ કહાની છે. જ્યારે હ્રિષિદા સાથે કિશોર કુમારે એક ફિલ્મ કરવા માટે હા પાડી હતી ત્યારે કિશોર કુમારે તેમને ફિલ્મની ફીના પુરે પૂરા પૈસા એડવાન્સમાં આપવા કહ્યું હતુ પણ હ્રિષિદાએ તેમને કહ્યું હતુ
કે તે અડધા પૈસા એડવાન્સ આપશે અને બાકીના અડધા ફિલ્મ પૂરી થઈ ગયા બાદ. કિશોરદાને આ વાત મંજૂર નહોતી અને તેમણે હ્રિષિદાની તે ફિલ્મ કરવા ના કહી દીધી હતી. હ્રિષિકેશજીએ કિશોરની વિરૂધ્ધ
કોર્ટમાં કેસ કર્યો અને કોર્ટનો ચૂકાદો હ્રિષિદાની તરફેણમાં આવ્યો કે, કિશોર કુમારે તેમની ફિલ્મ કરી આપવી પડશે અને બાકીના અડધા પૈસા ફિલ્મ પૂર્ણ થઈ ગયા બાદ જ લેવાના રહેશે. કિશોર આમ પણ સનકી દિમાગના જીનિયસ હતા, કેસ હારી ગયા ત્યારબાદ તેઓ એક દિવસ હ્રિષિદાની ફિલ્મના સેટ પર અડધી
દાઢી કરાવીને પહોંચી ગયા અને તેમણે
હ્રિષિદાને
કહ્યું કે, 'આધે પૈસ મેં આધા
કિશોર હી મિલેગા.' આ જૂની લડાઈને કારણે જ્યારે હ્રિષિદા આનંદની પ્રપોઝલ લઈને તેમની પાસે
ગયા ત્યારે કિશોર કુમારે પણ ના કહી
દીધી અને તે સમયે તેમના કેટલાંક લાઈવ શોઝ વિશેના શેડ્યુલ્સ સામે ધરી તેમણે ફિલ્મ નકારી કાઢી. આખરે ૨૦
વર્ષ જેટલા લાંબા સમય
સુધી રાહ જોયા બાદ હ્રિષિકેશજીએ ફરી તે સમય પૂરતુ આનંદ બનાવવાનો વિચાર માંડી વાળ્યો.
યોગાનું યોગ કહો કે વિધીના લેખ પણ બન્યુ એવુ
કે ફિલ્મ બાવરચીનું શૂટીંગ ચાલી રહ્યું હતુ
જેમાં ૭૦ના દાયકાના સુપર સ્ટાર રાજેશ ખન્ના કામ કરી રહ્યા હતા. એક દિવસ કોઈક ટેકનિકલ કારણસર બાવરચીનું
શૂટીંગ અધવચ્ચેથી અટકી પડ્યુ, અને તે બ્રેકમાં વાત-ચીતમાં હ્રિષિદાએ કાકાને આનંદની કહાની કહી સંભળાવી. ખન્નાને ફિલ્મની સ્ટોરી ખૂબ ગમી ગઈ અને તેમણે
તરત જ આ ફિલ્મ કરવા માટે હા કહી દીધી. અને રોમેન્ટીક હીરો રાજેશ ખન્ના આ ફિલ્મ દ્વારા એક નવા પાત્રમાં રીડિસ્કવર થયો એમ કહી શકાય. જો કે માહિતી એવી પણ મળે છે કે હ્રિષિકેશ મુખરજીએ બંગાળી કલાકાર ઉત્તમ કુમારને આનંદ તરીકે અને અને સૌમિત્ર ચેટરજીને ડૉ. ભાષ્કર
બેનરજી તરીકે લેવાનો પણ વિચાર કર્યો હતો.
પણ ડૉ. ભાષ્કરનો રૉલ અમિતાભ બચ્ચનના ફાલે ગયો. અમિતાભ તે સમયે કામની તલાશમાં હતા અને તેમને હીરો તરીકે ખાસ કોઈ કામ મળી નહોતુ રહ્યુ આથી મહેમૂદે તેમને સલાહ આપી કે ભલે સેકન્ડ લીડ રૉલ તરીકે કામ મળે છતાં હ્રિષિકેશ મુખરજી જેવા ડાયરેક્ટરની ફિલ્મમાં તેણે કામ કરી લેવું જોઈએ. રાજેશ ખન્ના આ સમય
દરમિયાન એક રોમેન્ટીક હીરો તરીકે મશહૂર હતા અને હીટ પણ અને આ ફિલ્મમાં તેમનો રૉલ કોઈ પણ હિરોઈન વગર હતો જે એક ખૂબ મોટું રિસ્ક હતુ પણ કાકાને આ ફિલ્મની કહાની, તેના ડાયલોગ અને ગીત એટલા પસંદ પડ્યા હતા કે તેમણે ફિલ્મ કરવા હા કહી દીધી. અને આ રીતે આનંદ અને ડૉ. બેનરજીના પાત્ર તો નક્કી થઈ ગયા હવે વિચાર કરવાનો હતો બીજા પાત્રો વિશે.
હ્રિષિદાએ તે માટે સૌથી પહેલા રમેશ દેવને ડૉ. બેનરજીના મિત્રના પાત્ર માટે સાઈન કરી લીધા. રમેશ દેવના પત્ની સીમા દેવ પણ હિન્દી અને મરાઠી ફિલ્મના કલાકાર હતા. સીમા દેવ આ પહેલા એક ફિલ્મના પ્રિમિયર દરમિયાન ક્યારેક હ્રિષિદાને મળ્યા હતા અને ત્યારે તેમણે હ્રિષિકેશ મુખરજીને કહ્યુ હતું કે, 'દાદા મને તમારી સાથે કામ કરવાની ખૂબ ઈચ્છા છે.' હ્રિષિદાએ તે સમયે સીમા દેવને કહ્યું હતુ કે, 'ભવિષ્યમાં ક્યારેક આપણે ચોક્ક્સ સાથે કામ કરશું. રમેશ દેવ સાથેની એ મુલાકાત દરમિયાન હ્રિષિદાએ
સીમા દેવને કરેલો એ વાયદો યાદ આવી ગયો અને તેમણે રમેશ દેવને કહ્યું, 'સીમા અબ શાદી કે બાદ કૈસી દીખતી હૈ ? ક્યાં વો મોટી હો ગઈ હૈ ?' રમેશ દેવ હ્રિષિદાના આ સવાલથી હસી પડ્યા અને કહ્યું, 'મોટી તો નહીં હો ગઈ, પર હાં થોડી તબિયત બઢી તો હૈ.' હ્રિષિદાએ તરત કહી દીધું, 'કાલે
એને લેતા આવજો તમારી પત્નીનો રૉલ આપણે એમની પાસે જ કરાવીશું.' અને સીમા દેવ બીજે દિવસે સેટ પર
આવી ગયા. હ્રિષિકેશજીએ સીમાને કહ્યું, 'કોઈ ટેસ્ટ આપવાની તો
તારે જરૂર નથી, પણ હા આ રૉલ માટે તારે નવ વારની સાડી પહેરવી પડશે, ફાવશે ને ?' સીમા આમ પણ મહારાષ્ટ્રીયન કલાકાર હતા
તેમણે તરત હા કહી દીધી. અને
રમેશ દેવ અને સીમાની લગ્નતિથીના એ સીનથી શુટીંગની
શરૂઆત થાય છે.
હ્રિષિકેશ મુખરજી અને રાજેશ ખન્ના બંન્ને માટે એક માઈલ સ્ટોન
સમાન સાબિત થયેલી ફિલ્મ આનંદની બીજી કેટલીક રસપ્રદ વાતો આવતા સપ્તાહે.
લાસ્ટ કટ ; આનંદ ફિલ્મનું એક ગીત એવું હતુ કે જેના રાઈટ્સ પહેલેથી જ બીજા પ્રોડ્યુસરે ખરીદી લીધા હતા, પણ અમિતાભ બચ્ચનની રીકવેસ્ટથી તે ગીતના લેખક એવા નવા ગીતકાર યોગેશે તે પ્રોડ્યુસરને સમજાવ્યા, વિનંતી કરી અને આખરે તે ગીત આનંદ ફિલ્મ માટે આપવા તે પ્રોડ્યુસરને રાજી કરી લીધા. તે ગીત હતુ, 'કહીં દૂર જબ દિન ઢલ જાયે...'
12/26/2014 10:38:00 AM |
Category:
Gujarat Guardian News Paper - 19.12.2014 / Fri Day Supplement.
|
0
comments
Comments (0)