મહાજબીં બાનૂ ઉર્ફ મીના કુમારી ના તેમનાથી પંદર વર્ષ મોટા સૈયદ અમીન હૈદર ઉર્ફ કમાલ અમરોહી સાથે લગ્ન થઈ ગયા પણ, મીનાજી હજીય કુંવારી છોકરીની જેમ જ પિતા અલીબક્ષને ત્યાં રહેતા હતા. તેમના  લગ્નની મીનાજીના ઘરે કે કમાલ અમરોહીના ઘરે તેમના પહેલા પત્નીને ખબર સુધ્ધા નહોતી. મીના કુમારી અને કમાલ અમરોહી વચ્ચે એવું નક્કી થયું કે બંને પોતાના લગ્નની વાત ત્યાં સુધી જાહેર નહીં કરશે જ્યાં સુધી મીના કુમારી બે લાખ રૂપિયા કમાઈને તેમના પિતા અલીબક્ષને ન આપી દે. કારણ કે એક માત્ર મીના કુમારીની કમાણીને કારણે  તેમનું ઘર ચાલતુ હતુ. અને મીના કુમારી નહોતા ચાહતા કે તેમના રીતે લગ્ન કરીને ચાલી જવાથી તેમના અમ્મી અને અબ્બુને કોઈ પણ જાતની આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે. અને એક દિવસ કંઈક એવુ બન્યુ કે જેને કારણે  મિંયા બીવીની આખીય સમજૂતી પર પાણી ફરી વળવાનું હતુ.

એક દિવસ મીના કુમારીના ઘરના નોકરે મીના અને કમાલ વચ્ચે ફોન પર થઈ રહેલી વાતચીત સાંભળી લીધી. અને તે નોકરે આખીય વાત જઈને તેના માલિક અલીબક્ષને કહી દીધી. 'માલિક મીના ઔર કમાલ સાહબ, દોનો મેં કુછ ગરબડ હૈ.' અલીબક્ષ નોકરની વાત સાંભળી ગુસ્સે થઈ ગયા, તેમણે મીનાને પૂછ્યું, 'સચ બતાઓ મીના ક્યા યે બાત સચ હૈ ?' મીના જુઠ્ઠુ નહીં બોલી શક્યા. અને તેમણે અબ્બુ સામે કબૂલ કરી લીધુ કે, 'હાં હમને નિકાહ પઢવા લિયા હૈ ?' અલીબક્ષ મીનાજીની આ વાત સાંભળી એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે તે જ સમયે તે જ કાઝીને બોલાવી બંને વચ્ચે તલ્લાક કરાવવાનું નક્કી કરી લીધુ. અને તેમણે કમાલ અમરોહીને પણ આ વાત માટે દબાણ લાવવા માંડ્યુ. 'તુમ મેરી બેટી કો તલ્લાક દે દો.' કમાલ અને મીના બંને આ વાતને કૂનેહ પૂર્વક પાછળ ઠેલતા રહ્યા અને પરિણામ એ આવ્યુ કે અલીબક્ષે બંનેના મળવા પર પ્રતિબંધ મૂકી દીધો. એક સમય એવો આવી ગયો કે મીના કુમારીના દરેક શૂટીંગ પર અલીબક્ષ તેની સાથે જવા માંડ્યા. તેમણે બધી ગોઠવણ કરવાનો પ્રયત્ન કર્યો કે કમાલ અને મીના કોઈ પણ રીતે એક બીજા મળી નહીં શકે.
તરફ કમાલ અમરોહી કે જે પહેલેથી જ પરણેલા હતા. તેમની ઘરે જ્યારે આ લગ્નની ખબર પડી તો તેમની પહેલી પત્ની અને તેમના સગાવહાલાએ પણ તેમને તલ્લાક આપવા માટે દબાણ કરવા માંડ્યુ. ત્યાં પણ એક તબક્કો એવો આવી ગયો કે કમાલ અમરોહીની પહેલી પત્ની બાળકો સાથે કમાલને છોડી ગામ અમરોહા ચાલી ગઈ. આખરે કમાલ  રોજની ખટપટથી કંટાળી ગયા અને તેમણે મીનાને સંદેશો મોકલી આપ્યો. 'રિશ્તેદારો ઔર ખાનદાન સે જો ઝિલ્લત મિલી હૈજો રુસવાઈ હુઈ હૈ ઈસ વજહ સે હમે અપને લિયે હુએ ફેસલે પર દુબારા સોચના ચાહિયે. ઔર હો સકે તો ઈસ નિકાહ કે ફેસલે કો એક ભૂલ સમજ કર ખત્મ કર દેના ચાહિયે.' મીના કુમારીને કેવી લાગણી થઈ હશે ? કમાલના  સંદેશથી તેમની માનસિક હાલત કેવી થઈ ગઈ હશે ?

મીના કુમારીએ કમાલને વળતા જવાબમાં એક પત્ર લખ્યો. 'મુઝે લગતા હૈ કી આપ મુઝે સમજ નહીં પાયે ઔર શાયદ કભી સમજ પાયેંગે ભી નહીં. ઈસીલિયે યે બહેતર હોગા કી આપ મુઝે તલ્લાક દે.' લગ્નસંબંધ તેના સાચા અર્થમાં બંધાવા પહેલા જ ખત્મ થઈ ગયો. જિંદગી કોઈ એક ઘટનાથી અટકી નથી જતી, જીવન એની રીતે ચાલતું જ રહે છે. કમાલ ધીરે ધીરે ફરી પોતાના કામમાં પરોવાઈ ગયા, મીના કુમારી પણ પોતાના શૂટીંગમાં વ્યસ્ત થઈ ગયા પણ બંનેના હ્રદયમાં એક બીજા માટેની જે મહોબ્બત હતી તે આમ આસાનીથી ભૂલી શકાય તેમ નહોતી. અને તેમના નિકાહની પહેલી વર્ષગાંઠે એટલે કે ૧૪મી ફ્રેબ્રુઆરી ૧૯૫૩ના દિવસે મીના કુમારીએ કમાલ અમરોહીને ફોન કર્યો, અને તેમણે લખેલા પેલા પત્ર માટે માફી માંગી. અને બંને વચ્ચે તૂટી ગયેલો વાતચીતનો દૌર ફરી શરૂ થઈ ગયો, બંને વચ્ચે ફરી પેચ અપ થઈ ગયુ. અને ત્યારબાદ તુરંત મીના કુમારીએ તેમના પિતા અલીબક્ષને કહ્યું કે ફિલ્મ 'ડેરામાટે તેમના પતિને તેમની જરૂરત છે અને કમાલ તેમની સાથે શૂટીંગ કરવા માંગે છે. અલીબક્ષનો ગુસ્સો ફરી સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે ઘસીને ના કહી દીધી સાથે  દલીલ પણ કરી કે તેમણે મીના કુમારીની બધી જ તારેખો મહેબુબ સાહેબને તેમની ફિલ્મ 'અમર' માટે આપી દીધી છે આથી શક્ય નથી. બાપ બેટીમાં આ વાતને લઈને ખૂબ દલીલો થઈ અને આખરે મીના કુમારી એક દિકરી પોતાના બાપ આગળ ઝૂકી ગઈ અને મહેબુબ સાહેબની ફિલ્મ અમરનું જ શૂટીંગ કરવા માટે તૈયાર થઈ ગઈ. પણ એ તકદીરનો ખેલ હતો કે ત્યાર પછીના પાંચ જ દિવસમાં મીના કુમારી અને મહેબુબ ખાન વચ્ચે કંઈક અનબન થઈ ગઈ અને ૪થી ઓગસ્ટ ૧૯૫૩ના દિવસે મીના કુમારી મહેબુબ ખાનની ફિલ્મનો સેટ છોડી ચાલવા માંડી. પિતા અલીબક્ષને તેમણે કહી દીધુ કે તે મહેબુબ ખાનની ફિલ્મ છોડી કમાલ અમરોહીની ફિલ્મના સેટ પર જઈ રહી છે. તે દિવસે એક દિકરીનો બાપ મીના કુમારીના બાપ અલીબક્ષમાં પણ દેખાયો. તેણે મીનાને કહી દીધુ, 'તુમ જા તો રહી હો, તુમ્હે જાને સે કોઈ નહીં રોક સકતા મગર એક બાત ધ્યાન રખના અબ મેરે ઘર કે દરવાજે તુમ્હારે લિયે હંમેશા કે લિયે બંધ હો ગયે હૈ.' મીના કુમારી ચાલી ગઈ. કમાલ સાહેબની ફિલ્મ ડેરાના સેટ પર. રાતે જ્યારે શૂટીંગ પતાવી મીના કુમારી તેની ઘરે પહોંચી ત્યારે પિતા અલીબક્ષે સાફ કહી દીધું કે, 'બાપ-બેટી ક રિશ્તા ખતમ હો ગયા.' અને તેમણે ઘરનો દરવાજો ન ખોલ્યો. મીના કુમારીએ કેટલાક કપડા તેમની સાથે લીધા અને ચાલી ગઈ તેના પતિ કમાલ અમરોહીના ઘરે.
એક તરફ પોતાનું ઘર છૂટી ગયાનું દુઃખ હતુ અને બીજી તરફ પોતાના પતિના ઘરે જવાની ખુશી. સાથે મીના કુમારીના જીવનમાં આવનારી એક બીજી ખુશી રાહ જોઈને બેઠી હતી. ફિલ્મ બૈજૂ બાવરા. મીના કુમારેની ફિલ્મ બૈજૂ બાવરા રિલીઝ થઈ અને જબરદસ્ત હિટ પુરવાર થઈ. ફિલ્મની સફળતાની ઉજવણી હજી બાકી હતી પણ એ ઉજવણી, એ ખુશી જે રીતે મીના કુમારીની રાહ જોઈ રહી હતી તે જ રીતે કોઈક દુઃખદ અકસ્માત પણ તેમની રાહ જોઈ રહ્યો હતો. પદડા પર પોતાના અપ્રતિમ અભિનયને કારણે ટ્રેજડી ક્વીન તરીકે ઓળખાતી મીના કુમારીની પોતાની અંગત જિંદગીમાં પણ ઉતાર-ચઢાવ ઓછા નહોતા. તેમનું અંગત જીવન પણ અનેક ટ્રેજડીઓની વચ્ચેથી પસાર થયું. બૈજૂ બાવરા, તેમની હિરોઈન તરીકેની પહેલી ફિલ્મ સુપર હિટ સાબિત થઈ અને તેની ઉજવણીનો માહોલ એક તરફ ચાલી રહ્યો હતો અને બીજી તરફ મીના કુમારીની લાઈફમાં કંઈક એવો અકસ્માત સર્જાવાનો હતો કે જે મીના કુમારીને તેમના જીવનને બદલી નાખવાનું હતું. શું બન્યુ ? આવતા સપ્તાહે આગળ વાત.
આખરી સલામ ; મીના કુમારી કમાલ અમરોહી સાથેના તેમના સંબંધના એક તબક્કે લખે છે. 'તુમ ક્યા કરોગે સૂન કર મુજસે મેરી કહાની, બે લૂત્ફ ઝિન્દગી કે કિસ્સે હૈ ફિકે ફિકે.'



Comments (0)