'દિલ સા જબ સાથી પાયા, બેચેની ભી વો સાથ લે આયા.' ફિલ્મની એક ઉમદા કલાકાર હોવાની સાથે મીના કુમારી શાયરી અને ગઝલોના પણ શોખીન હતા. તેઓ પોતે ખૂબ સારી ગઝલો અને શાયરી લખી શકતા હતા. મીનાજી તેમની હિરોઈન તરીકેની પહેલી ફિલ્મ બૈજૂ બાવરા શૂટ કરી રહ્યા હતા ત્યાં જ ક્યારેક ક્યારેક કમાલ અમરોહી સાહેબ પણ સેટ પર આવતા હતા. કમાલ અમરોહી આ અરસામાં સુપર હિટ ફિલ્મ મહલ બનાવી ચૂક્યા હતા અને તેમની એ ફિલ્મ એટલી હિટ રહી હતી કે તેઓ હવે સ્ટાર બની ચૂક્યા હતા. મીના કુમારીએ જ્યારે તે સમયે કમાલ સાહેબને પહેલીવાર સલામ કર્યા ત્યારે કમાલ અમરોહીએ તેમની તે સલામનો જવાબ સુધ્ધા નહોતો આપ્યો. મીના કુમારીને આવાત દિલમાં વાગી ગઈ અને તેના થોડા દિવસ પછી એક એવી ઘટના બની જેની મીજા કુમારીને કલ્પના પણ નહોતી.
મીના કુમારીને એક દિવસ તેમના પિતાએ કહ્યું કે, 'બેટા કમાલ અમરોહી તુમ્હે ઉનકી એક ફિલ્મ કે સાઈન કરતા ચાહતે હૈ.' અને તેમના પિતાની વાત સાંભળતાની સાથે  મીના કુમારીને તે કિસ્સો, તે સમય યાદ આવી ગયો કે જ્યારે કમાલ અમરોહીએ તેમના સલામનો જવાબ સુધ્ધા નહોતો આપ્યો. અને તરત મીનાજી બોલ્યા, 'અબ્બા મેં કમાલ અમરોહી કી ફિલ્મ સાઈન કરના નહીં ચાહતી ઔર ના હી ઉનકે સાથ કામ કરના ચાહતી હું.' મીનાજીનો આ જવાબ સાંભળી તેના વાલિદ સાહેબે પૂછ્યું, 'બેટા ક્યા બાત હૈં તુમ ક્યું ઈતને બડે ડાયરેક્ટર કે સાથ કામ કરના નહીં ચાહતી ?' મીનાજી કહે છે, 'ઐસા ભી બડા ડાયરેક્ટર ક્યા અબ્બુજો મેરે સવાલ કા જવાબ ભી નહીં દે સકતા હૈ, ઐસે ડાયરેક્ટર કે સાથ મેં કામ કરના નહીં ચાહતી.' હવે વારો કમાલ અમરોહીનો હતો. તેમણે મીના કુમારીને ફૂલોના ગુલદસ્તા મોકલવા માંડ્યા હતા, રિસામણા-મનામણાંનો એક રિતસર દૌર ચાલ્યો અને લાખ મન્નત સાથે કમાલે મીનાજીને મનાવી લીધા. ન માત્ર મનાવ્યા પણ પોતાની ફિલ્મ માટે સાઈન પણ કરી લીધા. મીનાજી અને કમાલની ઔપચારીક ઓળખાણ હવે કમાલ સાહેબના પ્રયત્નબાદ અને કવિતા તથા શેર-શાયરી પ્રત્યેના બંનેના એક સરખા રસને કારણે ધીમે ધીમે અંગત સંબંધોમાં પરિવર્તીત થવા માંડી. કમાલ અમરોહી હવે જે બૈજૂ બાવરાના સેટ પર પણ ક્યારેક ક્યારેક આવતા હતા તે રોજ આવવા માંડ્યા અને મીના કુમારી પણ પોતાનું શૂટીંગ પતાવી કમલ સાથે સમય વિતાવવા માંડ્યા. અલગ વાત છે કે કમાલ સાહેબે જે ફિલ્મ માટે મીના કુમારીને સાઈન કર્યા હતા તે ફિલ્મ ક્યારેય બની નહીં શકી.
કમાલ અમરોહી અને મીના કુમારીનો પ્રેમ જ્યારે એક મકામ પર પહોંચ્યો ત્યારે કમાલ અમરોહીના તે સમયે જે સેક્રેટરી હતાબાખર સાહેબ તેમણે કમાલ સાહેબને એક સવાલ કર્યો. 'અગર આપ મીના કુમારી કો ઈતના ચાહતે હો તો ઉનસે શાદી કરકે ઘર ક્યોં નહીં લે આતે ?' અને કમાલ સાહેબ તેના જવાબમાં કહે છે, 'મેં તો યહી ચાહતા હુંપર ક્યા મીના તૈયાર હૈ ?' કમાલ અમરોહીનો આ સંદેશ લઈને બાખર પહોંચી ગયા મીના કુમારી પાસે અને કહ્યું, ક્યા ઈશ્ક ઈતની ઇન્તહા પે આ ચૂકા હૈ કી આપ કેહ સકતી હૈ કી મૈં ઉનકે બગૈર નહી રેહ સકતી, મૈં ઉનસે મહોબ્બત કરતી હું ?' અને મીના કુમારીએ જવાબ આપ્યો, 'હાં, મૈં ઉનસે મહોબ્બત કરતી હું, ઉનસે શાદી કરના ચાહતી હું, ઉનકે સાથ હી ગૃહસ્તી બસાના ચાહતી હું, મગર બાબુજી કે મરજી કે બગૈર મે નિકાહ નહીં કર સકતી.બાખર મિંયાએ જેમ તેમ કરી મીના કુમારીને એ વાત માટે મનાવી લીધા કે, તે અને કમાલ અમરોહી લગ્ન કરી લે અને સમય આવ્યે તેઓ અમ્મી અને અબ્બુને તેમના લગ્ન વિશે જાણ કરે. બાખરના સમજાવવાને કારણે અને હિમ્મત આપવાને કારણે આખરે મીના કુમારી લગ્ન માટે તૈયાર થઈ ગયા. જ્યારે મીનાને પ્રેમ થયો તે સમયમાં તેઓ શેર લખ્યા. 'દિલ સા જબ સાથી પાયાબેચેની ભી વો સાથ લે આયા.'    
કમાલ અમરોહી આ અરસામાં એક મોટા સ્ટાર બની ચૂક્યા હતા જ્યારે મીના કુમારી હજી એક મોટા સ્ટાર જેને કહી શકાય તે સ્ટારડમ સુધી પહોંચ્યા નહોતા. મીના કુમારીને સ્ટારડમ મળ્યુ ફિલ્મ બૈજૂ બાવરા રિલીઝ થઈ ત્યાર પછી. પણ તે પહેલાં જ બાખર મિંયાના પ્રયત્નથી મીના અને કમાલ વચ્ચેનો પ્રેમ સંબંધ ૧૪મી ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ લગ્ન સંબંધમાં પરિવર્તીત થઈ ગયો. બૈજૂ બાવરાની રિલીઝ થઈ તેના આસ-પાસ  સમયની  વાત છે. થયું હતુ એવું કે, તે સમયે મીના કુમારીના પિતા અલીબક્ષ રોજ મીનાને અને તેની બહેન મધુને વોર્ડન રોડ પરના ડૉ. જસ્સાવાલાના ક્લીનિક પર મૂકવા જતા, મીના કુમારીની ત્યાં ફિઝીયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલતી હતી. અલીબક્ષનો નિયમ હતો કે તેઓ રોજ રાતે આઠ વાગ્યે બંને છોકરીઓને ક્લીનિક પર મૂકી આવતા અને બે કલાક પછી લેવા પહોંચી જતા. ૧૪મી ફેબ્રુઆરીએ પણ અલીબક્ષે નિયમાનુસાર મીના કુમારી અને મધુને ડૉ. જસ્સવાલાના ક્લીનિક પર છોડ્યા. અલીબક્ષ જેવા ક્લીનિક પરથી નિકળ્યા કે કમાલ અમરોહી ત્યાં તેની ટીમ સાથે જઈ ચઢ્યા. કમાલ અમરોહી, બાખર મિયાં અને તેમની સાથે કાઝી અને તેના બે દિકરા. કમાલ અમરોહીની પાંચ માણસની ટીમ ડૉ. જસ્સાવાલાના ક્લીનિક પર પહોંચી ગઈ. મીના કુમારી પાસે ક્લીનિકમાં માત્ર બે કલાક હતા લગ્ન કરવા માટે. ત્યાં પહોંચતા જ કાઝી સાહેબે નિકાહ કરાવવા શરૂ કરી દીધા. પહેલા લગ્ન શિયા મુસ્લિમ પધ્ધતિથી નિકાહ કરાવવામાં આવ્યા કારણ કે કમાલ અમરોહી શિયા મુસ્લિમ હતા. અને ત્યારબાદ સૂન્ની મુસ્લિમની પધ્ધતિએ નિકાહ કરાવવામાં આવ્યા. સમય વિતતો જઈ રહ્યો હતો. પોણા દસ થઈ ચૂક્યા હતા. અલીબક્ષનો આવવાનો સમય થઈ રહ્યો હતો. મીના કુમારીએ કાઝી પાસે ઉતાવળ કરાવી અને કાઝીએ ફટાફટ તેમના બે દિકરા અને બાખર મિંયા પાસે વિટનેસ તરીકે સાઈન કરાવી લીધી. મીના કુમારી અને કમાલ અમરોહી પરણી ગયા. મહેજબીં બાનૂએ પોતાનાથી ૧૫ વર્ષ મોટા ફિલ્મ ડાયરેક્ટર સૈયદ અમીન હૈદર ઉર્ફ કમાલ અમરોહી સાથે લગ્ન કરી લીધા. અલીબક્ષનો આવવાનો સમય થઈ ગયો હતો. કમાલ અમરોહીએ મીના કુમારીના કપાળ પર એક ચૂમી લીધી અને ત્યાંથી રવાના થઈ ગયા. અલીબક્ષને ખબર નહોતી કે બે કલાક પહેલા જે છોકરીને તેઓ છોડીને ગયા હતા તે હવે બે કલાક બાદ એક શાદીશૂદા છોકરી છે.

કમાલ અમરોહીએ મીના સાથે લગ્ન કર્યા તે પહેલા તેઓ પરણેલા હતા પણ છતાં તે મીના કુમારીને એટલું ચાહતા હતા કે બંને  લગ્ન કરી લીધા. લગ્ન તો થઈ ગયા, મીના કુમારી બાકાયદા કમાલ અમરોહીની પત્ની બની ગયા પણ હજીય તે એક કુંવારી છોકરીની જેમ અલીબક્ષના ઘરે જ રહેતા હતા. તો શું તે કમાલ સાહેબની ઘરે રહેવા ગયા નહોતા ? અગર નહીં તો કેમ ? શું થયું હતું ? અને જો ગયા હતા તો ક્યારે ? તેમના લગ્નની ખબર તેમના ઘરવાળાને ક્યારે પડી અને ત્યાર પછી શું થયું ? આવતા સપ્તાહે વાત આગળ વધારશું.
આખરી સલામ ; તેમના લગ્નબાદ તુરંત ૧૯૫૩માં એક ફિલ્મ આવી દાયરા જે મીના કુમારી અને કમાલ અમરોહીના અંગત જીવન પરથી બનાવવામાં આવી હતી.



Comments (0)