પ્રાણ સાહેબ જ્યારે પાર્ટિશનના સમયે પત્ની અને દીકરા સાથે લાહોરથી મુંબઈ આવી ગયા ત્યારે તેમણે સતત કામ શોધવા માટે રખડવું પડ્યુ હતું. પાકિસ્તાનથી આવેલા આ વિલનને કોઈ પોતાની ફિલ્મમાં રૉલ આપવા તૈયાર નહોતું. આ જ કારણથી હવે તેમની આર્થિક હાલત પણ કફોડી થવા માંડી હતી. આઠ મહિના સુધી આ જ રીતે રખડ્યા પછી સઆદત મન્ટો અને શ્યામની મદદથી તેમને ફિલ્મ જીદ્દીમાં રૉલ ઓફર થયો.  ફિલ્મના મહેનતાણાં પેટે તેમને ૫૦૦ રૂપિયા મળવાના હતા. આઠ મહિના સુધી સતત કામ માટે ભટક્યા બાદ જ્યારે પ્રાણને આ રૉલ મળ્યો ત્યારે તેમણે પોતાની ફીના એ પાંચસો રૂપિયામાંથી સો રૂપિયા એડવાન્સ માંગી લીધા કારણ કે તે પોતાને મળેલા આ બ્રેકને ઉજવવા માંગતા હતા પણ તેમને પાસે પૈસા નહોતા.
અને આજ સો રૂપિયા એડવાન્સ પેટે માંગનારો કલાકાર ભવિષ્યમાં કેવું કામ કરે છે ? સામાન્ય રીતે ભારતીય સિનેમા જગતમાં ફી કે મહેનતાણા પેટે સૌથી વધુ રકમ હિરોને ચુકવવામાં આવતી હોય છે. કદાચ ક્યારેક કોઈ એકાદ ફિલ્મમાં એવું બન્યું હશે કે હિરો સિવાય કોઈ બીજા સ્ટારને બાકી ના આર્ટિસ્ટ કરતા વધુ પેમેન્ટ આપવામાં આવ્યું હોય. પણ વર્ષો સુધી કોઈ એક વિલનનું પાત્ર ભજવતા સ્ટારને હિરો કરતા વધુ પેમેન્ટ મળ્યુ હોય તેમ માની શકાય ખરૂં ? યસ, પ્રાણ માટે વાત સો સો ટકા સાચી છે. ૧૯૫૦ -'૬૦ - '૭૦, એવો સમય હતો જ્યારે દિલીપ કુમાર, દેવ આનંદ, રાજેન્દ્ર કુમાર, રાજ કપૂર કે રાજેશ ખન્ના જેવા એકથી એક ચઢિયાતા સુપર સ્ટાર્સ હતા છતાં, પહેલા બ્રેકની ઉજવણી માટે રૂપિયા સો એડવાન્સમાં માંગનારો અભિનેતા દાયકાઓ દરમિયાન તમામ હિરો કરતા હાઈએસ્ટ પેઈડ આર્ટિસ્ટ હતા. અમિતાભ બચ્ચનની સુપર ડુપર હીટ ફિલ્મ ડૉનની વાત કરો,  ફિલ્મ માટે અમિતાભને રૂપિયા અઢી લાખ ચૂકવવામાં આવ્યા હતા જ્યારે આ જ ફિલ્મ માટે પ્રાણને રૂપિયા પાંચ લાખ ચૂકવાયા હતા.
માત્ર હિન્દી ફિલ્મોમાં  નહીં પણ પંજાબી ફિલ્મો અને ત્યારબાદ કેટલીય બંગાળી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી ચૂકેલા આ આર્ટિસ્ટને તે સમયે ઓનસ્ક્રીન મોસ્ટ એક્સેપ્ટેબલ વિલન તરીકે ગણવામાં આવતો હતો. જે વિલનને તેના રોલ માટે એક હિરો કરતા પણ વધુ પૈસા મળતા હોય તે વિલન માટે આ એક કેટલી નવાઈની વાત છે કે તેને જિન્દગીનો પહેલો ફિલ્મ ફેર એવોર્ડ વિલનના રોલ માટે નહીં પણ કેરેક્ટર રોલ માટે મળ્યો હતો. જી હા, પ્રાણ સાહેબને તેમનો સૌપ્રથમ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો ૧૯૬૭માં એઝ  બેસ્ટ સપોર્ટીંગ એક્ટર ઈન  ફિલ્મ ઉપકાર. ત્યારબાદ ૧૯૬૯માં આંસૂ બન ગયે ફૂલ માટે, ૧૯૭૨માં બેઈમાન માટે અને ૧૯૯૭માં લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ તેમને એનાયત થયા. આ તો માત્ર ફિલ્મ ફેર એવોર્ડ્ઝની વાત થઈ, આ સિવાય પ્રાણ સાહેબને બીજા અનેક એવોર્ડ્ઝ એનાયત થયેલા છે. લીસ્ટ ઘણું લાંબુ છે. પણ મહત્વના બે એવોર્ડ યાદ કરી લઈએ તો ૨૦૦૧માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા અને ૨૦૧૩માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. વર્ષ ૨૦૧૩ના એપ્રિલ મહિનામાં જ્યારે તેમને એવોર્ડ આપવાને જાહેરાત  કરવામાં આવી ત્યારે પ્રાણ સાહેબની તબિયત એટલી સારી નહોતી કે તે આ એવોર્ડ ફંક્શનમાં દિલ્હી જઈ શકે. આથી ભારત સરકારના તે સમયના કેન્દ્રીય મંત્રી મનિષ તિવારીએ મુંબઈ તેમના ઘરે આવી તેમને આ એવોર્ડ એનાયત કરવો પડ્યો હતો.   
'બરખુરદારઈસ પ્રાણ કે બારે મેં એક બાત બહોત હી ઈન્ટ્રેસ્ટીંગ હૈ !' કઈ વાત વિલન જી ? જ્યારે પ્રાણ સાહેબની બાયોગ્રાફી લખવામાં આવી રહી હતી, ત્યારે આ પુસ્તક સાથે સંકળાયેલા તમામ વિચારતા હતા કે આ બાયોગ્રાફીનું નામ શું રાખવું ?  અંગે ખૂબ વિચારણા થઈઅને આખરે જે ટાઈટલ નક્કી થયું અને કવર પેઈજ પર લખાયું તે હતું, '...એન્ડ પ્રાણ', એક વિલનની બાયોગ્રાફીને આવું નામ મળવા પાછળનું કારણ હતું કે પ્રાણ સાહેબે લગભગ ૩૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું જેમાંથી ૨૫૦ જેટલી ફિલ્મોમાં જ્યારે સ્ક્રીન પર ટાઈટલ્સ આવતા ત્યારે બધા કલાકારોના નામ આવી ગયા પછી છેલ્લે લખાઈ ને આવતું, '...એન્ડ પ્રાણ' અથવા ક્યારેક લખાયું હોય, 'અબોવ ઓલ પ્રાણ.' આથી તેમની બાયોગ્રાફીનું ટાઈટલ આવ્યું, '...એન્ડ પ્રાણ'
પ્રાણ સાહેબની સાદગી અને સ્ટારડમથી ઉપરના વ્યક્તિત્વની ઓળખ આપતા એક કિસ્સો હમણાં યાદ આવે છે. વાત છે ફિલ્મ 'તુમસા નહીં દેખા'ની. એક દિવસ પ્રાણ શમ્મી કપૂરની સાથે તુમસા નહીં દેખા ફિલ્મનું શૂટીંગ કરી રહ્યા હતા. અમે ફિલ્મના એક સીનમાં શમ્મી કપૂરે પ્રાણને પંચ મારવાનો હતો. હવે શૂટીંગ દરમિયાન શમ્મીથી સાચે જ પ્રાણને પંચ વાગી ગયો જેથી પ્રાણને નાકમાંથી લોહી વહેવા માંડ્યુ. પ્રાણ ઈન્ડસ્ટ્રીના સિનીયર આર્ટીસ્ટ હતા અને તે સમયે શમ્મીના નામ કરતા તેમનું નામ ક્યાંય ઉંચા દરજ્જા પર હતું. શમ્મી ગભરાઈ ગયા અને આખા શૂટ પર પ્રાણ જ્યાં જ્યાં જાય શમ્મી તેમની પાછળ પાછળ ફરી માફી માંગવા માંડ્યા. પ્રાણે તરત ફિલ્મના ડાયરેક્ટર નાસિર હુસૈનને કહ્યુંશમ્મીને સમજાવો મને કંઈ નથી થયું અને તમે તરત શૂટીંગ સ્ટાર્ટ કરો. આજે કેટલાય સ્ટાર જ્યારે આંગળી પર એક સામાન્ય ચિરો પડે તો પણ આખી દુનિયાને માથે લઈ લે છે ત્યારે સ્વાભાવિક છે કે તેમના  વર્તન સામે પ્રાણ જેવા સાવ નોખી માટીના કલાકારની યાદ આવે.
અરૂણા ઈરાની સાથેના એક અનુભવની વાત પણ ખૂબ રસપ્રદ છે. એક સમયે જ્યારે અરૂણા ઈરાનીને પ્રાણ સાહેબે હોંક કોંગથી કલકત્તા અને કલકત્તાથી મુંબઈ લઈને આવવાના હતા. ત્યારે કોઈક સંજોગોવસાત કલકત્તાથી મુંબઈ ફ્લાઈટ મોડી પડી, અને બંનેને કલકત્તા હૉટેલમાં રોકાઈ જવું પડ્યું. હવે પ્રાણની ઓન સ્ક્રીન ઈમેજને લીધે અરૂણા ઈરાની તે સમયે અંદરોદર ખૂબ ગભરાયા, તેમને મોઢા પર પરસેવો છૂટી ગયો. પણ હૉટેલ પર જઈ પ્રાણ સાહેબે તરત અરૂણા ઈરાનીને તેમના રૂમ પર ડ્રોપ કર્યા અને સૂચના આપી કે તેઓ પોતાનો રૂમ અંદરથી બરાબર લોક કરી લે અને કોઈ પણ દરવાજો નોક કરે તો ખોલે નહીં. પ્રાણ સાહેબનું આટલું સાલસ અને સભ્ય વર્તન જોઈ અરૂણા ઈરાનીને તેમને માટે ખૂબ માન થયું હતું.
પ્રાણ સાહેબ ક્યારેય પોતાના ઘરમાં ફિલ્મો વિષે વાત સુધ્ધા નહોતા કરતા. તેમની દીકરી પિન્કી તેમના પિતાને યાદ કરતા કહે છે, 'જ્યારે અમે નાના હતા ત્યારે અમને ખબર સુધ્ધા નહોતી કે અમારા પાપા હિન્દી સિનેમાના આટલા મોટા અભિનેતા છે. કારણ કે ઘરમાં તેઓ ફિલ્મો અંગે એક પણ વાત ક્યારેય કરતા નહીં.'
પડદા પરનો ખલનાયક રિઅલ લાઈફમાં એક મૃદુ સ્વભાવનો સાલસ વ્યક્તિ હતો. પ્રાણ સાહેબનું મેથમેટિક્સ ખૂબ સારૂં હતું, તેઓ ચેસ પણ રમતા અને ડ્રોઈંગ પણ તેમના રસના વિષયોમાંનો એક ખરો. તેઓ કેટલીય વાર તેમની દીકરી પિન્કીને તેના સ્કુલના દિવસોમાં ડ્રોઈંગમાં મદદ કરાવતા હતા. કવિતાઓ અને શાયરીઓ પ્રાણનું ખૂબ ઓછા લોકો જાણે છે તેવું એક વ્યક્તિત્વ છે.
પ્રાણ સાહેબ પોતાની જિંદગીપોતાના કામ અને ફિલ્મોમાં તેમના રોલથી એટલા ખુશ હતા કે જ્યારે કોઈ પણ એમને પૂછતું કે, 'જો તમને ચોઈસ આપવામાં આવે તો તમે આવતા જન્મે કયા સ્વરૂપમાં જન્મ લેવાનું પસંદ કરો ?' ત્યારે પ્રાણ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તરત કહી દેતા, 'હું આવતા જન્મે પણ પ્રાણના રૂપમાં જ જન્મ લેવાનું પસંદ કરીશ. 



Comments (0)