કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ તેનો આત્મા એવા કયા કયા કારણોસર શાંતિથી આપણી દુનિયાથી પરલોકની દુનિયા તરફ પ્રસ્થાન નથી કરી શકતો ? અધુરી મનોકામના, અપમૃત્યુ, ખૂન, કાળો જાદૂ, પિચાશી અસર સાથેની મોત કે પછી બીજૂં કંઈક ? આમ તો કારણો સિવાયના પણ અનેક હોઈ શકે. પણ એક વાત ચોક્ક્સ છે કે કોઈ પણ માનવી જ્યારે કોઈ વ્યક્તિને નિર્દય રીતે મારી નાખે કે અમાનવિયતાની હદ સુધીનો અત્યાચાર ગુજારે અથવા જેનું ખૂન કરવામાં આવ્યું હોય તે યા જેના પર તે અત્યાચાર થયો હોય તે. આવી દરેક વ્યક્તિ ત્યાર પછીનું તેનું જીવન શાંતિથી નથી જીવી શકતી અને તે જ રીતે તેનું મોત પણ શાંતિમય નહી જ હોવાનું.
વિચાર કરો કોઈક દીકરો કે દિકરી ક્યારેક પોતાના  મા-બાપને મારી નાખી શકે ખરાં ? આજ ના જમાના પ્રમાણે કદાચ તમારો જવાબ હકારાત્મક આવી શકે. કોઈ પણ વાચક તરત દલીલ કરશે, 'ભાઈ આજના જમાનામાં કંઈ પણ શક્ય છે. જે દીકરાઓ આજે મા બાપને પોતાના ઘરમાંથીદિલમાંથી બહાર ઢકેલી શકે તે મારી પણ નાખી જ શકે. જમાનો બદલાઈ ગયો છે ભાઈ.' પણ અમે તમને એમ કહીએ કે વાત લગભગ એકસો બાવીસ વર્ષ પહેલાની છે તો ? તે સમયતો ખરેખર એવો સમય હતો જ્યારે આપણે મા-બાપની પૂજા કરવા ટેવાયેલા હતા, સવારે ઊઠીને તેમના ચરણસ્પર્શ કરવાની આદત અને સંસ્કાર હતા. તે સમયે પણ દુનિયામાં કોઈ સંતાન મા-બાપને મારી નાખી શકે કે તેમના પર જૂલ્મ ગુજારી શકે તે શક્ય નથી. અને જો કોઈએ તેવું કર્યું હોય તો તે શૈતાન  હોઈ શકે. ખેર, તે શૈતાન હતી કે નહીં તે નિર્ણય આપણે નથી કરવોઆપણે તો વાત કરવી છે ઘટનાની અને વાત કરવી છે તે ઘટનાને કારણે આજે પણ જેની અસર જોવા મળે છે તે પરીણામની.

અમેરિકાના મેસેચ્યુએટ્સની ફોલ રીવર, ૯૨ સેકન્ડ સ્ટ્રીટ. જી હાં આ સરનામું છે ઉપર વાત થઈ તે મસમોટી પ્રસ્તાવનાનું. 'ધ લિઝી બોર્ડન હાઉસ' જે હાલના સમયમાં 'લિઝી બોર્ડન બેડ એન્ડ બ્રેકફાસ્ટ' ના નામથી એક રેસ્ટોરન્ટ તરીકે જાણીતી છે. ઓગસ્ટ, ૧૮૯૨, એક પ્રખ્યાત બિઝનેસ મેન એન્ડ્રુ બોર્ડનની લાશ તેના જ ઘરમાંથી મળી આવે છે. પાડોશીઓ, ડૉક્ટર્સ અને પોલિસ ઘટનાસ્થળ પર જમા થઈ જાય છે. પોલિસ આખાય ઘરની તપાસ આરંભે છે અને એટલામાં ઘરના ઉપરના મજલે એન્ડ્રુની પત્ની ઍબી બોર્ડન પણ મૃત હાલતમાં જોવા મળે છે. ત્યાં હાજર તમામની આંખ પહોળી થઈ જાય છે. એન્ડ્રુ કે ઍબીને એવી કોઈ જ આર્થિક, શારિરીક કે સામાજીક તકલીફ નહોતી કે તે લોકોના જીવનનો અંત રીતે પરીણમી શકે. કુલ્હાડી દ્વારા નિર્દયતાથી બંનેનું ખૂન થયું હતું. એન્ડ્રુ એક મોટો બિઝનેસ મેન હતો આથી પૈસાની લાલચમાં જો કોઈએ તેનું ખૂન કર્યું હોય તો ઘરમાં લૂંટફાટ થયાની કોઈ નિશાની હોવી જોઈતી હતી, ધંધાની દુશ્મનીને કારણે થયું હોય તો પણ બજારમાં વાતની ખબર હોવી જોઈતી હતી. બધી અટકળોની વચ્ચે એન્ડ્રુ અને ઍબીની મોતને એક અઠવાડિયા જેટલો સમય થયો હશે ત્યાં અચાનક એક દિવસ પોલિસ એક છોકરીને અરેસ્ટ કરે છે. જેનું નામ લિઝી એન્ડ્રુ બોર્ડન. જી હાંએન્ડ્રુ બોર્ડનની દિકરી લિઝી.
આજની વેલ્યુ પ્રમાણે લગભગ દસ મિલિયન ડોલર જેટલી સંપત્તિ ધરાવતા એન્ડ્રુ બોર્ડનની આ રીતની મોતથી ઘણાંય લોકો અવાક રહી ગયા હતા. તે સમયમાં શહેરની એક જાણીતી બેંકના માલિક અને સારી એવી પ્રોપર્ટી ધરાવતા એન્ડ્રુ અને ઍબી માટે શરૂઆતમાં લોકોને શક હતો કે તેમનું ખૂન તેમના કોઈ બિઝનેસ રાઈવલ્સ દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે. પણ પોલિસે જ્યારે લિઝીને અરેસ્ટ કરી ત્યારે સૌને તે વાતની નવાઈ લાગી. કોઈ એક દિકરી કઈ રીતે આમ પોતાના જ મા-બાપનું ખૂન કરી શકે અને તે પણ એક કુલ્હાડીથી આટલી નિર્દયતાથી ! ડાર્ક ગ્રીન કલરના એક મંઝીલા મકાનમાં એન્ડ્રુ તેની બીજીવારની પત્ની ઍબી સાથે રહેતો હતો. એન્ડ્રુના તેની પહેલી પત્ની સાથે કોઈક કારણોસર સંબંધો વણસ્યા અને તેઓ છૂટા થઈ ગયા. એન્ડ્રુને તેની પહેલી પત્ની દ્વારા બે દિકરીઓ હતી. ઍમા અને લિઝી. પોલિસને તે વખતે લાગ્યું કે એન્ડ્રુની મોતથી કોઈને સૌથી વધારે ફાયદો થઈ શકે તો તે હતા ઍમા અને લિઝી. બંને બહેનોમાં આમ પણ લિઝી પહેલેથી જ પોલિસના શકના ઘેરામાં વધુ આવતી હતી. કારણ કે લોકો માનતા હતા કે લિઝી વારંવાર તેના ખરાબ અને કોઈ માનસિક રોગી જેવા વર્તનને કારણે પરીવાર  સાથે ઝઘડો કરતી રહે છે. અને તેની સ્ટેપ મધર ઍબી સાથે ઘણીવાર ઝઘડા કરતી તેને લોકોએ સાંભળી હતી. મર્ડર ઈનવેસ્ટીગેશન દરમિયાન પણ લિઝીનું વર્તન શંકાશીલ હતું જેથી પોલિસને તેના પર વધુ શક થતો હતો. વારંવાર તેના જવાબો બદલાતા હતા, તેનું વર્તન સામાન્ય કરતા અલગ રહેતું હતું. અને આ જ બધા કારણોને કારણે અગિયારમી ઓગસ્ટે પોલિસે લિઝીને અરેસ્ટ કરી હતી.

જો કે આખોય કેસ આખરે તો કોર્ટમાં પણ અનસોલ્વડ જ રહી ગયો અને ફોરેન્સિક લેબની રિપોર્ટસબૂત અને બીજા અનેક કારણોને લીધે કોર્ટે લિઝીને છોડી દેવી પડી. પણ વાત ક્યાંક અહીંથી શરૂ થાય છે. કહે છે કે જ્યારે કોર્ટમાં એન્ડ્રુ અને ઍબીના ખૂન અંગે કેસ ચાલી રહ્યો હતો અને લિઝી આરોપીના બોક્ષમાં ઊભી રહેતી હતી ત્યારે પણ કોર્ટની દરેક તારીખે એન્ડ્રુ અને ઍબીનો આત્મા ત્યાં આવતો હતો. લોકો કહે છે કે એન્ડ્રુ અને ઍબીના આત્માએ પોલિસને મદદ કરી હતી ઘરના બેઝમેન્ટ માંથી તે કુલ્હાડી શોધી કાઢવામાં જેનાંથી તે લોકોના મોત થયા હતા. પણ તે કુલ્હાડીની બ્લેડ પર કોઈ લોહીના નિશાન નહોતા અને તેનું હેન્ડલ પણ તોડી નાખવામાં આવ્યું હોવાને કારણે તેને સબૂત તરીકે કોર્ટમાં માન્ય નહોતો રહ્યો.

લિઝીને કોર્ટે છોડી દીધી. ઍમા અને લિઝી ત્યારબાદ ફરી બોર્ડન હાઉસમાં રહેવા આવી ગયા પણ કહે છે કે એન્ડ્રુ અને ઍબીની આત્મા તે લોકોને ત્યાં શાંતિથી રહેવા નહોતી દેતી. પોતાની જ દિકરીએ તે લોકોને મારી નાખ્યા હોય તે લોકો તે ઘર છોડીને જવા તૈયાર નહોતા અને સતત તેમની હાજરી ત્યાં હોવાનો લિઝીને અહેસાસ કરાવતા રહેતા. લિઝીની ત્યારબાદની જિંદગી પણ અનેક રસપ્રદ કાહાનીઓથી ઘેરાયેલી છે પણ આપણે તેની વાત નથી કરવી. ક્યાંક ૧૯૨૭માં લિઝી અને ઍમાનું મૃત્યુ થયું અને તેમને ઑક ગ્રુવ સેમેટ્રીમાં જ્યાં એન્ડ્રુ અને ઍબીને દફનાવવામાં આવ્યા હતા ત્યાં જ દફનાવવામાં આવ્યા. 
કહે છે કે લિઝી, એન્ડ્રુ અને ઍબીની આત્મા આજે પણ બોર્ડન હાઉસમાં રહે છે. એન્ડ્રુ આજે પણ બોર્ડન હાઉસના દરવાજેથી ઉપરના દાદર તરફ આંટા ફેરા કરતો હોય છે. ઘરમાં એક બિલાડી છે જેને ઍબીનું ભૂત પોતાના હાથમાં લઈને ફરતી હોય છે. લોકોનું માનવું છે કે બિલાડી જેની પણ પાસે જાય છે અથવા તેમની વચ્ચેથી પસાર થાય છે તે કેટલાય સમય સુધી માનસિક રીતે અશાંત રહે છે. અકારણ ગુસ્સો કરે છે અથવા વારંવાર એવું વર્તન કરે છે જે કોઈ પણ વ્યક્તિ નોર્મલ કન્ડિશનમાં નહીં કરતી હોય. ત્યાં જઈ આવેલા લોકોને જે અનુભવ થયા છે તે પ્રમાણે તેઓ કહે છે કે જ્યારે તેઓ બોર્ડન બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં ગયા ત્યારે પહેલા માળ તરફ જતી વખતે દાદર પર કોઈ તેમની સાથે ચાલી રહ્યું હોય તેવો ભાસ થાય છે. કહે છે કે ઉપરના માળ પરના કમરાઓમાં આજે પણ સવારના સમયે તે નાસ્તાની સુગંધ આવે છે જે એન્ડ્રુ તે સમયે ખાતા હતા. કેટલાંક લોકોએ તો તે રૂમ્સમાં નાસ્તાની ડીશ પણ જોઈ હતી. કહે છે કે તેનું મર્ડર થયું તે દિવસે તેણે કેળા, જોની કેક, શુગર કુકીઝ અને કોફીનો નાસ્તો કર્યો હતો. અને આજે પણ ત્યાં ગયેલા મહેમાનને તે નાસ્તો મંગાવવા એન્ડ્રુ દબાણ કરતો હોય છે. રાતના સમયે કોઈક સ્ત્રીનો અવાજ ઘણાંય લોકોએ સાંભળ્યો છે જે પોતાની સાથે વાત કરવા બોલાવતી હોય છે, ઍબીનું એ ભૂત તેમને તેની સાથે રહેવાની આજીજી કરતું હોય છે. અને જ્યારે તે સાંભળી કે જોઈ તે મહેમાન તેના તરફ જાય છે ત્યારે અચાનક તે આકૃતિ અદ્રશ્ય થઈ જાય છે.
લોકો કહે છે કે લિઝી આજે પણ ઘણીવાર બેડ એન્ડ બ્રેકફાસ્ટના કાઉન્ટર પર આવે છે અને એક યા બીજી રીતે કહેતી હોય છે કે આ ઘર,  રૅસ્ટોરન્ટ તેની પોતાની માલિકીની છે. લિઝી કેટલીય વાર ત્યાં દેખાતી બિલાડી પર પણ ગુસ્સો કરતી હોય તે રીતનો અવાજ સંભળાય છે. કહે છે કે લિઝી કાયમ આખાય ઘરમાં ગુસ્સામાં ફરતી હોય છે અને આવતા જતા લોકોને કોઈ અજાણી શક્તિએ ધક્કો માર્યો હોય તેવું જે લાગે છે તે અસલમાં લિઝી તેમને હડસેલી મૂકવાનો પ્રયત્ન કરતી હોય છે. અજાણી કોઈ આકૃતિ સતત તે ઘરમાં ફરતી દેખાય છે. કેટલાંક કહે છે તે લિઝીનું ભૂત છે તો કેટલાંક કહે છે તે ઍબીની આત્મા છે.






Comments (0)