૨૩મી જૂલાઇ ૨૦૧૪. એક લિજેન્ડરી કોમેડિયને આપણી વચ્ચેથી વિદાય લીધીને દસ વર્ષ પૂર્ણ થયા, તેમની દસમી પૂણ્યતિથી લખનારને કે વાચકને કદાચ યાદ પણ આવી હોત પણ, હમણાં તેમના નિઃસ્વાર્થ સપોર્ટને કારણે આજે હિન્દી સિનેમા જગતના સ્ટાર ઓફ મિલેનિયમ ગણાતા અભિનેતા એવા અમિતાભ બચ્ચનની 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સિરીઝ એનાઉન્સ થઈ ત્યારે સ્વાભાવિક રીતે મનમાં એક વિચાર પ્રવેશી ગયો કે સૌના લાડીલા એવા કોમેડિયન મહેમૂદ હોત તો કદાચ આજે અમિતાભ બચ્ચનઅમિતાભ બચ્ચન  હોત. અને તરત અમારા હાથની આંગળીઓ એ પેનનો સહારો લઈ મહેમૂદ સાહેબને યાદ કરી લેવાના પ્રયત્નો આરંભી દીધા.
જી હાં, ૨૩મી જૂલાઈ ૨૦૦૪ના દિવસે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં આપણા મહેમૂદ સાહેબ જન્નતનશીન થયા હતા. ૨૩મી જૂલાઈએ તેમની વિદાયને દસ વર્ષ પૂર્ણ થયા. ૨૯મી સપ્ટેમ્બર ૧૯૩૨માં મુંબઈમાં ૧૯૪૦-'૫૦ના દાયકાના પ્રખ્યાત ફિલ્મ, સ્ટેજ એક્ટર અને ડાન્સર મુમતાઝ અલીને ત્યાં જન્મેલા આંઠ બાળકોમાં ના એક મહેમૂદ. તેમનાથી મોટી એક બહેન હતી અને તે સિવાય તેમના પછી બીજા બાળકો. મોટી બહેન મીનૂ મુમતાઝ પણ સફળ કેરેક્ટર આર્ટીસ્ટ અને ડાન્સર હતી અને સૌથી નાનો ભાઈ અનવર અલી પણ એક્ટર કમ પ્રોડ્યુસર હતો. જેમણે ખુદ્દાર અને કાશ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. મહેમૂદ સાહેબે તેમનું ફિલ્મી કરિઅર સ્ટાર્ટ કર્યું એક બાળ કલાકાર તરીકે અને તેમની પહેલી ફિલ્મ હતી બોમ્બે ટોકીઝ દ્વારા બનાવવામાં આવેલી કિસ્મત.
હિન્દી સિનેમા જગતમાં ઘણાં કલાકારોને જોઈ આપણા દિમાગમાં એક છાપ ઊભી થઈ ગઈ છે કે જે આર્ટીસ્ટનો પરીવાર ફિલ્મી જગત સાથે જોડાયેલો હોય તેમને ફિલ્મોમાં કામ મળવામાં કોઈ ઝાઝી તકલીફ નથી પડતી. પણ કમસે કમ મહેમૂદ માટે વાત સાચી નથી. મહેમૂદે પોતાની ફિલ્મી કરિઅર શરૂ કરતા પહેલાં અનેક નાની મોટી નોકરી કરવી પડી હતી. જેમાં ડ્રાઈવરની નોકરીથી લઈને પોલ્ટ્રી સુધીના કામો આવી જાય છે. જી હાં, મહેમૂદે પોલ્ટ્રી વેચવાથી લઈને ડ્રાઈવરની પણ નોકરી કરી હતી. ડાયરેક્ટર પી.એલ. સંતોષીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા મહેમૂદને પાછળથી તેમના દીકરા રાજ કુમાર સંતોષીએ તેમની ફિલ્મ અંદાઝ અપના અપના માટે નોકરી આપી. ફિલ્મ માટે તેમણે મીના કુમારીને ટેબલ ટેનિસ શીખવવાનું હતું.
મહેમૂદે પહેલાં ક્યારેય તેમના ફિલ્મી કરિઅર અંગે ગંભીરતાથી વિચાર્યું નહોતું, પણ મીના કુમારીની બહેન મધુ સાથે તેમના લગ્ન થયા અને તેમની ઘરે બાળક મસૂદનો જન્મ થયો ત્યારબાદ તેમણે કરિઅરને ગંભીરતાથી લેવા માંડ્યુ. બાળક અને પત્નીને બહેતર જિંદ્દગી આપવાના વિચારે તેમણે તેમની હિન્દી ફિલ્મો તરફની સફર આરંભી. શરૂઆતમાં તેમને સી.આઈ.ડી ફિલ્મમાં નાનો અમથો રોલ મળ્યો, ત્યાર બાદ દો બીંઘા ઝમીન અને પ્યાસા જેવી ફિલ્મોમાં પણ સામાન્ય શીંગ-ચણા વેચવાવાળા જેવી નજીવી ભૂમિકા મળી જેમાં તેમના પાત્રની કોઈએ નોંધ પણ નહોતી લીધી. પણ લોકોને હસાવવાની જબરદસ્ત કાબેલિયત ધરાવતો  સિતારો એમ કંઈ અમાસના વાદળોમાં ખોવાઈ જાય તેમ નહોતો. તેમને ફિલ્મોમાં આગળ વધવા માટે સૌથી વધુ સહાયક પુરવાર થયો તેમનો હૈદરાબાદી ઉર્દૂ લહેકો. આ લહેકો મહેમૂદ સાહેબમાં સહજ હોવા પાછળનું કારણ હતું કે મહેમૂદ સાહેબના ગ્રાન્ડ ફાધર તમિલિયન નવાબ હતા. આથી તેમના પરીવારમાં વાત-ચીતમાં સ્વાભાવિક રીતે જ તમિલિયન અને હૈદ્રાબાદી ટચ સાંભળવા મળતો. મહેમૂદના એ શરૂઆતના દિવસોમાં હિન્દી સિનેમામાં જ્હોની વોકર સૌથી વધુ સક્સેસફુલ કોમેડિયન હતા. જ્હોની વોકરના નામનો તે સમયે સિક્કો ચાલતો હતો. મહેમૂદ પણ તેમની સ્ટાઈલ અને કોમેડીથી ખૂબ પ્રભાવિત હતા. એટલું નહીં પછી તો સિનિયર કોમેડિયન સાથે તેમના અંગત સંબંધો પણ ખૂબ સારા થઈ ગયા. જ્હોની વોકર હંમેશા મહેમૂદને તેમના પ્રોત્સાહિત કરતા રહેતા, સારા-નરસાં દિવસોમાં તેમણે મહેમૂદને તેમનાથી બનતી તમામ મદદ પણ કરી. 

એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર એવા મહેમૂદના અંગત જીવનની કેટલીક વાતો ખૂબ રસપ્રદ છે. આમ પણ કહેવાય છે કે ગ્રેટ કોમેડી કમ્સ ફ્રોમ ગ્રેટ સોરો. મહેમૂદ સાહેબ માટે જ્યારે પણ વાક્ય યાદ આવે છે ત્યારે તેમના જીવનનો એક કિસ્સો આ લખનારને યાદ આવ્યા વગર રહેતો નથી. મહેમૂદ સાહેબના પિતા મુમતાઝ અલીને દારૂની લત લાગી ગઈ હતી, તેમની આદત એટલી હદ વટાવી ચૂકી હતી કે એક પછી એક તેમના ઘરની દરેક વસ્તુ મુમતાઝ અલીની દારૂની આદતને કારણે વેચાવા માંડી.  સમયમાં એક દિવસ મુમતાઝ અલીને દારૂની તલબ લાગી અને તેમણે નાના મહેમૂદને જાણ કર્યા વગર જ તેમની સાયકલ વેચી મારી. તે સાયકલનો ખરીદદાર જ્યારે મહેમૂદની ઘરે સાયકલ લેવા આવ્યો ત્યારે મહેમૂદને ખબર પડી કે અબ્બાજાને પોતાની વ્હાલી સાયકલ દારૂને માટે વેચી નાખી છે. રડતો કકળતો નાનો મહેમૂદ તે સમયે તે સાયકલની પાછળ પાછળ ગલીના નાકા સુધી ઘસડાતો ઘસડાતો ગયો, પોતાની વ્હાલી સાયકલને મહેમૂદ કોઈ કાળે છોડવા તૈયાર નહોતો. તેના હાથ અને ઘોઠણ ઘસડાવાને કારણે છોલાઈ ગયા પણ સાયકલ પાછી  આવી. પોતાના પિતાની દારૂની લતને કારણે છોડવી પડેલી સાયકલને કારણે તે સમયે મહેમૂદે નક્કી કરી લીધું કે તે પોતાના જીવનમાં તે ક્યારેય એવો તબક્કો નહીં આવવા દે કે દારૂને કારણે તેના પરીવારે એક રૂપિયા જેટલી કિંમતનું પણ કંઈક ભોગવવું પડે કે છોડવું પડે.

૧૯૯૦ સુધીમાં લગભગ ૩૦૦ જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મહેમૂદની શરૂઆતની જિંદ્દગી આવા અનેક કપરા સંજોગો વચ્ચે વિતી હતી અને કદાચ આ પરિસ્થિતિઓ જ તેને ભવિષ્યમાં એક માઈલ સ્ટોન ગણાવી શકાય તેવો કોમેડિયન બનાવવાની હતી. પણ લોકોને હસાવતો કલાકાર કુંવારા બાપ જેવી ફિલ્મમાં તે દર્શકોની આંખમાં આંસૂ પણ લાવી શકતો હતો જે મહેમૂદ સાહેબની એક વર્સેટાઈલ એક્ટર તરીકેની છાપ ઊભી કરી આપે છે. મહેમૂદના હિન્દી સિનેમા જગતમાં ત્રણ ખૂબ સારા મિત્રો હતા, આર.ડી બર્મન, કિશોર કુમાર અને સુંદર. ચારેય મિત્રો વચ્ચે એટલી ગાઢ મિત્રના અને અન્ડરસ્ટેન્ડિંગ હતી કે ચારેય ગમે ત્યારે ગમે ત્યાં ફરવા નીકળી પડતા, ધમાલ કરતા અને ફિલ્મી દુનિયા સાથે જ સંકળાયેલા હોવા છતાં ચારેય જ્યારે ભેગા મળતા ત્યારે ફિલ્મોને ભૂલી પોતાની મિત્રતાની દુનિયામાં પહોંચી જતા. તેમના આ સમય દરમિયાનનો એક કિસ્સો ખૂબ મજાનો છે.   સમયની વાત છે જ્યારે મહેમૂદ અને કિશોર પડોશનનું શૂટીંગ કરી રહ્યા હતા, જેમાં મ્યુઝિક આર.ડી. બર્મન આપી રહ્યા હતા.  દિવસોમાં એક વખત આર.ડી. અને કિશોરે મહેમૂદને પજવવાનું નક્કી કર્યું. ફેમસ ગીત 'એક ચતુર નાર'નું શૂટીંગ થવાનું હતું. કિશોર સામે છેડે બારી પાસે ઊભા હતા અને મહેમૂદ તેમની સામેની અગાશી પર હતા.  ફિલ્મમાં મહેમૂદ સાહેબનો મ્યુઝીક ટીચરનો રોલ ખરેખર ચેલેન્જીંગ હતો. અને તેથી મહેમૂદ કાયમ પડોશનના શૂટીંગ પર આવતા ત્યારે તેમના રોલ પર કોન્સન્ટ્રેટ કરવાનો પ્રયત્ન કરતા, કોઈ સાથે વધારે વાત પણ નહોતા કરતા. પણ ગીતના શૂટીંગ દરમિયાન કિશોર પોતાની સ્વભાવગત આદતને કારણે મહેમૂદને પજવવા માંડ્યા. ક્યારેક બારી પાસેથી ઈશારા કરી મહેમૂદને હસાવવાનો પ્રયત્ન કરતા તો ક્યારેક સાચે  કોઈ ભલતી લાઈન ગાઈને તેમને કન્ફ્યુઝ કરી નાખતા. શૂટીંગ દરમિયાન બેક ગ્રાઉન્ડમાં તે ગીત વાગતું હોવા છતાં કિશોર ભલતી જ લાઈન ગાતા હોવાને કારણે મહેમૂદને લીપ સિગીંગ કરવાં ખૂબ તકલીફ પડવા માંડી અને તેમણે થોડો સમય માટે શૂટીંગ અટકાવી દેવા વિનંતી કરી. અને સમય દરમિયાન સેટ પર હાજર આર.ડી. બર્મન અને કિશોર એક ખૂણામાં ઊભા રહી તેમની મજાક પર જોર જોરમાં હસી રહ્યા હતા. ત્યાર બાદ તો તેમને જોઈ આખુંય યુનિટ ખડખડાટ હસી પડ્યું. અને ભોળા મનના મહેમૂદ સમજી ગયા કે આખીય યોજના કિશોર અને પંચમ્ દ્વારા ઘડવામાં આવી છે.

વાત વાતમાં વાત એવી ચાલી કે મહેમૂદ સાહેબની અંગત જિંદગી, અમિતાભજી સાથેના સંબંધ, ફિલ્મી કરિઅરની કેટલીક અજાણી વાતો અને બીજી કેટલીક રસપ્રદ માહિતી અંગેની વાતો કરવાની તો રહી ગઈ ! વાંધો નહીં મહેમૂદ જૈસે કલાકાર કે લિયે એક ઓર એપિસોડ તો લીખના બનતા હૈ બોસ. આવતા અઠવાડિયે કેટલીક મહેમૂદ કી અનસૂની બાતે સાથે પુરૂં કરશું.
લાસ્ટ કટ ; મહેમૂદ એવા જૂજ કલાકારોમાં ના એક છે જેમના નામ પરથી જ તેમની ફિલ્મનું પણ નામ રાખવામાં આવ્યું હતું. 'જૌહર મહેમૂદ ઈન ગોવા અને જૌહર મહેમૂદ ઈન હોંક કોંગ.'








Comments (0)