મેટ્રોપોલિટન શહેરમાં રહેતા ન્યુક્લીયર ફેમિલી, આધુનિકતાના વાઘાસ્વતંત્ર વિચારોનો સ્વીકાર અને બધાની સાથે ચાલતી સતત દોડધામ જેના કારણે સતત વ્યસ્તતા. આ બધા  શબ્દો આપણી હાલની લાઈફ સ્ટાઈલ કે આપણા જીવનને સૂચવે છે. આવા સંજોગો સાથે અને આપણે સ્વીકારી લીધેલી આ લાઈફ સ્ટાઈલ સાથે હાલના સમયમાં આપણે એક માણસની એવરેજ લાઈફ સાંઈઠ થી સિત્તેર વર્ષ ગણતા થઈ ગયા છીએ, આથી વધુ કોઈ જીવે અને તેમાં પણ ખુશખુશાલ હર્યોભર્યો પરીવાર હોય અને ત્યારબાદ કોઈ મૃત્યુ પામે તો તરત આપણા મોઢા પર એક વાક્ય આવશે. કાકા અથવા કાકી નસીબદાર ખરાં હં, લીલી વાડી જોઈ ને ગયા. આજ ના આવા આધુનિક યુગમાં જો અમે તમને એમ કહીએ કે કોઈ એક દેશમાં એક આખાય શહેરને 'સિટી ઓફ ઘોસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે તો ? એક દેશમાં ૧૦૧૦ ચોરસ માઈલમાં ફેલાયેલા  શહેરમાં એક કરતા વધુ ભૂત રહે છે અને તે દરેકની કોઈને કોઈ કહાની છે તોતમે માનશો ?

જી આપણે વાત કરવા જઈ રહ્યા છે ઈંગ્લેન્ડની. અને આજ ઈંગ્લેન્ડના એક શહેરની જેને 'ધ ઘોસ્ટ કેપિટલ ઓફ ઈંગ્લેન્ડ' તરીકે ઓળખવામાં આવે છે. સિટી ઓફ ડર્બી, એટલે કે હોન્ટેડ ડર્બીશાયર. જ્યાં તમને ન માત્ર રાતના સમયે પણ દિવસના સમયે પણ અનેક ભૂતિયા અનુભવ થાય છે. આ શહેરમાં ડર્બી ગેઓલ નામનું એક મ્યુઝિયમ છે જે જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ૧૯૯૭માં રિચાર્ડ ફેલીક્સ નામના એક મહાશયે આ મ્યુઝિયમ લીધું હતું. પેરનોર્મલ ઈનવેસ્ટીગેટર અને હિસ્ટોરી રીસર્ચ કરનારો રિચાર્ડ શહેર પર, ત્યાં વર્ષોથી ચાલતી ભૂતની વાતો પર અને લોકોના અનુભવોની સચ્ચાઈ સમજવા તથા રિસર્ચ કરવાના આશયથી અહીં રહેવા આવ્યો હતો. પછી તો પાછળથી રિચાર્ડ 'મોસ્ટ હોન્ટેડ' નામના ટેલિવીઝન પ્રોગ્રામને કારણે ખૂબ જાણીતો બન્યો.
ડર્બી શાયરની હૉટેલ બેલ ઈનનો રૂમ નંબર ૨૯ બધા અનુભવો અને ચર્ચામાં મોખરાના સ્થાન પર છે. કહે છે કે રૂમમાં એક યુવાન છોકરી જે ત્યાં નોકર હતી અને તેને ૧૭૪૫માં જેકોબાઈટ આર્મી દ્વારા મારી નાખવામાં આવી હતી. બેલ ઈન હૉટેલમાં આજે પણ આ છોકરી રૂમ નંબર ૨૯માં જ હાજર છે તેવો કેટલાંય મુલાકાતીઓને અનુભવ થયો છે. ઘણાં લોકોનું ત્યાં સુધીનું કહેવું છે કે તે છોકરીએ તેમની સાથે વાત સુધ્ધા કરી છે.  ૧૯૯૭માં રિચાર્ડ જ્યારે અહીં રહેવા આવ્યા ત્યાર પછી તેમણે ૧૯૯૯માં પહેલીવાર ત્યાં ભૂત જોયું હતું. રિચાર્ડ કહે છે કે ડર્બી ગેઓલના એન્ટ્રી ગેટથી લઈને તેમના રૂમ સુધી કોઈ એક ગ્રે કલરની ખૂબ વિચિત્ર આકૃતિ તેમણે ફરતી જોઈ હતી. ધુમાડાએ કોઈ આકાર ધારણ કર્યો હોય તેમ દેખાતી આ આકૃતિ વારંવાર તેમના રૂમમાં આંટા મારતી હતી તો ક્યારેક મેઈન ગેટ સુધી જઈને પાછી ફરતી હતી. રિચાર્ડને આ અનુભવ થયો ત્યારબાદ તેમની આ સ્થળ પ્રત્યે જીજ્ઞાસા ઓર વધી ગઈ અને તેમણે ચોવીસ કલાક અહીં શોધખોળ ચલાવવાનું નક્કી કરી લીધું. 
કહે છે કે ૧૮૭૫ની સાલની આસપાસ અહીં એક પોલિસમેન હતો જોસેફ મોસ, ૧૮૭૯માં જોસેફનું ખૂન થઈ ગયું હતું, તેને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો હતો. જોસેફને મારી જાખવા પાછળ કયું કારણ જવાબદાર હતું તેની કોઈને ચોક્ક્સ ખબર નથી પણ કહેવાય છે કે જોસેફનું ભૂત આજે પણ ત્યાંની ફીશ માર્કેટમાં ફર્યા કરે છે. ડર્બીશાયનીના આ ફીશ માર્કેટનું મકાન ૧૮૭૦-૮૦ની સાલમાં પોલિસ હેડક્વાર્ટર હતું. આજ સુધી ઘણાંય લોકોએ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જોસેફ શું કારણથી આટલા વર્ષો પછી પણ અહીં રહે છે પણ કોઈ આજ સુધી તેનો તાડો મેળવી શક્યું નથી. 

સિવાય એક બીજી કહાની ડર્બીના સેન્ટ્ મેરિ બ્રીજ સાથે સંકળાયેલી છે. કહે છે કે ૧૫૮૮ની ૨૪મી જૂલાઈએ સેન્ટ મેરિ બ્રીજ પાસે બનાવવામાં આવેલા ચેપલ (ખ્રિસ્તી સમુદાયમાં પ્રાર્થના કરવા માટે બનાવવામાં આવેલો રૂમ)માં ત્રણ કેથલીક ગુરૂ એટલે કે ફાધરને લટકાવીને મારી નાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે દર વર્ષની ૨૪મી જૂલાઈએ અહીં પડધા પડતા હોય તે રીતના અવાજો સંભળાય છે, એટલું નહીં સેન્ટ મેરિ બ્રીજની નીચેથી વહેતી નદીના આજૂબાજૂના વાતાવરણમાં આ તારીખ દરમિયાન કોઈક અલગ પ્રકારના ફેરફાર થતા મહેસૂસ થાય છે અને ત્યાં જનારને જાણે એવો ભાસ થાય છે કે આ વિસ્તારમાં  ત્રણે ફાધર ફરી રહ્યા છે જ્યારે કે હકીકતમાં ત્યાં કોઈ હોતું નથી.
ડર્બી શાયરમાં એક મકાન છે, ' ઓલ્ડ મેનોર હાઉસ' કહે છે કે આ ઘરમાં એક બાળકનું ભૂત રહે છે. જો કે હાલ તે મકાન  એક બેંકમાં કનવર્ટ કરી નાખવામાં આવ્યું છે પણ ક્યારેક અહીં એક નાના બાળકનું ભૂત રહેતું હતું તે વાત ત્યાંના ઘણાં લોકોના મોઢે સાંભળવા મળે છે. કહે છે કે કોઈ એક લેડી જ્યારે ઘરની મુલાકાત લેવા ગઈ હતી ત્યારે તેણે બાળકના ભૂતને પોતાની નજરની સામે જોયું હતું. તે સ્ત્રી કહે છે કે, 'તે બાળકનું ભૂત રીતે કોઈ સામાન્ય જીવંત બાળક જેવું લાગતું હતું કે જ્યારે મેં તેને જોયું ત્યારે હું સહજ રીતે તેને ઉંચકી લેવા માટે નીચે વળી પણ મારા હાથ ખાલી રહી ગયા, તે બાળક અચાનક હવામાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયું અને કોઈ ધુમાડાનો ગોટો જાણે મારી નજર સામેથી પસાર થઈ ગયો હોય તે રીતે મેં ત્યાંના વાતાવરણમાં પલટો આવી રહેલો મહેસુસ કર્યો હતો. તે બાળકનું ભૂત કોણ છે ? તેનું નામ શું છે ? તે કોનું બાળક છે ? આ બધા જ સવાલોના જવાબ આજે પણ એક રહસ્ય જ રહ્યાં છે. પણ કેટલાંય લોકોએ આ બાળકના ભૂતને ત્યાં જોયું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.
            એક શહેરમાં આટલી બધી ભૂતિયા જગ્યાઓ હોય તે ખરેખર એક નવાઈની વાત છે, ઘણીવાર આવી વાતો સાંભળી વહેમ થાય કે ચોક્ક્સ આ બધી મનઘડંત કહાનીઓ હશે. એક જ શહેરમાં આટલા બધા સ્થળ હન્ટેડ કઈ રીતે હોઈ શકે ? હૉટેલ ડોલ્ફીન ઈન, હોટેલ બેલ ઈન, ડર્બી ગેઓલ હોય કે સેન્ટ મેરિ બ્રીજ હોય, યા ફીર ધ જ્યોર્જિયન હાઉસ હોટેલ ઈન આ તમામ સ્થળ ભૂતિયા હોવાની વાતને લોકોના જૂદા જૂદા અનુભવની સાબિતી મળે છે. કહે છે કે હૉટેલમાં કાર્પેટ લગાવવામાં આવી હોવા છતાં કોઈકના ચાલવાના ભારી પગલાંઓના અવાજ સંભળાય છે. શું  વાત ખરેખર અચંબિત કરનારી નથી ? જ્યારે ફ્લોર પર જાડી કાર્પેટ બેસાડવામાં આવી હોય તો કોઈના પગલાંનો અવાજ કઈ રીતે આવી  શકે ? અને તે અવાજની દીશામાં જ્યારે લોકો જુએ છે ત્યારે ત્યાં કોઈ દેખાતું નથી. આ બધી માહિતીઓ ખરેખર કૂતુહલ ઉપજાવનારી છે. પણ એક દલીલ ઈએ ચોક્ક્સ જ થઈ શકે ખરી કે આટલા બધા લોકો એક સાથે કોઈ એક જ સ્થળ માટે જુઠ્ઠું બોલતા હોય કે મનઘડંત કહાનીઓ સંભળાવતા હોય તેવું કઈ રીતે બની શકે.
બીબીસી ચેનલ દ્વારા પણ ડર્બી શાયરની અનેક સાઈટની મુલાકાત ભૂતકાળમાં કરવામાં આવી છે અને તેમણે તેનાથી બની શકે તેટલી ઘટનાઓને ખોટી સાબિત કરવાના પુરાવાઓ રજૂ કરવાની કોશિશ કરી છે પણ બીબીસીને પણ એ વાતનો ખ્યાલ આવ્યો જ હશે કે દરેક સ્થળ અને ત્યાંની તમામ ઘટનાઓ માટે તેઓ લોકો માની શકે તે હદ સુધીના ખુલાસા નથી આપી શક્યા. આપણે તો વાત માત્ર એટલી માનવી રહી કે, ઈંગ્લેન્ડ જેવા આધુનિક દેશમાં કોઈ એક કાઉન્ટી માટે ' ઘોસ્ટ કેપિટલ' નામ આપવામાં આવ્યું હોય અને આટલા બધા લોકોને જ્યાં અજીબો ગરીબ અનુભવ થયા હોય તે સ્થળ તદ્દન ઉપજાવી કાઢેલી વાતોથી તો નહીં  પ્રખ્યાત થયું હોઈ શકે. કદાચ દસ વાતો થતી હોય તો તેમાંની પાંચ વાતો ખોટી કે કોઈના ફળદ્રુપ મનની ઉપજ હોઈ શકે પણ તમામ વાતો ખોટી હોય તો તેની વાસ્તવિક્તા બહાર આવ્યા વગર  રહી શકે.



Comments (0)