કોઈ દેશમાં લાંબા સમયથી સાશન કરતા કોઈ રાજકીય પક્ષ કે લીડરનો સૂર્ય અસ્તાચળે જાય, જનતા તેને પોતાના માનસ પરથી જાકારો આપે, ત્યારે તે દેશ એક નવા લીડરનો ઉદય પોતાને ભેટ આપે છે. તખ્તા પલટોનો દોર હમણાં આપણા દેશમાં પણ જોવા મળ્યો. લોકસભા ચૂંટણીના પરીણામ દરમિયાન અને ત્યાર પછી મિડિયા ચેનલ્સ અને લોકસમૂહમાં એક ભૂતપૂર્વ નેતા અને તેમના શાસન અંગે ઘણી વાતો થઈ. તેમને, તેમના કામને યાદ કરવામાં આવ્યા. આપણાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી.
ઈન્દિરાજી અંગે વાતો ચાલતી હતી ત્યારે ઘણાં લોકોએ તે સમયે ખૂબ ચર્ચાયેલી એવી એક ફિલ્મને પણ યાદ કરી. અને ચર્ચાઓ સાંભળ્યા બાદ અમે પણ ફરી એકવાર ફિલ્મ જોઈ લેવાનો વિચાર કર્યો. ફિલ્મ જોતી વખતે તેની સાથે સંકળાયેલી ઘણી બધી વાતો પણ યાદ આવી અને તરત વિચાર આવ્યો કે સુજ્ઞ વાચકો સાથે એકવાર તે વાગોળી લઈએ તો કેવું ? રિલિઝ સમયે ખૂબ વગોવાયેલી, જોવાયેલી અને હીટ થયેલી એવી ફિલ્મ એટલે 'આંધીસુચિત્રા સેન અને સંજીવ કુમાર સ્ટાર્ર 'આંધી' એક એવી ફિલ્મ છે જેમાં રિલિઝ થયા બાદ ડિરેક્ટર ગૂલઝારને એક સીન ફક્ત એટલા માટે ઉમેરવાની ફરજ બની કારણ કે, કોઈ એક સીનના કારણે તે સમયે લોકોની લાગણી દુભાતી હતી. લોકોમાં ચર્ચાતી કેટલીક ખોટી વાતોને કારણે આમેય ફિલ્મ બદનામ થઈ ચૂકી હતી. જે માટે ખૂદ ગૂલઝાર સાહેબે પ્રધાનમંત્રીને કહેવું પડ્યુ હતું કે લોકોમાં મારી ફિલ્મ વિશે જે વાતો થાય છે તે સદંતર ખોટી છે. અને એક નવા સીન દ્વારા ગૂલઝારે લોકોના ઉગ્ર વિરોધને રદિયો આપ્યો હતો.
૧૩મી ફેબ્રુઆરી ૧૯૭૫માં આંધી રિલિઝ થઈ તેના વીસ સપ્તાહ સુધી વિરોધને કારણે ગુજરાતમાં ફિલ્મ એક પણ સિનેમાઘરમાં નહોતી દેખાડવામાં આવી. ફિલ્મની નાયિકા આરતી દેવી એક રાજકારણી છે અને ફિલ્મના એક સીનમાં આરતી દેવી (સુચિત્રા સેન) ચૂંટણી પ્રચારના સમય દરમિયાન સ્મોક કરતા અને ડ્રિંક કરતા દેખાડવામાં આવી હતી. પણ ફિલ્મનું પાત્ર આરતી દેવી ઈન્દિરાજીથી ઈન્સ્પાયર્ડ હોવાની વાત લોકોમાં ચાલતી હોવાને કારણે ઈન્દિરાજીનો ચાહક વર્ગ કે ફોલોઅર પોતાના નેતાને ઓન સ્ક્રીન સ્મોક કરતા કે ડ્રિંક કરતા જોવા તૈયાર નહોતા અને તેથી તેનો ઉગ્ર વિરોધ થયો. વાત કંઈક એવી બની હતી કે ગુજરાતમાં તે સમયના રાજકીય વિરોધ પક્ષે ફિલ્મ આંધીના એક સીન અંગે ખૂબ ઉહાપોહ મચાવ્યો. તેમણે દલીલ કરી કે ફિલ્મમાં દેશના પ્રધાનમંત્રીને સ્મોક અને ડ્રિંક કરતા દેખાડવામાં આવે તે આ પદની ગરિમાને હાનિકર્તા છે. પરીણામ સ્વરૂપ ગૂલઝારે ફિલ્મમાં એક નવો સીન ઉમેરવો પડ્યો. જેથી લોકોને ખબર પડે કે ફિલ્મની હિરોઈનના પાત્રને અને પ્રધાનમાંત્રીને કોઈ લેવા દેવા નથી. ગૂલઝારે નવા સીનમાં દેખાડ્યુ કે આરતી દેવી ઈન્દિરાજીના ફોટા સામે ઉભી રહી બોલે છે કે ઈન્દિરા ગાંધી તેમની પ્રેરણામૂર્તિ અને આદર્શ છે.
આરતી દેવીનું પાત્ર ઈન્દિરાજીથી ઈન્સ્પાયર્ડ હોવાની વાત તે સમયે એટલી ચર્ચામાં હતી કે ગૂલઝારના આમંત્રણ છતાં ઈન્દિરાજી તે ફિલ્મ જોવા પણ નહોતા ગયા. રિલિઝ પહેલા તેમણે બે કર્મચારીઓ ને ફિલ્મ જોવા મોકલ્યા. જેથી ફિલ્મ રિલિઝ બાદ કોઈ કોન્ટ્રાવર્સીનો તેમણે સામનો કરવો પડે. આ જ કારણથી તે સમયના ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનીસ્ટર આઈ.કે. ગુજરાલે પણ રિલિઝ પહેલા તે ફિલ્મ જોવા જવું પડ્યું હતું. મજાની વાત છે કે દક્ષિણ ભારતમાં તો આંધી રિલિઝ થઈ ત્યારે તેના પોસ્ટર પર પણ લખવામાં આવ્યુ હતુ કે, 'તમારા પ્રધાનમંત્રીને ફિલ્મી પડદે જુઓ.' જ્યારે દિલ્હી ડેઈલીમાં ન્યુઝ હેડલાઈન છપાઈ હતી. 'ધ સ્ટોરી ઓફ અ ગ્રેટ વુમન પોલિટીકલ લીડર ઈન પોસ્ટ-ઈન્ડિપેડન્સ ઈન્ડિયા'
હમણાં જાન્યુઆરી મહિનાની સત્તરમી તારીખે લિજેન્ડરી બંગાળી એક્ટ્રેસ સુચિત્રા સેનનું મૃત્યુ થયું. ત્યારે ફરી ફિલ્મ અને તેમના કિરદાર વિશે ઘણી વાતો થઈ. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ફિલ્મ આંધીના આરતી દેવીના પાત્ર માટે ગૂલઝારની પહેલી પસંદ સુચિત્રા સેન હોવા છતાં તેમણે  ફિલ્મ કરવાની ના કહી દીધી હતી. ગૂલઝાર સુચિત્રા પાસે સ્ક્રીન પ્લે લઈને ગયા ત્યારે તેમણે સ્ક્રીપ્ટની પહેલી સીટીંગમાં જ ગૂલઝારને કહાનીમાં કેટલાક ફેરફારો કરવા સૂચવ્યું. ગૂલઝાર તે માટે રાજી નહોતા. અને સુચિત્રા સેને ફિલ્મ કરવા ના કહી દીધી. ત્યારબાદ સ્ક્રીપ્ટ પહોંચી વૈજંતીમાલા પાસે. તેમને ફિલ્મની કહાની સંભળાવવામાં આવી અને આરતી દેવીનો રોલ તેમને ઓફર થયો. વૈજંતીમાલા તે સમયે ઈન્દિરાજીથી ખૂબ પ્રભાવિત હતા. તે નહોતા ચાહતા કે પાત્ર કરી તે કોઈ વિવાદમાં ફસાઈ. આથી તેમણે ગૂલઝાર સાહેબને કહ્યું કે, 'તેમનો દેખાવ પાત્ર સાથે મેળ ખાય તેમ નથી.' તેમણે પણ ફિલ્મ કરવા ના કહી દીધી. અને આંધી અટકી પડી. હમણાં ૨૦૧૧માં વૈજંતીજી એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'તેમને આંધી ફિલ્મ નહીં કર્યાનો આજે પણ પસ્તાવો છે. આંધીને પહેલાં પ્રોડ્યુસ કરવાના હતા સોહનલાલ કંવર પણ હિરોઈન નહીં મળતા તેમણે તે પ્રોજેક્ટ પડતો મૂક્યો.
ત્યારબાદ ગૂલઝારે મેરે અપને, કોશિશ, અચાનક અને પરીચય ડિરેક્ટ કરી. હવે તેમની ગણના એક સફળ ડિરેક્ટર તરીકે થવા માંડી હતી. તે સમયે જાણીતા પ્રોડ્યુસર જે.ઓમપ્રકાશે તેમને કહ્યું કે, 'સંજીવ કુમાર અને મિસિઝ સેનને લઈને તે એક ફિલ્મ  બનાવે.ઓમપ્રકાશે કહ્યું કે, 'તેમની પાસે એક સ્ટોરી પણ તૈયાર છે.' અને તેમણે સચિન ભૌમિકને ગૂલઝાર પાસે એક સ્ટોરી સંભળાવવા મોકલ્યા. પણ ગૂલઝારને તે સ્ટોરી પસંદ નહીં પડી. તે વખતે ઓમપ્રકાશજીએ ગૂલઝારને કહ્યું કે, 'મિસિઝ સેનને કોઈ પણ રીતે અહીં (કલકત્તાથી મુંબઈ) બોલાવવાના છે.' ત્યારે ગૂલઝાર બોલ્યા, 'તો ફિર મુઝે કોઈ અચ્છી કહાની દીજીયે.' કદાચ તેમને ખાત્રી હતી કે સુચિત્રા સેન હવે  પાત્ર માટે ના નહીં પાડે. આખરે આંધી ફિલ્મને તેની હિરોઈન આરતી દેવી મળી ગઈ. સુચિત્રાજી એ ન માત્ર ફિલ્મ સ્વીકારી પણ તેમણે ગૂલઝારને કહ્યું કે, 'મેં યે ફિલ્મ ભી કરૂંગી ઓર આગે સે કોઈ સજેશન ભી નહીં દૂંગી. જૈસે આપ બોલેંગે વૈસે હી કામ હોગા.' અને આંધી ફ્લોર પર આવી. જોવા જેવી વાત છે કે, આંધીના જે.કે. ના પાત્ર માટે સંજીવ કુમાર પહેલેથી પસંદ થઈ ચૂક્યા હતા. અને તેમને મિસિઝ સેન સાથે કામ કરવાની ખૂબ ઈચ્છા હતી. આથી તે પણ ચાહતા હતા કે સુચિત્રા સેન આ ફિલ્મ કરે.
સુચિત્રાજી ગૂલઝાર કહે છે, 'સિર્ફ વો એક ઐસી કલાકાર થી જો સેટ પે આતી થી તો હમ સબ અપની જગહ સે ખડે હો જાતે થે.' આંધીની જૂની યાદોને વાગોળતા ગૂલઝારજી કહે છે. 'સુચિત્રા સેન એક માત્ર એવા એક્ટર હતા જેમને નામથી નહીં પણ મિસીઝ સેન કહીને સંબોધવામાં આવતા હતા. આખાય શૂટિંગ દરમિયાન કોઈની હિંમત નહોતી કે તેમને નામ દઈ બોલાવે.' કમાલની વાત એ છે કે આંધીના શૂટિંગ દરમિયાન સુચિત્રા સેને જ્યારે ગૂલઝારને 'સર' કહીને બોલાવ્યા. ત્યારે ગૂલઝારે કહ્યું કે, 'હું તમારાથી નાનો છું તમારે મને સર નહીં કહેવાનું હોય.' ત્યારે તેમણે હસીને કહ્યું, 'ના તમે ફિલ્મના ડિરેક્ટર છો, આથી મારે તમને સર કહીને જ સંબોધવા પડે.' અને મજા જૂઓ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનાથી સિનીયર હોય તેને 'સર' કહીને બોલાવવાનો રિવાજ હોવાને કારણે ગૂલઝાર પણ સુચિત્રા સેનને 'સર' કહીને બોલાવતા.  
જે.કે. (સંજીવ કુમાર) તે સમય દરમિયાન શોલે પણ કરી રહ્યા હતા. અને સાથે ગૂલઝાર સાહેબની બીજી ફિલ્મ મોસમ પણ શૂટ થઈ રહી હતી. સંજીવ ત્રણે ફિલ્મમાં એક આધેડ વયના પુરૂષનું પાત્ર કરી રહ્યા હતા. ત્રણે ફિલ્મમાં મોટી ઉંમરના પુરૂષનું પાત્ર કરતા હોવાના વિચારથી સંજીવને ડર હતો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજ તેમની કાયમી ઈમેજ બંધાઈ જશે. પણ એક અંગત મુલાકાત દરમિયાન તેમણે મિત્રો સાથે વાત કરતા કહ્યું હતું કે, 'જ્યારે આંધીમાં તેઓ જે.કે.નું પાત્ર કરી રહ્યા હતા, ત્યારે પડદા પર દેખાતો સફેદવાળ વાળો જે.કે. તેમની અંદરના કલાકારને નવો ઓપ આપી રહ્યો હતો. અને કદાચ તમને ખબર નહીં હોય પણ ગૂલઝાર અને સંજીવ કુમારની ફિલ્મ આંધી તેમની બીજી ફિલ્મ મોસમ કરતા પહેલા તૈયાર થઈ ગઈ હતી. પણ પાછળથી તેમાં નવો સીન ઉમેરવો પડ્યો હોવાને કારણે મોસમ આંધી કરતા પહેલા રિલિઝ થઈ.
એક પ્રેમી યુગલ કે જેમનો લગ્નસંબંધ તૂટી ચૂક્યો છે. આરતીને ચૂંટણી પ્રચાર અર્થે પોતાના મતવિસ્તારમાં જવાનું થાય છે અને તે શહેર છે જ્યાં પોતાનો એક સમયનો પતિ જે.કે રહે છે. આરતી તેને મળવા જાય છે. એક યા બીજા અનેક કારણોસર બંને પોતાના ભૂતકાળનો સમય વાગોળે છે. જેમાં કેટલીય એવી યાદો છે જે આજે પણ બંનેના હ્રદયમાં એટલી તરોતાઝા છે. બંને એક-મેકને ચાહે છે, ઝંખે પણ છે પણ કહી શકતા નથી કે હજી પણ બધું ખતમ નથી થઈ ગયું. આપણી વચ્ચે કંઈક તો છે જે આપણને એકબીજા સાથે બાંધી રાખે છે. વારંવાર વર્તમાન અને ભૂતકાળની સફર કરાવતી ફિલ્મની કહાનીમાં તેના પાત્રોને એક એક શબ્દ દ્વારા ખૂબ ઉમદા રીતે ચિતરવામાં આવ્યા છે. ફિલ્મના ગીત. 'તેરે બિના ઝિંન્દગી સે શિકવા' પાત્રનો અહ્‍મ અને સ્વના સ્વીકારને અદભૂત રીતે વર્ણવી જાય છે. તો વળી 'તુમ આ ગયે હો,' જીવનસાથીની ઝંખના અને સ્વીકાર દર્શાવે છે. તો 'ઈસ મોડ સે જાતે હૈ.આંતર મનની ભાવનાઓને શબ્દમાં ગીતકાર ગૂલઝારે ખૂબ સુંદર રીતે જીવંત કરી છે. કિશોર કુમાર અને લત્તા મંગેશકરના અવાજમાં ગવાયેલા ગીતો આજે પણ લોકો ગુનગુનાવે છે.
૧૯૭૬ના ૨૩માં ફિલ્મ ફેર એવોર્ડમાં આંધીને સાત નોમિનેશન મળ્યા હતા. પણ કમનસીબે એવોર્ડ માત્ર બે જ મળ્યા. સંજીવ કુમારને બેસ્ટ એક્ટર તરીકે અને ગૂલઝારને બેસ્ટ ફિલ્મ (ક્રિટીક)નો એવોર્ડ મળ્યો.

Comments (1)

On 7:33:00 PM , Desai Tech Solutions કહ્યું...

Very Good Article...Ashutosh...Keep it up...