એક સ્ત્રી જેણે ભૂતોને માટે ઘર બંધાવ્યુ, ધ વિનચેસ્ટર મિસ્ટ્રી હાઉસ
આપણાં ઘરમાં ઘણીવાર નાના બાળકો ઘર ઘર રમતા હોય ત્યારે આપણે એમને વાતો કરતા
સાંભળીયે છીએ કે, આ રૂમ મારી ડૉલનો છે. આ રૂમ મારા ફલાણા માટે, તો આ રૂમ મારા ઢીકણા માટે. આપણને પણ બાળકોની કાલી ઘેલી ભાષામાં
થતી આ વાતો સાંભળીને મોઢા પર હસવું આવી જાય, પ્રેમ ઉભરાઈ આવે કે, કેવું સરસ રમે છે આ લોકો.
પણ ધારો કે રમતની આવીજ કોઈ ઝલક રીઅલ લાઈફમાં જોવા માળે તો ? ઘણાં લોકો કહેશે એને એક માનસિક બિમારી
કહેવાય. ઘણાં કહેશે જરૂર તે
વ્યક્તિ કોઈ આઘાત માંથી પસાર થઈ હશે. પણ માની લો કે તેમની આ ધારણાઓને પણ ખોટી કહી દેવામાં
આવે, આમાંનું કે આવા
પ્રકારનું કોઈ જ કારણ ન હોય તો ? યસ, વાત સાચી છે. એક સ્ત્રી કે જેને કોઈ જ માનસિક બિમારી નથી, તે કોઈ એવા મોટા આઘાત માંથી પણ પસાર નથી થઈ કે નથી એ કોઈ સર્ટિફાઈડ ગાંડી. પણ છતાં હકીકત એ છે કે એણે ભૂતોને રહેવા માટે આખી એક મોટી હવેલી, મહેલનુમા ઘર બંધાવ્યુ. અને એ પણ એના કોઈ મૃત અતિપ્રિય વ્યક્તિની ઈચ્છાને લીધે.
કેલિફોર્નિયાના સેન જોસમાં આવેલું એક ઘર. જો કે એને ઘર કહેવા કરતા મેન્સન કે હવેલી
કહેવું વધુ ઉચિત રહેશે. એક એવું ઘર કે એક એવી હવેલી જે ભૂતોને રહેવા માટે બનાવવામાં આવી. નાના બાળકોની વાર્તાની
ચોપડીમાં વાંચવા મળે અથવા અશક્ય લાગે તેવી આ વાત છે, પણ હકીકત એ છે કે આ વાત અને આ ઘર બનાવવા પાછળનું આ કારણ તદ્દન સાચી હકીકત છે.
વિલિયમ વિન્ચેસ્ટર જે ૧૮૦૦ની સાલમાં બંદૂકની દુનિયાના બાદશાહ તરીકે પ્રખ્યાત હતો, શિકારનો શોખ, અલગ અલગ પ્રકારની બંદૂકો રાખવાનો શોખ અમે પોતાના આ જ શોખને તેણે વ્યવસાય પણ બનાવેલો અને એમાની કેટલીય બંદૂકો કંઈ કેટલાય લોકો પર અજમાવી પણ ચૂકેલા વિલિયમ વિન્ચેસ્ટરને તે સમયે ગન મેગ્નેટ તરીકે
ઓળખવામાં
આવતો હતો. વિલિયમ એની પત્ની અને દીકરી સાથે રહેતો. વિલિયમની ‘વિન્ચેસ્ટર રાઈફલ્સ’ કેલિફોર્નિયામાં ખૂબ જાણીતી હતી. ૧૮૬૬માં વિલિયમની
દીકરીની મોત થઈ ગઈ અને ત્યારબાદ ૧૮૮૧માં વિલિયમની પણ મૃત્યુ થઈ ગઈ. પાછળ રહી ગઈ એક માત્ર વિલિયમની પત્ની સરાહ વિન્ચેસ્ટર એકલી અને દુઃખી. સરાહ એના પતિ વિલિયમને અને એની દીકરીને એટલો પ્રેમ કરતી હતી કે એમના મૃત્યુ બાદ એ ડિપ્રેશનમાં આવી ગઈ. પાછળથી એ ડિપ્રેશન એટલું વધી ગયું કે એ કોમામાં સરી પડી.
ફિઝીશ્યન
અને ડૉક્ટરો એના પાછા સાજા થવાની આશા છોડી બેઠાં હતાં. પણ સરાહ સાજી થઈ ગઈ, ચમત્કાર કહો કે એની જીજીવિશા પણ એના એક મિત્રના કહેવાથી એણે એક મીડિએટરની મદદ લીધી અને એ સાજી થવા માંડી. પણ કહેવાય છે કે સરાહ તે સમયે જ્યારે મીડિએટરની મદદથી પોતાની કાળજી લઈ રહી હતી ત્યારે
વિલિયમ એને મળવા આવ્યો હતો અને કહ્યું હતું, 'સરાહ હું તને ખુબ ચાહું છું. અને હંમેશ
તારી સાથે રહેવા માંગુ છું પણ
આપણી વિન્ચેસ્ટર રાઈફલ્સની બંદૂકોથી જે લોકો શિકાર થયા હતાં તે મૃત્યુ પામેલા લોકો મને એમ કરવા નથી દઈ રહ્યા. તે
લોકો અસંતુષ્ટ છે અને ભૂત થઈ ને ફર્યા કરે છે. મારે એ લોકોની શાંતિ માટે તારી મદદ જોઈએ છે. તું મને મદદ કરશે ને ?' વિલિયમની આ વાત સાંભળી સરાહ લાગણીવશ થઈ ગઈ. પોતાના મૃત પતિ સાથે વાત કરી એને જીવવા માટે જાણે એક તણખલું મળી ગયું. એણે તરત એના પતિ ને કહ્યું, 'ચોક્ક્સ, હું ચોક્ક્સ મદદ કરીશ. તું કહે એમ કરવાથી જો આપણે આજીવન સાથે રહી શકતા હોય તો મને એ પ્રમાણે કરવામાં આનંદ થશે.' અને સરાહ સાથે વાત કરતા વિલિયમે કહ્યું, 'સરાહ હું ચાહું છું કે તું એ લોકોની શાંતિ માટે
એક ઘર બનાવે જેમાં એ લોકો રહી શકે. એમને આનંદ મળે અને એ લોકો ચિર શાંતિમાં પાછા વળે.' સરાહ તે માટે તૈયાર થઈ ગઈ. પછી વિલિયમે ઉમેર્યુ. 'સરાહ જ્યાં સુધી આ ઘરનું બાંધકામ પૂર્ણ
ન થાય ત્યાં સુધી હું તારી સાથે જ રહીશ. માટે
તું સતત એક એવું ઘર બનાવતી રહે કે જેનું કામ કદી પૂર્ણ ન થાય જેથી હું લાંબા સમય સુધી તારી સાથે
રહી શકું.'
લોકો કહે છે કે
ત્યારબાદ
સરાહને જીવવા માટે આ ઘરનું બાંધકામ એ જ એક માત્ર કારણ રહી ગયું. અને એ ઘરનું કામ એણે ક્યારેય બંધ નહોતું કરવું
કારણકે તેમ થાય તો વિલિયમ એની જિંદગી માંથી પાછો
જતો રહે. એણે સતત એ કોશિશ કરી કે આત્માઓ આ ઘરમાં ફરતી રહે, એમને જ્યાં ગમે ત્યાં એ સેટલ થાય અને
તેથીજ આ ઘર ધીમે ધીમે એટલું મોટું બની ગયું કે
સાત મંઝીલા ઈમારત થઈ ગઈ. ૧૮૮૪થી લઈને સરાહ જીવી ત્યાં સુધી તેણે આ ઘરમાં કંઈ ને કંઈ કામ કરાવ્યા કર્યું હતું.
૧૬૦ કમરા જેમાં ૪૦ બેડરૂમ્સ, બે મોટા બોલરૂમ અને ૪૭ જેટલી
ફાયર પ્લેસીસ સાથે ૧૭ ચીમનીઓ અને બે બેઝમેન્ટ અને ત્રણ એલિવેટર્સ સાથે આ ભવ્ય ઈમારત સરાહે બનાવડાવી. કહે છે કે સરાહે બંધાવેલા આ મહેલનુમા ઘરમાં અનેક અતૃપ્ત આત્માઓ રહે છે. વિલિયમ વિન્ચેસ્ટરનું ભૂત પણ આજ મકાનમાં રહે છે. કેટલીયવાર અનેક આત્માઓ સરાહ સાથે વાત કરતી. આખાય ઘરમાં જીવીત હોય તેવી
વ્યક્તિમાં એકમાત્ર સરાહ જ રહેતી હોવા છતાં ઘણાં કમરાઓની લાઈટ ચાલુ દેખાતી હતી. અને આ લાઈટવાળા કમરામાં
કેટલાય પડછાયાઓ હરતા ફરતા દેખાતા. બોલ
રૂમમાં ઘણીવાર જાણે કોઈ પાર્ટી ચાલતી હોય તે રીતે ત્યાં અનેક લોકો હોવાના અવાજ સંભળાય છે. કોઈના
પેટ પર ગોળી વાગ્યાના નિશાન છે તો કોઈના મોઢા માંથી સતત
લોહી વહેતું હોય છે. કોઈ ઘૂંટણેથી ખોડંગાતુ ચાલે છે તો કોઈ નાની છોકરી મમ્મા મમ્મા કરતી સરાહ તરફ દોડી આવે છે. જૂના પુરાણા
કપડાંમાં સજ્જ આવી કેટલીય આત્માઓ
વર્ષોથી આ ઘરમાં રહે છે. લોકો કહે છે કે આજે સરાહના મૃત્યુ પછી પણ કેટલીય આત્માઓ ત્યાં રહે છે. કહે છે કે આ મકાનના ઘણાંય પીલર્સ જાણે કોઈ નરમ વસ્તુ માંથી બનાવવામાં આવ્યા હોય એટલા લચીલા છે જેના પર હાથ લગાડો તો કોઈ ભીની માટીને અડક્યા હોય એટલા નરમ સ્પર્શનો અહેસાસ થાય.
૧૯૦૬માં અહીં ધરતીકંપ આવ્યો હતો અને એ સાત મંઝીલા ઈમારત હવે તો માત્ર ચાર માળની રહી ગઈ છે પણ લાલ લાકડામાંથી બનેલી આ ઈમારત હજૂંય અડીખમ ઉભી છે. પાછળથી જ્યારે આ ઘર મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે કેટલાય લોકોને આ ઈમારતના પગથિયાં પર પગલાની છાપ દેખાઈ હતી જે તે લોકો પાછા વળીને જોતા ત્યારે તે ત્યાં નહોતી.
ઘણાંને એવા અનુભવો થયા છે કે તેમનું
નામ
દઈને કોઈ ઉપરના કમરામાંથી તેમને બોલાવી રહ્યું હોય તેવી બૂમો સંભળાતી. ત્યાં જઈ આવેલા એક મુલાકાતી એ તો કહ્યું
કે તેઓ જ્યારે ત્રીજા માળના આખરના બે કમરામાં ગયા
ત્યારે ત્યાં એમને એટલી ઠંડક હોવાનો અહેસાસ થયો જાણે એ બે કમરામાં હમણાંજ સ્નો ફોલ થયો હોય. અને
જ્યારે તેઓ ગભરાઈ જઈ ત્યાંથી જવા માંડ્યા ત્યારે કોઈ
મોટે મોટેથી હસી તેમની હાંસી ઉડાવતું હોય તેવું તેમને લાગ્યું. ત્યાં લટકાવેલા ચિત્રો નિર્જીવ હોવા છતાં
એમાં આપો આપ કોઈ હલચલ થતી હોય તેવો ભાસ થાય
છે.
તો વળી કેટલાંક લોકો કહે છે કે એ ઘરમાં કોઈક તો છે જેણે તેમને વિલિયમ અને સરાહ
વિન્ચેસ્ટરની આખી કહાણી કહી સંભળાવી. અને કોઈ
આત્મા જ્યારે આ વાત કહેતી હતી ત્યારે વિલિયમ એમની બાજૂમાં જ ઉભો હતો જેને પેલી આત્મા વારંવાર ગભરાઈને જોઈ રહી હતી. ભૌતિક વિજ્ઞાનના જાણકારો અને પેરાનોર્મલ
રીસર્ચના માણસો કેટલીય વાર આ ઘરની મુલાકાત લેવા આવ્યા
છે અને તેમાંના મોટા ભાગના લોકોએ ત્યાં કોઈક શક્તિઓ રહેતી હોવાની વાત સ્વીકારી છે.
ઘણાં લોકો એવી દલીલો કરે છે કે આ બધી વાતો માત્ર સરાહ વિનચેસ્ટરની ઉપજાવી
કાઢેલી વાતો છે હકીકતમાં એ કોમા માંથી
પાછી
સાજી થઈ ત્યારે તેણે તેનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને તે પાગલ થઈ ગઈ હતી. અને એક પાગલ સ્ત્રીના હાથમાં ખુબ પૈસા આવી ગયા હોવાના કારણે તેણે આ રીતે પૈસા વેડફી નાખ્યા હતા. તો વળી કોઈ એવું પણ કહે છે કે સરાહ સામે ચાલીને તેના આ નવા ઘરમાં પ્રેતાત્માઓને આવી રહેવા માટે આમંત્રણ આપતી હતી અને તેમાની કેટલીક આત્માઓ તે સમયે આવી તે પછી પાછી ગઈ જ નહી અને અહીં જ આ જ ઘરમાં રહેવા માંડી અને આ આત્માઓજ સરાહના મોત માટે પણ જવાબદાર છે.
સાચી હકીકત આજે પણ એક કોયડો છે. જે જુદાંજુદા લોકોની અનેક
ધારણાઓ અને માન્યતાઓને કારણે
ઉકેલ વગરનો જ
રહી જવા પામ્યો છે. પણ ધ વિનચેસ્ટર મિસ્ટ્રી હાઉસ એ ખરેખર એક મિસ્ટ્રી જ છે એ વાત લોકો સ્વીકારે છે અને ત્યાં જનારને કોઈ ને કોઈ વિચીત્ર અનુભવો થયા વગર રહ્યા નથી એ વાત પણ એટલીજ સાચી છે.
4/02/2014 09:21:00 AM |
Category:
Published In Mumbai Samachar News Paper - 02.04.2014 / WedDay Supplement.
|
0
comments
Comments (0)