Piyush Mishra - SPECIAL PART - 1

પિયુષ મિશ્રા એક એવા કલાકાર છે જેમની પકડ અભિનય સિવાયના બીજા ક્ષેત્રોમાં પણ ખૂબ સારી છે. તેઓ ખૂબ સારી કવિતાઓ, ગીતો, ગઝલો લખી શકે છે. તે એટલા જ ઉમદા ગાયક પણ છે અને સાથે સાથે મ્યુઝિક ડાયરેક્ટર અને સ્ક્રીનપ્લે રાઈટર પણ છે. પિયુષ મિશ્રાનો જન્મ ૧૩મી જાન્યુઆરી ૧૯૬૩ના રોજ ગ્વાલિયર ખાતે થયો હતો. અને ગ્વાલિયરમાં જ સ્કુલિંગ કર્યા બાદ તેમણે દિલ્હી નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં ઍડમિશન લઈ લીધુ. ૧૯૮૬માં તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએટ થયા અને દિલ્હીમાં જ હિન્દી નાટકો દ્વારા તેમણે પોતાના કરિઅરની શરૂઆત કરી. થિયેટર્સમાં તેમણે પોતાની ડાયરેક્ટર, એક્ટર, ગીતકાર અને ગાયક તરીકેની આગવી ઓળખ ઊભી કરી અને ત્યારબાદ વર્ષ ૨૦૦૨માં તેઓ મુંબઈ આવી ગયા. 
હિન્દી ટી.વી સિરિયલ ભારત એક ખોજમાં કામ કરી નાટકો બાદ ટી.વીના પડદેથી શરૂ કરી પિયુષે સરદાર જેવી ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે ભૂમિકા ભજવી અને ફિલ્મ દિલ સે... કર્યા બાદ તેઓ ૨૦૦૨માં મુંબઈ આવી ગયા જ્યાં તેમણે પહેલી ફિલ્મ કરી મકબુલ. પિયુષ તેમના બાળપણમાં ખૂબ જ ધમાલી અને ભણવામાં આળસુ એવા વિદ્યાર્થી હતા. પિયુષનું મૂળ નામ હતુ પ્રિયકાન્ત શર્મા. પણ બન્યુ હતુ એવું કે પિયુષને તેમનું આ નામ પસંદ નહોતું અને સ્કુલમાં તેમના બધા બધા મિત્રો તેમને પ્રિયા, પ્રિયાના નામથી બોલાવવા માંડ્યા હતા. આથી પિયુષને તે સમયે લાગ્યુ કે આ પ્રિયા નામ તો છોકરીનું નામ છે અને તેઓ જો નામ નહીં બદલાવી નાખે તો આમ જ તેને લોકો છોકરીના નામથી બોલાવતા રહેશે આથી તેમણે ચુપચાપ જઈ ને પોતાનું નામ પ્રિયકાન્ત શર્માથી બદલાવીને પિયુષ મિશ્રા કરાવી નાખ્યુ. પણ આવી બદમાશી કરવાવાળા પિયુષ માટે એવું નહોતુ કે તેઓ ભણવામાં આળસુ હોવા છતાં હોંશિયાર વિદ્યાર્થી નહોતા, તકલીફ માત્ર એટલી હતી કે સ્કુલમાં ભણાવવામાં આવતા બધા વિષયો પ્રત્યે જ પિયુષને એકસરખો રસ નહોતો. તેમને એટલી નાની ઉંમરે પણ લિટરેચર વાંચવાનો ખૂબ શોખ હતો અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી વગેરે વિષયો ભણવામાં તેમને મજા નહોતી આવતી. તેમને લાગતું કે આ બધા વિષયો તેમને માટે સર્જાયા જ નથી. આથી તેમને આવા વિષયોમાં ઊંડા પણ નહોતું ઉતરવુ અને રસ પણ નહોતો જ પડતો. પણ તે સમયે મુશ્કેલી એ હતી કે સ્કુલમાં વિષયો ગમતા હોય કે ન હોય પણ તે બધા જ વિષયો ભણવા જ પડતા. આખરે ૧૯૭૯માં પિયુષને સમજાઈ ગયુ કે તેઓ એક્ટર બનવા માગે છે અને તેમણે તે જ ક્ષેત્રમાં આગળ વધવુ જોઈએ. પિયુષે આ પહેલા પણ ગ્વાલિયરમાં નાની ઉંમરથી જ થિયેટર્સ કર્યુ હતું, એક્ટીંગ કરી હતી એટલું જ નહીં કલાના બીજા વિષયોમાં પણ પિયુષે હાથ અજમાવ્યા હતા જેમકે તેમણે ચિત્રકારી કરી હતી, સ્ક્લપ્ચર બનાવ્યા હતા. આ સિવાય પિયુષ એનએસડીમાં આવ્યા તે પણ એક ઈત્તેફાકથી વિશેષ બીજૂ કંઈ નથી. દરઅસલ પિયુષ આ સ્કુલ વગેરેના વાતાવરણથી એટલા ગૂંગળાતા હતા કે ગ્વાલિયર છોડીને તે ક્યાંક ભાગી જવા માગતા હતા તેમને લાગતુ હતુ કે તેઓ ગ્વાલિયરમાં રહીને ગૂંગળાઈ મરશે. આથી તમણે દિલ્હી તરફની વાટ પકડી અને માત્ર જવા ખાતર તે એનએસડીમાં જઈને ઈનટરવ્યુ આપી આવ્યા હતા. તેમની જિંદગીનો આ સૌથી પહેલો ઈનટરવ્યુ હતો અને તેમની જિંદગીના આ પહેલાં જ ઈનટરવ્યુમાં તે પાસ પણ થઈ ગયા.
પિયુષ મિશ્રા વિષેની એક ખૂબ અંગત અને નહીં જાણીતી વાત અહીં તમારી સાથે શેર કરવી છે. જે વાંચી તમને કદાચ તે વાત પર વિશ્વાસ પણ નહીં થાય. શું તમે એ વાત માની શકો કે એક ફિલ્મ જેનાથી સલમાનખાન જેવા કલાકારની ફિલ્મી કરિઅર સાતમા આસમાન પર પહોંચી ગઈ હતી તે ફિલ્મના હિરો તરીકે સૌથી પહેલી પસંદગી હતી પિયુષ મિશ્રા ? વાત કંઈક આ રીતની છે. બન્યુ હતુ કે પિયુષ તે સમયે એનએસડીના વિદ્યાર્થી હતા, અને તેમના કામ અને પર્ફોર્મન્સથી એનએસડીમાં તેમના ટીચર્સ ખૂબ ખૂશ હતા. પિયુષ તે સમયે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને એનએસડી ગ્રેજ્યુએટ થઈને બહાર પડવામાં બસ હવે એક-બે મહિનાની જ વાર હતી. એવામાં એક દિવસ પિયુષને તેમના ગુરૂ મોહન મર્શીએ તેમની કેબિનમાં બોલાવ્યા. અને પિયુષની મુલાકાત તેમણે એક શખ્સ સાથે કરાવી. 'પિયુષ યે હૈ મિ.રાજકુમાર બડજાત્યા, ઔર યે અપને બેટે કો બતૌર ડાયરેક્ટર લોન્ચ કરના ચાહતે હૈ. વો ફિલ્મ કે લિયે લડકી કી ખોજ હો ચૂકી હૈ અબ લડકે કી મતલબ કે હિરો કી ખોજ જારી હૈ. ઈસલિયે મૈં તુમ્હે ઈનસે મિલવા રહા હું.' રાજ કુમાર મડજાત્યા પિયુષને મળી ખૂશ થઈ ગયા અને તેમણે પોતાના કાર્ડ પર તેમની સાઈન કરી અને પિયુષના હાથમાં આપતા કહ્યું, 'યે રાજકમલ કલામંદિર કા કાર્ડ હૈ, ઔર પાસ આઉટ હોને કે બાદ તુરંત આ જાઈયે.' અને કોઈ પણ ઑડિશન કે સ્ક્રીન ટેસ્ટ લીધા વગર રાજકુમાર બડજાત્યાએ તેમને તેમની આગામી ફિલ્મ માટે લગભગ સિલેક્ટ કરી જ લીધા હતા. આ ઘટનાના ત્રણ ચાર દિવસ પછી ફરી એકવાર ટીચર મોહન મર્શી તેમને કોલેજની લોબીમાં મળ્યા અને તેમણે પિયુષને કહ્યું કે, 'તુમ ચલે જાઓ, તુમ્હારા સિલેક્શન હો ચૂકા હૈ.' પિયુષને તે સમયે નહોતી ખબર કે તેમનું સિલેક્શન શા માટે થયું છે, કઈ ફિલ્મ માટે થયું છે. પણ કોઈક સંજોગોવસાત પિયુષને ત્યારબાદ મુંબઈ પહોંચતા ત્રણ વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો. અને તે સમય સુધીમાં તો પેલી ફિલ્મ શૂટ પણ થઈ ગઈ, રિલીઝ પણ થઈ ગઈ અને સુપરડુપર હિટ પણ પુરવાર થઈ. રાજશ્રી પ્રોડ્ક્શનના એ રાજકુમાર બડજાત્યા એટલે સૂરજ બડજાત્યાના પિતા જે પોતાના પુત્ર સૂરજને ડાયરેક્ટર તરીકે લોન્ચ કરવા જઈ રહ્યા હતા અને સૂરજની એ પહેલી ફિલ્મ એટલે મૈંને પ્યાર કિયા. સો, પિયુષ અગર તે સમયે પોતાનું એનએસડીનું ગ્રેજ્યુએશન છોડી મુંબઈ આવી ગયા હોત અને રાજકુમાર બડજાત્યાને મળ્યા હોત તો કદાચ ફિલ્મ મૈંને પ્યાર કિયા ફિલ્મના હીરો તરીકે પિયુષ મિશ્રાનું નામ આપણે સ્ક્રીન પણ વાંચ્યુ હોત.
પિયુષ એક એવા પ્રકારના કવિ છે, એવા ગીતકાર છે જે કોઈ પણ ગીત લખવા માટે કહાનીમાં તે ગીત લખવાનું કારણ શોધે છે. તેમણે કોઈ પણ ફિલ્મમાં કોઈ ગીત શા માટે લખવું જોઈએ ? તેની પાછળનું કારણ શું છે ? લોજીક શું છે ? શું ખરેખર કહાનીને ગીતની જરૂર પણ છે ? તેમની ફિલ્મ ગુલાલના ગીતોને ટાંકી તેમના વિશે એમ કહી શકાય કે કદાચ આ જ કારણથી પિયુષના ગીતો, તેના શબ્દો ખૂબ ચોટદાર હોય છે અને ગરમ શીરાની જેમ ગળેથી થઈ દિલ સુધી ઉતરી જાય છે. ગુલાલ બાદ પિયુષને ઘણી ઓફર્સ આવી કે તેઓ કોઈ ફલાણા ફિલ્મ માટે આઈટમ સોન્ગ લખી આપે કે બીજા ગીત લખી આપે ત્યારે પિયુષ તરત જ દલીલ કરતા કે, 'ગીવ મી ધ રિઝન્સ, આ કહાનીમાં આ જગ્યા પર મારે આ ગીત શા માટે લખવું ? શું કહાનીમાં તેની જરૂરિયાત છે ?'
પિયુષ એક કલાકાર તરીકે તેમની કરિઅર અને જિંદગી માટે એટલા જાગૃત હતા કે વીસ વર્ષની ઉંમરથીએ જ તેઓ પોતાની જિંદગીને એ વિશે ખબર હતી કે ક્યાંથી આવ્યા છે અને કઈ તરફ જઈ રહ્યા છે. પિયુષ પોતાને માટે જ્યારે વાત કરે છે ત્યારે તે પોતાને ગોડ ગિફ્ટેડ કહાવે છે. તેઓ કહે છે કે, 'મારે કવિતાઓ લખવા માટે, અભિનય કરવા માટે મહેનત નથી કરવી પડતી, બસ તે તો આપો આપ થઈ જાય છે. મને લાગે છે કે મારો જન્મ જ તે કરવા માટે થયો છે. કદાચ ભગવાને મને તે ભેટ આપી છે. મારી અંદર પહેલેથી જ તે ભરીને મોકલ્યો છે. હું ગોડ ગિફ્ટેડ છું.' આવા મલ્ટિટેલેન્ટેડ સ્ટાર પિયુષ સાથેની, પિયુષ વિશેની વાતો હજી અધુરી છે. આવતા સપ્તાહે પૂરી કરીએ.

Comments (0)