સ્થળ એક, તેની સાથે સંકળાયેલી કહાનીઓ અનેક અને તે દરેક કહાનીનો અંત કંપાવનારો, ગભરાવનારો અને વિચારતા કરી મૂકનારો. બેનમૂન કુદરતી
સૌંદર્યથી ઘેરાયેલું કોઈ એક ઘર હોય અને તે ઘર તેની આજૂબાજૂના કુદરતી વાતાવરણ કે સુંદર બાંધકામને કારણે નહીં પણ કોઈ બીજા જ અણગમતા કારણને કારણે જુગુપ્ષા જગાડે, તમને એ ઘર બિહામણું લાગે, અવાવરૂં દેખાય અને છતાં ત્યાં કોઈ રહેતું હોવાનો અહેસાસ થાય, અજીબો ગરીબ અવાજો આવે, તેની આજૂબાજૂના વાતાવરણમાં કોઈ અજીબ
પ્રકારનો ભાર વર્તાય ત્યારે સ્વાભાવિક છે કે આ ઘર માટે આપણને અનેક
સવાલો, જીજ્ઞાસાઓ અને કૂતુહલ ઘેરી વળે.
ત્યાં શું બન્યું હશે ? ત્યાં કોણ રહ્યું હશે
કે હજૂય રહેતું હશે ? કયા કારણથી ત્યાં આવુ વાતાવરણ હશે ? ખરેખર ત્યાં કોઈ અંદર હશે પણ કે નહીં ? વગેરે અનેક પ્રશ્નો આપણને ઘેરી વળતા હોય છે. દસ ઍકર જેટલી વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું પ્લાન્ટેશન. અને
તે પ્લાન્ટેશન સાથે જ ત્યાં આજેય અડીખમ
ઉભેલું એક ઘર "મેર્ટેલ્સ". અમેરિકાના લુઈસિયાનામાં ૧૭૯૬માં બનાવવામાં આવેલું મેર્ટેલ્સ પ્લાન્ટેશન. આવા જ બધા સવાલોનું જાળુ છે. જેની સાથે અનેક વાર્તાઓ જોડાયેલી
છે. સાચી વાર્તા કઈ છે ? સાચા કારણ કયા છે કે માત્ર આ
તમામ લોકવાયકા છે તેની આજેય કોઈને ચોક્ક્સ ખબર નથી પણ એક વાત ચોક્ક્સ છે કે આ ઘર અનેક સિંહ
હ્રદયના માણસોને પણ પરસેવો લાવી દે તેવી જ્ગ્યા
છે.
૧૭૯૬માં જનરલ ડેવિડ બ્રેડફોર્ડ દ્વારા મેર્ટેલ્સ પ્લાન્ટેન્શન બનાવામાં આવ્યું હતું. તેઓ વર્ષો સુધી ત્યાં રહ્યા પણ હતાં. ૧૮૦૮માં તેમનું મૃત્યુ થઈ ગયું. ૧૮૧૭માં તેમના એક વિદ્યાર્થી ક્લાર્ક વુડરૂફે બ્રેડફોર્ડની દીકરી સારા માથીલ્ડા સાથે લગ્ન કરી લીધા અને તે બંને બ્રેડફોર્ડની વિધવા પત્ની એલિઝાબેથ માટે મેર્ટેલ્સ પ્લાન્ટેન્શનમાં રહેવા આવી ગયા. ક્લાર્ક અને સારા માથીલ્ડાને ત્રણ સંતાન હતા કોર્નેલિયા, જેમ્સ અને મૅરી ઑક્ટાવિયા.
ક્લાર્ક વુડરૂફ પોતાના ગુરૂ અને સસરા બ્રેડફોર્ડના બિઝનેસ અને પ્લાન્ટેશનને સંભાળતા હતા. આ
સમય દરમિયાન એક દીવસ એવું બન્યું કે વુડરૂફ અને માથીલ્ડા પોતાના બિઝનેસ અંગે કોઈ ખૂબ જ અગત્યની અને ખાનગી એવી વિગતો માટે ચર્ચા કરી રહ્યા હતા. તે સમય દરમિયાન તેમની એક નોકર કૉલ તે રૂમના દરવાજા પાછળ ઊભી રહી કી હોલ પર કાન માંડી તેમની તે વાત સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી. વુડફોર્ડ અને માથીલ્ડાને કૉલની આ હરકતની
ખબર પડી ગઈ અને ગુસ્સે ભરાયેલા વુડફોર્ડે નિર્દયતાપૂર્વક કૉલનો એક કાન કાપી નાખ્યો. કૉલનો ચહેરો અને આખુંય ધડ લોહીના લાલ રંગથી રંગાઈ ગયું અને કૉલ અસહનીય વેદનામાં સબડવા માંડી હતી. વુડફોર્ડે તે જ સમયે તેને મેર્ટેલ્સના કીચનમાં કામ કરવાનો આદેશ આપ્યો અને તેની કેર ટેકર તરીકેની સત્તા છીનવી લીધી. પોતાન મૂળ કામથી હટાવી દઈ રસોડાની જવાબદારી સોંપવામાં આવી તેનાથી કૉલના મનમાં વુડફોર્ડ અને તેના પરીવારમાટે ભારોભાર રોષ જનમ્યો.
તે સમયમાં જ કૉલે તે પ્લાન્ટેન્શનમાં ઑલિએન્ડર નામની એક વનસ્પતિ ઉછેરી. વુડફોર્ડ અને માથીલ્ડા સામે બદલો લેવા અને પોતાની પોઝીશન પાછી મેળવવાના ઈરાદાથી કૉલે એક દીવસ ઑલિએન્ડર વનસ્પતિ ઉકાળી અને તેનો રસ તેમની કેકમાં ભેળવી દીધો. હિન્દીમાં આપણે જેને કનેર તરીકે ઓળખીએ છીએ તેવી આ ઑલિએન્ડર એક અત્યંત ઝેરી વનસ્પતિ છે. કૉલને એમ હતું કે આ કેક ખાવાથી માથીલ્ડા અને તેનો પરીવાર બિમાર પડશે
અને તેમની કાળજી લેવાના આશયથી તેને
ફરી
તેની પોઝીશન પાછી મળશે. પણ કૉલથી તે કેકમાં ઑલિએન્ડરના પાન વધુ પડતા નંખાઈ ગયા તેને કારણે જ્યારે સારા માથીલ્ડા અને તેના બે પુત્રોએ એ કેક ખાધી
ત્યારે તે ત્રણેયનું મૃત્યુ થઈ ગયું. કોઈક
કારણોથી વુડરૂફે તે દીવસે કેક નહોતી ખાધી અને તેમની નાની દીકરી મૅરી પથારીમાં હોય તે પણ ખાઈ નહોતી શકી. કૉલની આ હરકતની જ્યારે ઘરના બીજા નોકરોને અને વુડરૂફને ખબર પડી ત્યારે તે લોકોએ તેને ઘરની સામેના ઓક
ટ્રી પર લટકાવી મારી નાખી.
અને તેના મૃત દેહને પત્થરો બાંધી મિસીસિપ્પી નદીમાં ફેંકી દીધો. કહે છે કે આ કૉલનું ભૂત આજે
પણ મેર્ટેલ્સમાં જોવા મળે છે.
તો વળી એક વાત એ પણ સાંભળવા મળે છે કે વુડરૂફની દીકરીને કમળો થઈ ગયો હતો ત્યારે તેમણે વુડુના પાદરીને બોલાવી ઈલાજ કરાવ્યો હતો પણ દેશી ઉપચારની દવાઓથી જ્યારે તે સાજી ન થઈ ત્યારે વુડરૂફે તે પાદરીને તે જ ઘરના ઝુમ્મર પર લટકાવી મારી નાખ્યો. પાછળથી વુડરૂફે તે ઘર, જમીન અને નોકરો સાથે ૧૮૩૪માં રૂફિન ગ્રે સ્ટર્લિંગને વેચી દીધું.
રૂફિન અને તેની પત્ની મૅરી કેથરીને આખુંય ઘર ફરી નવું બનાવ્યું. પણ રૂફિનના નવ સંતાનોમાંથી પાંચ સંતાન ત્યાં નાની ઉંમરે મરી ગયા. અને ત્યારબાદ ૧૮૫૪માં રૂફિનની પણ મોત થઈ ગઈ. ૧૮૬૫માં મૅરી કેથરીને વિલિયમ વિન્ટર નામના એક વ્યક્તિની આ આખુંય પ્લાન્ટેશન જાળવવામાં મદદ લીધી અને પાછળથી તેણે તેની સાથે લગ્ન કરી લીધા. તેમને કુલ છ સંતાન હતા
જેમાંથી એક ટાઈફોઈડના ગંભીર તાવને કારણે ત્રણ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યો.
કહે છે કે ૧૮૬૮માં દેવું થઈ જવાને કારણે વિન્ટર પર મેર્ટેલ્સ વેચી દેવાનું દબાણ હતું અને ઈ.એસ. વેબર નામના કોઈ વ્યક્તિએ મેર્ટેલ્સના ૧૭માં દાદર પર ૧૮૭૧માં વિન્ટરનું ગોળી મારી ખૂન કરી નાખ્યું હતું. વિન્ટરનું ગોળી વાગ્યાની થોડી જ મિનિટમાં મૃત્યુ થઈ ગયું.
અનેક મોત અને ખુનની ઘટનાઓમાં આ ઘરમાં ભૂત ક્યાં છે અને કઈ રીતે છે ? કહે છે કે એ ઘરમાં કૉલનું ભૂત
હજૂય ત્યાં રહે છે અને ઘરની કેટલીક જગ્યાઓએ તથા આજૂબાજૂના મેદાનમાં તેનું ભૂત દેખાય છે. માથીલ્ડા અને તેના સંતાનો પણ ઘણીવાર આ ઘરમાં રમતા કે દોડાદોડી કરતા હોય તેવો ભાસ થાય છે. કહે છે કે જે ઝુમ્મર પર લટકાવી પેલા પાદરીને મારી નાખવામાં આવ્યો હતો તે ઝુમ્મરની જગ્યાએથી હજૂય લોહીના રેલા ઉતરતા દેખાય છે. અને લોહી ટપકતું હોય તે રીતે ત્યાંની છત
પરથી લાલ
પ્રવાહી ઘણીવાર પડતું હોય છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે વિન્ટરનું ખૂન જે સત્તરમાં દાદર પર થયું હતું ત્યાં આજેય અડધી રાત્રે જોર જોરમાં પગલા પડતા હોય તેવો અવાજ આવે છે અને તે અવાજ બરાબર સત્તરમાં દાદર પાસે આવીને અટકી જાય છે. તો વળી કેટલાંક લોકો એમ
પણ કહે છે કે સિવિલ વૉર દરમિયાન ત્યાં કેટલાંક સૈનિકોનું ખૂન થયું હતું અને તેને કારણે
એક માણસના કદ જેટલા લોહીના ડાઘ હજૂય ત્યાં છે જે આજે
પણ સાફ થતા નથી. જે નોકર તે ડાઘને સફાઈ કરવાની કોશિશ કરે છે તેનું એ ભીનું કપડું તે ડાઘ પર તે ફેરવી જ શકતો નથી અને તે ડાઘની નજીક પહોંચતા જ તે કપડું અટકી જાય છે. કહેવાય છે ૧૯૨૭માં આ
મેર્ટેલ્સ પ્લાન્ટેશનના કેર ટેકરનું કેટલાંક ચોરોએ લૂંટના આશયથી ખૂન કરી નાખ્યું હતું. કહે છે કે આ
કેર ટેકરનું ભૂત કેટલીયવાર આ પ્લાન્ટેશનના
દરવાજે ઊભેલું દેખાય છે અને તે લોકોને તે સ્થળ છોડી જવા માટે કહેતો હોય છે. ઘરની મધ્યભાગની દિવાલ પર એક આદમકદનો આયનો લગાવવામાં આવ્યો છે જેમાં આજેય ઘણીવાર આ ભૂતો દેખા
દે છે. કહે છે કે આ આયનો જ આ
તમામ ભૂતોની શક્તિ અને
આત્માઓને આશરો આપી રહ્યો છે. તો વળી કેટલાંક લોકોની એવી દલીલ છે કે માથીલ્ડા આ આયના દ્વારા કેટલીયવાર કૉલ આથે લડતી કે તેને સજા કરતી દેખાય છે અને તે સમય
દરમિયાન જે કોઈ તે આયનામાં પોતાનું પ્રતિબિંબ જુએ તેને પોતાનું જ પ્રતિબિંબ અત્યંત બિહામણું અને વિચીત્રરીતે બરાડા પાડતું દેખાય છે.
આજે મેર્ટેલ્સ પ્લાન્ટેશન બેડ એન્ડ બ્રેક ફાસ્ટ તરીકે વાપરવામં આવે છે અને કેટલાંય મુલાકાતીઓ ત્યાં રહેવા જાય છે પણ આ પ્રોપર્ટીના પ્રોપરાઈટર કહે છે કે અમારા ઘણાં મહેમાનોને અડધી
રાત્રે અહીં ભૂત હોવાનો અહેસાસ થાય છે, યા કોઈ વિચીત્ર અનુભવ થાય છે જેના કારણે ગભરાઈને તે લોકો તુરંત કોઈ બીજી હૉટેલમાં ટ્રાન્સફર લઈ લેતા હોય છે. ત્યાં જઈ આવેલા ઘણાં લોકો કહે છે કે તે ઘરના ભૂત દીવસ દરમિયાન રાત થવાની રાહ જોતા ઘરના અનેક ખૂણામાં સંતાઈને રહેતા હોય છે અને જ્યારે મોડી રાત્રે એ આત્માઓ બહાર નીકળે છે ત્યારે ત્યાં લટકાવામાં આવેલી વિન્ડ ચેમ, પોસ્ટર્સ અને ઝુમ્મર વગેરે ભયાનક રીતે હલવા માડે છે. ત્યાં હાજર દરેક રહેવાસી પોતાને આ આત્માઓથી બચાવવાના અનેક પ્રયત્નો કરે છે પણ તેમાં ખબર નહીં કઈ રીતે તે લોકો પોતાને જ ઈજા પહોંચાડી બેસતા હોય
છે.
હકીકત આજે પણ તર્ક, દલીલ
અને સાચા ખોટા કારણોની વચ્ચે વણઉકલી જ રહી છે. પણ એક વાત ચોક્ક્સ છે કે મેર્ટેલ્સ કોઈ એવા અનેક આત્માઓથી
ઘેરાયેલું છે કે ત્યાં પારલૌકિક શક્તિઓ આપણા આખાય અસ્તિત્વને હચમચાવી નાખે છે
અને આપણે કોઈક અજીબ પ્રકારના દબાણનો અનુભવ થતાં તે જગ્યા છોડી જવા માટે મજબૂર થઈ જઈએ છીએ.
5/14/2014 09:27:00 AM |
Category:
"એક સ્થળ ભૂતાવળ",
Mumbai Samachar News Paper - 14.05.2014 / WedDay Supplement.
|
0
comments
Comments (0)